STORYMIRROR

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Romance

4  

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Romance

સાચો પ્રેમ

સાચો પ્રેમ

6 mins
267

આ કથા શરૂ થાય છે અતિ સુંદર અને પ્રાકૃતિક વારસાથી સમૃદ્ધ એવા એક નગરથી. વિશ્વના કોઈ એક ધનાઢ્ય દેશના ખૂણે વસેલા આ નગરનું નામ આપણે ત્યાંના નગરવાસીઓની પરવાનગીથી મેગસ્ટન રાખીશું. એડ્રિઆના નદીના ડાબા કિનારાની પૂર્વ બાજુએ મિત્ઝ પર્વતમાળાની તળેટીમાં એ નગર વસેલું છે. આપણે મેગસ્ટન ચોક્કસ ક્યાં આવેલું છે એ તો નક્કી કરી શકીએ તેમ નથી, કેમકે કોઈ નકશામાં એનો ઉલ્લેખ નથી.

   આપણી વાર્તા જે વર્ષમાં શરૂ થાય છે તે વર્ષની 11મી જાન્યુઆરીની આથમતી સાંજે મિત્ઝ પર્વતમાળાની ખીણમાં આકાશના ઝળહળતા તારાએ ડોકિયું કર્યું. બર્ફીલા શિખરોના ભવ્ય પડછાયાથી છવાયેલી ખીણમાં રાત્રિનું સામ્રાજ્ય પથરાવા લાગ્યું. આ બાજુ એડ્રિઆના નદીના તટે વસેલ મેગસ્ટન નગરમાં જાણે કે સવાર પડી.

   જેમ જેમ રાત્રીના પ્રહારો વીતતા જાય તેમ તેમ અહીંની ચમક નિખરતી જાય. અહીંના જુગારખાનાઓમાં મોટી મોટી મહેફિલો યોજાય. આખી રાત અહીંની વીશીઓ ધમધમે, ઉપરાંત ગલીઓના નાકે ઊભાં કરાયેલી દારૂ-વોડકાની કામચલાઉ દુકાનો પર લોકોની ખાસ્સી ભીડ જોવા મળે. બજારની રોનકતો આખી અલગ. કલાકોનો જુગાર જીતીને ઉત્સાહ મનાવતા પુરુષો, તો બીજી બાજુ ટોળે વળીને ઠઠ્ઠા- મશ્કરી કરતા જુવાનિયાઓ, તથા પ્રીતમને જોઈને શરમાતી યુવતીઓ. આખું બજાર જાણે નશામાં ચૂર હોય તેવું લાગે. નગરના મહાન નાટ્યકાર પી. ક્રિઝોનની યાદમાં બનેલા ક્રિઝોન નાટય ગૃહમાં આખી રાત શેક્સપિયરના નાટકો ભજવાતા હોય. વળી નગરના રહેણાંક વિસ્તારોમાં તો એથી સાવ ઉલટી સ્થિતિ હોય. હા, અમીરોના વસવાટોમાં રાત્રિમહેફિલો અને મોજમસ્તી ચાલતી હોય પરંતુ એક્સ્ટર સ્ટ્રીટ અને જ્હોનપુલ વિસ્તારમાં રાત્રે સાવ સન્નાટો હોય ત્યાંના રહીશો ખૂબ જ શિક્ષિત અને સંસ્કારી તથા ઊંડા તત્વજ્ઞાનીઓ. હા, કોઈ માથાફરેલ વિજ્ઞાનીના ઉપલા ઓરડામાં દિવાબત્તી બળતી હોય અને એના વિચિત્ર પ્રયોગો ચાલુ હોય પણ એ સિવાય સર્વત્ર શાંતિનું જ સામ્રાજ્ય પથરાયેલું હોય.

  11 જાન્યુઆરીની રાતે બરોબર 2ના ટકોરે એક્સ્ટર સ્ટ્રીટના પ્રસિદ્ધ નૃવંશશાસ્ત્રી મી. ફિન્કના ઘરે ઉપલા માળની બાલ્કનીમાં સળવળાટ થયો. એક પ્રચંડ પૌરુષથી તરવરતો જર્મન યુવક દરવાજામાંથી બાલ્કનીમાં આવી ચડ્યો. હાથમાં જેન્ટીયાન ફૂલોનો લુમઝુમતો સફેદ ગુચ્છ, સ્પષ્ટ અને ચંચળ આંખો, સોનેરી વાળની લટોથી છવાયેલું એનું કપાળ, ગોરો દેહ, મધુર ગીત ગણગણતા એના હોઠ. બાલ્કનીમાંથી સ્ટ્રીટના નાકા સુધી નજરો બિછાવીને એ ઊભો રહ્યો. હજી થોડી વાર થઈ હશે ત્યાં નીચે એક ફૂલનું કુંડું તૂટ્યું, સાથે બિલાડીનો અવાજ આવ્યો. આ બધી હલચલથી સામેની બાલ્કનીમાં એક નવયૌવના આવી ચડી. રેશમી વસ્ત્રોમાં સજ્જ તેનો કુમળો દેહ અને ગળામાં શોભતી સોનાની કિંમતી ચેન. પાતળી કમરથી છેક નીચે સુધી લટકતા આછા સોનેરી રંગના વાળ અને તેને બાંધેલી લાલ રંગની રિબિન, સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેનારી તેની નશીલી આંખો તેમજ આ સુંદરતામાં વધારો કરતા તેના આછું સ્મિત વેરતા હોઠ અને ચહેરા પર સાવ નિખાલસતાનો ભાવ. પેલો યુવાન તો બેફિકરાઈથી આખી ગલીમાં નજર ફેરવ્યે જતો હતો. 

   અચાનક તેની નજર સામેની બાલ્કનીમાં ઉભેલી પેલી સુંદર કન્યા તરફ ગઈ. તેની ચંચળતાથી ફરતી આંખો કન્યાના રૂપ પર સ્થિર થઈ, અગાધ સૌંદર્ય જોઈને યુવાનના હોઠ પરથી ગીતની પંક્તિઓ બંધ થઈને ચાલી ગઈ. અનાયસે તેનું પૌરૂષથી તરવરતું શરીર મિત્ઝ પર્વતમાળાના બરફથી છવાયેલા શિખરની જેમ સાવ ઠંડુ પડી ગયું. આવા મનમોહક રૂપને માણતા તેની આંખો પહોળી થઈ ગઈ. શબ્દો ગળામાં જ અટકી પડ્યા. યુવતી પણ આ યુવાનને જોઈને અવાક્ થઈ ગઈ. એક સહિયારા આવેગથી પ્રેરાઈ હોય તેમ એ પણ અટકી ગઈ. બંનેની નજર એક થઈ જાણે સદાય એક થવા માટે તલસી રહી હતી. થોડી વારે કન્યાએ સ્મિત કર્યું, હીમને જેમ અગ્નિનો સ્પર્શ થતાં એ પીગળે તેમ પેલા યુવાનના થીજી ગયેલા શરીરમાં ચેતનાનો સંચાર થયો અને તેણે પણ સામું સ્મિત કર્યું. કન્યાએ જરા આગળ વધીને એ જુવાનનું નામ પૂછ્યું. યુવક પહેલાં તો તે યુવતીની સામે એકીટશે જોઈ રહ્યો પણ પછી અચાનક હોશમાં આવ્યો હોય તેમ તેણે ધીમેથી કહ્યું, ‘જી…જી…અ..ઓમિક્રોન’. સામેથી યુવતીએ જવાબમાં પોતાનું નામ આર્કેડિયા વૉકર જણાવ્યું. યુવાન કશું બોલ્યો નહીં ને ફક્ત સ્મિત વેરતો રહ્યો. યુવતી પણ તેને તાકી રહી પછી શરમથી નજર ફેરવી લીધી. યુવકે વધુ માહિતી મેળવવાની લાલસાએ તેને તેના. સરનામાં અંગે પૂછ્યું, તો જવાબમાં શરમ અને પ્રેમાવેગથી ઘવાયેલી યુવતીએ ‘જેમપ્લેક્સ’ કહ્યું. યુવતી આગળ બોલે એ પહેલાં બાલ્કનીવાળા ઓરડામાં બે-ત્રણ વ્યક્તિના અવાજ સંભળાયા.

   યુવતી સતર્ક થઈ તેણે અંદર જવાની તૈયારી કરી, પણ જતાં પહેલાં તેણે પોતાના કમર સુધી લટકતા વાળમાં બાંધેલી લાલ રંગની રિબિન છોડી અને પેલા યુવક તરફ ફેંકી. યુવકે તે રિબિન નીચે પડતા પહેલા હાથમાં ઝીલી લીધી, અને પોતાના હાથમાં રહેલા જેન્ટીઆન ફૂલોના ઝૂમખાને તે યુવતીની બાલ્કની તરફ ફેંક્યા, યુવતીએ તેને ઝીલી લીધા અને યુવાનની સામે સ્મિત વેરતી ઓરડામાં ચાલી ગઈ. યુવક તે રિબિન લઈને ઘણી વાર સુધી ત્યાં બેસી રહ્યો અને તેને પોતાની આંગળીઓની વચ્ચે પરોવતો રહ્યો.

***

   વીંકલર્સ નગરના પેન્ટેકોસ્ટલ ચર્ચમાં એક લગ્નની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી ઘણાજ મોટા પાયે થવાની હતી વીંકલર્સની દરેક ગલીઓમાં તેની ચર્ચા થતી હતી. શહેરના મોટા ભાગના શ્રેષ્ઠીઓ, શ્રીમંતોને આમંત્રણ અપાયું હતું અને જેમને નહોતું મળ્યું તેઓ સમારંભમાં આવવા માટે પડાપડી કરી રહ્યા હતાં.

   પસંદ થયેલા વરરાજા તે સમયના અતિ ધનાઢ્ય રાજકારણીઓમાં સ્થાન ધરાવનાર બિલ બેન્કસના પુત્ર હતાં અને સાથે ભરપૂર બુદ્ધિચાતુર્ય, અગાધ સૌંદર્ય તથા અઢળક સંપત્તિનો ખજાનો ધરાવતા હતાંં. પસંદ થયેલી નવવધૂ એક સમૃદ્ધ નગરની રાજકુમારી હતી. આ વિશેષતા સાથે તે એક કુશળ કવયિત્રી પણ હતી, અને તેના આ વ્યક્તિત્વમાં તેની અણીશુદ્ધ સુંદરતા વધારો કરતી હતી. આખી વ્યવસ્થા વડીલોની સહમતીથી થઈ હતી આથી મુખ્ય પાત્રોની વચ્ચે પ્રેમનો કોઈ પ્રશ્ન રહેતો નહોતો. યુવાન ચારિત્ર્યવાન હતો અને રાજકુમારીએ પણ હા કહી હતી પણ કોઈ ખાસ ઉત્સાહ વગર. પણ વડીલોની સહમતીના ફળસ્વરૂપેજ આ લગ્ન થવાના હતાં.

   લગ્નના દિવસે આખું નગર આનંદના હિલોળે ચડ્યું હતું. દરેક વ્યક્તિના મુખ પર ઉત્સાહના ભાવ દેખાતા હતાં. પણ, જેનું લગ્ન થવાનું હતું તે યુવક સવારથી થોડો નિરાશ લાગતો હતો, સદાય હસતા રહેતા તેના ચહેરા પર ખિન્નતાના ભાવ જોવા મળતા હતાં. પોતાના ઘરે તે પોતાના અંગત ઓરડામાં બેઠો હતો. ઘરમાં આટલા બધા મહેમાન અને મિત્રો હોવા છતાં તેનું આમ એ બધાથી અળગા એક ઓરડામાં બારણાં બંધ કરીને બેસી રહેવું સાવ અજુગતું લાગતું હતું. જાણે તે ઊંડી યાદોમાં સરી પડ્યો હતો, પછી અચાનક કાંઈ યાદ આવ્યું હોય તેમ તેણે પોતાના ટેબલના ખાનામાંથી એક જૂની ચોપડી કાઢી અને તેના પાના ઉથલાવા માંડ્યા, પાનાંની વચ્ચેથી એક સાવ જૂની અને ઝાંખી પડી ગયેલી લાલ રંગની રિબિન નીકળી, રિબિનને તેણે સાચવીને પકડી અને ઘણી વાર સુધી તેને જોઈ રહ્યો, રિબિનને વહાલ ભર્યું ચુંબન કર્યું અને પછી તેણે તેને બારીની બહાર ફેંકવાનો વિચાર કર્યો પણ અજાણ્યા કારણોસર તે ઘરની બહાર ઉપડ્યો. ઘરેથી નીકળ્યા પછી નજીકમાં આવેલી અને એડ્રિઆના નદીમાં ભળતી એક નદીના પ્રવાહમાં તેને છોડી દીધી. નદી કિનારે જ તેને આશરે ત્રણ વર્ષ પહેલાંનો મેગસ્ટનમાં પોતાના દૂરના સગા અને નૃવંશશાસ્ત્રી મી.ફિન્કના ઘરની બાલ્કનીમાં રાત્રે બે વાગે બનેલો બનાવ યાદ આવ્યો. સામેવાળી બાલ્કનીમાં ઊભેલી પેલી સુંદરી અને તેણે આપેલી આ રિબિન. બધું જ માનસપટ પર ઉપસી આવ્યું. તેણે વિચાર્યું કે જો પોતે એક ધનાઢ્ય બાપનો દીકરો ન હોત અને પોતાના પરિવારની પ્રતિષ્ઠા ન સાચવવાની હોત તો તેણે જરૂર તે સુંદરીને શોધી કાઢીને તેની સાથે લગ્ન કરી લીધા હોત. આવા વિચાર અને અફસોસ સાથે તે પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો.

   આ બાજુ રાજકુમારી પોતાની બહેનો, બહેનપણીઓ અને સગા વહાલાં ની વચ્ચેથી એકબાજુ સરકીને પોતાના બગીચામાં આવી ગઈ. સુંદર ફૂલોથી ઢંકાયેલા બાંકડે બેઠા પછી તેણે પોતાના ગળામાં પહેરેલ સોનાનું કિંમતી લોકેટ કાઢ્યું હળવેક રહીને તેને ખોલ્યું અને તેમાંથી વર્ષો જુના જેન્ટીઆન ફૂલોની કરમાયેલી પાંખડીઓ કાઢી અને હાથમાં રાખીને જ વિચારોમાં સરી પડી. પોતાની બહેનપણીના ઘરે મેગસ્ટન નગરમાં રાત્રિના બીજા પ્રહરે સામેના ઘરની બાલ્કનીમાં અનાયાસે ચડી આવેલ એક પૌરુષવાન યુવકને જોતા જ તે તેના પ્રેમમાં પડી ગઈ હતી એ યુવક સાથે તેણે કરેલી બે શબ્દોની વાતચીત અને આજ સુધી તેને હંમેશા સતાવતી તેની યાદ, પછી જ્યારે બીજી વાર તે ત્યાં ગઈ ત્યારે તે યુવકની ગેરહાજરી અને તેને થયેલું દુઃખ એ બધું તેની આંખોમાં જાણે કે સામે જ ભજવાઈ રહ્યું. તે થોડી વારે સ્વસ્થ થઈ, અફસોસ સાથે પેલા જેન્ટીઆન ફૂલોને હાથમાં મસળી નાખ્યા અને પોતાના ઓરડામાં આવી, અને હવે એક મોટા રાજકારણીના પુત્ર સામે તેણે તે બાલ્કનીવાળા અજ્ઞાત યુવક વિશે વિચાર કરવાનું મૂર્ખતા ભર્યું છે તેમ વિચારીને બહાર આવી અને ફરી પાછી સગાં-વહાલાંની ભીડમાં અદ્રશ્ય થઈ ગઈ.

   લગભગ અડધા કલાક બાદ વીંકલર્સ નગરના પેન્ટેકોસ્ટલ ચર્ચમાં ઓમિક્રોન અને જેમપ્લેક્સની રાજકુમારી આર્કેડિયા વૉકરના લગ્ન સમારંભની શરૂઆત થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance