STORYMIRROR

Panch Tantra

Classics Children

0  

Panch Tantra

Classics Children

સિંહને ઉઠાડ્યો

સિંહને ઉઠાડ્યો

2 mins
2.7K


એક ખેડૂત કસબામાંથી ખરીદી કરીને પોતાને ગામ જઈ રહ્યો હતો. એણે પોતાનાં બાળકો માટે જલેબી બંધાવી હતી. રસ્તે ચાલતાં ચાલતાં એને જલેબી ખાવાનું મન થયું. એણે તો ચાલતાં ચાલતાં જ પછેડીના છેડે બાંધેલું જલેબીનું પડીકું ખોલ્યું અને અંદરથી એક જલેબી કાઢી. પણ તેની સાથે બીજી જલેબી ચોંટી રહેલી તે નીચે ધૂળમાં પડી ગઈ તેનો અફસોસ કરતો કરતો આગળ ચાલવા માંડ્યો. હવે ત્યાં ઝાડ પર બેઠેલી એક સમડીએ પેલી જલેબી જોઈ. અળસિયું સમજીને એણે ઝપટ મારી જલેબીને ચાંચમાં પકડી અને ઊડવા માંડી. અને બાજુના જંગલમાં ઘુસી ગઈ. ત્યાં એક ઝાડ પર બેસીને એ જલેબી ખાવા ગઈ. પણ એને ભાવી નહિ. એટલે એણે નીચે ફેંકી દીધી અને એ પાછી ઊડીને દૂર ક્યાંક નીકળી ગઈ.

હવે બે-ત્રણ માખીઓ એ જલેબી પર બેઠી અને તેનો મીઠો રસ ખાવા લાગી. ત્યાં જ ત્યાં એક સિંહ આવ્યો અને એ જલેબીના ટુકડા પર જ લાંબો થઈ બેસી ગયો. જલેબીના ટુકડા એના દેહ નીચે દબાઈ ગયા.

માખીઓએ સિંહને કહ્યું, 'મહારાજ ! આપના શરીર નીચે અમારો ખોરાક દબાઈ ગયો છે. જરા ઊઠો ને !

'શું ? તમારે ખાતર હું ઊઠું ? જા...જા હવે ! બીજું કંઈ ખાઈ લો.

'મહારાજ ! એ અમારું ભાવતું ભોજન છે. માંડ માંડ આ જંગલમાં મળ્યું છે. અમને ખાવા દોને !' માખીઓએ તો સિંહને વિનંતી કરી.

'અરે, બે ટકાની માખીઓ, શું કચકચ કરો છો ! ઘડીક જંપવાયે દેતાં નથી. ભાગો અહીંથી. નહિ તો તમારા બાર વગાડી દઈશ.' સિંહ તો ગુસ્સે થઈ ગયો અને માખીઓને ઉડાડી મૂકી પણ માખી જેનું નામ. તેઓને થયું, આ સિંહ એના મનમાં સમજે છે શું ? અભિમાન તો રાજા રાવણનુંય નથી રહ્યું. ત્યારે આ તો સિંહ છે. એને બતાવી આપવું જોઈએ કે, તું માને છે એવાં તુચ્છ અમે નથી. ભલે અમારું શરીર નાનું રહ્યું.

અને માખીઓ તો સિંહના નાક પર, મોં પર જઈને બેઠી. એક માખી સિંહના કાનમાં ગણગણવા લાગી. સિંહ માથું હલાવી હલાવીને કંટાળ્યો... પછી નાક ઘસવા લાગ્યો... કાન ઘસવા લાગ્યો... મોં ઉઘાડબંધ કરવા લાગ્યો... પણ માખી ધીરજથી લાગી જ રહી. સિંહને હેરાન કરતી જ રહી. સિંહ અત્યંત કંટાળી ગયો અને થાકી ગયો.

ન તો માખી ભાગી જતી હતી... ન તો મરતી હતી... એણે માખીઓને કહ્યું, 'ભાઈસાબ ! બહુ થયું. લો હું હાર્યો અને ઊઠ્યો. ખાઓ તમારાં બત્રીસ પકવાન.' કહીને સિંહ ઊભો થયો અને એ જગ્યા છોડીને ચાલતો થયો.

માખીઓ તો આનંદથી નાચી ઊઠી. અને ફરી જલેબી ખાવા મંડી પડી.

'હે કુમારો ! નાના માણસો પણ કોઈ વાર પોતાની વિશિષ્ઠ શક્તિને લીધે વધુ શક્તિશાળી ઠરે છે. માટે તેમની શક્તિને ઓછી ન આંકવી.'


Rate this content
Log in

Similar gujarati story from Classics