Rajul Shah

Inspirational Thriller Tragedy

3  

Rajul Shah

Inspirational Thriller Tragedy

શ્રેષ્ઠતા

શ્રેષ્ઠતા

3 mins
14.4K



રિક મોરેનિસ – હોલીવુડના સૌથી ખ્યાતનામ કૉમેડી કલાકારની અહીં વાત કરવી છે. રિકે ૮૦થી ૯૦ના દાયકા દરમ્યાન ઘણી યાદગાર ફિલ્મો આપી. જેમાં ઘોસ્ટબસ્ટર, હની આઇ શ્રન્ક ધ કિડ્સ, લિટલ શૉપ ઓફ હોરર, સ્પેસબોલ જેવી ફિલ્મો તો કદાચ આજે પણ ઘણાને યાદ હશે જ. હમણાં હમણાં જે કરોડ-ક્લબનો વાયરો વાયો છે એ તો કદાચ ઘણા વર્ષો પહેલા રિકે શરૂ કર્યો. ૧૯૮૬ની સાલમાં એન બેલ્સ્કી નામની રૂપકડી કૉચ્યુમ ડીઝાઇનર સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા. સુખી સંસારના પરિપાકરૂપે બે સંતાનો થયા.

સંસારની સાથે રિકની કારકિર્દી પણ સફળતાના આસમાનને ચૂમતી જતી હતી પણ જ્યારે એને ખબર પડીને એનને કેન્સર છે ત્યારે રિકનો આ સુખ નામનો પ્રદેશ આંધીમાં અટવાયો. કેન્સર સામે લડત આપીને અંતે એન ૧૯૯૭માં મૃત્યુ પામી. એ સમયે એ માત્ર ૩૫ વર્ષની આયુ ધરાવતી હતી. સ્વભાવિક છે બંને બાળકો સાવ જ નાનકડા હતા. રિકને અનુભવે સમજાયું કે સફળતાના શિખરો સર કરવા કરતાંય આ વધુ કપરા ચઢાણ છે. એક તરફ અધધ કમાણી કરાવતી કારકિર્દી પણ ટોચ પર હતી અને બીજી બાજુ નમાયા સંતાનોની ચિંતા.

આવા સમયે કદાચ કોઇ વ્યક્તિ ફરી એકવાર લગ્ન કરવાનો અને સંતાનોની જવાબદારીનો ભાર હળવો કરવાનો નિર્ણય પણ લઈ જ શકે. કોણ આવી અત્યંત સફળ કારકિર્દી સાથે સમાધાન કરવાનો વિચાર સુધ્ધાં કરે? પણ ના! રિક તો કોઇ જુદી માટીનો જ નિકળ્યો. જે સમાજમાં લગ્ન એટલે જીવનભરનો સાથ, એક પતિ કે એક પત્નિવ્રત જેવી કોઇ વ્યાખ્યા જ જાણતું ન હોય એવા સમાજમાં ઉછરેલા રિકે પોતાની આસમાનને ચૂમતી કારકિર્દી ત્યજીને પોતાના સંતાનો માટે ક્ષેત્રસંન્યાસ લેવાનો નિર્ણય લઈ લીધો.

એની આસપાસના વર્તુળના લોકોને, એના ચાહકોને રિકનો આ નિર્ણય તરંગી લાગ્યો. કોઇએ તો વળી એનું મગજ ચસકી ગયું હશે એવું ય વિચારી લીધું. પણ રિકના નિર્ણયમાં કોઇ ફરક ના પડ્યો. મોટાભાગે લોકોના જીવનમાં ઘટતી ઘટનાઓને અનુલક્ષીને કોઇ ચોક્કસ સમાધાન કરવા પડતા હોય કે નિર્ણય તો લેવા જ પડતા હોય છે અને સાવ સામાન્ય રીતે વિચારીએ તો રિક જેવો નિર્ણય લેવાનું તો કોઇ ભાગ્યેજ વિચારે પરંતુ એણે પોતાની કારકિર્દીની તુલનામાં પોતાનો પરિવાર અને સંતાનોને વધુ મહત્વના માન્યા.

સંતાનો ઘેર આવે ત્યારે નૅની કે કેર-ટેકરના બદલે પ્રેમાળ પિતાની હાજરી હોય, ઘરનું સંગીતમય વાતાવરણ હોય અને સંતાનો માટે વ્હાલથી તૈયાર કરેલી રસોઇ હોય એવા પ્રસન્ન ઘરની કલ્પના તો કરી જુવો! રિકે આ બધું જ કર્યું. આવા સ્નેહાળ રિકે એક આદર્શ પિતાની એક નવી જ ઇમેજ પ્રસ્થાપિત કરી.

હા! સાથે સાથે એણે પોતાનું સત્વ પણ જાળવી રાખ્યું. આ વર્ષો દરમ્યાન એણે પોતાના બે આલ્બ્મ બહાર પાડ્યા. ક્યારેક રેડિયો પર પણ પોતાનો અવાજ આપ્યો પરંતુ ૧૯૯૭ સુધી એ રૂપેરી પરદા પર દેખા ના જ દીધી.

એને જ્યારે પૂછવામાં આવ્યું કે ક્યારેય એને પોતાની આ સર્જનાત્મક પ્રવૃત્તિથી દૂર રહેવા માટે અફસોસ અનુભવ્યો છે ખરો?

રિકે ખુબ સરસ જવાબ આપ્યો, “હું ક્યારેય સર્જનાત્મક પ્રવૃત્તિથી દૂર થયો જ નહોતો. મેં મારી સઘળી સર્જનાત્મકતાને મારા ઘર, મારા બાળકો તરફ વાળી. હું ક્યારેય બદલાયો જ નથી માત્ર મેં મારું ફોકસ બદલ્યું છે.”

જ્યારે સંતાનોની જવાબદારી હળવી થઈ ત્યારે ફરી એકવાર ૨૦૧૭થી ફરી એણે એની કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ કરી અને તે પણ એક એવી વ્યક્તિ માટે કે જેનું જીવન કરોડરજ્જૂની ઇજાના લીધે પેરેલિસિસથી સ્થગિત થઈ ગયું હતું.

આપણે હંમેશા રિકને એક અદ્ભૂત કલાકાર તરીકે યાદ રાખીશું પણ એના સંતાનો તો એને એક અદ્ભૂત પિતા તરીકે યાદ રાખશે. રિકને એના આ નિર્ણય માટે ક્યારેય રતિભાર પણ અફસોસ થયો જ નથી.

અહીં વાત સફળ વ્યક્તિ કે વ્યક્તિની સફળતાના બદલે કરવી છે એના સમર્પણની, એની શ્રેષ્ઠતાની.

વ્યક્તિ કોઇપણ ક્ષેત્રમાં હોય કે સંસારમાં હોય એનું સમર્પણ જો સો ટચના સોના જેવું હશે તો એ કોઇપણ સ્થાને એની શ્રેષ્ઠતા સિધ્ધ કરી જ શકવાની છે. શાન, શૌકત તો વ્યક્તિની સંલગ્નતા સાથે જ સંકળાયેલા છે. દરેક વ્યક્તિનું કોઇ નિશ્ચિત સ્થાન હોય છે. જરૂર છે એ સ્થાનને પોતાની સંલગ્નતા કે સમર્પણથી શોભાવાની. જેના ફાળે જે જવાબદારી આવી છે એ જવાબદારીમાં સાંગોપાંગ ખરા ઉતરવાની.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational