સપ્તરંગી સંબંધો
સપ્તરંગી સંબંધો
વેદિકા લગ્ન કરીને સાસરે આવી ત્યારે નક્કી કર્યું કે ' ઘરના બધા સભ્યો સાથે મારે સપ્તરંગી સંબંધોથી જીવનની શરૂઆત કરવી છે. તેમની સાથે વિશ્વાસ અને નિષ્ઠાથી બધા સાથે હળી મળીને એમના દિલના નજીકથી એમની લાગણીઓને પામવી છે, કારણ કે એ જાણતી હતી કે; જ્યાં સુધી સપ્તરંગી સંબંધમાં હું મારી જાતને નહીં ભેળવી શકું ,ત્યાં સુધી હું મારા જીવનમાં સપ્તરંગી મેઘધનુષ્યના રંગ નહિ ભરી શકું, હું હુંફ, લાગણી, વિશ્વાસ, હક, ફરજ, આદર, પ્રેમ આ સાત રંગોથી બધાને નજીક નહિ લાવી શકું ત્યાં સુધી હું સફળ વહુ ગણાઈશ નહિ, તેમજ એ લોકો પણ મારી નજીક આવશે નહીં.
સપ્તરંગી રંગો ભરવા એટલે જીવન સફળતાના શિખરે પહોંચાડવું, આ વાક્ય એના દાદીમાએ શીખવ્યું હતું કે "બેટા "સાસરે જઈને બધા સાથે સપ્તરંગી સંબંધમાં બંધાઈ જઈશ તો તું ક્યારે પણ તારા જીવનમાં નિષ્ફળ બનીશ નહિ."
આજે વેદિકા એ વાક્યને યાદ રાખી પોતાના પ્રયત્નો શરૂ કર્યા.એ સવારે વહેલા ઊઠી જતી એના સાસુ- સસરાને પગે લાગતી અને હંમેશા ત્યાંથી તેની સફર શરૂ થતી. ઘરમાં તેની નણંદ અને દિયર હતા. તેમનું પણ પૂરેપૂરું ધ્યાન રાખતી એના પતિને પણ દરેક બાબતે કોઈ ફરિયાદનો મોકો આપતા નહીં આના કારણે ધીમે ધીમે વેદિકા તેના ઘરમાં બધાની લાડલી બની ગઈ. વેદિકાને થયું કે; દાદીમાની શિખામણ અનમોલ હતી, જેના લીધે હું સ્વર્ગમાં જીવું છું એવો અનુભવ થયો.
એક દિવસ વેદિકા પોતાના ઘરે હતી ત્યાં એની મિત્ર મોનિકાનો ફોન આવ્યો અને કહ્યું ; વેદિકા હું મારા ઘરમાં ખૂબ જ ત્રાસી ગઈ છું, દરેક જોડે હું સેટ થવા ખૂબ જ પ્રયત્ન કરું છું, હું બધાને સાથે રહીને પોતાની જિંદગી સફળ જીવું તેવી ઈચ્છા રાખું છું, પણ કોઈ મારી સાથે સેટ થઇને જીવવા તૈયાર નથી.
વેદિકાએ કહ્યું ;મોનિકા ધીરજ રાખ, હંમેશા ધીરજના ફળ મીઠા હોય છે. મોનિકા તું પહેલા પોતાના દિલમાં બધાની જગ્યા બનાવ. આપણું જીવન સપ્તરંગી રંગોથી ભરેલું છે એમાં બધા જ પ્રકારના રંગ એટલે કે લાગણી, હૂંફ, પ્રેમ, ફરજ, વિશ્વાસ, હક, આદર આ બધા જ રંગો ભરેલા છે, તું તારા જીવનમાં આ બધા સપ્તરંગી રંગો ભેળવી લે. તું પછી જો તારું જીવન સપ્તરંગી રંગોથી ભરાઈ જશે, કારણ કે આપણે એક સ્ત્રી છીએ અને સ્ત્રીને આ તમામ રંગોથી પોતાની જાતને રંગતા આવડવું જોઈએ તો જ એ પોતાના જીવનમાં સફળતાની નારી બની શકીએ અને જીવન પણ સપ્તરંગી સંબંધોમાં મહેંકતું બની શકે છે, એટલું સાંભળતા જ મોનિકાને થયું કે; વેદિકા તારી વાત સાચી છે, હવે "જાગ્યા ત્યાંથી સવાર "હું આ સપ્તરંગી રંગોથી મારી જાતને સપ્તરંગી સંબંધોમાં તૈયાર કરીશ અને મારા જ ઘરમાં હું મારી જાતને સફળતા પુરવાર કરીશ.
