STORYMIRROR

Raman V Desai

Inspirational

2  

Raman V Desai

Inspirational

સત્ય અને કલ્પના

સત્ય અને કલ્પના

3 mins
7.7K




કવિ કવિતા લખે, સાહિત્યકાર લેખો લખે. તેમના પ્રત્યે લોકોને એક પ્રકારનો સદ્ભાવ થાય એ બધું ઠીક છે. તેમની કૃતિઓની પ્રશંસા થાય તે કવિપત્નીને ગમે પણ ખરી. ભારતમાં કવિઓ અને સાહિત્યકારો પ્રતિષ્ઠા કદાચ પામે, પણ સંપત્તિ પામતા નથી એ જાણતી વાત છે. ધનપતિના બંગલા અને મોટરકાર, અમલદારની આસપાસ ઊડતા સત્તાના ફુવારા અને પ્રધાનોની આસપાસ ફરી વળતાં માનવટોળાંના જયપોકાર સાહિત્યકારનું નહિ, તોય તેની

પત્નીનું ધ્યાન જરૂર ખેંચે છે.

'અચલ ! આજ ભાષણ કરવા પગે ચાલીને જવાનો હોઈશ, ખરુંને ?' અચલને વ્યાખ્યાનો આપવા માટે ઘણાં આમંત્રણો મળતા એવું એકાદ આમંત્રણ સોનાના ધ્યાનમાં આવતાં તે હસીને પૂછતી.

કોઈ કોઈ વાર અચલને તેડવા માટે મોટરકાર આવતી : પણ તે કોઈ શેઠિયાની મિલમાંની ગાંસડીઓ ભરી જવા માટેની, હૉર્ન વગરની. ચાર જગાએ વિશ્રામ પામતી મોટરકાર મોટે ભાગે હોય. કદાચ ગાડી આવે તો પગે ખોડવાળા ઘોડાથી દોરાતી, પૈડાંના અડધા રબરને લટકાવતી, ફાનસ વગરની હોય. ઘણું ખરું સાહિત્યકારો માટે પગે ચાલવું જ સલામતી ભરેલું હોય છે.

‘રાહ જોઉં છું. કોઈ વાહન નહિ આવે તો પગે ચાલતો જઈશ.' અચલે જવાબ આપ્યો.

અચલની ટપાલ ઘણી ભારે હતી. વર્તમાનપત્રો. માસિકો, વાર્ષિકોના થોકડા તો આવી પડતા હોય જ; ઉપરાંત, લેખ લખવા માટેના આગ્રહભર્યા પત્રો પણ સારા પ્રમાણમાં આવતા. વળી, તેના સાહિત્યની ચર્ચા કરતાં પત્રો પણ સારા પ્રમાણમાં આવતા. અચલના પાત્રનું સ્ખલન એ એના પોતાના જીવનનો પડઘો છે કે કેમ ? અમુક સ્ત્રી પાત્રને તેના પ્રેમી સાથે ન પરણાવી હતી તો વધારે ન્યાય સર થાત કે નહિ? તેના વિચારો પ્રગતિશીલ ગણાય કે નહિ? આવા આવા ચર્ચા માગતા પત્રો પણ તેના ઉપર આવતા. કોઈ પ્રાથમિક

પ્રયત્ન કરતો લેખક સૂચના અને આશીર્વાદ પણ માગે. લગ્ન-ઉત્સુક વાચકો તેની પાસે મંગલાષ્ટકોની માગણીઓ કરતા, અને કેટલાક પત્રો લેખ નહિ તો પ્રેરણાત્મક સંદેશા પણ માગતા.

'આજની ટપાલ તો ઘણી જ ભારે છે, અચલ !' પત્રો વાંચવામાં મશગૂલ બનેલા અચલને સોના કહેતી.

'હા.' સોનાના કથનમાં રહેલા કટાક્ષને સમજી અચલ એકાક્ષરી ઉત્તર આપતો,


‘પણ એમાં એકે ચેક નહિ હોય.'

'આ મહિને તો લગભગ સો રૂપિયાના ચેક આવી ગયા છે.'

‘ઘણી ભારે રકમ મળી, ખરું ?'

'જે જીવનમાર્ગ લીધો એનાં સુખદુઃખ સ્વીકારવાં જ રહ્યાં ને?'

'સુખ અને દુઃખ હોય તો સ્વીકારવા હરકત નહિ; પણ આ તો એકલું...'

'દુઃખ છે, એમ ને? સોના ! મેં તને કેટલી ના કહી હતી કે તું મારી સાથે લગ્ન ન કરીશ? કવિઓ અને લેખકોનાં જીવન મૃગજળ સરખાં હોય છે.'

‘મૃગજળ તો આંખે દેખાય પણ ખરું !'

'સોના ! મંથન કરું છું. મજૂરી કરું છું. ઉજાગરા પણ કરું છું. આ સાહિત્યજીવનમાં સમૃદ્ધિ હોતી જ નથી. હવે ચીલો બદલવા માટે પણ તક નથી, સોના !'

'દુ:ખ ન કરીશ. અચલ ! હું તો અમસ્તી જ કહુ છું, હસવા માટે.' સોનાએ વાત ફેરવી. બોલ વાગે છે એમ એ જાણતી હતી. વધારે સુખ, ચમક અને સગવડ મળે એમ એ ઈચ્છતી હતી જરૂર. સાહિત્ય આપે તો માત્ર પ્રતિષ્ઠા : એનો અર્થ પૂરોપૂરો એ લગ્ન પહેલાં સમજી શકી ન હતી. હવે એણે અર્થ ઉકેલ્યો; પણ એ ગમ્યો નહિ, સાહિત્ય, ધન અને સત્તા ત્રણેનો ત્રિભેટ જેનામાં હોય એ પુરુષ આદર્શ પતિ બની શકે એવી અસ્પષ્ટ કલ્પનાને એ સતત દબાવી રાખતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational