સખી ~ એક ભ્રમ.
સખી ~ એક ભ્રમ.
સખી ~ એક ભ્રમ.
જૂનાગઢના દીવાન ચોકના ખૂણે એક નાની દુકાન હતી. દુકાન નું નામ હતું “સખી”, અને ગામ આખુય જીવા મેરાઈની દુકાન તરીકે ઓળખતી. દિવસ ભર ત્યાં સીલાઈ મશીનની ટકાટક ગુંજતી… અને રાતે મશીન સામે કપડું વેતરતો જીવો. સીધો સાદો, શાંત… એવી આંખો કે જે મહિલાને જોઈને એની કાયા માપી લે… કપડું વેતરતા એવા હાથ કે જે કપડાંને જીવંત બનાવી દે. પહેરનારના રુવાબમાં ચાર ચાંદ લગાવી દે.
જીવને જીવાને ત્રણ મોટી ભેટ આપી હતી.
પ્રેમ, પરિવાર અને પૈસા…
પણ સમયએ ક્યારેય આ ત્રણેને એકસાથે તેના ઘરમાં બેસવા દીધા નહોતા.
યુવાનીના દિવસોમાં, જીવા ના દિલમાં એક નામ વસતું હતું,કમલા ફૂલ વેચતી માલણ.
હંમેશા હસતી એ છોકરી… જેના એક સ્મિતથી જીવાનો આખો દિવસ ખીલી ઉઠતો। એક દિવસ, કમલાને ચણિયા-ચોળી આપતાં આપતાં જીવા એ હિંમત કરીને પૂછ્યું— “કમલા… તને હું ગમું છું?” કમલા શરમાઈ… મૌન રહી ગઈ…અને માથું નમાવી હકરો ભર્યો.
પણ તેનો બાપ અને કમલા નો સમાજ બોલી ઉઠ્યો. ઘર બાર વિનાનો જીવો ખાશે શુ અને ખવરાવશે શુ?
“પ્રેમથી પેટ નથી ભરાતું…”
અને એ સાથે કમલા, જીવાના જીવનમાંથી દૂર થઈ ગઈ…
સમય આગળ વધ્યો…મહેનત અને નેકીએ જીવને જીવાને પણ આગળ ધકેલ્યો…એ, બે પાંદડે થયો.તેનું લગ્ન પણ થયું. ઘરમાં પત્ની અને બે સંતાનો આવ્યા. પરંતું જીવો પત્નીમાં કમલાનો પડછાયો શોધતો રહ્યો, પણ ક્યાંય મેળ ન પડ્યો। દિલ પર પથ્થર મૂકી, તેણે જવાબદારીઓ સ્વીકારી લીધી। સવારથી રાત સુધી મશીન સાથે બંધાયેલો જીવો— મહેનતની સોય અને દોરાથી જવાબદારીઓના ફાટેલા આકાશને સીવતો રહ્યો… એક જ સ્વપ્ન— “મારા બાળકોને સારી જિંદગી આપવી છે…” સમયે રંગ બદલ્યો… બાળકો ભણીને પરદેશ ઊડી ગયા— પોતાના સ્વપ્નોના આકાશમાં। અને એક દિવસ, જીવનસાથી પણ યાદોમાં ફેરવાઈ ગઈ… ઘર ખાલી થઈ ગયું…
અને દિલમાં કમલાની યાદો અને એકલતાનો વસવાટ થઈ ગયો… વર્ષો પછી, જીવા મેરાઈનું નામ બની ગયું… દુકાન ધમધમતી થઈ… પૈસા પાણી જેમ વહેવા લાગ્યા… પણ… દુકાનમાં કોઈ “બાપુ” કહીને બોલાવતું નહોતું… કોઈ ચા-નાસ્તા માટે પૂછતું નહોતું… પૈસાનો સાથ હતો. પણ કોઈ પોતાનું નહોતું… જેના ખભે જીવો જરાક માથું ટેકવે.
એક સાંજે …સખી દુકાનના દરવાજે એક અવાજ આવ્યો— “જીવાજી… મારી આ ચોલી સાંધી આપશો?”
તે હતી.સંતુ.
કમલાનું સ્મિત આજે પણ જીવાના દિલને ખીલાવી ઉઠાડતું હતું.એ આભાસી હાસ્યમાં વસંતની નિર્દોષતા હતી, જેને જીવા ના જીવનને રંગીન બનાવ્યુ હતું .
વર્ષો પછી, આજે જ્યારે સંતુ દુકાનના દરવાજે આવી, તેના હાસ્યમાં પણ એ જ અજાણી ઓળખાણ હતી—જાણે કમલાની છાયા ફરી જીવાના જીવનમાં ઉતરી આવી હોય.
પરંતુ જ્યાં કમલાનું સ્મિત પ્રેમની નિર્દોષ કળી હતું, સંતુંનું સ્મિત જીવાના જીવન માં છાયા બની ગયું. એ જ છાયા, જે જીવાને ફરી એકવાર જુવાન બનાવી ગઈ…
સંતુંની આંખોમાં અજાણી ગરમી… વર્ષો પછી,સંતુએ તો જોત જોતામાં જીવાના સુકાયેલા દિલમાં વસંત ફરી ખીલાવી નાખી …
જીવો હવે તેના માથે રહેલા વાળ રંગવા લાગ્યો. મોઠે નવું નકકોર ચોકઠું બનાવડાવ્યું.સંતુ હવે વારંવાર આવવા લાગી. ક્યારે કામથી… ક્યારે કામના બહાને…!
જીવા નો હાથ ફેર અને સંતુંની મૂક મંજૂરી, સખીમાં ફરી હાસ્ય ગુંજવા લાગ્યું… ચા હવે એક નહીં, બે કપ બનવા લાગી… જીવે મનમાં વિચાર્યું. “શાયદ… કુદરતે હવે મોડું મોડું કરીને સુખ આપ્યું છે…”
પણ જીવનનો પાઠ જીવા ને હજી ભણવા નો બાકી હતો… એક દિવસ, સંતુ હસતાં હસતાં જીવાને કહે— “ઓ મારા જીનું રાજ્જા … આ તારા દિલની રાણીને થોડા પૈસાની જરૂર છે… ઉધાર છે… આવતા મહિને આપી દઈશ…” જીવાએ કશું પૂછ્યું નહીં… કશું વિચાર્યું નહીં… જીવનભર જમા કરેલી મૂડીએક ઝાટકે એના હાથમાં મૂકી દીધી… દિવસો પસાર થયા… પછી મહિના…વીત્યા પણ સંતુ પાછી ડોકાઈ જ નહીં… ફોન બંધ… સરનામું ખોટું…
જીવાના દિલની સખીએ, સખાને ફરી સુમસામ બનાવી નાખ્યો
…ઘરડે ઘડપણ અને હવે ઘૂઘરા પહેરી, જીવાએ નવે સિરે મશીન દોડવું ચાલું કર્યું. પણ અત્યારે જીવાના હાથ કંપતા હતા…
તેની થાકી ગયેલી આંખમાં ખેદ હતો. મલક આખાની મહિલાના બદનને નજરથી માપી લેતો જીવો, સંતુને માપવામાં થાપ ખાઈ ગયો હતો.
તે સ્વગત બોલ્યો, પણ તેના પડઘા આખી દુકાનમાં પડતા હતા. જીવા “આ પ્રેમ નહોતો… આ તો મોહ હતો… દેહનો આવેગ… જે ગોરી ચામડીના ભ્રમમાં તારું બધું લૂંટી ગયો…”
દીવાન ચોકમાં દિવાળીની રાત હતી… દુકાનની બહાર બેઠેલો જીવો વિચારે ચઢ્યો— “કેવો અજબ છે જીવન ક્રમ … પૂનમની ચાંદનીએ "હોળી', અને અમાસના અંધકારે લોકોની દિવાળી…” ચોક ની શેરીમાં આવેલી દુકાન ને પગથીએ ટમટમતા દીવાઓ વચ્ચે, જીવાની આંખોના દીવા હંમેશ માટે બુઝાઈ ગયા… તેના હાથમાં અડધી સીવેલી એક ચોળી હતી, શાયદ… સંતુની…
થોડા દિવસ પછી છાપાંના ઉઘાડતા પાને સમાચાર હતા.સંતુ એકલી નહોતી… તે તો વિધુર વૃદ્ધોને ઠગતી ગેંગનો ભાગ હતી…
આજે પણ તે દુકાન તો બંધ છે પણ ઉભી છે—
“સખી – જીવા મેરાઈ” ના પાટિયા સાથે
પણ નીચે કોઈ અડવીતરાએ કાળા ડામરથી લખી દીધું છે
“પ્રેમમાં વેતરાઈ ગયેલા…”
તેમ છતાંય, “સખી” હવે માત્ર બંધ પડેલી દુકાન નથી, એ તો જીવાના ભ્રમ અને સમાજના દંભનું સ્મારક બની અમર થઈ છે.

💭 અંતિમ વિચાર~
ઢળતી ઉંમરે માણસને પૈસા નહીં… સાથ જોઈએ છે। અને જ્યાંરે સાચી સખી નથી મળતી— ત્યારે મોહ, પ્રેમની ચોળી પહેરી સખી બનીને આવી જાય છે…
પણ એનો પ્રેમ કદી સાચો નથી હોતો…
અને એ સમજાય ત્યારે— જીવનનો અંતિમ પડાવ આવી ચુક્યો હોય છે.
કરણ કે સમાજમાં
એકલ વૃદ્ધ વિધુરની કોઈના સાથ માટેની દોડ ને
“ઘરડાએ ઘેલા કાઢ્યા "નું ચ્યુઈન્ગ ગમથી વિંટેલું સ્ટિકર લગાડી વાણી વિલાસ કરવો એ આપણા સૌના દંભની ચરમ સીમા છે.
આમેય ગુલાબના ફૂલ સદીઓથી કાંટાઓને બદનામ કરે છે…
પણ સત્ય એ છે—
ઘણા કાંટા… ફૂલથી પણ વધુ કોમળ હોય છે…
અને સમાજમાં,
ફૂલ તો બિચારું કોમળ એવા ભ્રમને કોઈ પાનખર નડતી નથી.
😘😘😘
