તપન
તપન
આખા દિવસનો તપીને સુરજ તાપીને કિનારે બેઠો. આ તાપીમાં એક ડૂબકી મારીએ તો તપન ઓછી થાય ખરી? ખુદને જ પ્રશ્ન પૂછી અસ્તાચળે રહેલા સુરજ ને જોઈ રહયો..
બિચારી ફોઈ! એણે તો કેટલા હોંશે હોંશે એનું નામ પાડેલું સુરજ....મારો ભત્રીજો સુરજની જેમ પ્રકાશે ચારોતરફ, પણ પ્રકાશવા માટે જાતે બળવું પડે એ ફોઈ ભૂલી ગયા હશે. હશે હવે! ફોઈનો બિચારીનો શું વાંક. ઘણી વાર આપણે જાતે જ આપણા પગ ઉપર કુહાડો મારતા હોઈએ છીએ.
ત્રણ વર્ષ પૂર્વેની સંધ્યા એને યાદ આવી ગઈ, આમ જ એ તાપી ને કિનારે બેઠો હતો આમ નદી કિનારે કે દરિયા કિનારે બેસવું એને ગમતું. ઘણી વાર ડુમસના દરિયાકિનારે મિત્ર વર્તુળ લઇને જતો ગણિતનો એ શિક્ષક હતો. ભૂમિતિના નિયમ અનુસાર બે સમાંતર રેખાઓ કદી મળતી નથી એ અનુસાર આ નદીના બે કિનારા પણ સાથે હોવા છતાં કદી મળી શકવાના નથી. તે જુદા રેહવા જ સર્જાયા છે. એવું વિચારતો અપલક દ્રષ્ટિ એ તે બે કિનારા વચ્ચે ઊછળતા પાણીને નિહાળ્યા કરતો.
પણ તે વખતે તે ખુશમિજાજી અને બિન્દાસ્ત હતો સંસારની કોઈ જવાબદારી એની પાસે હજુ આવી નહોતી. એક મોટી બહેન, જેમનું લગ્ન થઇ ગયુ હતું. પપ્પાની સરકારી નોકરી હજુ ચાલુ હતી. અને આમ ઘણી વાર તે તાપીની ખોળે આવતો.
વસંત ઋતુ બરાબર ફાલી હતી, સુરજ સમય કરતા લાંબુ જીવતો બાળપણમા માં કેહતી સુરજ ડૂબીને ચાંદ ને ઉગવાની જગ્યા કરી આપે છે. ડૂબી જવું એટલે મરી જવું એમ જ એ સમજતો, અને હજુ પણ એ, એ જ ભ્રમણામાં હતો. તાપીના ખોળાને છોડી એ રોજીંદા ક્રમ મુજબ ઘરે જવા નીકળ્યો અને એને કોઈ એ બૂમ પાડી એસ્ક્યુઝ મી તમે રોજ અહી આવી બેસો છો? રૂપાની મીઠી ઘંટડી જેવો રણકાર એણે સાંભળ્યો. રૂપાની ઘંટડી કે એના રણકારની એને કલ્પના જ હતી. પણ છોકરીનો અવાજ સાચે જ એને ગમ્યો, મધુરો હતો. એ ઉભો રહયો અને આંખના અનુસંધાને બાકીનું કામ સરળ કરી આપ્યું. અને આ રોજીંદો ક્રમ થયો. મેનકા વિશ્વામિત્રને જીતી ચુકી હતી.
મેનકા એટલા માટે કે તે એક તવંગર પિતાની લાડકી દીકરી હતી. એને એક ભાઈ હતો પણ સમાજસેવામાં એની માતા સાથે જોડાઈ ગયો હતો. માતા પણ પતિથી દુ:ખી અને પૈસાના દબાણ હેઠળ ગુંગળામણ અનુભવતી, અને રોજના કજિયા કંકાસથી ત્રાસી એણે દુ:ખીયારાના દુ:ખ દુર કરવાનું સ્વીકારી લીધું હતું.
આ બાજુ સુરજના વેવિશાળ પણ તેના પિતાના મિત્રની દીકરી જુઈ સાથે નક્કી જ હતા. બન્ને સરખા કુટુંબમાં ઉછરેલા અને એકબીજાને વર્ષોથી ઓળખતા હતા. અને બન્નેનું જોડું જામે એવું જ હતું. ન્યાતમાં વાત પણ હતી કે આ વૈશાખે આ બન્નેના લગ્ન ઉકેલી નાખવા. પણ ત્યાં આ મેનકા અને વિશ્વામિત્રની વાત ફેલાઈ અને પૈસાનાં જોરે અંજાઈ ગયેલો સુરજ એ પોતાને આ લગ્ન મંજુર નથી એમ કહી મેનકા સાથે નો પ્રેમ જાહેર કરી દીધો. સુરજના માતા પિતા પણ આ પૈસાની લાલચ રોકી શક્યા નહિ અને જાહેરમાં સુરજ વિષે ઝેર ઓકી અંદરખાને સુરજ ને મંજુરી આપી દીધી. રંગેચંગે સુરજ અને કાવ્યાનો(મેનકા) લગ્ન વિધિ સમાપ્ત થઈ. સુરજના પ્રખર તાપથી મુરજાયેલી જૂઈની ફોરમ સુકાઈ ચુકી હતી, એનાં પિતાએ પોતાની નોકરીની બદલી બીજા શહેરમાં કરાવી આ શહેર છોડી ગયા હતાં.
પોતાની પુત્રીનો મોભો જળવાઈ રહે તેથી પિતાએ સુરજને ગાડી અને બંગલો લગ્નમાં ભેટ આપ્યા હતા હવે, પોતાનો પનોતો પુત્ર ખુબ પૈસાદાર અને વગ ધરાવતા પિતાની પુત્રીને વહુ તરીકે લાવ્યો તેનાથી માતાપિતાનો આનંદ અધુરા ઘડામાંથી પાણી છલકાયા કરે તેમ છલકાયા કરતો હતો. સમાજનાં લોકો પણ થોડા દિવસ કાનાફૂસી કરી ચાલતી ગાડીમાં બેસી ગયા હતા. વગ ધરાવતા માણસો સાથે સંબંધ બગાડાય નહિ, ક્યારેક જરૂર પડે તો કામ લાગે એ ધારણા અનુસાર.
ઘર-અનંત દુ:ખોનો વિસામો ...
તેને ત્યજી બધા બંગલામાં રહેવા આવી ગયા હતા. આત્મીયતાની જગ્યા બંગલામાં સુંદર રાચરચીલા એ લઈ લીધી હતી. માં ના હાથની રસોઈ રસોઇયાને ભાગે આવી હતી. આટઆટલી જાહોજલાલી વચ્ચે ક્યાંક કશુંક ખૂટતું હતું.
સમય વીતતો ગયો ...
પ્રેમ ...છલના
સુખ...ભ્રમણા
દુ:ખ ...કલ્પના
કાવ્યા....ખુબ ધનાઢ્ય કુટુંબમાં ઉછરેલી પિતાના લક્ષણો ધરાવતી છકી ગયેલી યુવતી હતી, માતા સાથે એને ઝાઝું ફાવતું નહિ એટલે એને ટોકનાર કોઈ હતું નહિ અને માં કોઈ વાર ટોકતી તો તું સમાજસેવા કર કહી અપમાન કરતી. તેને ઘણા પુરુષ મિત્રો હતા, અને તેમની સાથે આખો દિવસ સમય પસાર કરવો એ જ એનું મુખ્ય કામ હતું. સુરજ ને પસંદ કરવા પાછળ એનો એ જ મલીન ઈરાદો હતો કે મધ્યમવર્ગના માણસોમાં હું પૈસાના જોરે સચવાઈ જઈશ. પણ એનો ભ્રમ લાંબો સમય ચાલ્યો નહિ, પહેલું વર્ષ તો પ્રેમમાં ગળાડૂબ પ્રેમી સુરજને કંઈ સમજાયું નહિ, પણ પછી ઘરમાં માતાપિતાની રોજની ફરિયાદથી તે કંટાળ્યો તેણે કાવ્યાને ધીમે રહી સમજાવી જોઈ, પણ કાવ્યા તારા માતાપિતા મને ઘરમાં પૂરી રાખવા આવા બધા ફતવા કરે છે, શું તને મારા પર વિશ્વાસ નથી? શું હું કોઈ પરપુરુષ સાથે સંબંધ રાખું? એવી મીઠી વાત કરી ભોળવી લીધો. પણ સુરજને અંદરને અંદર કંઈ રુચ્યું નહિ. પોતાના માતા પિતા આવું જુઠું ના જ બોલે એવો એને વિશ્વાસ હતો.
