Neha Varsur

Romance Inspirational Others

4.5  

Neha Varsur

Romance Inspirational Others

તારા વગર

તારા વગર

8 mins
353


તહેવારો આવતા બધા જ ખુશખુશાલ થઈ જાય છે પણ મારું મન મૂંઝાઈ જાય છે અને એમાં પણ આ વર્ષે તો શું તહેવાર શું દિવાળી અને શું ઉજવણી...?

ઘરમાં દિવાળીની સાફસફાઈ ચાલી રહી છે અને મારા હાથમાં દોઢ વર્ષ જૂની ફોટો ફ્રેમ આવે છે અને હું ત્યારનાં સમયગાળામાં ખોવાઈ જાઉં છું.

મારા લગ્નને હજુ માંડ એક વર્ષ થયું હતું પણ એ પહેલાં તો હું પિયર પરત ફરી ગઈ.

મારાથી સાસરિયા પક્ષના જુના વિચારો સહન ન થયા, મેં થોડી ક્રાંતિ લાવવાનું વિચાર્યું અને મારા સાસરિયા સાથે મારા પતિદેવ પણ નારાઝ થઈ ગયા.

કોઈ પણ વાતની એક હદ હોય અને મેં કંઈ ખોટું પણ ન હતું કર્યું બસ એટલું જ તો કહ્યું કે, "હું પણ આ ઘરની વહુ છું, પરિવારની એક સદસ્ય છું."

"મને પણ બોલવાનો અધિકાર છે, મારે પણ મારી વાત રજૂ કરવી છે."

પણ અફસોસ મને કોઈ સમજી ન શક્યું,

વાત તો ફક્ત ઘર ચલાવવાની જ તો હતીને?

મારે પણ તેમાં ફાળો આપવો હતો.

ઘર માટે અને ઘરના લોકો માટે કંઈક નવું વિચારવા કંઈક નવું કરવામાં હું નિષ્ફળ રહી પણ હું માથાભારે સ્ત્રી જરૂર સાબિત થઈ ગઈ.

ભણેલી ગણેલી વહુ ઘરમાં આવે એટલે અમુક અશિક્ષિત સાસરિયાવાળા તેનાંથી જરૂર ઈર્ષા અનુભવે.

એમાં પણ વહુ દેખાવડી હોય, કમાતી હોય, ખુદ પર નિર્ભર હોય અને સાથે સાથે દીકરાની પસંદગીની હોય ત્યારે તો લોકો ન કરે એટલી ઈર્ષા ઓછી છે.

ગયા વર્ષે આવી જ રીતે દિવાળી પહેલા અમે સાથે ફરતા હતા, હું અને મારા પતિદેવ, અમે ખુશ હતા પણ કોઈથી અમારી ખુશી જોવાતી નહીં.

મને ખ્યાલ પણ ન રહ્યો કે લોકોની વાતોમાં આવીને એ મારાથી ક્યારે દૂર જતા રહ્યા અને હું ખોટી નારાજગીમાં બેસી રહી. એમની રાહમાં કે ક્યારે એ આવશે અને મને મનાવશે.

પહેલી એનિવર્સરી પણ અમે સાથે ન ઉજવી શક્યા, શું ખરેખર અમારો પ્રેમ આટલો નબળો હતો?

હાલમાં લોકો કહે છે કે અત્યારનાં યુવાનો લગ્ન નથી સંભાળી શકતા, ઘર નથી ચલાવી શકતા માટે અત્યારે છૂટાછેડાના કેસ વધ્યા છે. અત્યારની જનરેશનમાં જરા પણ સહનશક્તિ નથી, કોઈને જતું નથી કરવું, કોઈને નમવું નથી માટે પછી ઘર જ ભાંગે ને?

પણ હું કહું છું કે એક જ વ્યક્તિ બધું સહન કરે, એકને જ બધુ જતું કરવાનું, એકને જ ઘર સાચવાનું છતાં અન્ય વ્યક્તિ તેનો જ દોષ કાઢે તો કોઈ કઈ રીતે સાથે રહી શકે.

લગ્નજીવનમાં બન્ને વ્યક્તિને સમજવું પડે કારણ કે સબંધ બન્નેનો છે પણ જો એક જ સમજે અને બીજો વ્યક્તિ કદર જ ન કરે તો પછી પહેલા વ્યક્તિની પણ હદ આવી જાયને?

મારી પણ હદ આવી ગઈ હતી,

હું ત્રાસી ગઈ હતી સાસરિયાથી,

અને હસબન્ડને પણ કંઈ પડી ન હતી મારી.

એક દિવસ નાની એવી વાત થઈ ગઈ અમારી વચ્ચે, હું રિસાઈ ગઈ અને તેઓ મનાવવા આવે તેની રાહ જોઈને બેસી ગઈ અને તેઓ બીજાની વાતમાં આવીને મને કહે,"તારે ન રહેવું હોય તો તું જા"

મારા સાસુ પણ મને સંભળાવા લાગ્યા કે,"ભણેલી ગણેલી વહુ ઘરમાં આવે એટલે આવું જ થાય એ પોતાની મરજી જ ચલાવે"

મને આ વાત લાગી આવી અને હું બધું છોડીને પિયર આવી ગઈ. મારા પતિએ પણ કોઈ દરકાર ન લીધી મારી કે ન સાસરિયા પક્ષથી કોઈને કંઈ ફરક પડ્યો. પિયરમાં આવીને પણ હું માતાપિતાને બસ દુઃખ જ પહોંચાડી રહી હતી. મારે આવું નહતું કરવું પણ મારા પતિ મારી કોઈ વાત સમજવા જ તૈયાર ન હતા.

હું એમની પત્ની છું, એમના જીવનમાં પહેલો દરજ્જો મારો હોવો જોઈએ નહીં કે કોઈ અન્યનો પણ, તેમને તો બધા સરખા. મારી કંઈ કદર જ નહીં.

પિયર આવ્યા પછી એમણે મને એકવાર પણ એમ નથી કહ્યું કે,"તું પરત આવી જા"

એકવાર પણ મને મળવા નથી આવ્યા કે મારો હાલ પણ નથી પૂછતાં, આ એ જ વ્યક્તિ છે જે મારી સાથે પરણવા માટે મારી સામે આજીજી કરતા હતા.

ક્યાં ગયા એ બધા એમના સપનાઓ,

એમની વાતો અને વાયદાઓ,

કેટલો પ્રેમ કરતા હતા મને, 

પણ અત્યારે તો ઓળખતા પણ નથી.

સાવ આવું કંઈ હોય?

હું વિચારોમાંથી બહાર આવી અને મારા રૂમની સાફસફાઈ કરી અને વારંવાર અમારી જુની વસ્તુઓ મારી સામે આવી અને હું ફરી દુઃખી થતી રહી. મારા માતાપિતાએ ક્યારેય મને ટોકી નથી, જ્યારે મેં કહ્યું કે મારે ઈન્ટરકાસ્ટ મેરેજ કરવા છે તો પણ તેઓ સહમત થયા, મારે જે રીતે જેની સાથે લગ્ન કરવા હતા એ રીતે તેઓ માની ગયા, મારા દરેક સપનાઓ પુરા કર્યા.

અને હવે જ્યારે હું પતિને છોડીને પરત આવી છું તો પણ મને સંભળાવતા નથી છતાં હું જાણું છું કે મારા પેરેન્ટ્સ મારા નિષ્ફળ લગ્નજીવનથી દુઃખી છે. મને ક્યારેય કહેતા નથી પણ તેઓ મારા ભાઈ બહેનના સુખી લગ્નજીવનને જોઈને મારી માટે પણ એ જ વિચારે છે કે હું મારું લગ્નજીવન બચાવી લઉં. મારા જીવનમાં પણ બધું ઠીક થઈ જાય. હું પણ એ જ ઈચ્છું છું પણ મારા પતિ આવતા નથી મને લેવા કે નથી સાસરિયા પક્ષથી કોઈ મારા પિયરે વાત કરવા આવતું.

હું મારા માતાપિતાને ત્યાં મોકલીને તેમના આદરને ઠેસ પહોંચાડવા નથી માંગતી અને મેં ઘર છોડ્યું કારણ કે મારા સન્માનની વાત હતી. ભણતર આત્મ સન્માન શીખવાડે છે, કોઈનું ખોટું પણ સહન કરી લેવું જો સંબંધ સચવાતો હોય તો, ભૂલ વગર પણ વડીલોને નમવું. પણ આટલું કર્યા છતાં જો તમારી કોઈ કદર જ ન કરે તો પછી કઈ રીતે બધાનું બધું સહન કરવું?

સ્ત્રી પોતાનું લગ્નજીવન ટકાવવા બધું જ સહન કરી લે છે પણ પોતાનો પતિ જ તેની તરફ ન હોય તો પછી કોઈ જ મતલબ નથી રહેતો.

એ મને સમજી ન શક્યા કે હું એમને સમજાવી ન શકી, પણ સબંધ અમારા બન્નેનો હતો પણ બચાવવાના પ્રયત્નો ફક્ત મેં જ કર્યા.

તેઓ કેમ બોલી ન શક્યા કે,"મારે તારી જરૂર છે, તું ન જા"

અને એમને તો એનિવર્સરી પણ જરાય યાદ ન હતી, કોઈ માણસ પોતાની પહેલી લગ્ન વર્ષગાંઠ કઈ રીતે ભૂલી જાય. હું રડતી રડતી હવે એમની પર ગુસ્સો કરું છું ભલે એ ન આવે મને લેવા, મારે પણ નથી જ જવું.

બીજા દિવસે દીદી પિયર આવ્યા પોતાના બાળકો સાથે દિવાળી કરવા. પૂરું ઘર બાળકોના કલબલાટથી ગુંજી ઉઠ્યું. ભાઈનો બાબો અને દીદીના બેબી બાબાએ પુરા ઘરની રોનક વધારી દીધી. મમ્મી પપ્પા ઘણા દિવસે બાળકો સાથે રમીને ખુશ છે પણ એમને મારા બાળકોને પણ રમાડવા છે પણ એ તો ત્યારે જ શક્ય થશે જ્યારે મારા પતિદેવ મને સમજીને પરત આવશે.

મારા પતિના આવવાના તો કોઈ અણસાર જ નથી દેખાતા પણ મારા જીજુ જરૂર આવ્યા. એ દીદીને બહુ જ પ્રેમ કરે છે, એમની બહુ જ સંભાળ રાખે છે, નસીબવાળી છે મારી બહેન કે તેને આટલો સમજુ પતિ મળ્યો.

બીજી તરફ મારો ભાઈ પણ મારી ભાભી માટે હમેંશા તત્પર રહે છે, તેને કોઈ જ વસ્તુ ઘટવા નથી દેતો, તેની બધી જ માંગણીઓ અને સપનાઓ પૂર્ણ કરે છે. ભાભી પણ નસીબદાર જ છે.

બસ એક મારા જ નસીબ ફૂટ્યા છે. મારા ભાઈ બહેનના અરેન્જ મેરેજ છે, અમારી કાસ્ટમાં જ છતાં એમનું લગ્નજીવન સુખ ભર્યું છે અને મારા લીધે તો મારા માતાપિતાને ઘણું સાંભળવું પડ્યું છે.

હું માણસ છું,

મારાથી ભૂલ થઈ ગઈ માણસને ઓળખવામાં પણ હવે તો ખબર નહી શું થશે? મને નથી તેને પ્રેમ કરવા પર અફસોસ કે મને નથી તેની સાથે લગ્ન કરવા પર અફસોસ કે નહિ તેનું ઘર છોડવાનો અફસોસ. પણ જો હવે એ સામેથી નહીં આવે તો જરૂર હવે મને અફસોસ થશે આ બધી વાતો પર.

હું નથી ઈચ્છતી કે મારું લગ્નજીવન તૂટે,

મેં મારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા છે,

છેલ્લે તો હું ફરી એ બધાને મનાવવા ગઈ હતી સાસરે પણ એ લોકોને મારો જ દોષ દેખાતો હતો અને હું ફરી પરત આવી ગઈ પિયરે.

આજે દિવાળીની રાત છે અને મને યાદ છે કે અમે કઈ રીતે અમારી પહેલી દિવાળી ઉજવી હતી. 

હું બહુ ખુશ હતી કે મારી પહેલી દિવાળી હતી સાસરે અને એ લોકો પણ બહુ જ ઉત્સાહીત હતા મારાં માટે.

પણ ફક્ત એક વર્ષમાં જ મારી આખી દુનિયા બદલાઈ ગઈ, 

મારુ ઘર છૂટી ગયું, 

મારો પરિવાર અને મારા પતિ મારાથી દૂર થઈ ગયા,

જેને હું મારા લોકો સમજતી હતી હવે એ અજાણ્યા થઈ ગયા.

ભાઈ ભાભી આવતી કાલે ભાભીના પિયર જશે અને દીદી જીજુ એમના ઘરે પરત ફરશે,

ફરી મમ્મી પપ્પા મારી ચિંતામાં ઉદાસ રહેશે કારણ કે મને કોઈ લેવા નથી આવી રહ્યું કે હું ક્યાંય નથી જઈ રહી.

હું સીડી પર દિવાઓનો થાળ લઈને પાળી પર દિવાઓ રાખી રહી હતી, અહીંથી રોડ દેખાઈ રહ્યો હતો.

બાળકો ફટાકડા ફોડીને ખુશ હતા,

લોકો ઘરમાં રોનક કરીને,

ચારે તરફ ખુશીઓનો માહોલ હતો.

દિવાળીનો અંધકાર લોકો માણે છે કારણ કે એ પછી નવી સવાર નવા વર્ષ સાથે આવે છે પણ ખબર નહિ મારા જીવનમાંથી અંધકાર ક્યારે જશે ને નવી શરૂઆત થશે.

હું મારા વિચારોમાં મગ્ન હતી અને પપ્પા બોલ્યા,"અરે કુમાર !"

"આવો આવો"

"કહું છું સાંભળો છો.... નાના કુમાર આવ્યા છે."

મારી આંખો અશ્રુથી ભરાઈ આવી અને મેં નીચે એ તરફ મહા હિંમતે જોયું જ્યાં મારા "એ" ઊભાં હતા. એ પણ મને જોઈને ભાવુક થઈ ગયા.

બધા એમને જોઈને ખુશ થઈ ગયા અને એમની આગતા સ્વાગતામાં લાગી ગયા. પછી અમને એકાંત આપીને બધા ફટાકડા ફોડવા બહાર જતા રહ્યા.

પણ મજાલ છે કે મારા શ્રીમાન તેમના મોંમાંથી એક શબ્દ પણ બોલે, એ તો બસ મને અફસોસ સાથે જુએ છે. જાણે કોઈ ગુનો કર્યો હોય તેમ નજર ચોરી લે છે.

પણ મારાથી ચૂપ ન રહેવાય, મેં તો રડતા રડતા પૂછી જ લીધું,"સારું લાગ્યુને મારા વગર બધું?"

તે-"તને કેમ એવું લાગે છે કે મને તારા વગર બધું સારું લાગ્યું હશે ?"

હું-"મારી કમી વર્તાતી હોત તો તમે બહુ જ પહેલા આવી ગયા હોત."

તે-"મને મોડું થઈ ગયું ?"

હું-"તમને મારી કંઈ પડી નથી."

તે-"પડી નથી એટલે જ તો લેવા આવ્યો છું."

હું-"આટલો સમય વીતી ગયો તમે મને મળવા એકવાર પણ ન આવ્યા !"

"એકવાર પણ મારો હાલ ન પૂછ્યો ?"

તે-"મારામાં હિંમત ન હતી."

હું-"હવે હું શું સમજુ ?"

તે-"તું ઘરે પાછી આવીશ ?"

હું-"જો તમે મને લેવા આવ્યા છો તો...."

તે-"શું...?"

મને તેમનાથી ઘણી નારાજગી હતી, ઘણો જ ગુસ્સો હતો, ઘણી જ ફરિયાદો હતી પણ છતાં મને એ જ વ્યક્તિ જોઈએ છે હમેંશા માટે, એટલે મેં બધી જ જૂની વાતો પર ધૂળ નાંખી.

અમે સામે સામે સોફા પર બેઠા હતા અને હું ઊભી થઈને એમની તરફ ગઈ, મને આવતી જોઈને તેઓ પણ ઊભાં થયા.

હું રડતા રડતા એમને વળગી પડી અને તેઓ એ પણ મને એમના આલિંગનમાં છૂપાવી દીધી.

હું-"ચાલો આપણા ઘરે જઈએ."

તે-"હા, ચાલ."

લગ્નજીવનમાં નાના મોટા અણબનાવો ચાલતા રહે છે પણ તેનાથી લગ્નજીવન ભંગ કરવું યોગ્ય નથી.

કોઈ અન્યની વાતોમાં આવીને પોતાનો સબંધ ન બગાડવો જોઈએ.

એક લાસ્ટ ચાન્સ તો દરેક સંબંધને મળવો જોઈએ પછી તો જેવી કિસ્મત.


Rate this content
Log in

Similar gujarati story from Romance