Asmita Shah

Inspirational

3  

Asmita Shah

Inspirational

શીખ

શીખ

5 mins
13.5K


"ક્ષિપ્રા !" વેદ એ બૂમ પાડી, "શું આ છત સામે ટગર ટગર જોઈ રહી છે, શું આટલું ઊંડું વિચારે છે, સુઈ જા કાલે સવારે કોલેજ જવાનું મોડું થશે તો તારા વિદ્યાર્થીઓને નકામી રજા મળશે અને તારા નામની મસ્તી કરવાની છૂટ!" વેદ એ હળવી મઝાક કરી પણ ક્ષિપ્રા મજાકનાં મૂળમાં નહોતી. ધીમે રહી કંઈ બબડી...
"શૂન્યતા વહેંચાઈ ગઈ બે ભાગમાં,
એક મારામાં અને એક આભમાં."

સારું થયું વેદએ આ સાંભળ્યું નહિ તે તો ભર ઊંઘમાં હતો. એના નસકોરાં બોલતા હતાં. નહિ તો વાત પાછી આગળ વધત. પણ કોઈ મક્કમ નિર્ણય કરી ક્ષિપ્રા ઊંઘી ગઈ.

ક્ષિપ્રા સાયકોલોજી વિષય સાથે અનુસ્નાતક થયેલી અને પૂનામાં નામાંકિત કોલેજમાં શિક્ષિકા હતી. સાયકોલોજી વિષય જ એવો છે કે ઘણાં વિદ્યાર્થીઓ આ વિષયમાં કંટાળો અનુભવતાં. અને ક્ષિપ્રા જરા વધારે ઊંડાણમાં જઈ આજુબાજુનું ઘણું આવરી લેતી એટલે વિદ્યાર્થી કંટાળતા. આવતી કાલનો દિવસ પણ કંઈક આવું જ લઈને આવવાનો હતો.

ક્ષિપ્રા રાબેતા મુજબ તૈયાર થઈ કોલેજ જવા નીકળી બીજો પિરિઅડ એનો હતો એટલે સ્ટાફ રૂમમાં બેઠી. એણે નક્કી જ કર્યું હતું કે વિદ્યાર્થીઓને આજે મેં જે જોયું છે તેની વાત કરવી જ. લોકો સંવેદનશીલ રહ્યા જ નથી માણસાઈ સુદ્ધાં વિસરાઈ ગઈ છે. અને આ જંગલી જાનવર કેવા સંપથી રહે છે. તે વિચારતી હતી તેવામાં જ બેલ વાગ્યો ક્ષિપ્રા ઊભી થઈ ક્લાસ રૂમમાં ગઈ અને જાતેવેંત જ એણે બ્લેક બોર્ડ પર કંઈક લખ્યું.

"ગુલાબ સાથે રહીને ય રહયો એ કંટક,
કહે છે કોણ કે સોબતનો રંગ લાગે છે."

બટકબોલો તુષાર બોલી ઊઠ્યો; "આહા ! મેડમ ! શું વાત છે આજે શાયરી...!" વિદ્યાર્થીઓમાં ગણગણાટ શરુ થયો કેમ આજે આ... ઈશ્કાના મિજાજ...

ક્ષિપ્રા બોલી, "હા! આજે જરા પ્રેમ વહેંચવો છે... ગમશે ને બધાને? વિદ્યાર્થીઓએ તાળીથી વાત અને ક્ષિપ્રા બન્નેને વધાવી લીધાં.

ક્ષીપ્રાએ વાતનો દોર આગળ ચલાવ્યો. આટલામાંથી લગભગ બધા જ ટી.વી. પર આવતી સીરીઅલ જોતાં હશો બરાબરને? રોજ એની એ જ લડાઈ ઝઘડા... ધંધામાં ખોટ જાય તો પણ સીરીઅલનાં કલાકારોના કપડાં કે ઘરેણાંમાં કોઈ ફેરફાર આવતો નથી અને આપણે આવી ઢંગધડા વગરની સીરીઅલ જોતાં  રહીએ  છીએ. આજે મારે તમને એક ઘણી વિચારવા લાયક વાત કરવાની છે જે રોમાંચક પણ છે. દુઃખ પણ આપશે અને કંઈક શીખવાનું પણ મળશે જ.

ગઈકાલે આપણે રજા હતી. આમ જ હું ટી.વી.ની ચેનલ્સ બદલતાં બદલતાં 'નેશનલ જિઓગ્રાફિક ચેનલ્સ' પર મારી આંગળી અટકી ગઈ અને મેં જે જોયું અને મને લાગ્યું આ વાત તમને પણ કહું; જેથી તમારો દ્રષ્ટિકોણ પણ બદલાય તમે પણ તમારી જવાબદારીને સમજો અને ઉઠાવો. આમ આ યુવાની વેડફીનાં નાખો.

આખી જંગલની જ વાત છે .....

જંગલમાં જિરાફ અને તેનું બચ્ચું. આમતેમ ફરી રહ્યાં હતાં. તેવામાં એક સિંહણે તેમને જોયા અને બચ્ચા પર જોરથી હુમલો કર્યો.

બચ્ચું નાનું ઘબરાટમાં જ મરી ગયું. સિંહણ તેને લઈને પોતાના બચ્ચા પાસે લઈ ગઈ. બધાંએ ભેગા મળી ભોજન કર્યું. વાત હવે એ છે કે એ જે માદા જિરાફ હતી તે એટલી દુ:ખી થઈ અને જ્યાં સુધી સિંહ પરિવાર એને ખાઈ ન ગયા ત્યાં સુધી ઊભી રહી. સહેજ પણ ડર્યા વગર કે આ મને પણ ખાઈ જશે તો...? પોતાનાં બચ્ચાં સાથે એટલી જોડાયેલી હતી કે તેને પોતાના મોતની પણ બીક ન રહી.

બીજી વાત એવી છે કે સિંહણ જયારે બચ્ચાંને જન્મ આપતી હોય છે ત્યારે એક સિંહ અને બીજી સિંહણ તેની આજુબાજુ આંટાફેરા મારતા હોય છે ચોકી કરતા હોય એમ કે બીજું કોઈ પ્રાણી હુમલો નથી કરતું. અને કારણ આવા સમયે વાઘ કે ચિત્તા જેવું કોઈ પણ પ્રાણી હુમલો કરી શકે અને બીજું એવું કે પ્રસુતા સિંહણને સથવારો રહે. કોઈ છે મારી સાથે. કેટલો માનસિક સાથ. અબોલ અને પાછા જંગલી પ્રાણીમાં પણ કેવો મેળ...

બે સિંહણ અને તેના ચાર બચ્ચાં. માસી-માસીનાં હશે. ઝાડની ઉપર ચિત્તો શિકાર મૂકી ગયો હશે. હવે સિંહબાળ નાનાં. તે ઝાડ ઉપર ચડી ગયાં. સિંહણથી ઉપરનાં ચડાયું. તો સિંહબાળ ઉપરથી માંસનાં ટુકડા પોતાની મા-માસી માટે ફેંકતા હતા. અમે છે ને શું ચિંતા ! એમ સમજાવતા ન હોય જાણે. પાછો એમાં એક ઘરડો સિંહ પણ હતો જે શિકાર કરી શકે એમ ન હતો તો આ બન્ને સિંહણે મળેલા માંસના ટુકડામાંથી પાછો સિંહને પણ આપ્યો. કુટુંબ ભાવના તો આ લોકોમાં જ જોઈ...

આવી તો બધી ઘણી વાતો છે જેમ કે જંગલમાં આગ લાગી અને સિંહણ તે આગમાં કુદીને તેના બચ્ચાને બચાવી લાવી. એક ભેંશ પાણી પીતી હતી તો સિંહ તેનો શિકાર કરવા આવતો હતો તો જંગલી હાથીએ સિંહને ભગાડી મૂક્યો. વાંદરો વાઘ કે સિંહ દેખાય તો તરત ચિચિયારી કરી જંગલના બધાં પશુઓને ચેતવી દે છે.

આવી બધી ઘણી નાની નાની વાતો છે. પણ આપણે સમજવા જેવી છે. આ જંગલી પશુઓ જે કાચું માંસ મો વાટે તોડીને ખાય છે. માંસ જ એમનો ખોરાક છે. તેમની કુટુંબ ભાવના જુઓ તેમનામાં રહેલો સંપ જુઓ. તેમને 'અન્ન તેવો ઓડકાર'નો કાયદો લાગુ નથી પડતો? આપણે કેમ અન્ન ખાઈને રાક્ષસી બની જઈએ છીએ. આપણા જ ભાઈભાઈનાં ગળા કાપવા તૈયાર છીએ.

અરે! આ જંગલી પશુઓમાં તો જાત પણ જુદી જુદી છે. તેમનાં શરીરનાં દેખાવો. શરીરની રચના બધું જ જુદું છે. તો પણ મુશ્કેલીના સમયમાં એકબીજાની ઓથે ઊભા રહે છે. અને આપણે ગીતા, કુરાન, બાઈબલ વાંચીને પણ કશું માનવ ઉપયોગી કામ કરતા નથી.

ઉલટાનાં ઘરડા માત-પિતાને ઘરડા ઘરમાં મુકીએ છીએ. અરે! જંગલનો નાશ કરીએ છીએ. જંગલી પશુઓનો શિકાર કરી, જંગલ કાપીને કુદરતે ગોઠવેલી વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી પર્યાવરણનો વિનાશ નોતરીએ છીએ. જંગલનો વિનાશ થવાથી આભ અને ધરતી વચ્ચે જે ઓઝોન વાયુનું પડ છે તેમાં કાણા કે તિરાડ પડે છે અને આખી પૃથ્વી ગરમીનો શિકાર બને છે. હિમનદીઓ પીગળે છે. નદીઓમાં પાણી વધવાથી સમુદ્રમાં પાણી વધવાથી. પ્રલય આવવાની શક્યતા વધી જાય છે.

માટે મારા વ્હાલા વિદ્યાર્થીઓ. બીજી બધી કામવગરની વસ્તુઓ જોઈને સમય બગાડો છો તેના કરતા જ્ઞાનવર્ધક કાંઈ જુઓ, વાંચો... અને સમાજને ઉપયોગી થાવ... યુવાધન જ સમાજમાં બદલાવ લાવી શકે છે.

નવું નવું વિચારો... અને અપનાવો... પાણી પણ વહેતું જ સારું... બંધિયાર પાણી પણ ગંધાઈ ઊઠે.

"નવિનતાને ન ઠુકરાવો, નવિનતા પ્રાણપોષક છે,
જુવો કુદરત તરફથી શ્વાસ પણ જુના નથી મળતા."

બ્લેક બોર્ડ ઉપર ક્ષિપ્રા લખી રહીને પિરિઅડ પતવાનો ઘંટ વાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational