STORYMIRROR

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

શુકન

શુકન

3 mins
625


દીપડીઓ વોંકળો થાણાની ભેખડને ધસીને વહેતો હતો. પાણીનો પ્રવાહ સાંકડો ને છીછરો, છતાં કાંઠાની ઊંચાઇ કારમી હતી. તાજું જન્મેલું હરણું જો માને ચાર-પાંચ વાર ધાવ્યું હોય તો જાણે કે વોંકળો ટપી જવાના કોડથી થનગની ઊઠે.

પ્રભાતનાં તીરછાં કિરણો દીપડીઓના ઊંચા એક ધોધ ઉપર પડતાં ત્યારે ધોધના પછાડામાંથી લાખો જળકણોની ફરફર ઊઠીને પ્રભાત સામે ત્રણ થરાં મેઘધનુષ્યોની થાળી ધરતી.

થાણું નહોતું ત્યારે ત્યાં વાઘ-દીપડા મારણ કરીને ધરાઇ ગયા પછી પરોઢિયે છેલ્લું પાણી પીવા ઉતરતા, તે ઉપરથી એ વોંકળાનું નામ દીપડીઓ પડ્યું હતું.

રાતભર દીપડીઓ જાણે રોયા કરતો. એનું રોવું ગીરના કોઇ ગાંડા થઇ ગયેલા રબારીના રોવા જેવું હતું.

સામે કાંઠે શિયાળોની દુત્તી ટોળી રોવાનો ડોળ કરી, કોણ જાણે કેવીય જીવનમોજો માણતી: કેમ કે હવાલદાર તથા ઘોડેસવાર-નાયકનાં કૂકડામાંથી હંમેશનાં એક - બે ઊપડી જતાં. હડકાઇ થયેલી એક શિયાળે હમણાં હમણાં આખો વગડો ફફડાવી મૂક્યો હતો.

આઘે-આઘે ઘૂનાળી નદી રોતી. રાતના કલાકે કલાકે સંધાતી પોલીસોની ત્રણ ત્રણ આલબેલો ઝીલતાં કૂતરાં રોતાં.

આવી 'ખાઉ-ખાઉ' કરતી રાત, પિનાકીને એકને જ કદાચ, થાણાના સો-પોણોસો લોકોમાં, મીઠી લાગતી.

પ્રભાતે ઊઠીને પિનાકી ઓટલા ઉપર દાતણ કરવા બેઠો ત્યારે કચેરીના દરવાજા ઉપર પહોળું એક ગાડું જોતરેલ બળદે ઊભું હતું, ને વચ્ચોવચ્ચ રૂખડ વાણિયો પાણકોરાની ચોતારી પછેડી ઓઢીને બેઠો હતો. એના માથા પર કાળા રંગની પાઘડી હતી. ઘણા દિવસથી નહિ ધોવાયેલી પાઘડીના ઉપલા વળ ઉખેડી માયલા ઊજળા પડની ઘડી બહાર આણી જણાતી હતી. પાઘ બાંધવાનો કસબ તો રૂખડનો એટલો બધો સાધેલો હતો કે માથાની ત્રણ બાજુએ એણે આંટીઓ પાડી હતી. ગરદન ઉપર વાળના ઑડિયાં જાણે દુશ્મનના ઝાટકા ઝીલવા માટે જૂથ બાંધીને બેઠાં હતાં.

"ક્યાં લઇ જશે?" પિનાકીએ પિતાને પૂછ્યું.

"રાજકોટ."

રૂખડ શેઠ પહેરેગીરોને કહેતા હતા: “બોલ્યું ચાલ્યું માફ કરજો."

પહેરેગીરોના મોંમાં ફક્ત એટલા જ બોલ હતા: "એક દિન સૌને ત્યાં મળવાનું જ છે, ભાઈ ! કોઇ વે'લા, તો કોઇ બે વરસ મોડા."

પોલીસોની આંગળીઓ આકાશ તરફ નોંધાતી હતી.

ગાડામાં બેઠે બેઠે રૂખડ શેઠ આ તરફ ફર્યાને મૂંગે મોંએ એણે મહીપતરામને બે હાથની સલામો ભરી: છેલ્લી સલામ પિનાકીને પણ કરી.

ભાણેજ અને મોટાબાપુ - બેઉના હાથમાં દાતણ થંભી ગયાં.

ત્રણ પોલીસની ટુકડીએ આવીને જમાદાર પાસે 'હૉલ્ટ'ના કદમો પછાડ્યા. નાયકે કહ્યું :"સા'બ ! એક કેદી ને કાગળનો બીડો બરાબર મળ્યા છે."

"બરાબર ? ઠીક; રસ્તે ખબરદાર રહેજો. ને જુઓ: તોફાન કરે તેમ તો નથી ને ?"

"ના રે ના, સાહેબ ! એને શેનો ભો છે ?"

"તો પછી ગામ વચ્ચે રસીબસી ન રાખશો."

"મહેરબાની આપણી. અમનેય એ બાબત મનમાં બહુ લાગતુ'તું, સાહેબ."

"જોઇએ તો ગામ બહાર બાંધજો,પણ પાછું વચ્ચે દેવકીગામ આવે છે, ત્યાં છોડી લેજો."

"સારું, સાહેબ ! ગાટ ! સ્લોપ-હામ્સ ! આબોટ ટર્ન ! ક્વીક માર્ચ !" કરતો નાયક પોલીસ-પાર્ટીને કૂચ કરાવી ગાડા પાછળ ચલાવી ગયો. તે જ વખતે સંત્રીએ રેતીની કલાક-શીશી ખલાસ થતી જોઇ. 'ગાટ'માં ઝૂલતી ઝાલર પર નવના ડંકા લગાવ્યા. ને તરત મહીપતરામના વૃધ્ધ પિતાએ નિઃશ્વાસ નાખ્યો: "અરે રામ !"

"કેમ દાદા !" પિનાકીએ પૂછ્યું.

"નક્કી રૂખડ શેઠને લટકાવી દેશે. આ તો કાળડંકાનું શુકન."

"ત્યાં રાજકોટમાં શું થશે?"

"કેસ ચલાવશે."

"કોણ?"

"સેશન જડજ."

"પણ એમાં આમનો શો વાંક? પેલા પટેલે તો આમની મરી ગયેલી માને ગાળ આપી હતી ને ?"

"આ ભાણોય પણ, બાપુ. જડજ જ જન્મ્યો દેખાય છે." મહીપતરામે ટોળ કર્યું.

"હા, ભાઇ, ભાણો જડજ થાશે તે દી કાયદાકલમોની જરૂર જ નહિ રહે!" દાદા હસ્યા.

બાપ-દીકરો બહુ હસ્યા. આ હાંસી પિનાકીને ન ગમી. એણે એક પણ વધુ પ્રશ્ન પૂ્છ્યા વિના ચૂપચાપ દાતણ કરી લીધું.

ગળામાંથી જાલિમ ઉબકા કરતે કરતે ઊલ ઉતારીને મહીપતરામે બે ચીરો ચોકમાં ફગાવી.બન્ને ચીરો ચોકડીના આકારે એકબીજાની ઉપર પડી. એ જોઇને મહીપતરામે કહ્યું: "આજે કંઇક મિષ્ટાન્ન મળવાનું હોવું જોઇએ."

"આજ હું કશું જ મિષ્ટાન્ન નથી ખાવાનો, બાપુજી!" પિનાકીએ દુભાયેલા સ્વરે કહ્યું.

"પણ તને કોણે કહ્યું? હું તો મારી વાત કરું છું."

થોડીવાર થઇ ત્યાં જ બે ગાઉ નજીકના ગાયકવાડી ગામડેથી એક પીળી પાટલૂન અને કાળાં કોટ-ટોપીવાળા પોલીસ-સવારે આવી પોતાનો તાડ જેવો ઊંચો, પેટની પ્રત્યેક પાંસળી ગણી શકાય તેવો ઘોડો લાવીને ઊભો રાખ્યો. જમાદારને લિફાફો આપ્યો. કવર ફોડીને અંદરનો કાગળ વાંચી મહીપતરામ જમાદારે મોં મલકાવ્યું.

બાપે પૂછ્યું: "કાં? વળી કાંઈ દંગલ જાગ્યું કે શું?"

"હા, ચૂરમેશ્વરનું."

"ક્યાં ?"

"રુદ્રેશ્વર મહાદેવમાં."

"કોણ ?"

"ગાયકવાડી મોટા ફોજદાર અને ઇન્સ્પેક્ટર પેલા ભીમાવાળાની ડાકાઇટીની તપાસ માટે આવેલ છે, તે ગોઠ્ય ઊડવાની છે."

"ઠીક કરો ફત્તે! તમને તો દાતણની ચીર-માતા ફળી."

ને એક કલાકમાં તો મહીપતરામ જમાદાર ઘોડે બેસી ઉપડી ગયા.

લાડુ અને 'ડાકાઇટી' વચ્ચે તે સમયમાં આટલું જ છેટું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Classics