The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Vijay Ahir

Inspirational

3  

Vijay Ahir

Inspirational

મળ્યું તે માણ્યું

મળ્યું તે માણ્યું

2 mins
329


અંતરજાળથી રાપર કોલેજ રોજના ૨૧૦ કિલોમીટર અને ૬-૭ કલાક અપડાઉન કરવાનું નક્કી કર્યું ત્યારે આંખો સામે હતો "શ્રીમદ ભગવદ્દ ગીતાનો વિભૂતિ યોગ". ત્યારથી "વણ કીધે વાલો વતા(+) કરે" છે.


બસ મળે તો ઠીક અને ન મળે ત્યારે જે વાહન પહેલું મળે એમાં જવાનું એવું નક્કી કર્યું.  બાઇક, બોલેરો ને તુફાન,  ટ્રક, ટ્રેકટર ને ટેમ્પોમાં જવાનું થયું.  ક્યારેક કારમાં લિફ્ટ મળી, તો ક્યારેક સવા કલાક સુધી કાંઈ ન મળ્યું. ત્યારે કેશરિયા આકાશના અને લીલુડી ધરતીનાં ફોટો પાડી મજા લીધી. ક્યારેક બસ કેન્સલ થાય તો પાછળ બીજી બસ આવે એમાં ૫૨ પેસેન્જરની ક્ષમતા સામે ૮૨ પેસેન્જર હોય.

ત્યારે બસમાં ઉભું રહેવા માટે ઉપરનું હેન્ડલ પકડવાનું જરૂર જ ન પડે. એ સમયે થાય કે છે કોઈ (માત્ર વાતો કરવા વાળા) મોટીવેશનલ સ્પીકર જે અહીંયા મોજ લઈ શકે ? સૌથી વધુ મજા જ્યારે બસ ફૂલ ભરેલી હોય ત્યારે આવે. ચહેરે ચહેરે જીવનના અલગ ભાવ જોવા મળે. 

રમૂજના અનેક બનાવો બને. એક સાથે ૫ પેસેન્જર બસમાં બેસે અને દરેક અલગ અલગ ૫૦૦ અને ૨૦૦૦ની નોટ કાઢીને ટીકીટ કઢાવે ત્યારે કંડક્ટરને પડતી અગવડ અને ક્યારેક કંડકટર દરવાજો ખોલે અને સામે ઊભેલાં ૧૦-૧૨ પેસેન્જર એકસાથે પોતાને જ્યાં જવું છે એ જગ્યાના નામ બોલે ત્યારે કંડકટર શૂન્યાવકાશમાં ચાલ્યા ગયા એવું લાગે. કંડક્ટર પણ કહે "માણસોને ચરાવવાનું કામ અઘરું છે".

ક્યારેક આગળની સીટમાં બેઠેલ પેસેન્જર પેપર વાંચતા હોય એ આપણે પણ ભેગું ભેગું વંચાઈ જાય. મોટા શહેરની નાની ગલીમાં મોટો ખાડો પડયો છે એ મફતમાં ખબર પડી જાય. રાપરથી ચિત્રોડ રસ્તો ખરાબ હતો ત્યારે હાલકડોલક થતાં પેસેન્જરોનું એકબીજા સામેનું મંદ મંદ હાસ્ય પણ સહજ સમજાવે "ટકી રહેવું તો આપણા હાથમાં છે".

વરસાણા પાસે આવેલ ફેકટરીમાં આગ લાગેલી જોઈને થયું કે વાર તો આટલી જ લાગે ને ?  એક વખત ચિત્રોડ પાસે નાનકડી તલાવડીમાં પાડાના માથે બેઠેલ કાબર તેને હેરાન કરતી હતી. (હકીકતમાં આવું જ હોય છે ને ?) સૂર્યોદય સમયે ખીરઇ ગામ પાસે આવેલ ખારીવાળો વિસ્તાર જળની ઉપસ્થિતિથી એકદમ રમ્ય લાગે.  એ જોઈને સહજ મનમાં પંક્તિ સ્ફુરે

"નિરાકાર જ સાકાર થઈ શોભતો,

કણકણ રજકણ મનને મોહતો"

બાદરગઢની ગોળાઈ પાસેના ખતરનાક વળાંકનું દ્રશ્ય Fast And Furious ફિલ્મમાં આવે તો ?  એકવાર બસમાં નાનકડી 10-12 વર્ષની બાળકી એના પપ્પાને કહે કે "પપ્પા તમે મથુરા જોયું છે ? પપ્પાએ ના પાડી ત્યારે એમની દીકરી કહે કાનૂડાનો જન્મ ત્યાં થયો તો. એ તો નિશાળમાં હજી આવું કાંઈ ભણી નહિ હોય. જવાબ મળ્યો ધાવણમાંજ ધર્મ પીરસાય છે એટલે જ શાસ્ત્રોમાં "દુર્લભમ ભારતે જન્મ" કહ્યું હશે.

વગડામાં દૂરદૂર ઊભેલાં સૂકાં ઝાડવાંનું અલગજ સૌંદર્ય છે. વળી દૂરદૂર ઊભેલાં ડુંગરા પોતાની તરફ આકર્ષે જ આકર્ષે એમાં બે મત નહીં. ખીરઇ પાસેના એક ખેતરમાં એકલું ઊભેલું ઝાડ પણ એમ કહે "જગત ભલે મને ન જોતું, પણ હું તો જગતને જોઉં જ છું ને" કાંઈક આવું જ છે માણસનું ! ભગવાન તો આપણેને જોવે જ છે.

હાલ અલ્પવિરામ સાથે અટકું , બીજું ફરી ક્યારેક...


Rate this content
Log in

More gujarati story from Vijay Ahir

Similar gujarati story from Inspirational