નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Children Stories Inspirational

4.7  

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Children Stories Inspirational

કિનુનો પંખીપ્રેમ

કિનુનો પંખીપ્રેમ

4 mins
657


વિદ્યામંદિર શાળાનો ઘંટ વાગ્યો, બધા બાળકો ઉલ્લાસ સાથે ઘર તરફ દોડ્યા. આજે છેલ્લું પેપર હતું અને હવેથી દિવાળીનું વેકેશન શરૂ થતું હતું. સૌ બાળકોના મુખ પર હાશકારાની અને આનંદની ભાવના સ્પષ્ટ જોઈ શકાતી હતી. શાળાના ધોરણ 7 માં ભણતી કિનુ ઘરે જતા રસ્તામાં દિવાળીના ફટાકડા, નવા કપડાં, પોતાની મનપસંદ મીઠાઈ અને લાંબી રજાઓ વિશે વિચારતી હતી. દિવાળી તેનો મનગમતો તહેવાર અને તેની આહલાદક ઉજવણીના સપનાઓમાં તે અત્યારે ખોવાઈ ગઈ હતી. 

  ઘરે પહોંચીને તેણે એક ખૂણામાં દફતરનો ઘા કર્યો, અને માતાને કહ્યું, "મમ્મી... આજે પરીક્ષાઓ પુરી. હવે રજાઓ...!!" તેનો આનંદ હૈયે સમાતો ન હતો, પોતાની દીકરીને આટલી ખીલેલી જોઈને તેની માતા પણ ખુશ થઈ ગયા. કિનુ ઉપર જઈને સીધી બાલ્કનીમાં કાગળ અને રંગો લઈને બેસી ગઈ. 

  વ્યવસાયે ડોક્ટર એવા કૌશિકભાઈ અને ગૃહિણી દેવાંગનાબેનની દીકરી કિનુ અભ્યાસમાં તો હોશિયાર હતી જ આ ઉપરાંત તે સારી નૃત્યાંગના અને ચિત્રકળાની શોખીન હતી. પ્રકૃતિમાં અને પર્યાવરણમાં પણ તે વિશેષ રુચિ ધરાવતી હતી. તેના ઘરના ઉપરના માળની બાલ્કની તેમના બગીચામાં પડતી હતી. કિનુ નવરાશના સમયમાં ત્યાં બેસીને ચિત્રો દોર્યા કરતી અને બગીચામાં વાવેલા સપ્તપર્ણી અને પારિજાતના વૃક્ષો તથા નાના છોડવાઓને જોયા કરતી. 

  આજે પણ એ ત્યાં બેસી કાગળ પર સુંદર ગ્રામ્યજીવનનું ચિત્ર દોરી રહી હતી. ત્યાં જ પારિજાતના વૃક્ષ પરથી એક બુલબુલનું બચ્ચું નીચે પડ્યું ! કિનુએ બે અઠવાડિયા પહેલા બુલબુલને એ પારિજાતમાં માળો બાંધતા જોઈ હતી અને આજે તેનું એક બચ્ચું નીચે પડી ગયું એનાથી એને ઘણું દુઃખ થયું. તુરંત જ તે નીચે દોડી અને બગીચામાં જઈને તે બચ્ચાંને પ્રેમથી ઉપાડી લીધું. હજી એ કુમળું જીવ આંખો પણ ખોલી શકતું ન હતું. તેને જાળવીને ઘરમાં લઈ આવી અને મમ્મીને બતાવ્યું. અચાનક પડી ગયેલા આ બચ્ચાને હવે પાછું તેના માળામાં કેવી રીતે મૂકવું એ પ્રશ્ન પર બંને જણ મૂંઝવણમાં મુકાઈ ગયા. 

  કિનુ એ તેને નાના બાસ્કેટમાં રૂ પાથરીને મૂક્યું. તે બચ્ચું પણ ડરના કારણે ચીં... ચીં... કરતું હતું. કિનુએ તેને પોતાની સાથે બાલ્કનીમાં મૂક્યું. થોડીવાર પછી તેણે જોયું કે બુલબુલને આ વાતની ખબર પડતાં તેણે પણ કલબલ કરીને આખો બગીચો ગજવી મુક્યો છે. કિનુ સમજદારી પૂર્વક બચ્ચાને બાલ્કનીમાં મૂકીને પોતાના રૂમમાં જતી રહી. થોડીવાર પછી જોયું તો બુલબુલ બાલ્કનીમાં આવીને બચ્ચાને ખવડાવતી હતી, કિનુ આ જોઈને ખુશ થઈ પરંતુ બુલબુલ પોતાના બચ્ચાને માળામાં લઈ જવા સક્ષમ ન હતી. તે થોડી થોડી વારે ત્યાં આવીને બચ્ચાને ખવડાવી જતી હતી છતાં પણ તે બચ્ચું ત્યાં સુરક્ષિત ન હતું. કિનુના ઘરમાં એક સફેદ બિલાડી ફરતી હતી જે હંમેશા રસોડામાંથી દૂધ પી જતી હતી અને મમ્મીને પરેશાન કરતી હતી. આ તોફાની બિલાડી ગમે ત્યારે આ બચ્ચા પર હુમલો કરી શકે તેમ હતી અને જો કિનુ એ બચ્ચા સાથે બેસી રહે તો બચ્ચાની માતા તેને ખવડાવી ન શકે ! આથી તે દ્વિધામાં ફસાયેલી હતી. 

