STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Fantasy

4  

Kalpesh Patel

Drama Classics Fantasy

સમયની ધરા.

સમયની ધરા.

4 mins
3

સમયની ધરા.

એક સમયે એક એવું ગામ હતું, જ્યાં લોકો નહીં, માત્ર વાર્તાઓ રહેતી.
દરેક ઘરમાં એક કથા, દરેક ઓટલાં પર એક પ્રસંગ,
અને રસ્તાઓ પર વહી રહી હતી અધૂરી વાતોની ધારા.
આ ગામમાં “પ્રથમ વાર્તા” સૌથી જૂની હતી.
એ કહેતી, “હું આગ પાસે બેઠેલા માનવમાંથી જન્મી.”
“બીજી વાર્તા” હસીને બોલી, “હું તો દુઃખમાંથી ઊગી.”
પણ એક દિવસ એક નવી વાર્તા આવી.
એના હાથમાં કાગળ નહોતો, અવાજ પણ નહોતો.
એ ફક્ત સાંભળતી.
બધી વાર્તાઓએ પૂછ્યું,
“તું કોણ છે? તું શું કહે છે?”
એ નવી વાર્તાએ, માંડ, માંડ.. જવાબ આપ્યો,
“હું તમને બધાને સાંભળીને બનેલી વાર્તા છું.
તમે જે કહ્યું, જે છુપાવ્યું, જે અધૂરું મૂક્યું —
એ બધું હું છું.”
એ દિવસથી ગામ બદલાઈ ગયું.
હવે વાર્તાઓ ફક્ત કહેતી નહતી,
એ પોતાને ખુદને સાંભળવા પણ લાગી.
દરેક કથા બીજી કથામાં પોતાનું પ્રતિબિંબ શોધવા લાગી.

અને ત્યારે સમજાયું—
વાર્તા કદી એકલી નથી હોતી.
એક વાર્તા, બીજી વાર્તાનો અધૂરો શ્વાસ છે.
અને દરેક નવી વાર્તા
પહેલી વાર્તા નાં છોડેલા શ્વાસ પર લખાયેલી
એક શાંત નોંધ છે.

આમ યુગ બદલાયો અને સમય પસાર થયો.

ગામની વાર્તાઓ હવે જૂની થવા લાગી—
કેટલીક ભૂલાઈ,
કેટલીક ફરી ફરી કહી થાકી ગઈ.
ત્યારે એક પ્રશ્ન ઊભો થયો:
“વાર્તા મરે છે કે માણસ?”
સૌથી જૂની વાર્તાએ થાકી આગ બની, જીવન દીવો બુઝાવતા કહ્યું...

“જ્યારે સાંભળનાર નથી રહેતો, ત્યારે હું શ્વાસ ગુમાવું છું.”

નવલું જીવન પામેલી વાર્તાએ શાંતિથી જવાબ આપ્યો..

“ના… વાર્તા ત્યારે મરે છે.

જ્યારે સૃષ્ટિ (માણસ)  પોતાને સાંભળવાનું બંધ કરે.”

એ ક્ષણે ગામના દરેક શબ્દને અરીસો મળ્યો.
અને શબ્દ લોકોએ સમજ્યું.

વાર્તા કોઈ કાગળ પર લખાયેલી રેખા નથી,
એ તો સૃષ્ટિ નાં આંતરિક સંવાદનું સ્વરૂપ છે.
જ્યારે સૃષ્ટિ પ્રશ્ન પૂછે છે,
ત્યારે વાર્તા જન્મે છે.
જ્યારે તે જવાબમાં મૌન પસંદ કરે છે.

ત્યારે વાર્તા ઊંડી બને છે.
અને જ્યારે સૃષ્ટિ વિચારે—

“હું કોણ છું?”
ત્યારે દરેક વાર્તા,
કોઈ ને કોઈ રૂપે,
એના અંદર ફરી જીવતી થાય છે.
અંતે ગામ અદૃશ્ય થયું.
ઘરો ખંડેર થયા, રસ્તા મટી ગયા.
પણ વાર્તાઓ ક્યાંય ગઈ નહીં.
એ હવે માણસના વિચારોમાં વસે છે,
સ્વપ્નોમાં ઊગી આવે છે,
અને એક અણકહી ક્ષણે કહેશે—
“તમે અમને લખતા નથી,
તમે અમને જીવો છો.”
અને એટલેથી સમજાય છે—
વાર્તા પર વાર્તા લખાતી નથી,
વાર્તા પર માણસ લખાય છે.

સમય વહેતો રહ્યો, યુગ બદલાયો.

વાર્તાઓ હવે પોતાના શીર્ષક ભૂલી ગઈ.
પાત્રો નામ છોડીને મનો ભાવ બની ગઈ.
અને ગામ—એક દિવસ—નકશામાંથી નહીં, ખુદના મનમાંથી ખસીને ગયું.

ત્યારે પણ,હજુય સૃષ્ટિ માણસ જીવિત હતા ત્યાં તેના શ્વાસ ચાલુ હતા .

હવે તે પોતાને “લેખક” કહેતો હતો,
પણ હવે એની પાસે શબ્દો નહોતા.
ફક્ત ખાલી કાગળ
અને તેની કલમ નાં ભરેલ મૌનની શાહી.

એ લખવા બેઠો —
પણ કોઈ વાર્તા નહીં ઉતરી.
અચાનક એને લાગ્યું,
કોઈ એની અંદર લખી રહ્યું છે.
એ જે પ્રશ્નોથી ભાગતો રહ્યો,
એ જ પંક્તિ બનીને તેની સામે ઊભા રહ્યા.
એ જે દુઃખ છુપાવતો હતો,
એ જ કથા બનીને બોલવા લાગ્યા.
એ જે પ્રેમ કદી વ્યક્ત ન કરી શકયો,
એ જ અંત બનીને માંગ કરતો હતો .

ત્યારે લેખકે કલમ- કાગળ મૂકી દીધા.

એને સમજાયું —
વાર્તા લખવા માટે
કોઈએ પણ લેખક બનવું જરૂરી નથી,

પણ પોતાનાં અસ્તિત્વ ને સ્વીકારવું જરૂરી છે.

એ ક્ષણે લેખક અને વાર્તા વચ્ચેની રેખા ઓગળી ગઈ.

હવે કાંઈ કશુંજ “એણે લખ્યું” નહોતું,
હવે “લેખક માત્ર સમય ની ધરા સાથે જીવ્યો” હતો.

અને ગામ?
એ તો ક્યારેય બહાર હતું જ નહીં.
એ તો લેખકની અંદર જ઼ હતું—
દરેક સંશયમાં,
દરેક મૌનમાં,
દરેક અણકહેલા શબ્દમાં.
આખરે દરેક દોડ ને વિરામ હોય છે...

અંતે

એક પંક્તિ લખાઈ—
કોણે અને ક્યાં તે કોઈએ પૂછ્યું નહિ..
પણઃ સૃષ્ટિ (માનવ )કહે..
શબ્દોથી નહીં, સ્વીકારથી:

“હું વાર્તા લખતો નથી,
હું  .... છું, એ જ ખુદ વાર્તા છું.”

અને ત્યાં પણ..વાર્તા પૂરી થઈ નહીં…
એ ત્યાંથી શરૂ થઈ.

હાઈકુ :  ~

શબ્દો મૌન થાય, 
અંતર લખે વાર્તાઓ — 
હું જ વાર્તા છું.

આમ,ખાલી કાગળ પર દીવો પડતો રહ્યો.
પ્રકાશ હતો, શબ્દ નહોતા.
કલમ હાથમાં હતી,
પણ તેમાં શાહી નહોતી—
ફક્ત મૌન ટપકતું હતું.

અને

એટલેજ઼

હવે કોઈ પંક્તિ લખાઈ નહીં,
છતાં વાર્તા પૂરી થઈ.
કારણ કે હવે કોઈને કોઈ શબ્દોની જરૂર નહોતી—

લેખક પોતે જ પ્રકાશ બની ગયો હતો,
અને મૌન,એની બની છે હવે આખરી ભાષા!



Rate this content
Log in

Similar gujarati story from Drama