Vijay Ahir

Inspirational

3  

Vijay Ahir

Inspirational

સ્મરણ સદાયનું

સ્મરણ સદાયનું

4 mins
244


શ્રી અંતરજાળ(કચ્છ) મચ્છોયા આહીર સમાજ આયોજિત “ન ભૂતો ન ભવિષ્યતિ” એવી અવિશ્મરણીય ભાગવત કથાને આજે ૩ વર્ષ પૂર્ણ થયા.

“એએએએ......આજે રાતે ઠાકર મંદિરે કથાના આયોજન માટે ભેગા થવાનું છે”.....જેઠાભાઈએ અંતરજાળ ગામની શેરીએ શેરીએ એવો લાંબો સાદ પાડ્યો અને સમસ્ત અંતરજાળ ગામ, ગામના ચોરે ઠાકર મંદિરે ભેગું થયું...અલગ અલગ કથા કરવા કરતા જો સમૂહ કથા કરીએ તો આખા ગામનો એક મોટો પ્રસંગ સમૂહમાં ઉજવાય અને રૂપિયાની પણ બચત થાય તેનાથી જે ભંડોળ એકઠું થાય એ ગામની ગાયો માટે વાપરવું એવા ઉમદા અને ઉજળા હેતુ સાથે ૧-૨-૩ કરતા ધીમે ધીમે ૩૬ “પોથી”ની સમૂહ કથાનું આયોજન થયું.

વાત આવી કથાના “વ્યાસ” નક્કી કરવાની ત્યારે સૌની ઈચ્છા હતી કે ગાગોદર ગામના જ્ઞાનમૂર્તિ ચંડિકાકીંકર નવલશંકર કરુણાશંકર રાજગોરના શ્રીમુખે કથા રસપાન થાય, અને તેમના દ્વારા જે કથાનું રસપાન થયું એ પણ ધર્મના મર્મનો “વ્યાસ” વધારનારું રહ્યું. મુહુર્ત જોવડાવ્યા, કથાની તારીખ ૨૨-૧૧-૨૦૧૫ અને રવિવારનો શુભ દિવસ નક્કી થયો. ત્યાર પછી તો સૌના હ્રદયમાં અને કૃતિમાં એક જ વાત “ન ભૂતો ન ભવિષ્યતિ” એવી ભાગવત કથા. કથાની તૈયારીઓ જોરશોરથી થવા લાગી, આખા અંતરજાળ ગામમાં નાના મોટા સૌએ સફાઈ અભિયાન કર્યું ,સમસ્ત આહીર સમાજમાં એક અનેરો ઉત્સાહ દેખાયો.

અડગ આહીર એકતા,

સાબિત કર્યું સ્વચ્છતા ત્યાં પ્રભુતા.

મંડપ, લાઈટ, સ્ટુડિયો , સાઉન્ડ, ભોજન, ચા-પાણી, ગામની ગાયો તેમજ અન્ય પ્રાણીઓ સહીતનાઓના ભોજનની તૈયારીઓ ખુબ જ કાળજીપૂર્વક કરાઈ. દરરોજ આશરે ૧૦૦૦૦ થી ૧૫૦૦૦ લોકો કથા સાંભળવા આવે તો કેટલી વ્યવસ્થાનું આયોજન કરવું જોઈએ ? એ બાબતને ધ્યાને રાખી બધી તૈયારીઓ પૂરી થઇ. આખરી મીટીંગમાં સમસ્ત ગામ કથાની પોથીયાત્રા, કૃષ્ણ-જન્મોત્સવ અને રુક્ષ્મણી વિવાહના દિવસે આહીર પહેરવેશમાં આવવું એવું સર્વાનુમતે નક્કી થયું. જુદી જુદી સમિતિઓની રચના થઇ અને તેમના ફોન નંબર સહીતની નોંધ રખાઈ. સમસ્ત ગામમાં કથા દરમિયાન એક પણ ચૂલો સળગે નહી અને સૌ પ્રભુપ્રસાદ લે એવી આગ્રહભરી વિનંતી કથા સમિતિ દ્વારા ગ્રામજનોને કરવામાં આવી. 

૨૨.૧૧.૨૦૧૫ રવિવાર, અંતરજાળ ગામના ઈતિહાસમાં અદ્વિતીય એ દિવસનો સૂર્યોદય થયો, કથાનો પ્રારંભ ગૌશાળાની ગાયોને લાડવા દ્વારા મીઠું મોં કરાવીને થઇ. સમસ્ત ગામ ઉજળા આહીર પહેરવેશમાં ગામના ઝાંપે એકઠું થયું. “જય શ્રી કૃષ્ણ અને ભાગવત ભગવાનની જય” સાથે, પધારેલ સંતો મહંતોના સામૈયા થયા અને પોથીયાત્રા અંતરજાળ ગામમાં નીકળી. લોકો અનેક પણ પહેરવેશ એક જ એ દ્રશ્ય પધારેલ સૌને માટે આજીવન અવિશ્મરણીય સંભારણું બની રહેશે. કથાના વ્યાસાસને પૂજ્યશ્રી જ્ઞાનમૂર્તિ ચંડિકાકીંકર નવલશંકર કરુણાશંકર રાજગોરજી બિરાજયા. કથા રસપાન સાથે બપોરે અને સાંજે કથા વિરામ સમયે “કનૈયા મોરલી વાળારે, કનૈયા મોરલી વાળા રે” એ ધૂન સાથેના આહીર રાસે પણ સૌને પ્રભુપ્રેમમાં પાગલ કર્યા.

ધન્ય આજની ઘડી તે રળિયામણી રે 

મારો વ્હાલો આવ્યાની વધામણી રે...અને

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી...

એવા કૃષ્ણગીતોના તાલે ચતુર્થ દિવસ એટલે કથાનો વચ્ચેનો દિવસ, કૃષ્ણ જન્મોત્સવ આવ્યો. માનવ મહેરામણ એટલું બધું કે મંડપ સાઈડમાંથી ખોલવો પડ્યો. પીળા પિતામ્બર ધારી કૃષ્ણના અવતારની ઘડીએ 2000 લાલ રંગના ફુગ્ગાઓ હવામાં લહેરાતા જોઈ આંખો ભાવવિભોર બની....આ વખતે “ કૃષ્ણ તો રથની જગ્યાએ લાલ રંગની ઓડીમાં આવ્યા અને જમાવટ હો ભાઈ કઈ ન ઘટે” સૌએ કૃષ્ણ જન્મને હર્ષથી ઉજવ્યો. એ જ દિવસે રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવેલ અને એ જ દિવસે ભજનાનંદી સ્વ.પુ.અરજણગીરી બાપુની નિર્વાણતીથી પણ હતી . ભજનના આરાધક તરીકે પરશોતમપૂરી ગોસ્વામી, રામદાસ ગોંડલીયા અને જીતુગીરી બાપુ રહ્યા અને ગામની ગૌ શાળા માટે એક જ રાતમાં ૩૨,૦૦,૦૦૦/- જેટલી માતબર રકમનું ફંડ એકઠું થયું હતું અને આ ફંડ પણ ગામની ગાયો માટે જ વાપરવું એવું સર્વાનુમતે નક્કી થયું હતું.

માધવપુરનો માંડવોને આવી યાદવકુળની જાન. અવસર આવ્યો શ્રી કૃષ્ણ અને રુક્ષમણીના વિવાહનો એ જ આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી, નવ દંપતી પર થઇ રહેલ “પુષ્પવર્ષા” એટલી બધી કે ક્યા કૃષ્ણ અને ક્યા રુક્ષમણીજી એ ઓળખવા મુશ્કેલ બને...(ગામમાં રહેતા એક પરિવારને ત્યાં મુંબઈથી આવેલા મહેમાનના એ શબ્દો જાણે કથાની સાર્થકતા સુચવી ગયું, એમના શબ્દો હતા “ આવું તો આમે ક્યારેય જોયું નથી જાણે વૃંદાવનમાં આવી ગયા”). રાત્રે દીપકભાઈ વાઘાણીના ઓરકેસ્ટ્રા “શ્યામ બીટ્સ”ના માધ્યમથી રાધાશ્યામના રાસ ગરબાની મોજ સૌએ માણી.કથાના કોઈ પણ પ્રસંગની ઝલક માત્ર જોઈએ તો આજ પણ એ જ ઉત્સાહ એ જ ભક્તિભાવ ઉમટવા મંડે...સાથે હૈયું ગદગદિત થઈ જાય...સમગ્ર કથા દરમિયાન સચાલનનો એક આગવો દોર કથાકાર નવલશંકર મહારાજના દીકરા શ્રી અત્રીભાઈ રાજગોરે ખુબ જ આનંદપૂર્વક અને રસસભર પોતાની આગવી શૈલીમાં સંભાળ્યો હતો...ભાગવતભાઈની વાંસળીના સુર આજે પણ રેલાયા કરે છે.

એક એવો અદભુત પ્રસંગ અંતરજાળ ગામના આંગણે ઉજવાયો જેમાં અંદાજે ૧,૦૦,૦૦૦ થી ૧,૨૫,૦૦૦ લોકોએ પ્રભુ પ્રસાદ લઇ જીવનની ધન્યતા અનુભવી તેમજ અંદાજે ૨,૫૦,૦૦૦ કટિંગ “ચા” થી પધારેલ સૌને નવી તાજગી મળી. દરરોજ ગામની ગાયો અને કુતરાઓ માણસોથી પહેલા ભોજન લે એ ક્રમ સમગ્ર કથા દરમિયાન સચવાયો.. એક એવો પ્રસંગ જેમાં પ્લાસ્ટિકનો “શૂન્ય” ઉપયોગ, ફરીથી કહું “શૂન્ય”ઉપયોગ, જે આટલા મોટા ભવ્ય ઉત્સવ માટે અશક્ય બરાબર કહેવાય છતા દ્રઢ નિર્ધાર વડે બધું શક્ય બન્યું.

શાસ્ત્રીજીની આ 374 મી કથા હતી જેના સમાપન સમારોહમાં તેમણે આશીર્વચન આપતા કહ્યું કે આટલી કથાઓ કરી એમાં સૌથી અદ્વિતીય અને અદભુત આયોજન જે અંતરજાળમાં થયું એવું ક્યાંય નથી જોયેલું....જ્યાં સવારે 4 વાગ્યાને ટકોરે સ્વયંસવકો સૌ પોતપોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતા હોય..વહેલી પરોડથી મોડી રાત સુધી 700-800 જેટલા ગામ લોકો પોતાના થી થઈ શકે એવી યથાયોગ્ય સેવા આપતા હોય....

કથા થઇ ગયા બાદ બચત સ્વરૂપે ગામની ગૌશાળા માટે ૫૫,૦૦,૦૦૦/- જેટલી રકમની બચત થઇ. સમસ્ત અંતરજાળ ગામની એકતાના અનેરા દર્શન થયા....

અંતે કથા દ્વારા સૌને....

મળી ભક્તિની ખાણ,

મટી ભવોભવની તાણ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational