STORYMIRROR

purvi patel pk

Inspirational

4  

purvi patel pk

Inspirational

સંસ્કારી

સંસ્કારી

11 mins
281

એક વરસાદી મેઘલી સાંજે એ દરિયાકિનારે પથ્થર પર બેસીને મોજાંઓને અથડાઇને ચૂરચૂર થતા જોઈ રહી હતી. મનમાં ઉઠતા વિચારોના મોજાંઓ પણ કંઈક આ જ રીતે ઊઠી ઉઠીને વિખેરાઈ રહ્યા હતા. કેટલી અવઢવ અને મૂંઝવણોથી ભરેલી સીતા આજે હતાશાના વાદળોથી ઘેરાયેલી સૂનમૂન બેસી રહી હતી. એનું મન ચીખી ચીખીને કહી રહ્યું હતું, 'કે, છોડી દે, બધી ચિંતાઓ. તારા મનમાં આવે તે કર. ક્યાં સુધી લાગણીઓની બેડીઓમાં બંધાયેલી રહીશ ? ક્યારેક પોતાનો પણ તો વિચાર કર.'

અચાનક એક મોટું મોજું પથ્થર સાથે અફળાયું અને તેના મોં પર પાણીની છાલક મારીને, તેની તંદ્રા તોડી ગયું.

"જો, ભૂસકો મારવાનો વિચાર હોય તો, અહીંથી નહી હોં ! છીછરું છે ત્યાં. કુદવું જ હોય તો હું જગ્યા બતાવુ."

અચાનક તેને સંબોધીને બોલાયેલા વાક્યો કાને પડતા તે એકદમ પાછળ ફરી પાછળ ફરતા સમતુલા ગુમાવી અને પેલી અજાણી વ્યક્તિએ તરત તેનો હાથ પકડી લીધો. તરત તો તેને કશું સમજાયું નહીં.

"આવો, પહેલા અહીં એક સુરક્ષિત સ્થાને આવી જાવ, ફરી લપસો એ પહેલાં". 

"તમે કોણ ?" 

"જુઓ, અત્યારે તો આ વરસાદની પુરી તૈયારી છે, આપણા પર તૂટી પડવાની. ચાલો, પેલી બાજુ એક નાનું કેફે છે, ત્યાં જતાં રહીએ". 

કેફના એક ખૂણાના ટેબલ પર જગ્યા લઈ બંને ત્યાં ગોઠવાયા. બહાર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો.

"હું તારિણી. નામ પ્રમાણે લોકોને આમ તારવાનું જ કામ કરું છું". એમ કહીને તે હસી પડી.

"જીવનમાં દુ:ખ આવે, પરંતુ એનાથી ગભરાઈને આત્મહત્યા...." 

"અરે! ના, ના. હું આત્મહત્યા કરવા નથી આવી. બસ, મન અશાંત હોય ત્યારે આ ખળભળતા દરિયા પાસે આવી મારા મનની વાત અહીં ખાલવી જાઉં. પણ તમે... તમે મને ઓળખો છો ?" 

"ના, ના. હું તો આમ જ અહીં ચાલવા નીકળી હતી. તમને આમ નિરાશ વદને બેઠેલા જોયા, તો અનુમાન કરી લીધું કે તમે...."

થોડી વાર બંને બહારની ગતિવિધિ જોઈ રહ્યા. 

"મારું નામ સીતા છે, જીવન પણ સીતા જેવું જ. ખબર નહી મા-બાપે શું વિચારીને નામ સીતા રાખ્યું હશે!" થોડીવાર એ કશું ન બોલી, એટલે તારિણીએ મૌન તોડ્યું. "બોલો ને ! અજાણ્યાને કહેવાથી મન હલકું થઈ જાય અને કોઈને ખબર પણ ન પડે. તમે મન ખોલીને તમારી વાત મને કરી શકો છો. હૃદયનું પાત્ર ભરાઈ ગયું છે, તો બીજા કોઈ આગળ છલકાઈ જાય એના કરતા તો મારી આગળ ખાલવી નાખો. ને હા, તમે મને 'તું' કહી શકો છો. તું નું સંબોધન આપણને વધુ નજીક લાવશે". 

