Vijay Ahir

Inspirational Thriller Others

3  

Vijay Ahir

Inspirational Thriller Others

સફેદ રણમાં સફેદ રાતની મોજ

સફેદ રણમાં સફેદ રાતની મોજ

5 mins
982


ઘણા સમયથી સફેદ રણમાં પૂનમની રાત જોવાની ઈચ્છા થતી. એ અજ્ઞાતનું આમંત્રણ મળતાં બન્યું જીવનભરનું સંભારણું. વિરાટ પ્રકૃતીનો વામન પ્રવાસ. સમજીએ તો આ પણ વિરાટરૂપ દર્શન જ છે.

કચ્છના મોટા રણમાં આવેલ ગાંગટો બેટ, કારો બેટ, ધોરો બેટ, કાકિંડિયો બેટ જોવા-જાણવા મળ્યા. "ચરાતી ચરતો ભગઃ" ઉક્તિ મુજબ સ્થિર હોય તેને કાંઈ મળતું નથી, પામવાને કાંઈક નીકળવું પડે છે. ધુળેટીના વહેલી સવારે અંતરજાળથી નીકળી, ગાંધીધામથી ગાંધીધામ-પાલનપુર ટ્રેન પકડીને ચિત્રોડ ઉતરી, ત્યાંથી બસ દ્વારા રાપર પહોંચ્યો, રાપર કોલેજમાં મારા સાથે ફરજ બજાવતા શૈલેષભાઇ કાનાણી પણ સાથે જોડાયા. બાઇક લઈને કોલેજ બાઈક લેવા જવું હતું પણ રસ્તામાં ધુળેટીના મફતના રૂપિયા ઉઘરાવનાર ટોળા સામા મળતાં. ડાયરેકટ રણની વાટ પકડી. આમ કોમર્સનો એટલે મફત આપવું ન પોસાય.

રાપરથી નીકળી નંદાસર, રવ, રવેચી, એક બે નાના વાંઢિયા જેવડા ગામ વટાવીને આવી પહોંચ્યા. મોણકા રવેચી માતાના મંદિરે. હવે સામે છે કચ્છનું અફાટ રણ. વિશાળતા એટલે શું ? એ સમજવું હોય તો આ જગ્યા ઉત્તમ ગણાય. ધોળાવીરાથી પ્રભુભાઈ આહીરે અમારે જવાનું હતું એ જગ્યા ધોરો બેટ(હનુમાન બેટ)નું લોકેશન મોકલ્યું એટલે થોડી રાહત થઈ. પણ google mapsમાં જોયું તો error આવી "can't find a way there"...પ્રભુભાઈને કોલ કરીને પૂછ્યું કે આમાં તો રસ્તો બતાવતો નથી હવે કરવું શું ? વળતો જવાબ મળ્યો કે ત્યાંથી રણકાંધીએ પશ્ચિમ દિશામાં સામે સામે દીધા આવો. રણમાં સામે આવેલ ગાંગટા બેટ રવેચી મંદિરના દૂરથી દર્શન કરી મનોમન પ્રાર્થના કરી કે તમે પહોંચાડજો બાકી અમારું નક્કી નહિ જો અવડી દિશા પકડી લેશું તો કાળો બેટની જગ્યાએ કાળો ડુંગર પહોંચી જશું. નીકળી પડયા અજાણી દિશામાં. દૂરદૂર સુધી માત્ર રણ દેખાય. મોબાઈલમાં નેટવર્ક ન આવે એ તકલીફ થાય થોડીક રણમાં અંદર નાળ આવતી હોય ત્યાં બાઇક અચાનક ઉભી રઈ જાય અને ખૂંચી જાય. વળી શૈલેશભાઈને નીચે ઉતરવું પડે. પગે ચાલવું પડે.

ગાંગટો બેટ આખો પૂર્વ દિશાએથી ચાલુ કરીને છેક પશ્ચિમ સુધી જોયો. સફર આગળ વધારી દેખાયો એક નાનો બેટ. જેનું નામ કાળો બેટ. તેના માથે વરસાદ પડી પડીને આખો બેટ જાણે ધોવાઈ ગયો હોય અને હવે આવનાર અમુક સમય પછી કદાચ ન પણ રહે. પત્થરની ઝીણી ઝીણી કપચી થઈ ગઇ છે એવો બેટ. ત્યાં મોબાઇલ નેટવર્ક આવતાં પાછો પ્રભુભાઈને કોલ જોડ્યો "હવે અમે કાળો બેટ પહોંચ્યા છીએ, હવે કઈ દિશામાં આવીએ ?" જવાબ મળ્યો તમે છો ત્યાંથી સામે પશ્ચિમ દિશામાં એક ધોરો બેટ આવશે એના પછી જે નાનો સમતળ બેટ આવે એ જગ્યાએ પહોંચો.

ફરીથી અનંતને આશરે આગળ વધ્યા.એક ટ્રેકટર સામું આવ્યું. કદાચ એ લોકો કોલસા પાડનાર હતા. આખું ટ્રેકટર રણની ઠંડી ગરમીથી બચવા માટે ગુણીના બાચકાથી વીંટેલું. એમણે અમને દિશા સૂચન કર્યું એ દિશામાં આગળ વધ્યા. એકદમ સફેદ આ રણમાં સૂર્યપ્રકાશ એટલો બધો ફેલાય કે આખું રણ ઉકળતું હોય એવું લાગે. દ્રષ્ટિભ્રમ સતત થયા કરે. સામેથી મોહન ભગતે અને જીત આહીર ચોબારીવાળાએ કીધું તું કે સેટેલાઇટ મેપ કરીને પગલાંની દિશા જોજો એટલે સરળતાથી પહોંચી શકશો. આ વસ્તુ નવી શીખવા મળી કે internet વગર પણ જ્યા રસ્તો ન બતાવે ત્યાં કેમ પહોંચવું. ધોરો બેટ આવ્યો. માર્ગમાં પશુઓના અને પક્ષીઓના પગલાંના નિશાન સતત એમની હાજરીની સાબિતી આપતા રહ્યા. સફર આગળ વધારી ફરીથી સામે બે બેટ દેખાયા. હવે ક્યાં જવું ? આ જગ્યાએ ત્રણ બાજુ બેટ હતા એ કારણ ત્યાં બહુ હવા ઊડતી ન હોવાથી આંખોમાં ભરી લઇએ એવું એકદમ શ્વેત રણ હતું. ખરે જ "ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ પર મળે ન મળે"એ ઘડી અનુભવાઈ.

અમે લીધેલી દિશા અમારા નિયત સ્થાન કરતા વિરુદ્ધ જઇ રહી હતી. એટલે ઊંઘી દિશામાં બાઇક ચલાવી. ને અંતે. અઢી કલાક રણમાં 27 કિલોમીટરની સફર ખેડીને આખરે અમે પહોંચ્યા ધોરો બેટ (હનુમાન બેટ).રણેશ્વર હનુમાનના મંદિરે. ખડીર અને આમ બાજુ એકલ અને ચોબારીથી આવેલા 25-30 ભાઈઓ મંદિર નિર્માણમાં અડગ એકતા સાથે મહેનત કરી રહયા હતા. જ્યાં માણસને પીવા પાણી પણ ન મળે ત્યાં આ ભાઈઓ મંદિર નિર્માણ ખરા અંતરથી અનન્ય ભાવ સાથે કરી રહ્યા હતા. દેશી ભોજનની મોજ પણ માણી. ગામડામાં સંપ જીવંત છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોયું.

ભોજન બાદ શૈલેશભાઈ અને હું બેટ ફરવા નીકળ્યા. રખડતા રખડતા એક ગાંડો બાવળ આવ્યો જેનો છાંયો અમને એની તરફ ખેંચી ગયો. બાવળની નીચે આવતી મસ્ત ઠંડી હવામાં દોઢેક કલાક જેવી નીંદર કરી. પાથરવાને ધરતી અને ઓઢવાને આકાશ. પત્થરનું ઓશીકું કર્યું. સુવિધારહિત જીવનની આ જ મજા છે. બાવળ નીચે સુઈ જવામાં વાંધો ન આવે તો આવા પ્રવાસ થાય. 2-3 છીંક આવેને તાવ આવી જાય એવાનું અહીંયા કામ નથી. અજાણી દિશા, અજાણ્યા મલકમાં અજ્ઞાત બનીને ભટકવાની મોજ જ અલગ છે. ખરેખર મારા માટે તો આ બધું "ન ભૂતો" જ હતું.

સાંજે ૬ વાગ્યા આસપાસ સૌ પોતપોતાના ગામડે રણમાંથી પરત થયા. હવે અમે બચ્યા હું શૈલેષભાઇ, પ્રભુભાઈ અને પ્રવીણભાઈ. સૂર્યાસ્ત જોવા માટે આગળ જ્યાં એકદમ સફેદ રણ હતું એ કાકિંડિયા બેટ પાસે ઉભા રહયા. નિરવતાની અને શાંતિની એ પળોને આજીવન સ્મૃતિમાં કંડારી .ફોટોગ્રાફીની મોજ માણી. નાસ્તો કર્યો. આંખો સામે જ સૂર્ય સમાયો ને આમ બાજુથી ચંદ્ર ઉગ્યો. દિવસ દરમિયાન ગરમાહટ થઈ હતી એ શીતળતામાં પરિણમી. ફરીને અંધારે અંધારે હનુમાન બેટના કિનારે રણકાંધીએ પત્થરો પર સંગીત જલસાની મોજ લીધી. પ્રભુભાઈ ખડીર વિશેની ઘણીબધી વાતો કરી જે અંદરથી ટાઢક આપતી રહી. પ્રભુભાઈનો સથવારો "પ્રભુ"એ જ નક્કી કર્યો છે એ અનુભવાયું. બાકી હું અંતરજાળને એ ખડીર ક્યાંય કોઈ દિવસ મળવાનું શક્ય જ ન બનત. નિર્ભયતા સાથે ઘણું બધું શીખવા મળ્યું.

રાતના 9.30-10 વાગ્યા આસપાસ પ્રભુભાઈ અને પ્રવીણભાઈ રતનપર તરફ જવા નીકળ્યા. 4-5 કિલોમીટર જેટલું એમની એક્ટિવાની બ્રેક લાઈટ દેખાતી રહી. અત્યાર સુધીની જિંદગીનું આ સૌથી મોટું ટાટા બાય બાય આ હતું. હવે બચ્યા હું અને શૈલેષભાઈ. અનંતને આશરે બેઠા અમે શાંત થઈ. "દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે" જેવા કૃષ્ણભક્તિના ગીતો પણ ઘણું કહી ગયા. "છોડ ચલા બનજારા ખટરી રે" પણ પ્રેરણા સ્ફૂરતું રહ્યું. ને વળી "આહીર અમરમાં"નું પદ "મેં તો સિધ્ધ રે જાણીને તમને સેવીયા, મારા રૂદીયામાં દિવસ ને રાત, જીવણ ભલે ને જાગીયા" તો રોમેરોમમાં રામ પ્રગટાવી ગયું. રણની અનંતતા જોઈ મનમાં થયા કર્યું કુદરતની વિશાળતા પાસે પામર જીવનું ગજું કેટલું. મોટી મોટી ડિગ્રીઓ, રૂપિયા , બંગલા એ બધું અહીંયા અતિ સૂક્ષ્મ લાગે.

રાતના 11:30 વાગ્યે રાપર પરત જવા નીકળ્યા. રણમાં બાઇકની લાઈટ બંધ કરીને ચંદ્રની ચાંદનીના અજવાળે પહેલા ને બીજા ગેરમાં 17 કિલોમીટર બાઇક ચલાવીને ગાંગટા બેટ 12:50 પહોંચ્યા. હવે ચંદ્ર એકદમ માથા પર હતો. શીતળતા અને શાંતિ એટલી કે બોલીને વર્ણવી જ ન શકાય. એ તો અનુભવવી જ રહી. રાત્રે 1:30 આસપાસ રાપર પહોંચ્યા.

અવર્ણનીય આનંદની ખરેખરી લૂંટ આટલે અટકાવું છું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational