સમાજમાં અસ્વીકૃત કુંવારી મા
સમાજમાં અસ્વીકૃત કુંવારી મા
સગાં-સંબંધી અને આવેલા મહેમાનોથી હોલ ભરાઈ ગયો હતો. બ્રાહ્મણ સપ્તપદીના મંત્રોચ્ચાર કરી રહ્યો હતો. દુલ્હા અને દુલ્હનમાં સજ્જ વંશ અને પ્રાચી આજે જીવનસાથી બનીને નવા સંસારમાં ડગ મુકવાના હતા.
ત્યાં બ્રાહ્મણે કહ્યું,''કન્યાદાન કરવા કન્યાના માતા- પિતા આવી જાય.''
પિયુષભાઇ અને અનિતાબેન મંડપમાં આવ્યા, પણ અચાનક બધાની વચ્ચે તેમણે જે કહ્યું એનાથી આખા હોલમાં જાણે કે સન્નાટો છવાઈ ગયો.
''પપ્પા લગ્નના દિવસે બધા વચ્ચે આવી મજાક સારી નથી લગતી. બધા ગભરાઈ ગયા છે.'' પ્રાચીએ પપ્પાને હળવાશથી કહ્યું.
''પ્રાચી, આ મજાક નથી. હું સાચું કહું છું. અમે તારા સાચા મા-બાપ નથી.'' ને સાથે જ પ્રાચી અને વંશ ન ધારેલા જવાબથી ઉભા થઇ ગયા.
''મમ્મી...પપ્પા આવું કેમ બોલે છે ?'' પ્રાચીને વિશ્વાસ ન બેસતા મમ્મીને પૂછ્યું.
''તારા પપ્પા સાચું કહે છે પ્રાચી..અમે તને ઉછેરી જરૂર છે પણ તને જન્મ આપી આ દુનિયામાં લાવનાર અમે નથી.'' અનિતાબેને પ્રાચી સામે જોઈને કહ્યું.
''તો અત્યાર સુધી તમે આ વાત ને શા માટે છુપાવી રાખી ? તમે પહેલા પણ કહી શકતા હતા...''
''હા, બેટા. ચોવીસ વર્ષ આ સત્ય અમે છુપાવી રાખ્યું, કેમકે તને જન્મ આપનાર મા જેનીશાએ તને છોડીને જતા પહેલા કહ્યું હતું કે તને આ વાતની ખબર ન પડવી જોઈએ, પણ આજે કન્યાદાન કરતી વખતે ફરીવાર અમને અનાથ થયાનો અહેસાસ થાય છે અને તને જન્મ આપનાર માનો ચહેરો દેખાય જાણે હું તેમનો હક છીનવી રહ્યો હોઉ એવો દેખાઈ રહ્યો છે. જેને મજબૂરીમાં તને ન ઇચ્છવા છતાં મૂકીને જવું પડ્યું હતું. આજે જયારે તારા લગ્ન થઇ રહ્યા છે ત્યારે સામાં પક્ષની સામે હું પણ કઈ સત્ય છુપાવીને રાખવા માંગતો નથી.'' પિયુષભાઇએ શરમિંદા થતા કહ્યું.
અને એ સાથે જ આખા લગ્નહોલમાં જાત જાતની ચર્ચાઓ શરૂ થઇ ગઈ.
''દીકરીના લગ્ન વખતે આ શું સુજ્યું !''
''જાણે કયા ખાનદાનનું લોહી હશે !''
''માના આવા સંસ્કાર હતા તો છોકરીમાં શું હશે ?''
''કાળા કામ કર્યા હોય તો છોકરીને મુકવાનો વારો આવે.''
''લગ્ન પહેલા મા બની તો ઘરના એ કાઢી મૂકી હશે.''
''હવે તો રામ જાણે સામેવાળો છોકરો લગ્ન કરશે કે કેમ ?''
થોડીવાર વિચારીને પછી પ્રાચીએ વંશની સામે જોતા કહ્યું, ''વંશ, સત્ય તારી સામે છે. જે હું તારી સાથે આજે જાણું છું. જે સાંભળ્યા પછી મારો સ્વીકાર કરવો કે નહીં એ વિચારવાનો પૂરો હક છે તને. તારો નિર્ણય મને કબૂલ રહેશે.''
''પ્રાચી, હું તારા કુળ- જાતિ કે ખાનદાનને નહીં, તને પ્રેમ કરું છું અને તને અત્યારથી જ મારી પત્ની માનું છું.'' વંશે પ્રાચીનો હાથ પકડીને કહ્યું.
''પણ વંશ, સત્ય જાણ્યા પછી હું મારા મા-બાપને જોવા માંગુ છું, હું ઈચ્છું છું કે મારા લગ્નમાં તેઓ બધાની સામે હાજર હોય. હવે જ્યાં સુધી હું મારા જન્મ આપનાર-આ દુનિયામાં લાવનાર મારા મા-બાપ ને શોધી નહીં કાઢું ત્યાં સુધી હું લગ્ન નહીં કરું.''
''હું તારી સાથે છું. પ્રાચી તારી આ શોધમાં.''
અને એ સાથે જ વંશે જાહેર કર્યું કે, ''આજથી પ્રાચી મારી પત્ની છે પણ અમારા લગ્ન જોવાની તમારી ઈચ્છા અમે હાલ પુરી નહીં કરી શકીએ એ માટે તમારે થોડી રાહ જોવી પડશે. તમે બધા જમીને જઈ શકો છો.''
''વંશ થેક્યું સો મચ.. આટલા બધા લોકોની વચ્ચે મને સાથ આપવા બદલ. તારું દિલ ખરેખર મોટું છે. તને જીવનસાથી તરીકે પામીને હું સાચે નસીબદાર છું.''
''કેમકે તું સાચી છે પ્રાચી. ચાલ હવે તારી શોધ આરંભી દઈએ."
બીજા દિવસે બન્ને પપ્પાના કહેવા મુજબ જેનીશાના પિતા પુણેમાં એક ઇન્કમટેક્સ અધિકારી હતા, એટલે શોધવું અઘરું નહોતું. પુણેની ઇન્કમટેક્સ અધિકારીની ઓફિસમાં તપાસ કરી. તે દરમિયાન એક ભાઈએ જણાવ્યું કે તેઓ લગભગ બે વર્ષ પહેલા જ હાર્ટ એટેકથી મૃત્યુ પામી ચૂક્યા છે. સાથે એ પણ જણાવ્યું કે કદાચ એ સમયે તેમની પુત્રી જરૂર આવી હશે. તમે તેમના રીલેટિવને મળો, કદાચ તેઓ જરૂર જાણતા હશે.
આખરે તેમના ઘરે જતા જેનિશાની ભાભી મળી તેણે તો રીતસર પ્રાચી અને વંશને તુચ્છકારીને કાઢી મુક્યા કે એ મનહુસની દીકરીના પગલાં પણ અહી ના જોઈએ. ત્યાં પણ નિરાશા હાથ ધરી. આખરે બહાર બેસેલા પ્યુને જણાવ્યું કે, જેનિશામેમ પિતાના મૃત્યુ વખતે આવ્યા હતાં. તેમણે મને એટલું જણાવ્યું હતું કે તેઓ નીલગીરીના કોઈક જંગલ જેવા વિસ્તારમાં એક આશ્રમ છે ત્યાં અનાથ બાળકોની સેવા કરે છે. જે માનસિક રીતે અસ્વસ્થ હોય. બીજું કઈ જણાવ્યું નથી.
પ્રાચી અને વંશે તરત જ નીલગીરીની ટીકીટ કરાવી નાખી અને ત્યાં પહોંચ્યા.
ત્યાં બહાર જ બોર્ડ માર્યું હતું. 'સેવા સંસ્થા નીલગીરી'
વંશે અંદર એક ભાઈને જણાવ્યું કે તેઓ જેનિશામેમને મળવા માગે છે. અંદર જઈને જોયુ તો એક ચાલીસેક વર્ષની લાગતી એક સ્ત્રી એક બાળકને ખવડાવી રહી હતી જે સતત રોઈ રહ્યું હતું. થોડીવારમાં એ બાળક પણ શાંત થઇ ગયું.
"તમને મળવા માગે છે." એ ભાઈએ જેનિશાબેનને કહ્યું.
"હા બોલો શું કામ હતું ?"
"મારી એક સમસ્યા છે, મારી મા મને જનમ આપીને મને બીજાને સોંપીને જતી રહી હતી. એમને હું શોધી રહી છું."
"તો એમાં હું શું કરી શકું બેટા."
''મને સાચવી જ નહોતા શકવાના તો જન્મ જ શા માટે આપ્યો ? તેમની છોકરીનું શું થશે એ જોવાની તસ્દી સુધ્ધાં લીધી નહિ..''
'' હવે તું જ કહે હું કઈ રીતે શોધું તેમને. ''
"તમે ચાહો તો એમને હમણાં જ શોધી શકો છો.''
''એ કઈ રીતે ?''
''કેમકે એ નિર્દયી તમે જ છો. જે તેમની છોકરીને મૂકીને ચાલ્યા ગયા. મારે સાચી વાત સાંભળવી છે કે એવું તે શું કારણ હતા કે તારે એક નવજાત શિશુ એટલે કે મારો ત્યાગ કરવો પડ્યો."
જેનિશા એ કહ્યું,"સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર ઈશ્વરનો કે જેણે મારી પુત્રી સાથે એકવાર મિલન તો કરાવ્યું, પણ મે ક્યારેય ન્હોતું વિચાર્યું કે મારુ સંતાન તેની માને આ રીતે શોધતા આવી જશે.
"તું સાચી વાત સાંભળવા માંગે છે ને તો સાંભળ.
તારા જન્મ પહેલા હું મારા મિત્રો સાથે રાજસ્થાન ફરવા ગઈ હતી. તે દરમિયાન અમારી સાથે એક ગાઈડ હતો. યુવાન અને ભૂરી આંખોવાળો સોહમ મને જોતા જ ગમી ગયેલો અને સાથે તેની આવનારા લોકો સાથે વાત કરવાની કલા. મારી યુવાનીની ઉંમર કે જેમાં હું તેના પર ફિદા થઇ ગઈ. કદાચ હું પણ તેને ગમવા લાગી હોઈશ કે એ મારામાં વધુ ધ્યાન આપતો. વધુ વાતો પણ મારી સાથે કરતો. એ દરમિયાન સોહમ
ે મને કહ્યું કે તેને હું ગમું છું ને, અજાણતાં અમારી વચ્ચે સંબંધ બંધાય ગયો. પછી તો હું પાછી પુણે આવી ગઈ.'
'આ વાતને લગભગ થોડા દિવસ વીત્યા હશે ત્યાં ખબર પડી કે હું પ્રેગેન્ટ છું. મારા જમીન તળેથી ધરતી સરકી ગઈ. મેં સોહમને ફોન કર્યો અને આ વાત જણાવી તો તેણે જે કહ્યું એનાથી તો મને આંખે જ અંધારા આવી ગયા. તેના લગ્ન નાની ઉંમરમાં જ થઇ ચુક્યા હતા અને એક સંતાન પણ છે અને હવે એ ઈચ્છે તો મને અપનાવી શકે તેમ નથી અને ના મારા સંતાનને તેનું નામ આપી શકે છે.'
'હવે કરવું શું ? જે સમાજમાં લગ્ન પહેલાના સંતાનનો જ સ્વીકાર નથી, ત્યાં પતિ વગર બાળકને જન્મ આપવો અને એ પહેલા લગ્ન પહેલા એ સમાજમાં હવે એક જ વિકલ્પ હતો એબ્રોશન, પણ હું મારા ભૂલની સજા મારા સંતાનને આપવા નહોતી માંગતી. આખરે એ મારા શરીરનો પણ અંશ છે એ મારુ પણ સંતાન છે અને આ બધામાં તેનો શું વાંક છે કે એને આ દુનિયામાં આવતા પહેલા જ અલવિદા કહી દેવું પડે. આપણી મજા બીજાની સજા તો ન બનવી જોઈએ. મારે ઘરે આ કહેવી જરૂરી હતી. હું જાણતી હતી કે મારાથી ભૂલ થઇ છે પણ એક જીવને મારીને હું બીજી ભૂલ કરવાની હતી એ પણ સમાજના ડરથી. જો હું મારા સંતાનને જન્મ આપવા ચાહું છું તો મારે સમાજથી ડરવાની શું જરૂર છે ?
પપ્પા એ મને કહ્યું, ''જો તારે અહીં આ ઘરમાં રહેવું હોય તો તારા આ પાપનો નિકાલ કરી આવ અને કાં આ ઘર છોડીને જતી રહે.''
''હું પપ્પાની ભાવના સમજતી હતી કે મેં ભૂલ કરી છે, પણ મને તો સમજો હું શું ઇચ્છું છુ, મારી ભૂલ હું સુધરવા માંગુ છું, એક છોકરી બાળકને પોતાની ઈચ્છાથી જન્મ શા માટે ન આપી શકે ? જો સંતાન લગ્ન પછી થાય અને પિતાનું મૃત્યુ થાય તો પણ એકલપંડે ઉછેરનારી સ્ત્રીઓ છે ફરક એટલો માત્ર છે કે તેમણે લગ્નના ફેરા ફર્યા હતા અને મેં નથી ફર્યા. શું માત્ર આ કારણથી હું એક જીવની હત્યારી બનું ? જે ચીજમાં બન્ને સ્ત્રી-પુરુષ સહભાગી હોય તો આખા દોષનો ટોપલો સ્ત્રી ઉપર શા માટે ? શું આ ભૂલ એટલી મોટી છે કે એની માટે સ્ત્રીએ એનો જીવ આપી દેવો પડે અથવા તો કોઈક નો જીવ લઇ લેવો પડે. ના..હું આ નહિ કરું.."
હું મારા સંતાનને જન્મ આપવા માંગતી હતી. ચાહે ગમે એ થઇ જાય ? મારે ઘર જ શા માટે ન છોડવું પડે પણ મારી ભૂલની સજા બીજાને ભોગવવા નહીં દઉં અને આખરે મે ઘર છોડી દીધું. મારી પાસે એવું કોઈ જ નહોતું જે મને સાથ આપે, મારા મિત્રોએ પણ મને મદદ કરવાની ના પાડી દીધી. એક કુંવારી માને કોઈ પોતાના ઘરમાં સહારો આપવા પણ તૈયાર નહોતા જાણે દુનિયાભરની ભૂલ મેં જ કરી હોય. શું બાળકને મારી નાખી આ વાત છુપાવી દેવાનું કૃત્ય મેં નથી કર્યું એની આ સજા હતી ?'
'છેવટે થાકીને હું મંદિરમાં બેસીને રડતી હતી ત્યારે નસીબજોગે ત્યાંથી પસાર થતા એક દંપતીએ મારો હાથ ઝાલ્યો. જાણે ખુદ ઈશ્વર જ મારી મદદ કરવા ઇચ્છતા હોય. એમને ત્યાં મે મારા શરીરના અંશને જન્મ આપી એ નિઃસંતાન દંપતીના હાથમાં મારુ સંતાન મૂક્યું.'
'એમાં મારો કોઈ સ્વાર્થ નહોતો બેટા, બધા તારી મશ્કરી કરેત અને આખી જિંદગી તારા માથે પણ મારા કરેલા ભૂલનો અછોયો ફર્યા કરત. હું તને એક સારું વાતાવરણ, સારું શિક્ષણ અને મા-બાપ બંનેના નામ આપવા ઇચ્છતી હતી, જે મારા વડે શક્ય નહોતું. હું નહોતી ઈચ્છતી કે લોકોની ટીકાઓનો ભોગ તારે બનવું પડે કે તું મારા કાળા કર્મનું ફળ છે. મને થયું કાલે સવારે મારુ સંતાન મોટું થઈને તેને જન્મ આપવા પર જ અફસોસ ન કરે. આ સમાજના ડરને લીધે હું તને મારી પુત્રી- મારા લોહી તરીકે સ્વીકારી ના શકી. ન જાણે એવા કેટલાય મા- બાપ હશે આ દુનિયામાં કે જેમને સમાજ અને લોકો શું કહેશે એ ડરથી પોતાના સંતાનથી દૂર રહેવું પડતું હશેઅને પછી હું હમેશ માટે પુણે છોડીને અહીં આવી ગઈ કે અનાથ માનસિક રીતે બિમાર મગજના બાળકોની મા બનીને સેવા કરવા. તને આ વાતની ક્યારેય ખબર ન પડે અને તું દુઃખી ન થાય અને મારુ પ્રાયશ્ચિત કરવા."
"માં, મને ગર્વ છે કે હું તારી દીકરી છું, અત્યારે જ્યારે લોકો બાળકને જન્મતા પહેલા જ મારી નાખે છે એવા સમયમાં તે કોઈનું વિચાર્યા મને જન્મ આપ્યો. આ દુનિયામાં લાવી. બાકી અત્યારે મેડીકલમાં એબોર્શનની ગોળીઓ ખરીદનારા કેટલા છે એ સર્વે પણ ધ્રુજાવી નાખે. ન જાણે કેટલા સંતાનો અને મા-બાપ પોતાની ભૂલની સજા પોતાના લોહીથી દૂર રહીને ભોગવતા હશે. સત્ય લોકો સામે કહી શકતા નહીં હોય. પોતાના સંતાનને લોકો સામે સ્વીકારી નહીં શકતા હોય કે આ મારો દીકરો કે દીકરી છે. બસ એ માટે કે લોકો શું કહેશે ? જેમાં સ્ત્રીઓના આત્મહત્યાના કિસ્સા પણ ઓછા નથી. ઘણી સ્ત્રીઓ પોતાની આ ભૂલને બાળકને મારીને છુપાવે છે." પ્રાચીએ પોતાની માને ભેટીને કહ્યું.
"હા બેટા, કુંવારી માંનો પ્રવાસ સમાજે આવો જ ચીતર્યો છે. એક ભૂલની સજા તેને પોતાનો કે ગર્ભમાં રહેલા બાળકનો જીવ આપીને ભોગવવી પડે છે. એના લીધે ઘણા બાળકો એવા પણ છે જેમણે મા-બાપ હોવા છતાં અનાથાશ્રમમાં રહેવું પડે છે, તેમનો પ્રેમ પણ નથી પામી શકતાં. શું આમ જ ચાલતું રહેશે ? કે લોકો આ વિશે પણ કંઈક વિચારશે. સહમતી બેયની હોવા છતાં ફસાય છે સ્ત્રી..શા માટે ? કેમકે કુદરતે જન્મ ધારણ કરવાની શક્તિ માત્ર સ્ત્રીને આપી છે એ તેમની ભૂલ ? શું આ ભૂલ એટલી મોટી છે કે ઈશ્વરે આપેલી આ અનમોલ જિંદગીનો પ્રવાસ ટુંકાવવો પડે ? શા માટે સમાજમાં મોભાભેર ઇજ્જતભરી જિંદગી એક કુંવારી મા ન જીવી શકે ? સ્ત્રી જ બલિ શા માટે આપે ?'
કદાચ લોકોનું વલણ બદલાય અને એ સ્ત્રીને પ્રેમની નજરથી જોતા શીખે, તેને ઈજ્જત આપે તો ઘણા આત્મહત્યાના કિસ્સા ઓછા થઇ જશે, ઘણા બાળકોને અનાથાશ્રમમાં મા-બાપથી દૂર રહેવું નહીં પડે. એક માએ પોતાના સંતાનને સમાજની સામે છુપાઈને નહિ રાખવું પડે."
"લોકોના વિચાર બદલવાની શરૂઆત ત્યારે થશે મા, જયારે આપણે પગલું ભરીશું. આજથી બધા સામે સમાજની સામે હું તને સ્વીકારીશ. આ એ જ મારી જન્મદાતા મા છે જેના લગ્ન પહેલાનું હું સંતાન છું, પણ અફસોસ એ છે કે સમાજના લોકોના ડરથી મને મારી માએ જન્મ તો આપ્યો પણ નામ ન આપી શકી, જે નામ હવે હું તેમને આપીશ. બધાની વચ્ચે હું મારી માને સ્વીકારીશ."
***
જિંદગીની સાથે જ ચાલતો આપણો પ્રવાસ જ્યાં ગમે ત્યારે ગમે તે ઘડીએ ક્યારે પણ અકસ્માતરૂપી મુશ્કેલી આવી શકે છે. જરૂર નથી કે સાચેમાં અકસ્માત થાય. એવી કોઈ ઘટના પણ બને કે જે અકસ્માત જેટલી જ જોખમી પુરવાર થાય. જીવનમાં રોજ બનતા અણધાર્યા બનાવો પણ સારી કે ખરાબ બાબતો સાથે લઈને જ પ્રવેશે છે.