કારકિર્દીની સાચી શરૂઆત
કારકિર્દીની સાચી શરૂઆત
દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની કાગડોળે રાહ જોવાતી પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે, ત્યારે વાલીઓ અને સંતાનોના મનમાં ઉદ્ભવતો એક જ પ્રશ્ન - હવે આગળ શું ? છાપાઓના પાનાંઓ પર તમે નજર કરશો તો જ્યાં ત્યાં તમને સેમિનારો અને કાઉન્સેલિંગ થતા જોવા મળશે કે ધોરણ ૧૦ અને ૧૨ પછી શું ? પરિસ્થિતિ વિકટ તો ત્યારે બનશે જ્યારે તેમાં નવું ઉમેરાશે કે ધોરણ ૧૦, ૧૨ અને કૉલેજ પછી શું ? જે કારકિર્દી આપણે પંદર કે સત્તર વર્ષોમાં જાણી ન શક્યા તે આ સેમિનારો આપણને બે કલાકમાં નક્કી કરી આપશે કે આપણે શું કરવું ?
આનો સીધો મતલબ એ થાય છે કે કારકિર્દીને ગંભીરતાથી લેવાનો સાચો સમય કયો ? દસ કે બાર ધોરણ પાસ કર્યા પછી ? તો ત્યાં સુધી કારકિર્દી વિશે વિચારવાનું જ નહીં ? સાચી વાત તો એ છે કે જીવનની શરૂઆત સાથે જ કારકિર્દીનાં ડગ પણ સાથે જ મંડાય છે. જ્યારે આપણે કોઈની આંગળી પકડીને નિશાળનું પહેલું પગથિયું ચડ્યા, ઘર સિવાયની બીજી એક નવી દુનિયા જોઈ, તેને ધીમે ધીમે સમજતા થયા, કંઈક નવું શીખતા થયા, કંઈક વિષય આપણને ગમ્યો અને કોઈક ન પણ ગમ્યો, પણ આપણે આ શા માટે ભણીએ છીએ, તેનો આવનારા જીવન સાથે શું સંબંધ છે એ તો કોઈએ કહ્યું જ નહિ.
પ્રાથમિક શિક્ષણ આપણી કારકિર્દીનો પાયો છે. જો તે જ મજબૂત ના હોય ને તો બનેલી ઈમારત પણ તૂટી પડે. પ્રાથમિક શિક્ષણ દ
રમિયાન કેટલા વિષયો આપણને ભણાવવામાં આવતા જેમ કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, સમાજ, વિજ્ઞાન, વ્યાયામ, ચિત્ર અને આ સિવાય બીજી અનેક પ્રવૃત્તિઓ આપણને કરાવવામાં આવી, પણ આપણે માત્ર તેને માર્ક્સ અથવા અભ્યાસના ભાગરૂપે જોઈ, શા માટે ભણીએ છીએ એ તો આપણે પૂછ્યું નહિ અને કોઈએ સમજાવ્યું જ નહીં. આપણે ભણ્યા પાસ થવા માટે, ટકાવારી માટે, આગળના ધોરણમાં જવા માટે અને તે દરમિયાન મોટું કામ બાકી રહી ગયું તે પોતાની આવડતને ઓળખવાનું, તેની ધાર કાઢવાનું. આપણે એવું જ સમજીએ છીએ કે કારકિર્દી તો ધોરણ ૧૦ અને ૧૨ પછી ચાલુ થાય છે પણ તેના મૂળિયાં તો નિશાળજીવન દરમિયાન નખાઈ જાય છે, ફર્ક એટલો છે કે તેમાં આપણને કોઈ ખાતર કે પાણી નાખવાવાળું પથદર્શક મળે છે કે નહીં.
ત્યારે એક વાલી તરીકે આપણી ફરજ છે કે આપણા સંતાનને સમય આપીએ. ઘરે આવીએ ત્યારે તેને પૂછીએ કે તેમણે શું કર્યું, તેને કયા વિષયમાં ખૂબ મજા પડી, તેના રસના વિષય જાણીએ, તે અંગે વધુ માર્ગદર્શન આપીએ. બાળકને તેમના વાલી સિવાય વધુ કોઈ સારી રીતે જાણી નહીં શકે, માટે તેમના પથદર્શક બનીને સાચી દિશામાં લઈ જવાની જવાબદારી એક વાલીની પણ છે. તો કદાચ આવનારા સમયમાં તમારા બાળકને દસ અને બાર ધોરણ પછી શું કરવું એવું કોઈને પૂછવું નહીં પડે. તેની પાસે પોતાની મંઝિલ અને નકશો હશે અને બસ પોતાના આકાશમાં પાંખો ફેલાવીને ચકરાવા લેવાની તૈયારી કરતો હશે.