સંવેદના
સંવેદના


રીટા બહેન રોજ સવારે નિયમિત ઠાકોરજીની સેવા કરે.સવારે વહેલા ઊઠીને નાહીને ઠાકોરજી માટે જુદી જુદી મીઠાઈ બનાવે, ફૂલનો હાર બનાવે અને પછી ઠાકોરજીને સ્નાન કરાવી વાઘા બદલે, શણગાર કરે અને ભોગ ધરાવે. અને પૂજા-પાઠ કરે. તેમનો રોજનો આ ક્રમ. પરંતુ તેમના પતિ ભગવાનને પગે લાગે પણ આવી બધી બાબતમા માને નહિ. મંદિરે પણ ન જાય. રીટા બહેન એને પૂજા-ભક્તિનું મહત્વ સમજાવે. પણ એમના પતિ એ વાતને હસવામાં કાઢી નાખે. અને કહે,ભગવાન પર શ્રધ્ધા- વિશ્વાસ રાખો, ભગવાનથી ડરો અને ખોટા કાર્ય ન કરો એટલું પૂરતું છે, કલાકો સુધી મંદિરોમાં લાઈનમાં ઊભા રહેવાની કે પૂજા-પાઠ કરવાની મને જરૂર જણાતી નથી. રીટા બહેનને પતિની આ વાત બિલકુલ ન ગમતી. તેઓ પતિને નાસ્તિક માનતા, ઘણી વખત આ બાબતે બંને વચ્ચે ઝઘડો પણ થતો.
એક દિવસ રીટા બહેન પૂજા કરતા હતા અને તેમના પતિ છાપું વાંચતા હતા. આજે જન્માષ્ટમીનો તહેવાર પણ હતો. આથી પૂજા લાંબી ચાલી. પૂજા બાદ બાળકો સાથે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ હતો. એવામાં તેમના ઘરે વર્ષોથી કામ કરતા બહેન હાંફળા ફાંફળા થતા આવ્યા, અને એક શ્વાસે બોલવા લાગ્યા. રીટા બહેન મારા પતિનું એક્સિડંટ થયું છે. મારે મદદની જરૂર છે. મે બધાને આજીજી કરી પણ કોઈ મદદ કરવા તૈયાર નથી. તમે મને મદદ કરો. મારા પતિને હોસ્પિટલ પહોંચાડવા પડશે. નહિતર..
રીટા બહેનને આ જરાય ન ગમ્યું. તેમણે કહ્યું અમારે પણ તહેવાર જેવું કંઈ હોય કે નહિ? તમારા જેવાનીજ સેવા કરવાની? અને એ પણ આવા મોટા તહેવારના દિવસે? પરંતુ તેમના પતિએ કામવાળા બહેનને કહ્યું, તમે ચિંતા ન કરો અમે બંને તમારી સાથે આવશું. રીટા બહેનના પતિએ ગાડી કાઢી અને પત્નિને પણ સાથે આવવાનું કહ્યું. બંનેએ કામવાળા બેનને સાથે લઈ તેમના પતિને હોસ્પિટલે પહોંચાડ્યા. રીટાબહેનને આ જરા પણ ન ગમ્યું. પણ પતિની વાત ટાળી ન શક્યા. અને આર્થિક મદદ પણ કરી. અને તહેવારના દિવસો હોવાથી તેમના બાળકોને મીઠાઈ અને જમવાનું પણ આપ્યું!સમયસર સારવાર મળવાથી કામવાળા બહેનના પતિનો જીવ બચી ગયો.
થોડા દિવસ પછી કામવાળા બહેન તેમના ઘરે આવ્યા અને કહ્યું બહેન હું તમારો અહેસાન જીંદગીભર નહિ ભૂલું. તમે લોકોએ મારા પતિનો જીવ બચાવ્યો છે અને મારા બાળકોને જમવાનું પણ આપ્યું છે. તેમની આંખમાં આંસું હતા અને દુવા પણ હતી. ભગવાન તમને હંમેશા સુખી રાખે. તેમ કહી તે કામ કરવા લાગ્યાં.
આજે રીટા બહેનને રોજ મંદિરે જતાં લોકો કરતા તેમના પતિ વધુ ઊંચા લાગ્યા. હવે તેમને સમજાયું ધર્મને આપણે કેટલો સીમિત બનાવી દીધો છે? હૈયામાં લાગણી ન હોય, માનવતા ન હોય તો ધર્મસ્થળો તરફ દોડાદોડ કરવાનો શો અર્થ? સાચી જરૂર તો માણસ પ્રત્યે સંવેદના અને માનવતાની ચેતના પ્રગટાવવાની છે. જે કામ ખરેખર મારા પતિએ કર્યું છે. અને મારી પણ આંખ ઉઘાડી છે. ભલે ઈશ્વરની ભક્તિ કરીએ પણ પહેલો ધર્મ માનવતાનો છે. એ ક્યારેય ન ભુલવું જોઈએ.