STORYMIRROR

Asmita Shah

Others

4  

Asmita Shah

Others

પતિવ્રતા

પતિવ્રતા

4 mins
28.4K


હીરુ અને મંગું ભીખો. ભીખો કંઈ મંગુના બાપનું નામ નહોતું. એ તો એની માને ઉપરાઉપરી છ છોકરીઓ અવતરી અને સાતમી વખત જ્યારે ગર્ભવતી હતી ત્યારે એની માએ બાધા રાખેલી આ વખતે જો મને અંબે મા છોકરો આપશે તો હું તેને ૫વર્ષ સુધી ભીખનો રાખીશ.

ભીખનો એટલે પોતાના છોકરાને માંગી માંગીને કપડાં પેહરાવવા અને ખવડાવવું. આમ ૫વર્ષ સુધી મગન ભીખનાં કપડાં અને ખાવાના પર રહયો એટલે એનું નામ મંગુ ભીખો પડ્યું. મંગુની મા કંઈ મોટા ઘરની પરણેતર નહોતી પણ ભીખ માંગીને રોજીરોટી મળે એવું ય નહોતું. વલસાડ જીલ્લાનાં ગણદેવી ગામમાં અનાવિલ દેસાઈનાં ઘણાં ઘર છે. તેમાંના એક નાનુભાઈ ગુલાબભાઈ દેસાઈ વ્યવસાયે વકીલ અને વકીલાતની ધીકતી પ્રેક્ટિસ  અને પાછી જમીન જાયદાદ અને ખેતીવાડી ય ખરી એમનાં છોકરા સોનાના ઘૂઘરે રમે એમ કેહવાતું. એટલે એટલા ધનવાન હતાં એમ. એમની પત્ની ઈન્દુમતી નાનુભાઈ દેસાઈ સ્વભાવે સરળ અને કામગરા, ઘરની ગાય-ભેંશ એ જાતે જ દોહતા. ઘરમાં દૂધ-દહીંની નદીઓ વેહતી છાશ તો એમના ઘરે ગામનો દરેક માણસ લેવા આવતો અને દરેકને મફત છાશ આપતાં. ગામમાં કોઈનાં પણ ઘરે ગાય કે ભેંશને વાછરડી કે પાડી આવી હોય તો તરત ઘીથી લથબથતી ગોળ નાખેલી લાપસી ખવડાવી આવતાં.

“એ ય મૂંગું જાનવર કોને કે કેટલી પીડા થઈ એને... એ ય સુવાવડી જ કેહવાય ને.’’ આવા પરગજુ માણસોને ત્યાં મંગુની મા એમના ઘરે અને મંગુનો બાપ ખેતીમાં કામ કરતો અને આમ એમનું ગુજરાન ચાલ્યા કરતું.

મંગુની મા મંગુનું હીરુ સાથે લગ્ન કરાવી મૃત્યુ પામી. અને નવા પરણેલાને ઈન્દુબાએ પોતાના પાંખમાં લઈ લીધા અને હીરુને પારખી કામમાં આટોપવા માંડી.

નાનુભાઈ વ્યવસાયે વકીલ એટલે ખેતીવાડીનું કામ ઈન્દુબેન જ સંભાળતા. ઉનાળુ ડાંગર અને ચોમાસું ડાંગર એમ બે પાક લેતા અને ઉપરથી કેરી, ચીકુ અને કેળ તો ખરાજ!

હીરુની અને મંગુની કાબેલિયત જોઈ ઈન્દુબેને તેમને ખેતીકામમાં પલોટવા માંડયા. ખેતરમાં જ કુવો હતો એટલે ઉનાળું ડાંગર લેવામાં સરળતા રેહતી, ડાંગરનું ધરું રોપવવાનું હોય.

આંબા પરથી કેરી બેડવાની હોય કે ચીકુનાં ઝાડ પરથી ચીકુ ઉતારવાના હોય અને પછી ગણદેવી મંડળીમાં જઈને વેચવાના હોય ઈન્દુબેન આ બન્ને પતિ-પત્નીને જ કામ સોંપતા. આ બન્ને પતિ-પત્ની પણ એમ સમજો ઘરના સભ્ય જ ગણાતા. બધું રાબેતા મુજબ જ ચાલી રહ્યું હતું.

એવામાં નાનુભાઈને કેન્સરની બીમારી લાગુ પડી અને એમને બોમ્બે ખસેડવા પડ્યાં અને એમની કાળજી રાખવા એમના મોટા દીકરા નામે સૌરીન દેસાઈ સાથે મંગુ પણ ગયો. પણ સૌરીન પણ વ્યવસાયે વકીલ જ હતો એટલે એના અસીલની કોર્ટમાં તારીખ હોય એટલે એને આવવું જ પડતું અને મંગુ એકલો ત્યાં રેહતો. અને એકલતામાં બોમ્બેની ઝાકમઝોળ દુનિયામાં ફસાયો, એ ફસાય એવો મૂરખ નહોતો પણ ઈન્દુબેને મુકેલા વધુ પડતા વિશ્વાસ અને ગણદેવી મંડળીમાં જે એ વેપાર કરતો એ રૂપિયાની થોકડી જોઈ એના મનમાં પણ “હું પણ આવો જમીનદાર હોત તો અથવા હું જમીનદાર જ છું.’’ એવી રાઈ ભરાઈ ગયેલી અને ત્યારથી જ એ થોડા પૈસામાં ગોટાળા મારતો પણ નાનાં નાનાં ગોટાળા કરતો એટલે પકડાતો નહિ. પણ હવે બોમ્બેમાં એને ફાવતું મેદાન મળી ગયું. જસલોક હોસ્પિટલમાં તેને ચંદુ નામનાં શખ્શનો ભેટો થયો જે હોસ્પીટલમાં દવા વિભાગમાં કામ કરતો હતો અને દવાની નાનીમોટી ચોરી કરતો અને સાથે સાથે ચરસ ગાંજાનો પણ ખાનગીમાં ધંધો કરતો જેમાંથી એને ખુબ પૈસા મળી રેહતા અને જલસાથી રેહતો. એ એકલો જ હતો એટલે રાત્રે ક્લબમાં પણ જતો. મંગુને એ રોજ આવી બધી વાત કરી ઉશ્કેરતો. એ જાણતો હતો કે જો મંગુ એની વાતમાં આવી જશે તો એના ધંધામાં ચારચાંદ લાગી જશે અને મંગુને પણ ધનવાન બનવાનો લોભ હતો જ અને એ ચરસ ગાંજાનો વેપાર કરવા માટે માની ગયો. આ બાજુ નાનુભાઈનું દરદ ન મટ્યું અને ઈશ્વરને શરણે ગયાં. ઈન્દુબેન પણ વર્ષના અંતે એમની પાછળ જ ગયાં. હવે મંગુને છુટો દોર મળી ગયો કોઈ રોકટોક કરનારું હતું જ નહિ. પણ પાપ છાપરે ચડી પોકારે એમ હીરુને તેના ઉંધા ધંધાની ગંધ આવી ગઈ. હવે મંગુ દારુ પી ધમાલ કરતો અને પારકી સ્ત્રીનો પણ એ હેવાયો બન્યો હતો. તેણે મંગુને ખૂબ સમજાવ્યો પણ મંગુ ન માન્યો.

એક દિવસ વેહલી સવારે ચંદુ મંગુને ગામ ગણદેવી આવ્યો અને મંગુને ત્યાંજ રાત રોકાયો ખેતરમાં કામ કરીને કસાયેલી મંગુની દીકરીને જોઈ એની દાઢ લપસી અને એ વાત હીરુ સમજી ગઈ. સવારે ચંદુએ મંગુ સાથે કંઈ મોભમ વાત કરી અને રૂપિયાનું બંડલ આપી ચાલતો થયો. હીરુએ 'ચંદુએ આ રૂપિયા કેમ આપ્યા?' એવું મંગુને પૂછ્યું પણ મંગુ એ સરખો જવાબ ન આપ્યો અને ગામડાની ગમાર તું કંઈ સમજે નહિ કહી ધુત્કારી કાઢી. મંગુ પોતાની દીકરી આગળ બોમ્બેની દુનિયા કેવી ઝાકમઝોળવાળી છે એવી વાત કરી અને બોમ્બે જોવું જ જોઈએ એવું એને સમજાવવા માંડ્યું અને હીરુ આખી વાત સમજી ગઈ.

એ મંગુ અને એના ઈરાદા સમજી ચુકી હતી. અગ્નિમાં તપાવેલાં લોખંડનાં સળિયા જેવી તે રાતીચોળ થઈ ગઈ પણ તેણે પોતાના મન ઉપર ભારે સંયમ રાખ્યો અને તેણે મનોમન કંઈ નિર્ણય કર્યો આજે રાત્રે વાત હવે એમ સમજી કામે વળગી.

બીજે દિવસે રોજના ક્રમ મુજબ હીરુ સૂરજના અજવાળા અવની પર પથરાય એ પેહલાં કુવે પાણી ભરવા ગઈ પણ આજે એને આ કુવો, આ બેડાં, આ સવાર કંઈ જુદા જ લાગ્યાં. આજે એનું મન ખૂબ ઉદાસ હતું. આ એ જ કુવો હતો જ્યાં એ પરણીને પ્રથમવાર પીતળનાં ચકચકિત બેડાં અને મોતી ભરેલી ઓઢણી ઓઢી પાણી ભરવા આવી હતી અને આજે... આજે... હમણાં થોડી વારમાં ગામમાં વાત ફેલાશે... મંગુને એરુ આભડયો...


Rate this content
Log in