સંયોગ
સંયોગ
બ્રાહ્મણ સમાજ હોલ આખો ખચાખચ ભરાઈ ગયો હતો. આજે ખુબ ઉત્સાહનું વાતાવરણ હતું. આજે અહીં આઠથી પંદર વર્ષ ની વયના બાળકોને ભગવદ્ ગીતા શ્લોક મોઢે બોલવાની સ્પર્ધા હતી. ખ્યાતનામ પંડિત અને શાસ્ત્રજ્ઞ સમર્થ મહારાજ નિર્ણાયક તરીકે બિરાજમાન હતા. સંસ્કૃતનું પઠન,ઉચ્ચાર અને અર્થઘટન માટે એમનાથી વિશેષ જાણકાર આખા પંથકમાં શોધવો મુશ્કેલ હતો.
સ્પર્ધા શરૂ થઈ. ઘણા બાળકો એ ભાગ લીધો હતો. મોટા ભાગના બાળકો પોપટની જેમ ગોખેલું બોલતા હોય એમ સાચું,પણ શુષ્ક ભાવે બોલી ગયા.
એક જ બાળક ખુબ જ ભાવવાહી, મધુર અવાજ અને સ્પષ્ટ ઉચ્ચારે અઘરા શ્લોક પણ સરળતાથી બોલી ગયો. પંડિત જી ખુબ ખુશ થઈ ગયા. આંખમાં આનંદના આંસુ સાથે ભાવવિભોર બની બાળકને ગળે વળગાડી દીધો. જ્યારે પ્રથમ પારિતોષિક માટે એ બાળકનું નામ ઉદઘોષિત થયું ડેવિડ રોડરીક્સ.
અચંબિત પંડિત જી ઇનામ આપતા પહેલા વિચાર કરી રહ્યા.
આ કેવો સંયોગ છે. જે બાળક ને પરધર્મી હોવાથી ગીતાજ્ઞાનના અભ્યાસ માટે નકાર્યો હતો. એ જ બાળકને પોતે શ્રેષ્ઠ ગીતા શ્લોક પઠન માટે ઇનામ આપી રહ્યા છે.