Kinjal Pandya

Inspirational

5.0  

Kinjal Pandya

Inspirational

સ્વતંત્રતા

સ્વતંત્રતા

3 mins
500


સ્વતંત્રત દેશની આપણે સ્વતંત્ર પ્રજા. સ્વતંત્રતા એટલે આઝાદી. દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની, દેશના ગમે એ રાજ્યમાં રહેવાની, પ્રધાન સેવક કે મંત્રીઓને પસંદ કરવાની અને આપણે જ પસંદ કરી અને પછી એમના વિશે ગમે એ મંતવ્યો આપવાની, ગમે એ ધર્મ પાળવાની, ગમે એ વ્યવસાય કરવાની વગેરે બધી જ સ્વતંત્રતા આપણ ને છે અથવા તો આપણા દેશમાં છે. 


આપણો ભારત દેશ, આપણો સમાજ, આપણી સંસ્કૃતિ બધું જ એ ઋષીમુનીઓની દેન છે. આપણે સૌ એમની જ સંતાનો છીએ. એટલે એનો અર્થ એ થાય કે આપણામાં સંસ્કાર જન્મજાત જ આવેલા, આપણે સંસ્કારી પ્રજા. તો પછી એમનાં જ સંતાનો થઈને આ ઈશ્વરની ભૂમિને અપવિત્ર કેવી રીતે કરી શકીએ ? ભ્રષ્ટાચાર, લૂંટફાટ, બળાત્કાર વગેરે દૂષણો કેમ ? આપણી સ્વતંત્રતા સ્વચ્છદંતતામાં ક્યારે અને કેમ ફેરવાય ગઈ ? આપણે પાશ્વાત્ય સંસ્કૃતિ પાછળ આંધળી દોટ મૂકી છે. પણ એ તો જુઓ કે એ જ પરદેશીઓ હવે ભારત તરફ આકર્ષિત થઈને આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યાં છે. શ્રી કૃષ્ણ પોતે સ્વતંત્રતામાં માનતા હતા અથવા દ્રઢ પણે માનતા હતા એમ કહું તો અતિશયોક્તિ ન થાય. એમને પણ કદી બંધન ગમ્યા જ નથી. પણ હા, એ કદી સ્વછંદી નથી બન્યા.


હજી પણ મોડું નથી થયું. હજી આપણામાં માનવતા કયાંકને કયાંક ધબકે છે. તો સ્વતંત્રતાનો સદઉપયોગ કરી આવનારી પેઢીને સંસ્કારનો વારસો આપી જઈએ. કહેવાય છે ને કે "કૂવામાં હોય તો હવાડામાં આવે ને !" આપણે જ આપણાં પગ પર કુહાડી મારી રહ્યા છીએ પછી આપણાંથી આપણાં સંતાનો પાસે કોઈ અપેક્ષા ન રાખી શકીએ અને રાખવી પણ નઈ.


એક શિક્ષક તરીકે અથવા તો એક લેખક તરીકે મારી વિનંતી કહો તો એ અને ચેતવણી સમજો તો એ, કારણ આપણા પતન ના જવાબદાર આપણે જ છીએ. હા આપણે જ આજના મા-બાપ.


કારણ કહું એનું ? તો સાંભળો..

હું એક શિક્ષક છું, સામાજીક વિજ્ઞાનની અને વિરોધાભાસ જુઓ સાથે અંગ્રેજીની પણ. એટલે મારે અંગ્રેજીની સાથે સાથે આપણા સમાજથી પણ મારા બાળકોને, અરે મારા મિત્રોને, મારા વિદ્યાર્થીઓને તરબોળ રાખવાના. એક દિવસ આમજ રામાયણની વાત નીકળી બધા પાત્રોની ચર્ચા કરતા હતાં. તો મેં પૂછ્યું 'લક્ષ્મણની પત્નીનું નામ શું ?' કોઈ એ જવાબ ન આપ્યો. તમને ખબર છે ? થયું ચાલ કંઈ નહીં. બીજો સવાલ 'રામાયણ કોણે લખેલું ?' કોઈ જવાબ નહીં. પછી પૂછ્યું 'આપણા ધર્મ ગ્રંથો કેટલા અને કયા કયા ?' કલાસ આખો શાંત. 


'હવે તમે કેમ શાંત થઈ ગયા ?'

આ પ્રશ્નનો મારા ધોરણ દસના વિદ્યાર્થીઓને પૂછ્યા હતાં. આમાં દોશી જેટલાં મા-બાપ છે એટલાં જ અમે શિક્ષકો પણ છીએ. પાયામાં મા-બાપ સાથે અમે પણ આવીએ જ. તમારા નાનાં બાળગોપાળોને પહેલો શબ્દ અંગ્રેજીમાં A શિખવવા કરતાં પહેલો શબ્દ "રામ" લખતાં શીખવો. અને જો જો જલ્દી રામ લખતાં અને બોલતા પણ આવડી જશે કારણ એ આપણા લોહીમાં છે.


આપણે અંગ્રેજોથી તો આઝાદ થઈ ગયા પણ કાયમ માટે એમનાં ગુલામો થઈ જ ગયાં. ખરી સ્વતંત્રતા ત્યારે જ મળશે જ્યારે ફરી ભારત મહાન સંસ્કૃતિનું સિંચન અને જાળવણી કરશે. અને આવનારી પેઢીઓને સાચું જ્ઞાન અને સંસ્કૃતિનો વારસો આપશે.

જય હિંદ 

જય ભારત.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational