સત્ય અને કલ્પના ૪
સત્ય અને કલ્પના ૪
જીવંત માનવીનું વય કાળ જરૂર વધારે જાય છે. સોના, અચલ અને એની પુત્રી મોટાં થયે જતાં હતાં હતાં. અચલની લખેલી કવિતાઓ અને વાર્તાઓ પણ વધતી જતી હતી, પરંતુ એમાંથી એવું ધન મળતું નહિ કે જે બંગલાની, મોટરકારની અને પહેલા વર્ગની મુસાફરીની સગવડ આપી શકે. તુલના કરતાં સોનાના હૃદયમાં સતત પ્રશ્ન ઊઠતો: શું સારું ? સાહિત્યપ્રતિષ્ઠા કે સગવડભર્યું વાતાવરણ? ગરીબી કે ધન ? ધનની તરફેણમાં ઘણી વાર તુલા નીચે નમતી. સફળ સાહિત્યકારને પતિ તરીકે સ્વીકારવાને બદલે એક સફળ ધનપતિને કે એક સફળ અમલદારને તે પરણી હોત તો વધારે સારું થાત એમ ઝાંખી, ભૂંસી નાખવાપાત્ર ભાવના કોઈ કોઈ વાર તેના હૃદયમાં તરી આવતી ખરી.
અચલે એક વીરરસભરી વાર્તા લખી. વાચકો એ વાર્તા ઉપર ફિદા થઈ ગયા. યુવતીઓએ તેના ફોટોગ્રાફ મંગાવ્યા, હસ્તાક્ષર માગ્યા અને અનેક યુવકો અચલ તરફ આંગળી ચીંધી તેને ઓળખવા-ઓળખાવવા લાગ્યા. વિવેચકોએ પ્રશંસા વર્ષાવી અને એક સંસ્થાએ અચલને ઈનામ પણ આપ્યું–જેની કિંમતમાંથી ચાર માસની ચા પણ ન નીકળે ! સાહિત્યકારોને મળતાં ઇનામ માત્ર સંકેત રૂપ જ હોય છે.
સોનાને આ પ્રતિષ્ઠા ગમી ખરી; પરંતુ એ પ્રતિષ્ઠા તેને ભાગ્યે જ દુનિયાની એકાદ સગવડ પણ આપતી હોય. અચલની પત્ની તરીકે તેને નમસ્કાર ઠીકઠીક મળતા, સભાઓમાં આગળ બેસવાનો આગ્રહ પણ તેને થતો. ત્રીજા વર્ગની મુસાફરીમાં કોઈ ભણેલી, અર્ધભણેલી અચલના નામને ઓળખતી સ્ત્રી હોય તો બેસવાની જગા કરી આપે. કદી યુવકયુવતીવૃંદ અચલની પત્ની તરીકે આશ્ચર્ય ભાવથી તેને નિહાળી પણ રહે તેથી વધારે સાહિત્યકારની પત્નીને શું મળી શકે?
સોના ખરેખર એક સત્પત્ની હતી. સાહિત્યકાર પતિની આસપાસ એણે ઊભી કરેલી કલ્પનાના રંગ ફટકી જતા હતા. અને સત્ય એટલે સાહિત્ય તથા સાહિત્યકાર માટે તિરસ્કાર કે અણગમો તો નહિ; પરંતુ એક પ્રકારનું છાપણું–લઘુતાગ્રંથિ તેના હૃદયને કોર્યા કરતી હતી એમાં જરા ય સંદેહ નહિ. છતાં અચલને તે દુઃખ દેતી હતી એમ કહેવું સોનાને અન્યાય કરવા બરાબર ગણાય. માત્ર
પોતાની કલ્પનાના બીબામાં દિવસે દિવસે અચલ નાનો પડતો જતો હતો, અને કોઈ કોઈ વાર એ સત્ય તેની પાસે એવાં વાક્યો ઉચ્ચારાવતું કે જે સોનાના માનસને અચલ આગળ પૂર્ણ રૂપે પ્રતિબિંબિત કરતું.
'તારી છેલ્લી વાર્તા બહુ વખણાઈ, અચલ !' સોનાએ કહ્યું.
'હા.' અચલે કહ્યું. ઘણી વાર અચલ સોના સાથે લંબાણથી વાતચીત કરતો નહિ, અને ઘરમાં પોતાની અવરજવર પણ અનિયમિત બનાવવાનું અચલે શરૂ કર્યું હતું.
‘વખાણ સર્વથા સાચાં હોય ખરાં ?'
'ના, જરા ય નહિ.'
સોના સહજ હતી. એના હાસ્યમાં કોઈ ગૂઢ પ્રશ્ન હતો. કદાચ અચલ એ પ્રશ્ન સમજી પણ ગયો હોય; પરંતુ એણે પ્રશ્ન કે ઉત્તરનું સૂચન ન કરતાં પોતાની નવી વાર્તા શરૂ કરી. પતિપત્નીના સંબંધ કોઈ કોઈ વાર હરીફાઈના સંબંધ બની જાય છે, અને એ હરીફાઈ માનસિક કે શારીરિક યુદ્ધે ચડે ત્યારે સમાજ છૂટાછેડા પુકારે છે. બહુ ઓછું બોલતા કટાક્ષને ન ગણકારતા, કલ્પનાના બધા રંગોમાં બંધ બેસતા ન આવતા, પ્રશ્નોત્તરીમાં ઊતરી પત્નીનો વિજ્ય ન સ્વીકારતા પતિને આર ઘોંચી ઉશ્કેરવાનું મન કોઈ પણ પત્નીને થાય એમાં નવાઈ નહિ. સોનાએ પૂછ્યું.
'વખાણ સાચાં નહિ તેમ વાર્તા પણ સાચી નહિ; ખરું ?'
'એટલે ?'
'તેં જે વીરરસભર્યાં પાત્રો સર્જ્યાં છે એ સાચાં નહિ જ ને?'
'જૂઠાં તો નહિ જ.'
'મને એમ કહે ને કે તેં જે વીરતા વર્ણવી છે એમાંની તું કયી વીરતા બતાવી શકે?'
'સોના તારું કહેવું સાચું હશે. લેખક તરીકે તે મારી ચીતરેલી છબી કરતાં હું વધારે કદરૂપો નીવડ્યો છું...પણ વિચાર, ભાવના,
કલ્પના જ સત્યને ઘડે છે એવી મારી તો ખાતરી થઈ ગઈ છે...' સૌમ્યતા અને બળ વચ્ચે ઝોલાં ખાતા અચલે કહ્યું.
'ખોટું લાગ્યું ? વાતવાતમાં આવો રિસાળ કેમ બની બેસે છે ?'
'ખોટું મને તારા ઉપર નહિ, મારા ઉપર લાગે છે. તું માગે છે એવો હું કેમ બની શકતો નથી?'
'તારા ઉપર કશું લઈ લઈશ નહિ. હું તો માત્ર એ જ જોયા કરું છું કે સત્ય વિચારને, ભાવનાને અને કલ્પનાને મરડી મચડી કદરૂપાં બનાવી દે ખરાં..અને કલ્પનાએ ચીસ પાડી શું ? આવડી મોટી ?...'સોનાની વાત અટકાવતી પુત્રીની ચીસ સાંભળી અચલ અને સોના બને ક્ષણભર કંપી ઊઠ્યાં. પુત્રીનું નામ સોનાએ કલ્પના પાડ્યું હતું, અને નામનવીનતાનો પોતાનો શોખ પુત્રીમાં પૂર્ણ કર્યો હતો.
