સવાશેર સૂતર
સવાશેર સૂતર


એક સમયની વાત છે. દિલ્હીની ગાડી પર અકબર નામનો બાદશાહ રાજ કરતો હતો. તેનો એક પ્રધાન હતો. તેનું નામ બીરબલ હતું. તે ખુબ જ બુદ્ધિશાળી હતો. કોઈ પણ સમસ્યાનો ઉપાય તે પોતાની બુદ્ધિથી તરત જ લાવી દેતો.
હવે એક વખતની વાત છે. અકબર નો સાળો એટલે કે અકબરની રાણીનો ભાઈ દિલ્હી આવ્યો. એ વખતે રાણીએ રાજાને કહ્યું, ‘ મહારાજ તમે મારા ભાઈને તમારો પ્રધાન બનાવો.’ આ સાંભળી બાદશાહ બોલ્યા, ‘રાણીજી એ હોંશિયાર હોવો જોઈએ. અને રાજમાં બીરબલ જેવો હોશિયાર પ્રધાન છે જ. તો પછી તમારા ભાઈને પ્રધાન કેવી રીતે બનવવા.’ આ સાંભળીને રાણી તો નારાજ થયા. અને રીસાઈ ગયા. તેમણે કહ્યું, ‘જ્યાં સુધી તમે મારા ભાઈને પ્રધાન નહિ બનાવો હું તમારાથી નહિ બોલું. હવે બાદશાહ સંકટમાં આવી ગયા.
બીજા દિવસે રાજાએ રાણીને કહ્યું, ‘સારું રાણીજી આપણે એક કામ કરીએ. આપણે તમારા ભાઈ અને બીરબલની કસોટી કરીએ. જે કસોટીમાં પાસ થશે તેને પ્રધાન બનાવીશું. ‘ રાણી આ માટે તૈયાર થઈ ગઈ. બીજા દિવસે અકબર બાદશાહે પોતાનો દરબાર ભર્યો. તેમણે બીરબલને અને તેમના સાળાને દરબારમાં બોલાવ્યા અને કહ્યું. ‘ હું તમને બંન્ને ને સવાશેર સૂતર આપું છું. આ સૂતરમાંથી તમારે લાખ રૂપિયા કમાઈને આવવાનું છે. તમારા બંનેમાંથી જે પહેલાં એક લાખ રૂપિયા કમાઈને આવશે તેને આ રાજનો પ્રધાન બનાવવામાં આવશે.’
આમ કહી રાજાએ બીરબલ અને તેના સાળા ને સવાશેર સવાશેર સૂતર આપ્યું. બંને જણા સૂતર લઈને નીકળી પડ્યા. રાણીના ભાઈ તો બજારમાં ફર્યા સૂતર વેચવા માટે. પણ હવે સવાશેર સૂતરના એક લાખ રૂપિયા કોણ આપે. એતો આખો દિવસ રખડ્યા પણ સૂતર વેચાયું જ નહિ. છેવટે થાકીને ઘરે પાછા આવ્યા. બીજી બાજુ બીરબલ સૂતર લઈને નગરમાં ગયો. અને જ્યાં લોકોના ઘર અને દુકાનો હતી ત્યાં તે વડે રસ્તાઓ માપવા લાગ્યો. આ જોઈ બધાં લોકો તેને પૂછવા લાગ્યા,
‘બીરબલજી, તમે આ દોરી વડે બધું શું માપો છો ?’ ત્યારે બીરબલે કહ્યું, ‘હું આ દોરી વડે રસ્તો માપું છું. અહીં નવો રસ્તો બનાવાનો છે. જેનું ઘર કે દુકાન આ દોરીની લાઈનમાં આવશે તેને પાડી દેવામાં આવશે.’
આ સાંભળી બધાં ગભરાઈ ગયા. બધાં પોતાનું ઘર અને દુકાન બચાવવા માંગતા હતાં. તેઓ બીરબલને કરગરવા લાગ્યા. અને લાંચ આપવા લાગ્યા. ‘લો પૈસા પણ રસ્તો અમારા ઘર અને દુકાનથી દૂર લઈ જાવો. આમ કરતાં કરતાં લોકો પાસેથી સાંજ સુધી સવા લાખ રૂપિયા ભેગા થઈ ગયા. બીરબલ તે રૂપિયા લઈને દરબારમાં આવ્યા. બીરબલે બાદશાહને જણાવ્યું કે તેને સવાશેર સૂતરમાંથી સવા લાખ રૂપિયા કેવી રીતે કમાયા. આ જોઈએ રાજાએ રાણી ને સમજાવ્યા કે, ‘જોયું બીરબલ કેવો હોશિયાર છે. આપણા રાજ માટે આવો હોશિયાર પ્રધાન જ જોઈએ. તમારા ભાઈને હું બીજી કોઈ નોકરી આપું છું.’ આમ કહી રાજાએ રાણીને મનાવી લીધા.