સત્ય અને કલ્પના ૫
સત્ય અને કલ્પના ૫
ચીસની પાછળ આખા ઘરમાં ઝબકારો ફેલાવતો પ્રકાશ વ્યાપી ગયો. ઘર ઘણું નાનું હતું. મહેલાતોનાં વર્ણન આપતાં લેખકેના ઘર હથેલી કરતાં મોટાં હોતાં નથી, એક ઓરડી મૂકી બીજા ખંડમાં દોડીને પ્રવેશ કરવા માગતાં પતિપત્નીએ જોયું કે બાળકી કલ્પના એક અગ્નિભડકામાં ઘેરાઈ ગઈ હતી. શાથી આગ લાગી એનો વિચાર કરવાનો સમય જ નહોતો. અગ્નિભડકામાં પેસી શકાય કે કેમ એનું નિરાકરણ કરવા માટે એક ક્ષણ પણ મળે એવી નહોતી. દોડીને અગ્નિમાં કૂદવા જતી સોનાને હાથ વડે રોકી અગ્નિચક્રમાં અચલે પ્રવેશ કર્યો. બળતી કલ્પનાને ઊંચકી પોતાના દેહ સાથે ચાંપી, ઢાંકી, એ વીજળીની ઝડપે બહાર આવ્યો. પાસે પડેલા ગોદડાંવડે એણે કલ્પનાનાં બળતાં કપડાં હોલવી નાખ્યાં. તેના પોતાનાં સળગેલાં કપડાં, હોલવવા મથતી સોનાને દુર ખસેડી તેને ખેંચી કલ્પનાને લઈ તે બહારના ખંડમાં દોડી આવ્યો, અને આવતાં બરોબર બેભાન બની જમીન પર પટકાઈ પડ્યો. પડતે પડતે એણે જોયું કે કલ્પનાની આંખમાં જીવન છે અને અનેક માણસો ખંડમાં ભેગાં થઈ ગયાં છે. સોનાને પણ તેની આંખે ખોળી કાઢી અને અનેક માણસોને સચેત બનાવતો આ લેખક ભાનવિહીન બની ગયો. એનું સત્ય અને એની કલ્પના અને એની ભાવવિહીનનામાં ડૂબી ગયાં.
એ જાગ્યો ત્યારે મોટા દવાખાનાના એક ખાટલામાં પોતે સૂતો હતો એમ તેને ભાસ થયો. ડોકટર, નર્સ અને સોનાની આંખો તેના મુખ પર ત્રાટક કરી રહેલી એણે જોઈ.
'સોના ! કલ્પના ક્યાં ? હું અહીં ક્યાંથી ?'અચલે બહુ જ ધીમેથી પૂછ્યું.
અને સોનાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો રેલાયા. એકાએક અચલને ખ્યાલ આવ્યો કે તે તો કલ્પનાને દાઝતી બચાવતાં દાઝ્યો હતો.
'કલ્પનાને લાવો. નહિ તો જિવાશે નહિ.' અચલે કહ્યું. દાઝેલી કલ્પનાને લઈ સોના આવી. અચલે તેને પાસે લેવા ઈચ્છા કરી. ન હાથ ઊપડ્યો, ન પગ ઊપડ્યો, ન શરીર ઊંચકાયું. અચલ પોતે કેટલી ભયંકર ઈજા પામ્યો હતો તેનો એને પોતાને છેક હવે ખ્યાલ આવ્યો. કલ્પનાને આંખથી જ સ્પર્શી અચલે આંખ મીંચી દીધી. ભાન ભૂલતાં ભૂલતાં તેણે ડૉક્ટરનો પુરુષકંઠ સાંભળ્યો :
'હવે કહી શકાય કે એ ભયમુક્ત છે.'
'એમ? ચોકસ ?' સોનાનો અવાજ સંભળાયો.
'સોએ સો ટકા. અચલકુમારની પાછળ તમને અમારાથી બળવા દેવાય ?' ડૉક્ટરે હસીને કહ્યું.
અચલને સારું નહિ થાય તો પોતે તેની પાછળ આપઘાત કરશે એવી સોનાની ધમકી ડૉક્ટરે યાદ કરી.
હવે અચલ નિત્ય જાગવા માંડ્યો–વધારે અને વધારે સમય સુધી. દાઝી ગયેલા તેના હાથ, પગ, છાતી અને મુખ તેને બહુ
જ પીડા કરતાં હતાં. અસહ્ય પીડા સહન કરવાની શક્તિ કુદરત દર્દીને આપી દે છે; પરંતુ દર્દીની સારવાર કરનારની આંખે એ પીડા સહી જતી નથી. સોનાને રોજ ચોધાર આંસુએ રોવું પડતું.
'સોના ! આમ રડી રડીને તું કેવી દૂબળી પડી ગઈ છે?' અચલ કહેતો.
'તારી પીડા મારા ઉપર પડો એવું હું રોજ પ્રભુ પાસે માગું છું.' સોનાએ કહ્યું.
'કારણ? એ શી ઘેલછા ?'
'અચલ મને પ્રાણ કરતાં પણ વધારે વહાલો છે માટે.'
અચલ થોડી વાર આંખ મીંચીને સૂઈ રહ્યો. જરી વાર રહી તેણે આંખ ઉઘાડી. હાથેપગે તો પાટા હજી બાંધેલા જ હતા. થોડા ભાગ ઉપર આછું દઝાયાથી રૂઝ આવી ગઈ હતી. પાટો છૂટ્યો હતો છતાં ધોળાશભર્યા ચાઠાં દેહ ઉપર દેખી શકાય એવાં હતાં. આંખ ઉઘાડતાં તેની આંખ એવાં એકબે ચાઠાં ઉપર પડી અને અચલની આંખમાં તિરસ્કાર અને મુખ ઉપર તિરસ્કારભર્યું સ્મિત સોનાએ નિહાળ્યાં.
'કોને હસે છે તું ?' સોનાએ જરા આશ્ચર્યથી પૂછ્યું.
‘અચલના દેહને ! અને દેહના બચાવનારને !' અચલે કહ્યું.
'બચાવનારને ભલે તું હસે ! મારા અચલના દેહને કોઈ હસશે તે હું સાંખીશ નહિ.' સોના બોલી.
'હું જાતે મને હંસુ તો ય નહિ ?' અચલે પૂછ્યું.
‘ના; અને તારામાં હસવા જેવું છે શું ?'
'અગ્નિએ દેહ ઉપર કેટલાં ય કદરૂપાં ચાઠાં પાડ્યાં હશે !'
'કદરૂપાં ચાઠાં ? અચલ ! માનવી તને કાંઈ આપી શક્યો નહિ, એટલે કુદરતે તને સોનારૂપાના ચાંદથી ભરી દીધો. મને બહુ ગમે છે...'
'કોણ? હું કે ચાઠાં ?'
'તું, ચાઠાં સાથે ! '
'દીકરીને દાઝતી બચાવી એ વીરત્વ માટે ?'
'હા. અને એ સિવાયના કૈંક અજાણ્યા વીરત્વ માટે.'
'મને ખબર નથી મારું બીજું વીરત્વ.'
'દવાખાનામાંથી આપણે ઘેર જઈએ એટલી જ વાર છે. પછી હું તને તારી બધી વાર્તાઓ કહી સંભળાવીશ.'
'મારી વાર્તા ? એકાદ-બે તો કહે ?'
'તને જોવા આવનાર સેંકડો માણસો તારી સેંકડો વીરવાર્તા મને કહી ગયા છે. તારી સારવાર કરનાર ડૉકટરને તેં જીવને જોખમે ડૂબતા બચાવ્યા હતા.
'એમ ?' અચલે અજ્ઞાન દર્શાવ્યું.
'અને પેલાં નર્સ બહેન શું કહેતાં હતાં ? એક વર્ષ સુધીના તારા એક ટંક ભોજનનો ખર્ચ એ એમના ભણતરની કિંમત...'
'ઓહો ! મને ખબર નથી...'
'અચલ ! તારી સાચી ખબર મને જ ન હતી. હવે હું કદી નહિ પૂછું કે તું તારી વાર્તાનો એકાદ વીર પ્રસંગ જીવી શકે કે નહિ !'
'સોના ! મને ભય છે કે આ અપંગ બનેલા હાથે હવે મારાથી એકે વાર્તા લખાશે નહિ. બન્ને જૂઠા પડી જતા લાગે છે.' શોકની છાયા અચલના મુખ ઉપર ફરી વળી.
'મારા હાથ કોને માટે છે? તું બોલજે, અને હું લખીશ.' દ્રઢતાપૂર્વક સોના બોલી.
'મને લાગે છે. સોના ! ...કે વૈશ્વાનરે* મારી કલ્પનાને પણ બાળી મૂકી હોય..' અચલ બોલ્યો. ગર્જના કરતા મેઘની ચમક મેઘમંડલમાં જ સમાઈ જતી હોય એવું નિષ્ફળતાસૂચક ખાલીપણું અચલની વાણીમાં અવતર્યું.
વૈશ્વનર અગ્નિ
'તો ય શું ? તારી માંદગીમાં તારા વીરત્વની મેં એટએટલી વાતો સાંભળી કે હું જીવનભર અચલ બનીને તારી જ વાર્તાઓ લખીશ તો યે ખૂટશે નહિ.'
'તું અચલ બનીશ ?...પછી હું શું બનીશ?' સહજ હસી અચલ બોલ્યો.
'હું તને મારી સોના બનાવી મારા હાથમાં રાખી ફરીશ... જેમ તેં મને રાખી છે તેમ...'
'સોના !...' અચલની આંખમાં કદી ન દેખાયેલાં અશ્રુઆકાર ધારણ કરી રહ્યાં.
અચલથી તો પોતાને હાથે અશ્રુ પણ લુછાય એમ ન હતું. સોનાએ અચલનાં અશ્રુ લૂછતાં લૂછતાં પોતાનાં અશ્રુ પણ મુખફેરવી લૂછી નાખ્યાં.
પડદા પાછળથી ડોકિયું કરતાં ડૉકટરે કહ્યું :
'જે સારવાર કરનાર દર્દીને રડાવે એને દર્દી પાસે બેસાડાય નહિ.'
'મારી ભૂલ થઈ, ડૉકટર' સોનાએ કહ્યું અને પોતાના મુખને પી જતી અચલની આંખોમાં સોનાએ પોતાની દ્રષ્ટિ ઢાળી દીધી.
કલ્પના અને સત્ય એક બની જાય એવી એ ક્ષણ હતી. એ ક્ષણોને લંબાવતાં આવડે તો આખું જીવન કલ્પના અને સત્યની હરીફાઈ મટી તલ્લક છાયો બની જાય.
અચલની આંખો બોલી ઊઠી :
'સોના ! તારા ભેગાં જીવી શકાશે– હું અપંગ હોઈશ તો ય.'
સોનાનું હૃદય ગર્વથી ફૂલ્યું. એણે પતિની પસંદગીમાં ભૂલ કરી ન હતી. એના કલ્પનાવર્તુલ કરતાં પણ સત્ય અચલ વધારે મોટો લાગ્યો- તે ધનિક કે સત્તાધીશ ન હતો છતાં !