અચાનક કિનુને એક વિચાર આવ્યો, તે ફટાફટ પપ્પાના રૂમમાં ગઈ અને દવાના ખાલી થયેલા બોક્સ લઈ આવી. પછી ગુંદર વડે તેમાં રૂ લગાવ્યું અને કાર્ડબોર્ડના થોડા ટુકડાની મદદથી તે બોક્સ પર છત જેવું બનાવી દીધું, સાથે બોક્સની એક બાજુ કાપી નાખી જેથી બુલબુલ તેમાં આવી શકે. હવે આ નાના ઘર જેવા બોક્સને દોરીથી પારિજાતની નીચલી ડાળે બાંધી દીધું. હવે મમ્મીની મદદથી હળવેકથી બુલબુલના બચ્ચાને તેમાં મૂકી દીધું. હવે બુલબુલનું બચ્ચું નવા ઘરમાં ઝૂલી રહ્યું હતું અને સુરક્ષિત હતું. બુલબુલ પણ ત્યાં આવીને તેને ખવડાવી શકતી હતી. કિનુના ચહેરા પર એક મજાનું સ્મિત રેલાઈ રહ્યું હતું. તેની માતા પણ તેના આ કાર્યથી ખૂબ ખુશ થઈ.

પછી તો તે વારે વારે ત્યાં જઈને બચ્ચાના હાલચાલ જોઈ આવતી. તેનો આખો દિવસ આમાં જ પૂરો થઈ ગયો. સાંજે પપ્પા ક્લિનિકથી ઘરે આવ્યા ત્યારે મમ્મીએ તેમને બુલબુલના બચ્ચાંની વાત કહી. આ વાત સાંભળીને કૌશિકભાઈ પણ ખૂબ ખુશ થયા અને કિનુને શાબાશી આપી. બીજા દિવસે સવારે કિનુ મમ્મી પપ્પા સાથે બજારમાં દિવાળીની ખરીદી કરવા ગઈ. પોતાની એકની એક લાડકવાયી દીકરી માટે કૌશિકભાઈએ મન મુકીને ફટાકડા ખરીદ્યા. આ સાથે જ ઘરે પાછા ફરતા કિનુએ પંખીઓની ચણદાની લેવાની જીદ કરી. તેના પપ્પાએ બે-ત્રણ ચણદાની ખરીદી આપી. કિનુ આ જોઈને અત્યંત આનંદિત થઈ ગઈ. એક ચણદાની તેણે ઘરના આંગણામાં, બીજી લીમડાના વૃક્ષ પર અને ત્રીજી બુલબુલના બચ્ચા પાસે લટકાવી. હવે રોજ સવારે તે આ ચણદાનીઓમાં પંખીઓ માટે ચણ મુકવા લાગી. પેલી બુલબુલના બચ્ચાની તે વિશેષ કાળજી રાખતી હતી, હવે ધીરે ધીરે તે મોટું થઈ રહ્યું હતું અને એક સવારે કિનુએ તેને બોક્સમાંથી બહાર આવીને ડાળ પર બેઠેલું જોયું. બુલબુલ તેને ઊડતા શીખવી રહી હતી. 

ધીરે ધીરે કિનુના બગીચામાં મૂકેલી ચણદાની પર પંખીઓ આવવા લાગ્યા. સૌ પ્રથમ ચકલીઓ આવી, ત્યારબાદ વનલેલા આવ્યા, ફુલસૂંઘણી પણ તેની આસપાસ જ ઊડતી રહેતી. સાંજના ટાણે શોબીગી અને શ્વેતનયનાઓ ત્યાં કલરવ કરવા આવતી, તો દેવચકલી અને દૈયડ પણ પોતાની ભૂખ સંતોષવા ત્યાં પહોંચી જતા. કિનુ પોતાના બગીચામાં આ પંખીમેળો જોઈને ખૂબ જ હરખાતી. તેણે હવે ત્યાં પાણીનું કુંડું પણ મૂક્યું. બગીચામાં રમતા સૌ પંખીઓ કિનુને જોઈને સ્મિત કરતા તો કિનુ પણ બાલ્કનીમાં બેઠી બેઠી તેમની સાથે વાતો કરતી !

દિવાળીના દિવસે તેણે ચણદાનીઓમાં મીઠાઈના ટુકડા મુક્યા, અને સૌ પંખીઓ હોંશેહોંશે જમ્યા પણ ખરા. પેલું બુલબુલનું બચ્ચું પણ હવે બોલી શકતું હતું. તેણે ઉમંગથી કિનુને 'હેપ્પી દિવાળી' કહ્યું, કિનુએ પણ સામું સ્મિત કર્યું. આમ, કિનુની આ દિવાળી પંખીમય બની રહી...!


Rate this content
Log in