STORYMIRROR

Asmita Shah

Comedy

4  

Asmita Shah

Comedy

માયાજાળ

માયાજાળ

4 mins
28.2K


 

વર્ષોથી અમારો નિયમ રહયો છે, સવારની ચા બાલ્કનીમાં બેસી સાથે જ પીવી. જુવાન હતા ત્યારથી આજદિન સુધી આ નિયમમાં ફેરફાર કર્યો નથી. જુવાન હતા એટલે અત્યારે ઘરડાં થયા એમ નથી પણ અમારા બાળકો જુવાન થઇ ગયા છે.

આજે શ્રાવણની ભીનીભીની સવાર છે અને હું ઉઠીને નિત્યક્રમથી પરવારી રોજીંદી ટેવ મુજબ બાલ્કનીમાં આવી બેઠો છું.મારા શ્રીમતીજી મનોરમા, મારા ધર્મપત્નીનું નામ મનોરમા નથી અમે લાડથી એ નામ રાખ્યું છે,નામ તો એમનું કોકિલા છે, છો એમનો કંઠ કોકિલ જેવો નથી પણ એમના ફોઈએ એમનો રંગ જોઈ નામ રાખ્યું હોઈ શકે કદાચ રંગ સાથે કંઠ પણ આવે એમ વિચારી. આમ તો મારું નામ પણ ગોવર્ધન.. કોઈ મને ય ઉંચકી લેશે આ ભાઈ થી કંઈ થાય એવું છે નહિ એવું વિચાર્યું હશે! માં મને કેહતી તારાથી ભુંજ્યો પાપડ એ ભંગાય એવો નથી.પણ જે હોય તે અમારું ગાડુ તો લડતા ઝગડતા પ્રેમથી પૂરું થયું. કદી કોઈ મનમોટાવ થયો હોય એવું યાદ નથી. અને આજે તો રસોડામાં  મનોરમા ચા અને નાસ્તાની તૈયારી કરી રહ્યા છે. અને સાથે સાથે કઈ ગીત ગણગણી રહ્યા છે, अंग लगा दे रे मोहे रंग लगा दे रे... में हु तेरी जोगनिया मुझे जोग लगा दे रे ...લે કોકીલકંઠી.શરીરમાં થી હળવું લખલખું પસાર થયું. આ મનોરમા નો ઈરાદો ઠીક લાગતો નથી પણ મેં મેથીનાં ગોટામાં ધ્યાન પરોવ્યું. મેથીના ગોટાની અનેરી ખુશ્બુ અને આદુ ફુદીના વાળી ચા આહાહા! આજે તો શ્રાવણની ભીની સવારમાં ગરમાટો.

બાલ્કનીમાં મધુમાલતી મંદમંદ સુવાસ ફેલાવી રહી છે.ગરમ ગોટા અને ચા. અને પાછા શ્રીમતીજી સઘનસ્નાતા બની બાજુમાં બેસી હળવેથી લો ને, સરસ છે ગોટા...નાં ભાવ્યા? મેથીના ગોટા તો તમને બહુ ભાવે...લો ...લો તમને મારા સમ, હાય શું એ દિવસો હતા.એક સિસકારો મોમાંથી નીકળી ગયો.ત્યાં જ શ્રીમતીજી ઉવાચ.એય  સાંભળો છો? લે..કર વાત...હું વળી બેહરો ક્યારે હતો તુ ય શું વળી? અને તને ન સાંભળી મારે વળી ક્યાં ઉપાધી વોહરવી? મેં વાત બદલવાના પ્રયાસથી લાગ જોઈ પૂછી જ નાખ્યું તુ રસોડામાં કયું ગીત ગાતી હતી? તે હું તમને એ જ કેહવાની હતી ..પણ તમે મારું પૂરું સાંભળો છો જ ક્યાં? શ્રીમતીજી તાડૂક્યા.અરે આપણી બાજુમાં જે નવા પાડોશી રેહવા આવ્યા છે ને એ મોહિનીબેને કાલે મહિલા સમાજની મિટિંગમાં આ ગીત ઉપર Dance કર્યો હતો.અરે એમનાં લગ્નને ૧૦ વર્ષ થયા છે અને એમને બે બાળકો પણ છે તો પણ એમનું શરીર એકદમ ચુસ્ત અને લચીલું છે.મનમાં મોહિનીને જોવાની , મળવાની ઈચ્છા એ વેગ પકડ્યો.ડાન્સ એનો જોવો જોઈએ...अंग लगा दे रे ...આહાહા..સ્વપ્નસૃષ્ટિ... શ્રીમતીજીએ રંગમાં ભંગ પાડ્યો.અમને તો મઝા આવી ગઈ.તે મને ય મઝા જ હતી. (તે ભંગ પાડ્યો હું મનમાં બોલ્યો ...)લે તે તમે મહિલા સમાજની મિટીંગમાં આવું બધું કરવા જાઓ છો ? ઓં ... આવું બધું એટલે શું ?કેમ સ્ત્રીઓથી ડાન્સ નાં થાય? અમે તો ઘણી વાત કરી...સ્ત્રીઓનું સમાજમાં મહત્વ, સ્ત્રી વગર ઘર ઘર લાગતું નથી...સ્ત્રી શિક્ષણ... સ્ત્રીઓએ દરેક ક્ષેત્રમાં આગળ આવવું જોઈએ...દરેક ઉંમરની સ્ત્રીઓએ ઘરની સાથે સાથે પોતાના શરીર ઉપર પણ ધ્યાન આપવું જોઈએ...દરેક ઉંમરની સ્ત્રી સ્ફ્રુતીલી અને ચુસ્ત હોવી જોઈએ ..અને એ માટે દરેક સ્ત્રીઓએ હળવી કસરત કરવી જ જોઈએ.

મોહિનીબેનનો ડાન્સ જોઈ અમે દરેકે એવું નક્કી કર્યું છે કે દરેકે કસરત કરવીજ...હું જરા વિમાસણમાં મુકાયો પણ શ્રીમતીજી એ બીજો ચા નો કપ ભરી મને બીજે વાળ્યો. પુરુષો બિચારા ભોળા...કે ડોબા. હજુ સમજાયું નથી. સ્ત્રીની કારીગીરી. ઉપરવાળો ય મુંઝવણમાં છે.

આડીઅવળી વાતો કરી શ્રીમતીજીએ પ્રસ્તાવ મુક્યો.આજે આપણે બે જ છીએ ચાલો કોઈ mall માં આંટો મારી આવીએ.રાત્રે બહાર જમીને જ આવીશું.ચોપાટી જઈશું? ઘણાં દિવસ થયા કુલ્ફી નથી ખાધી.આ ડાયાબીટીસ ...પણ આજે ખાઈશું? મને એમ કે હમણાં મનોરમા નાં જ કહી દેશે ક્યાંય જવું નથી ને હું બચી જઈશ.પણ નાં આજે મનોરમા યૌવનમાં પ્રવેશી ચુકી હતી.ને હું વનમાં...છેવટે ધાર્યું ધણીયાણીનું જ થાય. અમે વિશાળકાય mall માં પ્રવેશ્યા.ફરતાં ફરતાં મનોરમાએ તો લેવા માંડ્યું, મનોરમા મને કેહવું તો હતું પૈસા આટલાબધા નથી ખીસામાં ...મેં બહાનું ધર્યું ...લ્યો ...તે કાર્ડ તો હશે જ ને ? નહિ હોય તો હું મારું લઈને આવી છું. કયો એ દિવસ હતો મેં એને કાર્ડ અપાવ્યું હતું...મનોમન હું જાતને કોસી રહયો.અને મનોરમાએ તો sport shoes…tracking suit…yoga mate … exercise cycle..અને diet food નો સમાન લઇ ૩૦,૦૦૦ નું બીલ કરી mall માંથી વિદાય લીધી. મેં એને કેટલીવાર ઈશારાથી સમજાવાનો પ્રયત્ન કર્યો...પ્રિયે! આ હવે આપણાથી ના થાય.પણ માને તો ધર્મપત્ની શાનાં? જાહેરમાં તમારાથી ઝગડો ય નાં થાય ને? આમે ઘરે ય વળી ક્યાં થાય છે ? અમે ઘરે પધાર્યા...

હું હવે વિચારમાં મગ્ન...અને બાજુમાં કોકીલકંઠીનાં નસકોરા બોલે છે.ખરેખર આજે શ્રાવણની ભીનીભીની ઠંડી નો ગરમાવો હવે સમજાયો.મેથીનાં ગોટા....ચા...મદમાતું ગીત ...૩૦,૦૦૦ નાં પડ્યાં..મનમાં મોહિનીને ગાળો દેતો ઊંઘી ગયો.

 


Rate this content
Log in

Similar gujarati story from Comedy