સત્ય અને કલ્પના ૨
સત્ય અને કલ્પના ૨
અચલ કવિ હતો – કહો કે સાહિત્યકાર હતો. કવિઓને હવે એકલી કવિતા લખે પરવડતું નથી. સત્ય એ કે એનો દેહ હતો હાડમાંસનું જ માળખું. પરંતુ એ કવિતા લખતો, વાર્તા લખતો; લેખ લખતો; એટલે એના નામની આસપાસ, એના દેહની આસપાસ, એના મુખની આસપાસ વાચકજનતાએ કલ્પનાના અનેક રંગો રંગી, અચલ જાણે એક મેઘધનુષ્યની કણકમાંથી બનાવેલો માનવી હોય એમ ધારી લેવા માંડ્યું, અને એમાંથી સોના નામની એક કિશોરી કે યુવતીએ તે એ રંગીન કવિ અચલને પોતાનું જીવન સમર્પી દીધુ.
જીવનસમર્પણનો અર્થ પત્ની બનવું ! નહિ? પત્ની બન્યા વગર સ્ત્રીથી જીવનસમર્પણ થાય જ નહિ એવી સૃજનજૂની માન્યતા હજી છેક જૂની બની ગઈ નથી. અચલને પણ એમાં કશી હરકત દેખાઈ નહિ. કવિની આંખને સ્ત્રી માત્ર સારી દેખાય છે, એટલે એ બિચારા કોઈ કોઈ વાર વગોવાય છે પણ ખરા; અને સ્ત્રી, આંખને દેખાય છે એવી જ સારી છે કે કેમ એની ખાતરી કરવા પોતાના પ્રત્યે આકર્ષાયલી કોઈ પણ સ્ત્રીને સંકેત-અવલંબનરૂપે વળગી તેનું પતિત્ત્વ કવિઓ પણ સ્વીકારી લે છે.
આમ અચલ અને સોના પતિ પત્ની બની ગયાં. બીજાઓ તો તેમને અભિનંદન આપે જ, શા માટે નહિ? જ્યારે જિંદગી જ જુગાર છે ત્યારે જિંદગીનાં મુખ્ય તત્વો પણ જુગારનાં જ પગલાં હોય ને ? તેમાં યે લગ્ન સરખો રોમાંચક જુગાર બીજો એકે ન જ હોય. લગ્નજીવનમાં સત્ય અને કલ્પના એકબીજેની પાછળ ખૂબ ઝડપથી દોડે છે, વાદ્ય પણ ઊંચામાં ઊંચા સપ્તકે પહોંચી વાગે છે,
અને સત્ય તથા કલ્પના એકબીજાની સાથે ઝઘડી ઊઠી, અંચઈનો આરોપ પરસ્પર મૂકી એકબીજાંને ખુરશી ઉપરથી ઉઠાડી મૂકવાની ખેંચાખેંચી પણ કરે છે. લગ્નમાં કાન ફાડે એવાં વાજાં વગાડવાનો વર્તમાન રિવાજ બહુ જ ઉચિત – સૂચક છે. લગ્નમાં બનતું ઘણું ઘણું જોવા-સાંભળવા લાયક ન પણ હોય.
લગ્ન પછી થોડા માસ તો દંપતીજીવનમાં સ્વર્ગ ઊતરી આવે છે. પછી એ સ્વર્ગ નિત્યનું બની જાય છે, એટલે ચાલુ સ્વર્ગના ફરનિચર-કાટમાળમાં સુધારાવધારો અને ફેરફાર જરૂરી બની જાય છે. એક દિવસ સોનાએ પૂછ્યું :
'અચલ ! તું મારું નામ કેમ બદલતો નથી ?' ઘણી પત્નીઓ લગ્ન પછી પતિ પાસે પોતાનું નામ બદલાવવા ઈચ્છે છે.
‘શા માટે બદલું ? આવું સરસ નામ છે ને?' અચલે કહ્યું.
'શું સરસ? સોના તે કાંઈ નામ છે? જૂનું પુરાણું.'
'સોનેરી શરીર, સોનેરી સ્વચ્છતા, સોનેરી ચમક. નામ કોઈને પણ શોભતું હોય તો તેને જ શોભે છે. સોના...! બોલતાં જ હૈયું હલી જાય છે.' અચલે કહ્યું.
'મારા મનમાં કે તું કવિ કે લેખક છે એટલે મારું નવું નામ પાડીશ. અલકનંદા, બકુલાવલી, ઉન્મેષા, પદ્મજા.. કે એવું કાંઈ...'
'નહિ, નહિ, નહિ. બે અક્ષરનું નામ હોય તે કોઈએ બદલવું જ નહિ. કાદંબરીના આખા વાક્ય જેવડું નામ હોય તો ય અંતે તેને બે અક્ષરી જ બનાવવું પડે. મારું જ નામ તું કેવું બગાડી મૂકે છે?...બે અક્ષરમાં લાવવા માટે?'
સોનાનું નામ સોના જ રહ્યું : પતિ કવિ અને લેખક હોવા છતાં !
દિવસો તો વહ્યા જ જાય ! સમય સર્જાયો જ છે પસાર થવા માટે. એમાં બને ઘણું ઘણું; પણ આપણને બનાવોની ખબર જ ઓછી પડે. કવિતા લખવા છતાં કવિઓ પિતા પણ બની શકે છે એ ભૂલવા સરખું નથી.અચલ એક પુત્રીનો પિતા પણ બની ચૂક્યો,
અને પિતા તરીકેના ભાવને સુંદર શબ્દોમાં ઉતારતું એક કાવ્ય પણ તેણે લખી નાખ્યું, જેની ચારે પાસ પ્રશંસા થઈ. પ્રશંસાના પત્રો વાંચતાં વાંચતાં સોનાએ હસીને કહ્યું :
'અચલ ! તેં છોકરીની તો કવિતા લખી. પણ..'
‘પણ શું ? તને ન ગમી, સોના?'
'મને બહુ ગમી. જાણે મારું જ મન તેં શબ્દમાં ઉતાર્યું. પણ... તેં મારા ઉપર એક કવિતા ન લખી ! એમ કેમ?'
'તારા ઉપર ? કવિતા? મેં જે પ્રેમકવિતાઓ લખી છે, જે પ્રેમમૂર્તિઓ મેં સર્જી છે, એમાં કાંઈ ને કાંઈ તારી ઝાંખી તો ખરી જ.'
'મને સારું લગાડવા જૂઠું બોલવાની જરૂર નથી.'
'તો સાચી વાત કહું? તારે માટે, તને ઉદ્દેશીને મેં એકે કવિતા ન લખી એનું સાચું કારણ...'
'કહે, અટકે છે કેમ?'
‘તું, તારું સૌંદર્ય અને તારા પ્રત્યેની મારી ઊર્મિ, શબ્દોથી– કવિતાથી પણ પર છે. તેને જોઉં, તને યાદ કરું, એ જ તારી કવિતા.'
સોનાને અચલની દલીલ બહુ ગોઠી નહિ. પતિ પાસે કાવ્યરૂપી ખંડણી તેને જોઈતી હતી.
