શ્યામના સરનામે રાધાના પત્રો !
શ્યામના સરનામે રાધાના પત્રો !
પ્રિય શ્યામ...
બહુ વર્ષો વીતી ગયા છે આપણી વિદાયને, શ્વાસનો ભાર તો રોજ ઉઠાવીને જીવી લઉં છું, પણ તારી કહેલી અંતિમ વાત વાગોળતાં જ આ હ્રદયનો ભાર નથી ઉંચકાતો મારાથી. તું પણ પરોઢિયે આંખ ઉઘડતાં જ મારા મુખનો આભાસ અંતરમાં ઉમેરતો હોઈશ. તું પણ રાત્રીના સૂતાં પહેલાં આપણા સ્મરણો થકી, સંગાથને વાગોળતો હોઈશ. ભોજન થાળીમાં આવતાની સાથે જ એમાં આપણી પ્રિતનો સ્વાદ ચાખી શકતો હોય એવું બની શકે. તો આમ નિસ્તેજ જેવી સ્થિતિમાં શું કામ મૂકી ગયો છે આપણા સંબંધને? એક નવી દિશા ન મળી શકે આને? શું વિદાયની વિડંબણાઓમાં જ ખોવાઈ જવાનું છે હવે? બસ સ્મરણો થકી જ એકબીજાને યાદ કર્યા કરશું હવે? એકબીજાના શબ્દો સાંભળવા તડપવાનું જ રહ્યું હવે? મળવા માટે હવે તપ કરવું પડશે આપણે?
યમુનાના કાંઠે મારી લાગણીઓ વહાવું છું હર વખતે! શું એના થકી પહોંચતી હશે મારી લાગણીઓ? તારા સુધી? મારા શ્યામ સુધી? કે પછી પાણીમાં ભળીને જ રહી જતી હશે મારી લાગણીઓ?!
હું હજુય તને લખતા ક્યાંક અચકાઉં છું કાન્હા, કારણ માત્ર એટલું જ કે તું હજુંય દિલ ખોલીને મારા હ્રદયના કાગળ પર તારી પ્રીતના હસ્તાક્ષર મુકતા ડરે છે. એક પળ આવી હતી અમરત્વ પામી લીધાની, તારા ખભે માથું ઢાળીને આંખ મીચેલ હું, તારા હાથના હુફાળા સ્પર્શને પામવા કેટલીય ઋતુઓથી અંદરથી સળગતી હું. તું જયારે સાથે હતો શ્યામ ત્યારની રાતો કેટલી મખમલી લાગતી, તારલાઓ જાણે કોઈ રત્નો હોઈ એવા બહુમુલ્ય લાગતા. તારા વ્હાલની ચાસણીમાં તરબોળ છું હું હજુંય, એટલી તરબોળ કે હું ખુદ ચાહું તો પણ ના નીકળી શકું.
એક વાર ઝરુખે ઉભી હું તારી યાદોનાં ચિત્રમાં કંડારતી હતી ખુદને, ત્યારે મને આપણી એક સ્મૃતિ યાદ આવી, આપણી મિલનઘડીઓમાં તું હમેશાં મોડો આવતો, તારી રાહ જોવી તો મને પ્રિય જ લાગતી ત્યારે કોઈ જ ફરિયાદ કે ગુસ્સો ના આવતો તારી રાહ જોવાથી, કારણ કે મને ત્યારે વિશ્વાસ હતો કે મોડો તો મોડો તું આવીશ જરૂર, ને હવે ફરિયાદ ને નિરાશા બંને છે કે તું આવીશ પણ કે નહિ?
તારા માટે આ બધા માત્ર શબ્દો હશે કદાચ જે તારા માટે લખાયેલા છે, અથવા તો તારા માટેનો પ્રેમ છે જે હું શાહીથી વર્ણવી તને સાર્થક કરું છું. પણ મારા માટે આ એક એવી મુસાફરી છે, જે મારે જિંદગીના છેલ્લાં શ્વાસ સુધી મનભરીને માણવી છે.
તને લખતાં લખતાં મારી આંગળીઓ ધબકવા લાગે છે, એ ઉદ્દગારો, એ પ્રાસો, એ અલંકારો વળગી પડે છે મને. જયારે જયારે હું ઝીંદગીથી થાકી જાવ છું ને કાન્હા ત્યારે ત્યારે તારી આંખોને હું સ્મૃતિમાં વાચી લઉં છું જેમાં એક ટાઢક રહેતી જે તું મને નિહાળતો ત્યારે મને અનુભવાતી. તું મારી નજીક પણ છો ને દુર પણ ક્યારેક તું મારાથી એટલો દુર હોય છે જાણે કે કોઈ ખરતો તારો ને ક્યારેક તું એટલો નજીક હોઇ છે કે મારા શ્વાસમાં હું તારા અસ્તિત્વને અનુભવું છું. તારા વિનાનું જીવન એક શ્વાસોચ્છવાસની પ્રર્ક્રિયા માત્ર જ તો છે. ને તારી સાથેનું જીવન હ્રદયમાં ક્ષણ ક્ષણ પહોચતા એ લોહી જેવું છે જેનાથી ધબકાર ધબકે છે. તારા વિરહની હોનારત માં હું અસરગ્રસ્ત છું કાન્હા...!
હા, તને છોડવા સક્ષમ નથી હું, ને ક્યારેય થઈશ પણ નહિ. જયારે તને છોડવાનો કે દુર જવાનો વિચાર આવે કે તરત તારી એ બધી વાતો યાદ આવે જે તે મારા પ્રેમમાં તરબોળ થઈને કહેલી, એ શબ્દો યાદ આવે છે જે ફક્ત મારા મારે જ વપરાયેલા, એ સ્પર્શ યાદ આવે જે હજુંય તારી હયાતીનું પ્રમાણ દે છે મને.
"ક્યારેક લાગણીઓની બાલીશતા પર કકળાટ કરી ઉઠું છું હું કાન્હા.. પણ જયારે જિંદગીનો કકળાટ નહોતો સહેવાતો ત્યારે તારા લીધે ઉદ્ભવેલી આશાની કિરણો જ મને પુનર્જન્મ આપી દેતી."
જે મને તારા તરફ હજુંય જકડી રાખે છે. હવે એવું કંઈ જ નથી રહ્યું જે પહેલા હતું પણ હવે જે છે એ પહેલા ક્યારેય નહોતું. જ્યાં હું છું ત્યાં હજુ તારું સ્થાન અકબંધ છે ને જ્યાં તું છે ત્યાં મારી જગ્યા જ નથી કદાચ, તને ઘણી વાર ગુમાવ્યો છે મેં જાણે અજાણે ને એ ડર એટલો જીવંત છે મારી અંદર કે હવે આંખો બંધ કરતા પણ ડર લાગે છે મને કાન્હા.
મારા માટે રહેલી તારી વિચારોની કક્ષાઓથી હવે હું અજાણ છું છતાંય આ તારી અજાણતા પણ મને પ્રેમાળ લાગે છે. બની શકે મારા અવશેષોને તે તારી જિંદગીના માળખામાંથી કાઢીને ફેકી દીધા હોય પણ હજુંય મારી જિંદગીનું માળખું હું તારા વિના રચી નથી શકતી ! તારી વાતો તો તું જ જાણે કાન્હા ! આમ નીરવ પ્રીત તો તું જ કરી જાણે કાન્હા !
તું મારા જીવનમાં જે ઉદગારો લાવ્યો છે, તેમાં તે અલ્પવિરામ નહિ પૂર્ણવિરામ મૂકી દીધો છે. મારી સમજણ પર એક પ્રશ્નાર્થચિહ્ન ની કતાર લગાવી દીધી છે તે. એ ચિહ્નો ના પડદા પડઘાતા રહે છે આખી રાત, તે તો હવે તારા બે મીઠા બોલથી જ રૂઝાઈ શકે કાન્હા.
"તારી હયાતીને કાગળ પર વર્ણવતાં, હું મારી ખુદની રોચક છબીથી વાકેફ થતી જાવ છું કાન્હા !"
આ વેદના તારા ગયાની છે કે તારા અનહદ હોવાની ? પણ જે દર્દ અને વેદના રાત્રે ફરતા જ રહેતા પડખામાં છે, તે તો તનેય ઊંઘવા નહિ દેતા હોય શ્યામ... તારા માટે આમ તરસવું મારું કોઈ મોટી વાત નથી, પણ મારો પત્ર વાંચીને તને મારી ગેરહાજરી અનુભવાય એ કોઈ નાની-સુની વાત નથી !
"તારી ખુશામત જ કરવાની હોતને તો તો,
તું મને ક્યારનોય જિંદગીના રસ્તામાં મળી ચુક્યો હોત,
પણ મારે તારી ખુશામત નહિ કાળજી લેવી છે!
મારે તારી સાથે દુનિયાની મજા નથી માણવી,
મારે તો તારો સાથ મેળવીને,
મારા નાના અમથા જીવનને રંગોથી ભરી લેવું છે!
મારે તારી સાથે કોઈ સ્વપ્નાંઓ સાકાર નથી કરવા
મારે તો ચંદ્રની ચાંદનીમાં તારા હાથમાં હાથ પરોવીને,
સ્વપ્નને એક જુદી જ પરિભાષા આપવી છે!
મારે તને ફુલોથી ભરેલ બગીચો નથી લઇ આપવો,
મારે તો એક મીઠી સુગંધ બની તારા જીવતરને મેહ્કાવવું છે!
મારે તને વિવિધ વાનગીઓના સ્વાદ નથી ચખાડવા,
મારે તો તને મારા હાથે આખી ઝીંદગી ખવડાવવું છે.
મારે તને શબ્દોની સુરાવલીમાં ભટકવા નથી દેવો,
મારે તો તારી લાગણીઓના તારલાને સદાય ચમકતા રાખવા છે!
મારે તને કોઈ વાયદાઓ નથી આપવા,
મારે તને જિંદગીના કાયદાઓથી દુર એક પ્રેમ ભર્યા વાતાવરણમાં લઇ જવો છે!
મારે તને સતત પંપાળવો નથી, મારે તો તને એ વહાલ આપવું છે જેનો તું હક્દાર છે!
મારે તને મીઠી મીઠી વાતોમાં દુબડવો નથી,
મારે તને કોઈની કડવી વાતો સાંભળવા નથી દેવી!
મારે તો એટલું જ કહેવું છે કે મારે સ્થાન નથી જોઈતું,
મારે તો મારી જીંદગી જ તને સોપવી છે...!"
તારા વિનાની શેરીઓ શ્યામ...!
ના ના એવું નથી કે તારા ગયા બાદ માત્ર ખાલીપો જ શ્વસે છે. હ્રદયમાં ઉછળતી હજારો ઉર્મીઓ તારા આભાસમાં નાચી ઉઠે છે. એ જગ્યા જ્યાં જ્યાં તું મને અનાયાસે મળ્યો ત્યાં ત્યાં હું સામેથી જ જાવ છું. એ જગ્યા એ જઈ તને યાદ કરી એ હવાની સુવાસમાં તારી મહેકને વાચી લઉં છું કાન્હા.
એ ઋજુતા હવે વાતાવરણમાં રહી નથી જે આપણી હાજરી સમયે હતી પણ એક નજીવી કઠોરતા ક્યાંક અનુભવાય જાય છે. દિવસે દિલાસો રાતે વિસામો આપે છે એ હર એક ક્ષણ જેમાં તું નજરો જુકાવીને પણ મારી નજરોમાં છવાઈ જતો. બહુ ઓછો રહ્યો છે અવસર આપડી મિલનઘડીનો છતાંય ક્ષણ ક્ષણ એક પ્રેમ પ્રસંગ ઉજવાયો હતો બંનેની સમક્ષ!
એ ચાંદ હજુંય તારી ચાંદનીમાં પલળવા સ્મરણોના આભમાં ચળકી રહ્યો છે શ્યામ! ભૂલની માફી હોય, પ્રેમનો વિશ્વાસ રાખવો જરૂરી છે કાન્હા ! લાગણીઓના પારખા ના હોય. આશંકાઓના જાળી-ઝાંખરામાંથી ક્યાં ઉગરી જ શક્યું છે હજુ સુધી કોઈ, મનમાં પડેલ ગાંઠો તો સંવાદથી જ ઓગળી શકે શ્યામ. તું વરસ તો મન મુકીને વરસ, આમ ટીપે ટીપે વરસીને મનને ના અકળાવ. તારે દુર જ રહેવું છે, ને દુર જ જવું છે તો હું ના નહિ પાડું તને શ્યામ... પણ ધ્યાન રાખજે કે તારા દુર જવાથી હું જાણે અજાણે તારાથી એટલી દુર થઈ જઈશ કે એ દુર હોવું પણ તને નજીકથી કોતરી ખાશે. મને સમજવામાં ભૂલ થઈ શકે તારી, પણ મારા પ્રેમને અનુભવવામાં તું પાછો પડે એટલો બાલીશ તો તું નથી.
નસીબમાં તારા જેટલું હું માનતી નથી શ્યામ પણ તારામાં હું પુષ્કળ માનતી હતી.અસમંજસની આટીઘુંટીમાં તું આટલો તણાઈશ એ વાત થી અજાણ હતી હું. પત્રો તું વાંચે કે ના વાંચે, એક ક્ષણ આવશે એવી કાન્હા જયારે આ જ શબ્દો તને રણ માં ભટકતા તરસ્યાની જેમ તરસાવસે, ને ત્યારે માત્ર મૃગજળનું જ અસ્તિત્વ રહ્યું હશે કાન્હા...!
લી તારી રાધા...
