અગ્નિદાહ
અગ્નિદાહ
અનંતભાઇ તંદ્રામાંથી જાગી ગયા. જરા બોલવાની કોશિશ કરી અને અંગેઅંગને પીડા વીંટળાઈ વળી. થોડી તરસ લાગી હતી. જોયું પલંગ પાસે ગોઠવેલા ટેબલ પરનું ગ્લાસ ખાલી હતું. એમણે બાજુમાં રાખેલી રીંગ વગાડી. એકવાર બેવાર પણ કોઇ આવ્યું નહીં. એમણે કંઇ બોલવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ... લલરબબબઆઆ... બસ આવા શબ્દો જ મુખમાંથી નીકળી શક્યા.
હા... હવે એમને યાદ આવ્યું... રેખા એમની પત્ની એની બહેન સાથે મંડળના ગીતસંગીતનો પ્રોગ્રામ જોવા જવાની હતી. આજે રોજ આવતો કેરટેકર પણ નહોતો આવ્યો. હમણાં આ મહિનાથી જ નથી આવતો... કદાચ રેખા એ કાઢી મુક્યો હોય... એ કહેતી હતી મોંઘો પડે છે... ચલાવી લેશું... હં... પોતે ત્રીસ વર્ષ મજૂરની જેમ દિવસ રાત એક કરીને આ પરિવારનું પોષણ કર્યું... છેક વિરાર હતી એમની નાની ફાર્માસ્યુટિકલ... મોટી મોટી કંપનીની દવાઓના જોબવર્ક કરતા હતા. સવારે આઠ વાગ્યાની લોકલ અંધેરીથી પકડી જતા હતા. અને આવવાનો સમય રોજ જૂદો રહેતો. કુટુંબના સહિયારા ધંધામાં અચાનક એક દિવસ નાના ભાઈ એ ભાગ કાઢી જુદા થવાનું એલાન કરી દીધું. ક્યાં ક્યાંથી પૈસા ભેગા કરી ભાઇને આપી દીધા. પહેલેથી જ એમનો સ્વભાવ એવો કે કોઇ ને કંઇ કહી શકે નહીં.
પુત્ર અભિએ પણ જ્યારે જીદ કરી કે ફોરેનમાં ભણવા જવું છે
ત્યારે પણ પોતાની તંગ પરિસ્થિતિ વર્ણવી શક્યા નહીં... રેખાને ફોરેન ફરવાનો ખુબ જ શોખ.
પોતાની ઇચ્છા કોઇને કહી શક્યા નહીં. અને અચાનક એક દિવસે પક્ષાઘાતનો હુમલો આવી ગયો... આખું ડાબુ અંગ લકવો મારી ગયું. સાવ પથારી વશ થઈ ગયા.
અભિ આવ્યો છ વિક માટે અમેરિકા થી અને જતો રહ્યો.
દીકરીનેય સાસરે વળાવી દીધી... ફેક્ટરી વેચાઇ ગઇ. એમાં જમાઇએ હિસ્સો માગ્યો. છેલ્લા અગિયાર વર્ષથી બચતના પૈસાથી ઘર ચાલે છે...
અનંતભાઇને વાલિયો લૂંટારો યાદ આવી ગયો. જેણે કુટુંબના ભરણપોષણ માટે અનેકને લૂંટ્યાને માર્યા. પણ એના પાપમાં કોઇ ભાગીદાર ન થયું...
પીડા, દુખ અને અસહાયતાથી અનંતભાઇ રડી પડ્યા. આંસુ રેલાઇને ઓશિકું ભીંજવી રહ્યા. એમણે જમણો હાથ ટેકવીને બેઠા થવાની કોશિશ કરી પણ હાથ પછડાઈને નીચે પડી ગયો સાથે અનંતભાઇ પણ કઢંગી હાલતમાં બેવડ વળી ગયા. પલંગની ધાર પરથી લબડેલા હાથને ઠંડો સ્પર્શ થયો. ફંફોસીની જોયું તો લાઇટર... કેરટેકર વાળાનું પડી ગયું લાગે છે
આવા અપમાન જનક જીવતર નો શો અર્થ છે... કેટલા વર્ષ હજી સહન કરવું પડશે... કદાચ મર્યા પછી અભિને અગ્નિદાહ આપવા આવવાનો સમયે હશે કે કેમ... એના કરતાં જાતે જ અગ્નિદાહ દઇ દઉં તો...!! અને એમણે લાઇટર સળગાવ્યું...