સ્મૃતિવંદના
સ્મૃતિવંદના
વીતી જતી અને ગયેલી દરેક સાલ આપણને ઘણું બધું આપીને જાય છે. એ ક્ષણો જે ક્યારેક સુખદ હોય છે, તો ક્યારેક દુઃખદ પણ...!
આ બંને અનુભવને આપણે જીવનપર્યંત ભૂલી શકતા નથી. એક યાદોનું પોટલું બની આપણે જીવીએ ત્યાં સુધી આપણી સાથે રહે છે. વીતેલા સમયની ષટ્ રસ ભરીલી યાદો દિલોમાં ઘર કરી જતી હોય છે. ૨૦૨૧ની સાલની મારાં દિલમાં ઘર કરી ગયેલી વીતેલાં દિવસોની યાદગાર પળોને મારી કલમ થકી કાગળ પર કંડારી છે આશા રાખું છું દરેક વાંચનારને મારા શબ્દો થકી ક્યાંક પોતાની કહાની હોવાનો ભાસ થશે અને એકમેકને શબ્દ તાંતણે જોડી રાખશે.
સાલ 2021નું વર્ષની શરૂઆત તો ઘણીજ શાનદાર રહી. સહુએ કોરોનાની પહેલી લહેરમાંથી છૂટકારો અને હાશકારો મળ્યો હતો. દરેક ધીમેધીમે પોતાનાં કામધંધે પૂર્વવત થઈ રહ્યાં હતાં.
મારા પતિદેવને પણ નવી પદોન્નતિ કરતી જોબની સરસ ઓફર આવી..! બેશક સ્થળ સાવ અજાણ્યું અને ઘણું દૂર કહેવાય એવું હતું. અમે આણંદ રહેતાં હતાં અને એમની પૂર્વ જોબ પણ આણંદ જ હતી. અને નવી જોબનો કાર્યભાર જૂનાગઢ સંભાળવો પડે એમ હતો.
કોરોના હજૂ પૂર્ણ અવસ્થામાં સમાપ્ત તો થયો જ નહતો..!
શું કરવું..?
આણંદમાં પોતાનું હેતથી વસાવેલ ઘર, નાની દીકરીનું આગળનું શાળાકીય ભણતર વગેરેની ચિંતા સતાવી રહી હતી.
મધ્ય ગુજરાતનો લગભગ છેલ્લા ત્રીસેક વર્ષનો સંગાથ છોડીને કાઠિયાવાડનાં સોરઠ પંથકમાં બધુંજ નવેસરથી ગોઠવવું પડે તેમ હતું.
આપણી સામે જીવનમાં ઘણીવખત એવી તકો આવતી હોય છે કે રોજબરોજની જીવનશૈલીમાં રહેલી "કમ્ફર્ટ" છોડવી થોડીક મુશ્કેલ બની જતી હોય છે. કારણકે એમાં રહેલી સારી કે નરસી સંભાવનાઓ વિષે આપણે ચિતિંત હોઈએ છીએ.
થશે કે હશે એની વચ્ચે આપણી વિભાવનાઓ અટવાતી રહે છે..!
આવીજ વિટંબણા અમે પતિપત્નિ અટવાતાં હતાં.
કે બધું કેવી રીતે મેનેજ થશે, ફાવશે કે નહીં ?
કોરોનાકાળમાં આ નિર્ણય વ્યાજબી લેખાશે કે નહીં ?
ત્યાંની જીવનશૈલી, બોલી, હવામાન બધું અનુકૂળ આવશે કે નહીં ?
આવા ઢગલાબંધ સવાલો વચ્ચે ચાલતી દ્વિધાની વણકહી વેદનાઓની વણઝાર મનમાં ઝડી વરસાવી રહી હતી.
અમે બંનેએ શાંતિથી બેસીને પોતપોતાનાં અંતરમનનો અવાજ સાંભળવાનું નક્કી કર્યુ.
બીજા દિવસે બેયનો સૂર એકજ થયો.અને જૂનાગઢ જ શીફ્ટ થવાનું નક્કી કર્યુ.
જીવનનાં મોટા નિર્ણયો પતિપત્નિ સાથે બેસી, એકમેકથી સંવાદ સાધીને લે તો જરૂર સફળ થવાય છે !
જૂનાગઢમાં સરસ મજાનાં ઘરની શોધખોળનાં અંતે એક સરસ મજાનો ફ્લેટ ભાડેથી મળી ગયો.
ફક્ત જોઈતી જ ઘરવખરી લઈ અમે શીફ્ટ થયાં. હજૂતો થોડાક જ દિવસ વિત્યાં અને કોરોનાની બીજી લહેરે ઉપાડો લીધો. લોકડાઉન નંખાઈ ગયું. નવું સ્થળ, નવી જોબ, નવા લોકો, નવી બોલી, નવી રહણીકરણી સાવ બધુંજ નવું...!
રોજેરોજનાં અજંપા સાથે ગભરાટવાળી સવાર પડતી !
સમગ્ર રાજ્યને કોરોનાએ કાળભરડો જોરદાર લીધો હતો.
પતિદેવ જોબ પર જાય અને જ્યાં સુધી ઘરે પાછા ના આવે ત્યાં સુધી ઉચાટ વર્તાતો...! દીકરીને તો ઓનલાઈન ક્લાસિસ ચાલતાં હતાં એટલે રાહત હતી.
આવી બધી વિટંબણા સાથે ઘણાં બધાં પરીવારો પોતાનાં દિવસો પસાર કરતાં હતાં. શરૂઆતના ચારેક મહિના તો અમે કાઢી નાંખ્યાં.
દરેક કપરો સમય પસાર કરવામાં ધીરજનો બાંધ એકદમ મજબૂત રાખવો પડે. આ વાત એકમેકની હૂંફથી સૂપેરે પાર પડે છે એ વાત નિશ્ચિત છે..!
બીજી તરફ મારી મોટી દીકરીને લંડન સગર્ભાવસ્થા હતી. જીવ એની જોડે પણ જોડાયેલો રહેતો. સાવ એકલી એ ય પાછી અજાણ્યાં દેશમાં...! પહેલી જ ડિલીવરી અને મારાથી મા તરીકે એની સાથે ના જઈ શકાય એવી પરિસ્થિતિ..!
કોરોનાએ તો લંડનમાં પણ પોતાનો અડિંગો જમાવ્યો હતો.
શું કરશે, કેવી રીતે એ પહોંચી વળશે..?
સગાવહાલા કોઈજ નહીં સાથે..! દીકરી અને જમાઈ સાવ એકલાં..!
આખરે ડિલીવરી સમય નજીક આવી ગયો..!
ત્યાં પણ હોસ્પિટલમાં કોરોના પ્રોટોકોલનું ચુસ્ત પાલન થતું. ત્યાં એના પતિને પણ સાથે રહેવાની મનાઈ હતી.
એકલી એકલી મારી દીકરી..!
ડિલીવરીનું કપરૂ અને અસહ્ય પેઈન..!
એણે આબધું બહુજ બહાદૂરીથી સામનો કરી મેનેજ કર્યું. ડિલીવરી પહેલાં પણ એને ઘણાં કોમ્પ્લીકેશન માટે એને હોસ્પિટલમાં દાખલ કરવી પડેલી ત્યારે પણ એણે એકલાં જ બધું મજબૂતાઈ રાખી પોતાનાં સ્વાસ્થ્યની કાળજી લીધી હતી.
એટલે આ વખતે પણ એને એ સંજોગો ફરીથી સામે આવતાં બહુ વાંધો આવ્યો નહીં.
ડૉક્ટર્સની આખી ટીમ ખડે પગે હતી, બાળકનાં હૃદયનાં ધબકારા હવે મંદ પડવા માંડ્યાં હતાં.
આવી સ્થિતિમાં પણ ત્યાં હોસ્પિટલનાં બિછાનેથી પળેપળની માહિતી અમને ફોનથી આપી રહી હતી.
છેવટે ડોક્ટર્સ એનુથ સિઝેરીયન કરવાનો નિર્ણય કર્યો.
એ વખતે એનાં પતિદેવને એની સાથે ઓપરેશન રૂમમાં જવાની છૂટ આપવામાં આવી..!
સિઝેરીયન વખતે પણ મારી દીકરીએ એકદમ સ્વસ્થ રહીને હસતાં હસતાં અમને ફોન કરી અમને હિંમત આપતી હતી.
એનું સિઝેરીયન થયું અને.......
સિઝેરીયનથી સરસ મજાનો દેવનો દીધેલ દીકરો અવતર્યો..!
અમે પતિપત્નિએ પરમકૃપાળુ પરમાત્માનો આભાર માન્યો..!
એ વખતે અમારી દીકરી પર અમને બંનેને બહુજ ગર્વ થયો..!
અમારી કેળવણી એળે નથી ગઈ એનો અનુભવ થયો..!
કહેવાય છે ને કે તમારા માવતરની કેળવણી એમની ત્રીજી પેઢીમાં ઉતરે તો એ કેળવણી કામની..!
અમે બંનેએ અમારા સ્વર્ગસ્થ માવતરને યાદ કરી પ્રણામ કર્યા.
એમની કેળવણી પણ જાણે અજાણે મારી દીકરીમાં ઉતરી જ હતી ને..!
ધીરે ધીરે અમે પણ અમારા રૂટિન પ્રમાણે જૂનાગઢમાં ગોઠવાતાં ગયાં.
સાવ નવી નક્કોર જિંદગીએ અમારા પરિવારમાં આગમન કર્યું એનો આનંદ અભિવ્યક્તિની પરે હતો. હૈયું કહેતું ઊડીને એની પાસે લંડન પહોંચી જાઉં.
પણ બધું ધારેલું થવું એટલું સહજ અને સરળ ક્યાં હોય છે..!
આપણી દરેક ધારેલી વાત પાર પડતી હોત તો ઈશ્વરને કોણ ગણત..?
ઘણી વખત કપરાં સંજોગો આપણને ટપારી ટપારીને ભવિષ્યની સંભાવનાઓ તરફ સારી રીતે પહોંચી વળવા ઘડતાં હોય છે. દરેક બનતી બાબતોમાં કોઈ ગર્ભીત હકીકત છૂપાયેલ હોય છે..!
એનું પરિણામ આપણને હાથમાં એવોર્ડ સ્વરૂપે ક્યારે અને ક્યાં મળશે એ ફક્ત સમય જ જાણતો હોય છે..!
2021ની સાલનાં મધ્યભાગમાં ધીરે ધીરે બધું થાળે પડતું ગયું. કોરોનાની રસીકરણ ઝૂંબેશ રંગ લાવી. કોરોનાનો પ્રભાવ નબળો પડ્યો.
હવે લંડનનાં વિઝા માટેની ઓફિસ પણ ખુલી ગઈ.
મારા પતિદેવની નવી જોબને કારણે એમણે મને અને મારી નાની દીકરીને લંડન મોકલવાનો વિચાર રજૂ કર્યો. અમે એપ્લાય કર્યુ. વિઝા મળી ગયાં...!
લંડન જવા માટે અને ત્યાં દીકરી, જમાઈ અને નાતીને મળવા મન તો ક્યારનું ઉડ્ડયન કરી ગયેલું પણ શરીર અહીં હતું અને એનેય જવાનો મોકો મળી ગયો..!
પહોચ્યાં લંડન..!
વ્યવહારીક રીતે દીકરીનું સ્વાગત એના દીકરા સાથે મારે કરવાનું હોય...!
પણ અહીં ગાડી ઉંધી ચાલી..!
સંપૂર્ણ સ્વસ્થ થયેલી મારી દીકરી અને જમાઈએ અમારૂ આરતી ઉતારી સ્વાગત કર્યું..!
એમની આંખોમાં અશ્રુ મિશ્રિત આનંદનાં ભાવ અને ચહેરા પર આનંદની ચમક છલકતી જોવી એ મારા માટે બહુ જ મોટી સંવેદન મિશ્રિત ક્ષણ હતી..!
આ અહોભાગ્ય પ્રાપ્ત કરનારી દુનિયાની કદાચ સૌપ્રથમ એકમાત્ર મા હોઉં એવું લાગ્યું...!
જેનું સ્વાગત મારે એના દીકરાની આવવાની ખુશીમાં મારે કરવાનું હતું, અને મારે એને વધાવી પોંખવાની હતી એને બદલે , એ દીકરી આજે મને વધાવી રહી હતી, પોંખી રહી હતી...!
એ વારંવાર કહી રહી હતી..મમ્મી, "તમારી ટ્રેંનીંગથી મને અહીં લંડનમાં "સરવાઈવ" કરવામાં ઘણી મદદ રહી..!"
"તારી અને પપ્પાની શીખવાડેલી એકેએક વાત મને ડગલેને પગલે મદદરૂપ થઈ..!"
એમાં મારા જમાઈએ પણ સૂર પૂરાવ્યો...!
બસ, આનાંથી મોટો એવોર્ડ શું જોઈએ..?
તમારા બાળકો જ્યારે તમારાં જાહેરમાં વખાણ કરે ને એનાંથી મોટું સુખ તો કોઈ જ નથી.
કદાચ આને જ પરીતૃપ્તિનો ઓડકાર કહેતા હશે ને..!
કોઈ સુવર્ણ મુદ્રાઓ ધરેને તો એ પણ એમનાં આ શબ્દો આગળ વામણી લાગે એવી અનુભૂતિ થઈ....!
આ અભિવ્યક્તિ શબ્દોથી વ્યક્ત કરવી કદાચ અઘરી છે..!
એનાં ઘરમાં પ્રવેશ કરી પહેલું જ કામ એને વહાલભર્યુ આલિંગન આપવાનું કર્યુ.
અમારી કેળવણી, ઉછેર અને થોડીક કડકાઈ રંગ લાવી..!
એનાં સાહસી, બાહોશ અને ખમતીધર વ્યક્તિત્વ માટે મને મારી દીકરી અને જમાઈ પર ગર્વ થયો..!
મારો નાતી નામે રીવાન જેને અમે એનાં જન્મ પછી પાંચ મહીના પછી જોવાંના હતાં, એને મળવા દોડ્યાં..!
એ શાંતિથી સૂતો હતો..!
ધરાઈને એને રૂબરૂ જોઈને મનને ટાઢક થઈ....!
ઘણીવખત આપણે આપણાં બાળકોને સ્વતંત્ર રીતે વિકસવા દેતાં નથી. એમની શક્તિ અને બુદ્ધિને સમજ્યાં વગર ટોકટોક કરતાં હોઈએ છીએ.
આ વાત સાવ ખોટી છે, એ આપણાં જ બાળકો છે તો એમનાંમાં સામર્થ્ય અને સાહસ તો આપણા જેટલાં કે એથી પણ વધારે ચડીયાતાં હોવાનાં...!
નવી પેઢી વધુ સક્ષમ, બુદ્ધિશાળી અને બાહોશ છે, આ વાત જ આપણે સ્વિકારવી પડશે.
મારી દીકરી -જમાઈએ ઘણી સૂઝબૂઝ ઘણાં અઘરા સંજોગોને હરાવી સારા સમયને જીતવામાં સામર્થ્ય બતાડ્યું.
એમની સાથે અને નાતી રીવાન સાથે ઘણો જ સરસ સમય વિતાવી અમે સ્વદેશ પરત આવી ગયાં. એક નવી વાત આપ સહુ સાથે શેર કરવી છે કે આપણાં દેશ કરતાં પાશ્ચાત દેશો ઘણાં જ આગળ છે એનું મુખ્ય કારણ ત્યાંની ડિસિપ્લિન છે.
નાના બાળકો અને વૃદ્ધોને ત્યાં ખૂબ સાચવે છે.
આ બંને વયની વચ્ચે જ યુવાનોનું ઘડતર થાય છે. સ્વચ્છતા, માણસાઈ અને શિષ્ટાચાર એનાં મને ત્યાં ડગલેને પગલે દર્શન થયાં..!
એક વાત મને ચોક્કસ સમજાઈ કે જે દેશમાં બાળકો અને વૃદ્ધ સચવાઈ જાય તે દેશ આપોઆપ જ તરક્કી કરવા માંડે...!
કારણકે બાળકો જ તમારી ઉજ્જવળ ભવિષ્યની મૂડી છે. અને વૃદ્ધ તમારા સુવર્ણ ભૂતકાળનાં પ્રહરી..!
એમનાં અનુભવો તમને ભવિષ્યના નિર્ણયો લેવામાં સહાયક બનશે.
ત્યાં બાળકોને સ્કૂલોમાં જ અમૂક બાબતો સરસ રીતે શીખવવામાં આવે છે. બાળકોમાંથી સારા સુસંસ્કૃત નાગરિક બનાવવામાં સ્કૂલો બહુજ મોટો ફાળો આપતી હોય છે ..!
લંડનમાં મને એક બીજી વાત બહુ સ્પર્શી ગઈ, એ વાત એ કે ત્યાં ચેરીટીનો કોન્સેપ્ટ બહુ જ સરસ રીતે અને સાચી પ્રમાણિકતાથી ચાલે છે.
ત્યાં મને નાની ચેરીટી શોપ્સ જોવા મળી જેમાં કોઈએ પણ દાન કરેલી વસ્તુ ઓછા ભાવે વેચાતી હોય તે ખરીદી શકો..!
કેટલી સરસ વાત કહેવાય..!
દાનનું દાન અને જરૂરિયાતમંદ ની જરૂરિયાત પણ સંતોષાય..! એ પણ સાવ વ્યાજબીભાવે..!
આવી ઘણીબધી ચેરીટી શોપ્સ પર દરેક કર્મચારી પાછા માનદ સેવા આપતાં હતાં.વૃદ્ધ માટે આ માનદ સેવા એ સેવાની સેવા અને એમને સરસ રીતે વ્યસ્ત રાખતી પ્રવૃતિ પણ થઈ જાય..!
આવીચેરીટી શોપ્સ જો આપણાં દેશમાં ખૂલે તો કેટલી બધી દાનની સરવાણી વહેતી થઈ જાય..!
આપણા દેશમાં પણ અઢળક દાનવીરો પડ્યાં છે, નિવૃત વૃદ્ધોને પણ સેવા સાથે વ્યસ્ત રાખતી પ્રવૃતિ મળી શકે. જેમાં ખરીદી કરવા આવતાં રોજેરોજ નવી નવી વ્યક્તિઓ જોડે પરિચય થાય તે લટકામાં...!
આ મારો વિચાર એ સાલ 2021નો કોઈ સેવાભાવી સંસ્થા ઉપાડી લે કે વધાવી લે અને સાલ 2022માં એને કાર્યરત કરે તો સેવા અને દાન થકી સેવાભાવી સંસ્થાઓમાં આવી ઉમદા કમાણી થકી રૂપિયાની સરવાણી વહેશે એમાં કોઈજ બેમત નથી.
મેં સાચા દિલથી સમગ્ર સમાજનું સારૂ કરવાની ઈચ્છા થકી આ ટહેલ નાંખી છે . કોઈ આવા આઈડિયા થકી જરૂરથી સમાજનું ભલું કરવા આગળ આવશે એવી ભાવના સાથે મારાં ગત વર્ષની યાદો આપની સાથે વહેંચી છે.નવા વર્ષે મારો સંકલ્પ ઈશ્વર અવશ્ય ફળીભૂત કરશે જ એવી આશા છે.
હવે તો અમે પણ જૂનાગઢની સૂપેરે એકદમ બંધબેસતી જીવનશૈલી સાથે તાલ મિલાવીને જીવતા શીખી ગયાં છે.
ગરવા ગિરનારની નિશ્રામાં, ભવનાથ દાદાની કૃપાથી અને દાતારની દાતારી માણી રહ્યાં છીએ.
શ્રી જલારામબાપાની અખૂટ શ્રદ્ધાએ એમાં બળ પૂરુ પાડ્યું છે...!
2021ની સાલ દેશ દુનિયાનાં ઘણા બધા માટે ખૂબ બધાં ચડાવઉતાર સાથે જીવાઈ ગઈ.કેટલાકે કશુંક મેળવ્યું, કેટલાકે ઘણું ગુમાવ્યું...!
કોરોનાકાળની આ 2021ની આ સાલમાં આપણે સ્વસ્થ્યપણે જીવતા રહ્યાં એ ઈશ્વરની બહુ મોટી કૃપા માનવી રહી.
કારણકે કોરોનાની બીજી લહેર અતિશય ભયાનક અને કંપાવનારી હતી.નવા અનુભવો,નવા માણસો, નવો દેશ, નવી આબોહવા અને તદ્દન નવી જિંદગી એવો મારો વહાલો નાતી રીવાનને મળવાનો અને માણવાનો મોકો મળ્યો એ માટે ઈશ્વરની રૂણી રહીશ.મારી મોટી દીકરી અને જમાઈને લગભગ ત્રણ વર્ષ પછી મળવા મળ્યું.પહેલી વખત એને મળ્યાં વગર દીકરીથી આટલો લાં....બો સમય દૂર રહી..!
પણ એક વાત ચોક્કસ છે કે સમય એનાં નિશ્ચિત બંધારણને વળગી રહી આપણને એનાં નિયમ પ્રમાણે વળતર આપતો રહે છે, બસ "શ્રદ્ધા અને સબૂરી" એને હૃદયમાં રાખી આગળ વધતાં રહેવું...!
બાકી તો મારી 2021ની સાલમાં નાના-મોટાં, જાણીતાં-અજાણ્યાં, સગા-સંબંધી, મિત્રો અને મારા પતિદેવ અને મારી નાની દીકરી અને એવી દરેક વ્યક્તિ જેનાં પણ સંપર્કની મારાથી નોંધ પણ ના લેવાઈ હોય, એવાં સહુને ધન્યવાદ કરીશ. એવાં કેટલાય વ્યક્તિઓ આપણી પ્રગતિમાં ભાગ ભજવે છે જેની આપણે નોંધ સુધ્ધાં લેતાં નથી અને બધો જશ પોતે ખાટવા પ્રયત્ન કરીએ છીએ. તો હું ગત્ વર્ષે અને એના આગલા વર્ષ દરમિયાન જેમણે જેમણે મને જાણે અજાણે મદદ કરી છે એમને યાદ કરીને બિરદાવીશ અને મારી કૃતજ્ઞતા વ્યક્ત કરીશ..!
બાકી તો વિતેલી 2021ની સાલની અઢળક યાદગીરીઓ, ભીની સંવેદનાઓ અને હા... સંઘર્ષ.
આ બધાને મારું સંચાલક બળ બનાવી આવનારી 2022ની સાલનું ઉષ્માભેર સ્વાગત કરીશ. કોઈપણ ચીજને વિદાય આપવી એ તો હંમેશા એક કસક છોડીને જાય છે. હળવી પીડા જેને આપણે કસક તરીકે ઓળખીયે છીએ તેનાં સ્પંદનો હૃદયનાં એક ખૂણે અનુભવાતાં હોય છે...!
છેલ્લે,હસન કમલનું સુપ્રસિદ્ધ ગીત અને મહેન્દ્ર કપૂરે ગાયેલ ગીતનાં શબ્દો ગત વર્ષની વિતેલી ક્ષણોને વાગોળતાં વાગોળતાં આગળ જિંદગી જીવવાનો સંદેશો આપી જાય છે. અભી અલવિદા મત કહો દોસ્તો ... પાસ યે સૌગાત તો હોગી.
આ વિતેલી ક્ષણોને મમળાવતાં અને વાગોળતાં વિતેલાં વર્ષને હું સલામ કરું છું અને મારી સ્મૃતિને કૃતજ્ઞતાની વંદન કરુ છું.
છેલ્લે એટલું ચોક્કસ કહીશ કે દરેક સૂર્યાસ્ત સ્વયં જ હંમેશા તદ્દન નવાં સૂર્યોદયની ખાતરી આપે છે..!
ગત વર્ષનાં આથમી રહેલ સૂર્યની લાલીમા આવી રહેલ નવ વર્ષનાં ઉગતાં સૂર્યની લાલીમાને બરકરાર રાખે એવાં સોનેરી કિરણોની આશા સાથે મારી શુભકાભનાઓ વ્યક્ત કરુ છું.