ફિક્કું હસીને સીતાએ વાત શરૂ કરી

એક સંપન્ન પરિવારની દીકરી છું. ખૂબ લાડકોડથી અને સાહ્યબીમાં ઉછરેલી, પણ ઉછાંછરી જરાય નહીં. મારી માતાના સંસ્કાર પેટમાંથી જ લઈને જન્મેલી. કેળવણીમાં પણ મારી માએ કોઈ કચાશ રાખી નહોતી. સમાજમાં નામ હતું અમારા ઘરનું. મારો દેખાવ અને સંસ્કાર સમાજમાં ફેલાય ગયેલા એટલે સગપણ ખૂબ સરળતાથી થઈ ગયું. બધું સુપેરે પાર પડ્યું.

સાસરામાં પગ મૂક્યો, અઠવાડિયામાં સમજાય ગયું કે, વહુ તરીકેનું માન ક્યારેય નહીં મળે. સાસુ-સસરાનો સ્વભાવ સમાજમાં જુદો અને ઘરમાં જુદો હતો. બંનેજણની ઘરમાં સરમુખત્યારશાહી ચાલતી હતી. પતિદેવ મા કહે એટલું જ પાણી પીએ અને પિતાનો ધાક એટલે મરજીનું કંઈ કરી શકે નહીં. છતાં હું કશું બોલતી નહી, સંસ્કારી હતી ને ! કહ્યા મુજબ બધું કરતી એટલે બહુ સાંભળવાનું આવતું નહોતું. પણ, મારા નસીબનું ચક્ર કદાચ આગળ ને બદલે પાછળ ચાલતું હશે ! ખરી કમબખ્તી તો હવે શરૂ થતી હતી". 

સીતાને ગળે ડૂમો બાઝયો. તારિણીએ પાણીની બોટલ ધરી એટલે બે ઘૂંટ પાણી પીને સીતાએ ડૂમો ઉતાર્યો. બહાર વરસાદ વરસવો શરૂ થઈ ગયો હતો. ટેબલની બાજુના કાચમાંથી એ જોઈ શકાતું હતું.

"પતિએ શેરબજારમાં મોટું કૌભાંડ કર્યું. માતા-પિતાના ધાકને લીધે બધું જ છાનુંછપનું કરેલું એટલે હવે કયા મોઢે ઘરમાં કહે. એક રાત્રે મને બધી વાત કરી. વહેલી સવારે મને ઊંઘતી મૂકી ક્યાંક જતા રહ્યા. ખૂબ શોધખોળ કરી, પોલીસમાં ફરિયાદ નોંધાવી, પણ કોઇ ભાળ મળી નહીં. ઘરમાં સાસુનો ત્રાસ વધવા લાગ્યો.

'તું જ છપ્પરપગી છે. મારો દીકરો તારાથી ત્રાસી ગયો હશે. બાકી પૈસાની કોઇ કમી નથી આપણા ઘરમાં.' 

આવા મેણાંટોણાં સાંભળીને દિવસો કાઢવા લાગી. પતિ તરફથી કોઈ ખાસ પ્રેમ મળ્યો નહોતો એટલે એના ન હોવાનું દુઃખ પણ લાગતું નહોતું. ઉલટાનું તો એમ લાગ્યું કે, માથા પરથી એક માલિક ઓછો થયો. આજ સુધી એમનો પત્તો લાગ્યો નથી.

"તારા પિયર વાળા ?" 

સમાજમાંથી કોઈકે કીધુ, ત્યારે મારા પિતાને ખબર પડી. મારી મમ્મીએ કહ્યુ, "બેટા, હવે જે છે તે, એ જ તારું ઘર છે. આગળ શું બોલું ? પિયર તરફથી મન વાળી લીધું. થોડા સમય પછી ખબર પડી કે, મારા ભાઇએ ધમકીથી વસિયત પર સહી કરાવી લઇ, ઘર અને દર-દાગીના બધું જ લઈ લીધું. એના આઘાતથી મારી મા મૃત્યુ પામી હતી. હવે મારા પિતાજી એક સંબંધીને ત્યાં ઓશિયાળી જીંદગી જીવે છે."

થોડું અટકીને.... 

"હેં તારિણી, સંસ્કારી હોવાની આટલી મોટી કિંમત ચૂકવવી પડે ?"

"હા સીતા, આપણા સંસ્કાર આપણને સામો જવાબ આપવા ન દે અને આપણાં મૌનને સામેવાળા કમજોરી સમજી લે છે. અન્યાય સામે બોલવું પણ ખૂબ જરૂરી છે, પણ આપણને આપણા સંસ્કાર નડી જાય છે". 

"ઘણીવાર મારું મન બંડ પોકારી પોકારીને ઉઠે છે કે, હું પણ ભાગી જાઉં, આ બધું છોડીને! પણ શું કરું ? નથી કરી શકતી. પતિએ જે કર્યું, તે હું પણ કરું તો મારામાં ને એમનામાં શું ફેર ? અત્યારે તો ઘર ચલાવવાના ફાંફાં થઈ રહ્યા છે. જે હતું એ બધુ વપરાઇને પૂરું થવા આવ્યું છે. મોટા ઘરમાં સાફ-સફાઈ અને સાસુ-સસરાની સેવા કરું છું. જીવન એક નોકરાણીથી વિશેષ કંઈ નથી. સમાજ અને ખાનદાનની ઈજ્જતની આડમાં મને નોકરી પણ નથી કરવા દેતાં. બંનેની તબિયત ખરાબ રહે છે. સાસુ-સસરા વારેવારે લોકોને નોતરે. ઘણીવાર તો મારા ભાગની રસોઈ પણ બીજાને ખવડાવી દેવી પડે છે. હું ભૂખી રહું તો કંઈ નહીં, પરંતુ મહેમાન ભૂખ્યા ન જવા જોઈએ. મા-બાપે નામ સીતા પાડ્યું છે, તો માવતરની સેવા કરતાં-કરતાં આજીવન વનવાસ વેઠી રહી છું. જાણે વર્ષો પછી બંધના દરવાજા ખુલે અને પાણીનો પ્રવાહ ફેંકાય તેમ આજે સીતાની આંખો ચોધાર આંસુએ વરસી પડી. સાથે તારિણીની આંખો પણ વરસી રહી હતી. વીજળીના કડાકાઓ સાથે શરૂ થયેલા સાંબેલાધાર વરસાદ જાણે આજે સીતાના રૂદનના અવાજને દબાવી દેવા માંગતો હતો. થોડીવારે કળ વળતાં બંનેએ કોફી પીધી. ગરમ કોફીની ચૂસકીએ બંનેને હળવા કર્યા.

"તું સિલાઈકામ જાણે છે ? મારી પાસે એક રસ્તો છે." 

"હા. હું અત્યારે પણ અમારા બધાના કપડાં જાતે જ સીવું છું. દરજીનો ખર્ચો તો પોસાય જ ક્યાં ?" 

"સારું. હું કાલે તારા ઘરે આવું છું." 

"મારા ઘરે કેમ ? અરે ! મારા સાસુ-સસરાને નહીં ગમે." 

"જો પાછી, હવે કોને શું ગમશે, એ ભૂલી જા. તને શું ગમશે અને શું યોગ્ય લાગશે, તેનો વિચાર કર." 

"હું કાલે આવું છું. ચાલ, મળીએ. બસ એટલું ધ્યાન રાખજે કે હું તને ઓળખતી નથી."

અનરાધાર વરસતા વરસાદે ખમ્મા કર્યા. ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. તારીણી સાથે વાતો કરી સીતાનું મન હળવું થયું. તે ઘરે પહોંચી ઉંબરે પગ મૂકતાં જ.. 'કેટલા કલાક થયા ? શાકભાજી લાવતા કેટલી વાર ? ક્યાં હતી ? લોકલાજની તો કંઈ પડી જ નથી!...હું ડોશી બસ બોલ્યા કરુ."

સીતાએ સાંભળ્યું ન સાંભળ્યું કરી રસોડામાં સાંજની રસોઈની તૈયારી કરવા માંડી. કોણ જાણે કેમ, આજે એ નવી બેનપણીને મળીને ખુશ હતી. મનનો ઉભરો ઠલવાઈ ગયો હતો. પણ સાથોસાથ એ પણ ધ્રાસકો હતો, કે કાલે તારિણી આવશે ત્યારે શું થશે ?

રોજના નિયમિત સમયે ઊઠી, સીતાએ વાસીદું અને ઘરના કાર્યો પૂરા કરી, રસોઈ પણ વેળાસર આટોપી લીધી. સાસુ- સસરાના કકળાટીયા કીર્તન ચાલુ હતા. લગભગ અગિયારના સુમારે ડોરબેલ રણક્યો. સીતાએ દરવાજો ઉઘાડ્યો, "બોલો, કોનું કામ ?" 

"સવિતા કાકી છે ?" 

"વહુ, કોણ છે દરવાજે ?" 

"શું, મહેમાનને ત્યાં જ ઉભા રાખી દેશે ?" 

"આ કોઈ બેન છે, તમારું પૂછે છે."

"કોણ છે ?" 

"કેમ છો, કાકી ? મને ના ઓળખી. હું તારિણી. તમારી બહેનની નણંદની કાકીજીના દીકરાની દીકરી. લો બોલો ભૂલી ગયા ને ! હું નાની હતી ત્યારથી મમ્મીના મોઢે તમારી વાતો સાંભળતી આવી છું. હું તો તમને ખૂબ સારી રીતે ઓળખું છું. મમ્મી તો કહેતા હતા, કે સવિતાકાકી જેવી વ્યક્તિ નહીં. તને દીકરીની જેમ રાખશે." 

"અરે હા ! તું. એ તો મારી ઉંમર થઈ ગઈને એટલે ઓળખાણ ના પડી. હવે થોડું ભૂલી પણ જવાય છે. જોને આ ઉંમરે ઘરની જવાબદારી પણ તો મારા માથે છે."

"અરે કાકી, આ કોણ છે ?" મોઢું બગાડીને તારિણીએ પૂછ્યું.

સીતાની વાતો પરથી તારિણીએ સાસુજીનો વટના ગાજર જેવો સ્વભાવ પારખી લીધેલો. બસ, એ મુજબ તેણે કાકી સાથે વાત ચાલુ રાખી. 

"આ, આ મારી વહુ સીતા છે." થોડા વ્યંગમાં સાસુજીએ સીતાનો પરિચય કરાવ્યો. 

"ઓહ વહુ ? પણ, તમારા જેવી નહી હો ! તમે તો મહેમાનની આવભગત માટે બધે પ્રખ્યાત છો. એવું મારી મમ્મી કહેતી હતી, ને તમારી વહુ તો જુઓ દરવાજામાં જ એવી ખોડાય ગયેલી કે, જાણે હું ચોરી કરવા ન આવી હોવ." 

"હા, એનું જરા એવું જ છે, પણ તું બેસ. બોલ ઘરે બધા મજામાં છે ને! હું તો બધાને યાદ કરું જ છું. તું ક્યાં રહે છે, અહીં કેમ આવવાનું થયું ?"

"અરે કાકી, હું તમારે ત્યાં જ આવી. મારે અહીં નોકરીનો ઇન્ટરવ્યુ છે. એટલે લગભગ દસ-બાર દિવસ રોકાઈશ. આમ તો હોટલમાં જ રહેવાની હતી, પરંતુ મમ્મીએ કીધું કે, સવિતાકાકીને ખબર પડશે તો મને ખીજાશે. તો એમને ત્યાં જ રોકાજે. કાકી તમને ગમશે ને ?" 

"અરે ! તું તારે રે' અહીંયા જ. મારે ત્યાં જ રહેવાનું હોય ને ! આવડું મોટું ઘર છે, તે શું કામનું. કંઈ પણ હોય આ સીતાને કે'જે બધું કરી દેશે. કાકીનું ઘર અને મન બંને ખૂબ મોટા છે."