એક દિવસ સુરજ પર્સનલ ટ્યુશન કરાવવા નાં ગયો, અને શાળાએ થી વહેલો ઘરે આવ્યો, અને રસ્તામાં સુરજે કાવ્યાને તેના જ મિત્ર મેહુલ સાથે કોઈ હોટલમાં જતા જોઈ ગયો. તેને માતાપિતાની વાત યાદ આવી અને એણે કાવ્યાને પૂછવાનું નક્કી કર્યું અને યોગ્ય સમયની રાહ જોવા લાગ્યો.
કાવ્યા ...મેહુલ
મેહુલ...કાવ્યા ...
એ હોટલ...
સુરજનું મન અશાંત રહેવા લાગ્યું. આમ પણ તેનું હૃદય પાણીની સપાટી જેવું હતું કોઈ નાની વસ્તુ પણ પડે તો પાણીમાં તરંગો ઉઠે, સુરજના મને ધમાસાણ યુદ્ધ શરુ કર્યું ...કર્મનો બદલો ...તેને અચાનક જુહી યાદ આવી ..તેની સાથે કરેલો દગો જ મારા સંસારને છિન્નભિન્ન કરશે શું? કે ધનવાન બનવાની લાલચ મારા સુખને ભરખી ગઈ? હવે મારે દાંપત્ય જીવનના ચોકીદાર બની રેહવાનું?
સુખ સિમીત બની ગયું ...અને દુઃખ અનંત ...હવે આનો અંત ક્યારે ...? સમુદ્રમંથનમાંથી ઘણું નીકળેલું આજે સુરજના મનોમંથનમાંથી એકલું વિષ નીકળ્યું, આ વિષાદનો જવાબદાર કોણ?
આજે તો કાવ્યાને પૂછી જ લેવું અને આ શરીરમાં ફેલાયેલા ઝેરનો નિકાલ કરવો જ રહયો એમ વિચારી સુરજ રોજીંદાક્રમ મુજબ ઘરે આવ્યો. તો કાવ્યા તેમના બેડરૂમમાં સુતેલી હતી અને સુરજની મમ્મીની આંખો રડી રડી ને સુજી ગઈ હતી. કારણ પુછતાં કાવ્યા એ જણાવ્યું કે તે વણજોઈતા ગર્ભનો નિકાલ કરાવી આવી છે, હમણાં એનો માં બનવાનો કોઈ ઈરાદો નથી.
મૌન......ઊંચી પહાડી પરથી ઊંડી ખીણમાં પ્રવર્તતું મૌન...સુરજ સ્તબ્ધ બની ગયો..આવનાર બાળક પર મારો કોઈ અધિકાર નહિ? પ્રેમની આવી અવહેલના..., અને આથમી ગયો ... સ્ત્રી ....તો સ્નેહનો અખૂટ સમુદ્ર છે ...સમુદ્ર વળી સુકાતો હશે? લોહી...માંસ ...હાડકાનો એક પીંડ બનતા પહેલા જ હોમી દેવાયો ...
માં અને બાળક ... સ્ત્રી અને પુરુષ ...એક આંસું આંખેથી નીકળ્યું...ખારું.. ખારું.. જીવન ....પણ એવું જ ...આખી રાત અજંપામાં વિતાવ્યા પછી આશા વગરની ..પ્રેમવિહોણી સવાર ઉગી ...આખી રાતનો તપેલો સુરજ, ચંદ્ર મનને ઠંડક આપી શકતો હોત તો....! ઉગવાની જગ્યા કરી આપી તેના બદલામાં ..વિચારી, શાળાએ જવાને બહાને મનના તાપથી તપેલો સુરજ આખો દિવસ બહાર રખડ્યો, સાંજ પડતા એ જ તાપીને કિનારે આવી બેઠો, આજની સાંજ એને વિધવા સ્ત્રીની સાંજ જેવી લાગી...આજુ બાજુ બાળકોનો કિલકીલાટ, વહી જતી નદીનું ધીમું ગીત જાણે એના હૃદય પર કોઈ જોર જોરથી ઘા કરતું હોય એમ લાગ્યું અને હૃદયના ટુકડા થઇ એમાંથી લોહી માંસ ...વેરાઈ જતું હોય તેમ અનુભવ્યું ....
નિરાશ અને હતાશ સુરજ આથમતા સુરજને જોઈ રહયો ...અને મક્કમ નિર્ધાર સાથે તાપીના ખોળેથી ઉઠી પોતાના જુના ઘર તરફ ડગ માંડ્યા .....
