સાપ-સીડીનો દાવ
સાપ-સીડીનો દાવ


"પપ્પા ! ચાલોને, સાપ-સીડી રમીએ."
ઉનાળાની બપોરે ભર ઘેનમાં કાર્તિકના કાને આ શબ્દો સંભળાયા. આંખ ખોલીને જરા જોયું તો સામે પાંચેક વરસની દીકરી તેના કુમળા હાથ ગાલ પર ફેરવીને જગાડી રહી હતી. ક્ષિપ્રા વારંવાર બુમો પાડીને તેના પપ્પાને જગાડી રહી.
કાર્તિક આળસ મરડીને બેઠો થયો. જરાય ઈચ્છા ન હોવા છતાંય દીકરીને રાજી રાખવા તે ઓરડામાં જઈને સાપ-સીડી લઈ આવ્યો. પપ્પાના હાથમાં સાપ-સીડી જોઈને જ ક્ષિપ્રા તેના નાના ફૂલ જેવા હાથોથી તાળીઓ પાડવા લાગી. તેની આંખોમાં આનંદની છોળો ઉછળતી હતી. બે પગ પર જોર દઈને કૂદવા લાગી. તેના એ બાલિશ વર્તનમાં ઉભરાતી ખુશી જોનારાને પણ આનંદ આપતી હતી.
ટેબલ ઉપર સાપ-સીડી ગોઠવાઈ. કાર્તિક અને ક્ષિપ્રા સામ-સામે ગોઠવાયા. ક્ષિપ્રા એ લાલ કુકડી પસંદ કરી. વધેલી ત્રણ રંગવાળી કુકડીઓમાંથી કાર્તિકે વાદળી પસંદ કરી. ક્ષિપ્રા ખૂબ ઉત્સાહિત હતી. પહેલો દાવ એણે લીધો.
"એક...બે..ત્રણ...ચાર. પપ્પા, મારે ચાર આવ્યા." એમ બોલતા જ ચાર ખાનાઓ ભરી દીધા.
કાર્તિકના નસીબમાં પાંચ હતાં. પપ્પાને આમ પોતાનાથી આગળ નીકળતા જોઈ ક્ષિપ્રાને ન ગમ્યું.
"પપ્પા, તમે આગળ ન જાઓ. આપણે બે જોડે રહીએ."
કાર્તિકને લાગ્યું કે કદાચ માનવસહજ ઇર્ષાથી તેને નહીં ગમ્યું હોય. પછીના દાવમાં ક્ષિપ્રા ને ત્રણ આવ્યા. પોતાની કુકડી ભરવા લાગી.
"એક.. બે.. ત્રણ. મારે તો સીડી આવી, હવે ?"
કાર્તિક બોલ્યો, "હવે તું સીધી 7 થી 26 પહોંચી જઈશ. મૂકી દે તારી કુકડી ત્યાં" આમ કહીને એણે પોતે જ ક્ષિપ્રા ની કુકડીઓ 26 નંબરના ખાનામાં ગોઠવી દીધી.
ક્ષિપ્રાએ આ જોઈને કાર્તિક ને કહયું, "પપ્પા, તમે પણ આવતા રહો ને 26માં."
"બેટા મારે ત્યાં ન અવાય. મારી કુકડી હજુ અહીં છે." કાર્તિકે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એને મનમાં કંટાળો થયો. "આના કરતાં તો ન રમ્યો હોત તો સારું." આમ વિચારીને તેને ઉભા થઇ જવાનું મન થયું. પરંતુ ક્ષિપ્રાની જીદને સમજાવવી કેવી રીતે ? એટલે એણે પ્રશ્ન પૂછ્યો કે "અહીં કેવી રીતે અવાય ? "
ક્ષિપ્રા એના નાનકડા ચહેરા પર નખરાળા ભાવથી કહ્યું, "પપ્પા, તમે પણ શું ! તમે જ કહ્યું હતું ને કે આપણે જોડેજ રહેવાનું. પાછા ભૂલી જાવ છો ?"
કાર્તિક મનોમન દીકરીના શબ્દોને ભાવસભર મૂલવી રહ્યો. પોતાની આપેલ શિખામણ ને તે પાળી ન શક્યો. આગળ નીકળી જવાની હોંશિયારી માણસોને એકબીજાથી દૂર લઈ જઈ રહી છે. જીવનની સાપ-સીડીની સાચી મજા તો સાથે રહીને જીવવામાં જ છે.