વટ મારવામાં સાસુજીએ તારિણીની વધુ પૂછપરછ ન કરી, તેને ઘરમાં પ્રવેશ અને રોકાણની મંજૂરી આપી દીધી. ખુશ થતાં તેણે સીતા તરફ આંખ મિચકારી. સીતા હસવું ગળી ગઈ. 

"ઓ, મહારાણી! હવે અહીં જ ઊભા ઊભા અમારી વાતો સાંભળ્યા કરશો કે, કોઈ મહેમાનગતિ જેવું તમારી માએ શીખવેલું છે ? સાસુજી તાડુક્યા. 

"તારિણીબેન, શું લેશો? ઠંડુ, ગરમ?"

"જો, સીતા. પહેલી વાત મને બેન નહીં કહેવાનું. જુનવાણી લાગે. હું નવા જમાનાની છું. કેમ ને, કાકી!"

"હા, હા. આ તો આમેય બહુ જુનવાણી છે. હવે આજના સમય પ્રમાણે ચાલવું પડે."

"જોયું, કાકી આટલી ઉંમરે નવા વિચાર રાખે છે, ને એક તું છે, જુનવાણી મણીબેન. ચાલ, પહેલા તો સરસ મજાની આદુ-મસાલાવાળી ચા મૂક ને, મને રૂમ બતાવી દે એટલે હું ફ્રેશ થઈ જાઉં." 

સીતાએ પહેલે માળે ખૂણાનો એક ઓરડો ખોલી આપ્યો. ઉપરનો એટલા માટે કે, સાસુ- સસરા હવે દાદર ચઢી નથી શકતા અને તારિણી અને સીતાને વાતો કરવાનો સમય મળે. થોડીવારે તારિણીએ ઉપરથી જ બૂમ પાડી.

"સીતા, ચા થઈ ગઈ છે કે નહીં ? કાકી, તમારી વહુ તો બહુ ધીમી છે. તમારું શું થતું હશે ? મને તો દયા આવે છે તમારા પર." સાસુજીએ નીચા મોઢે હા, હા કરી. 

"હા, તારિણી, ચા તૈયાર જ છે." 

"તો શું ચા જાતે ઉપર આવશે ? ચા લઈને ફટાફટ ઉપર આપી જા. સીતા ચા લઈને ઉપરના રૂમમાં ગઈ અને રૂમ બંધ કરી દીધો. બંને જણાએ એકબીજાને હાઈફાઈ આપી આનંદ વ્યક્ત કર્યો. 

"વાહ, ગરમાગરમ મસ્ત આદુવાળી ચા. મજા આવી ગઈ. જો હવે મારો પ્લાન તને સમજાય તો ગયો હશે ને! સાસુજીને એમના સ્વભાવના બળે જ હું આપણી વાત મનાવડાવીશ. બસ, મારે તારા વિરુદ્ધ થોડું બોલવું પડશે, તો ખોટું ન લગાડતી, સમજી ને!" 

"હા, જ્યારે તું મારા વિરુદ્ધ બોલી, ત્યારે જ હું સમજી ગયેલી. પણ, તારિણી બાપુજીનું શું ? બાને તો તે સાણસામાં લઈ લીધા. બાપુજી કદાચ...." 

"ચિંતા ન કર. બા હાથમાં છે તો, બાપુજીની ચિંતા નથી. તું જોજેને આ દસ દિવસમાં તો એમના અને તારા બંનેના જીવનમાં ફેરફાર લાવીને જ રહીશ. સારું ચાલ, હું નીચે જાવ નહીંતર બાને શંકા થશે. તું થોડીવારમાં નીચે આવી જા, પછી સાથે જમવા બેસીએ."

તારિણીએ સાસુ-સસરાની નાડ બરાબર પારખી લીધી હતી. જમતી વખતે પણ તેણે ખામી ન હોવા છતાં, ખામી કાઢી સીતા સામે મોઢું બગાડ્યું. બપોરે તેણે કાકીના કાનમાં ઝેર ટપકાવવાનું શરૂ કર્યું. 

"હું શું કહું છું, કાકી. આ સીતા બીજું કંઈ કામકાજ નથી કરતી. બે ટાઈમ રસોઈ કરતાં વાર કેટલી ? પછી તો સાવ નવરી હોય છે."

"હા, હોં. સાવ નવરી. ખાવું ને ઊંઘવું એ જ કામ."

"તે કાકી, એને કંઈ કામ કરવાનું કહો ને ! બે પૈસાની ઉપજ થશે." 

"ના, ના દીકરા. તારા કાકાની ખાનદાનની ઇજજત જાય. બહાર કામ કરે તો લોકો શું કહે ?" 

"અરે કાકી! તમે સમજયા નહીં. આપણે એને બહાર નહીં કાઢવાની. ઘરમાં બેસાડીને જ કામ કરાવવાનું. આપણી નજર સામે." 

"હેં, એવું કંઈ થાય ?"

"કાકી, હું છું ને. તમે જુઓ. એ નવરીને તો હું કામધંધે ચડાવું છું. ઊંઘ-બૂંઘ બધું અવળું કાઢી નાખું. બસ, તમારી હા છે ને!" 

"હા. પણ, જો જે હોં. ઘરની બહાર નહીં જવાનું." 

"હા કાકી, બેફિકર.'

બીજા દિવસે તારિણીએ કોઈ સાથે ફોન પર વાત કરી, ઘરનું સરનામું આપ્યું. કલાક પછી એક છોકરી બેગમાં સામાન લઈને આવી. તારિણીએ સીતાને બોલાવી.

"જો, સીતા, આમ તો તું આખો દિવસ નવરી હોય છે. મારા કાકી ભલા માણસ છે, એટલે તને કંઈ કહેતા નથી. પણ, જો હવેથી તારે નવરા નથી બેસવાનુ. આ દીપ્તિ છે. એ તને દર બે દિવસે સિલાઈનું કામ સમજાવીને આપી જશે. તારે સમયસર કરી રાખવાનું. દીપ્તિ જ આવીને લઈ પણ જશે. જો જે પાછી ખુશ થવાની જરૂર નથી. તારે ઘરની બહાર પગ નથી કાઢવાનો. ધ્યાન રહે, કેમ ને કાકી ?" 

"હા. ઘરની ઈજ્જત તો સાચવવી જ પડે. એને જે કરવું હોય તે, ઘરની અંદર રહીને હા." 

"અને જો પાછી. મારા કાકીના માથા પર ખટાક-ખટાક નથી કરવાનું. મશીન તારા રૂમમાં જ રાખવાનું અને બધું કામ ત્યાં જ કરવાનું. હું તો થોડા દિવસ છું, પછી કાકીને કાયમનો માથાનો દુ:ખાવો નથી કરવાનો, સમજી. તારું કામ તારા ઓરડામાં જ બેસીને કરવાનું." 

સીતાએ નીચી નજરે હામી ભરી. 

"જોયું કાકી. મારા અવાજ સામે કેવી ગરીબ ગાય બની ગઈ છે. તમે જો,જો હવે જરાય નવરી નહિ પડે, કે આમ તેમ જાય." તારિણીએ ધીમા અવાજે કાકીના કાનમાં ફુસ્ફુસાવ્યું.

સીતા દીપ્તિને લઈને રૂમમાં ગઈ. થોડીવારે બંને નીચે આવ્યા, એટલે વળી, તારિણીએ સીતા પર વળી ઓર્ડર ઝાડયો. 

"ચાલ હવે ! ચાનો સમય થઈ ગયો. બધા માટે ચા મુક. રોજના કામ તો પાછા સમયસર કરી દેવાના. હું થાકી ગઈ છું, મારી ચા ઉપર લઈને આવજે." 

"હા, તમે જાઓ. હું તમારી ચા લઈને આવું છું."

સાસુજી મનોમન હરખાયા કે, વહુ બરાબર સપાટામાં આવી છે. ચા પીતાં પીતાં તે પોરસાતાં રહ્યા. સીતા તારિણીની ચા લઈને ઉપરના ઓરડામાં ગઈ. દરવાજો બંધ કરી બંનેએ ખૂબ મસ્તી કરી. ધીમા અવાજે ખૂબ વાતો કરી. તારિણીએ કોઈ બ્યુટીકવાળા સાથે વાત કરીને ઘર બેઠા કામનો પ્રબંધ કરી દીધો. સીતાનું મનપસંદ કામ હતું એટલે વાંધો આવે એમ નહોતો. તારિણીએ ટાઢા પાણીએ ખસ કાઢી હતી. બે-ચાર દિવસ બધું બરાબર ચાલતું રહ્યું. સીતા ઘરનું અને સિલાઈનું બંને કામો સંભાળતી રહી. સાસુજીને બોલવાનો મોકો મળતો ન હતો. વહુ, સંસ્કારી તો હતી જ ને! વળી, આવક શરૂ થતાં સીતાએ સૌપ્રથમ સાસુ અને સસરા માટે નવા કપડાં ખરીદ્યા. સાસુજીએ ઉપરથી તો નારાજગી બતાવી, પણ અંદરથી ખુશ થયા. હવે તારિણીને ચાલ્યા જવું યોગ્ય લાગયું. તેણે ધીમે રહીને સીતાને વાત કરી સમજાવી દીધું કે, 'સાસુજીનું વર્તન સ્વભાવગત છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જશે. મેં જેમ કહ્યું છે, તેમ તારે સમજીને વર્તવાનું. હવે તને વધુ સમજાવવી પડે એમ નથી, બરાબર ને!

"હા, મારી પ્રિય સખી. તું તો તારા નામ પ્રમાણે ખરેખર મારી તારણહાર સાબિત થઈ. બસ, આવતી જતી રહેજે. મને ગમશે." 

"હા, સીતા. જરૂર આવીશ. તારા હાથની આદુ- મસાલાવાળી ચા પીવા. ચાલ, તો હું કાકીને પણ વાત કરી દઉં. અત્યારે જ નીકળી જઈશ. તું થોડીવાર પછી નીચે આવ."

તારિણીએ નીચે કાકીની બાજુમાં બેસી ફરી ફુસ્ફુસાવવાનું ચાલુ કર્યું. 

"કાકી, જુઓ. હવે મારો જવાનો દિવસ આવી ગયો છે. સીતાને મેં બરાબર પાટે ચડાવી દીધી છે. હવે તમારે કંઈ જ કહેવું નહીં પડે. એમ તો તમને હીરાની પરખ, તમારો દીકરો ભલે છોડીને જતો રહ્યો, પણ વહુ તમારી ભારે સંસ્કારી હોં. હું તો પારકી, બહારથી આવીને એને આટલું બધું કહું છું, તોય એ કશું સામે બોલતી નથી, એટલે તમે જરા હવે એના પ્રત્યે કુણા રે જો! જેવી છે તેવી, તમારા બંનેની સેવા તો એ જ કરશે, તે પણ મૂંગા મોઢે. બરાબર ને!" 

"હા, દીકરા. તારી વાત બરાબર છે, પણ તું કોક કોકવાર આવતી રે'જે હોં."

"એ હા, કાકી. ચાલો આવજો." 

સીતા આવી. તારિણીએ કહ્યું," ચાલો સીતામાતા, હું જાઉં છું. સાસુ-સસરાનું ધ્યાન રાખજો. હું આવતી જતી રહીશ. અને હા, સંસ્કારી છો, તો સંસ્કારી જ રહેજો, હોં. ચાલો જય શ્રી કૃષ્ણ. 

વરસાદ બંધ હતો, પણ વાદળો હજી વિખેરાયા નહોતા.

સમાજસેવીકા તારિણી ત્યાંથી ચાલી નીકળી ફરી કોઈ સંસ્કારી સીતાનો વનવાસ પૂરો કરાવવા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational