નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Children Stories Inspirational Children

4.7  

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Children Stories Inspirational Children

કિનુની દિવાળી

કિનુની દિવાળી

5 mins
478


  નવરાત્રિ પુરી થઈ હતી. કિનુ દસ દિવસના વેકેશન બાદ સ્કૂલે ગઈ. બેંક મૅનેજર કૌશિક ભાઈ અને દેવાંગના બેનની લાડકવાયી દીકરી કિનુ અભ્યાસમાં આમ તો હોંશિયાર પણ આ વખતે તેણે નવરાત્રીનું ગૃહકાર્ય પૂરું કર્યું નહોતું. શાળામાં વર્ગશિક્ષકે પ્રથમ તાસમાં જ બધા વિદ્યાર્થીઓનું ગૃહકાર્ય તપાસવા માંગ્યું. કિનુનું ગૃહકાર્ય અધૂરું હોવાથી સાહેબ તેને ખૂબ વઢયા. કિનુ દુઃખી થઈને નીચું જોઈ રહી. તે દિવસે તેણે રિસેસમાં નાસ્તો પણ ન કર્યો. 

  12:05 થઈ, શાળાનો ઘંટ વાગ્યો બધા બાળકોએ ઉત્સાહ સાથે દોટ મૂકી. કિનુ સૌથી છેલ્લી શાળામાંથી બહાર નીકળી, કોઈની સામે નજર કર્યા વગર એણે ઉદાસ ચહેરે ઘર તરફ કદમ ઉપાડ્યા. આમ તો કિનુ પ્રકૃતિપ્રેમી પણ આજે તેણે ક્યાંય ધ્યાન ન આપ્યું, રસ્તામાં લીમડાના ઝાડ નીચે એક વયોવૃદ્ધ ભિક્ષુક જેવા લાગતા દાદા બેઠા હતા. તેમને જોઈને કિનુને નવાઈ લાગી કેમ કે આ દાદાને તેણે આ જગ્યાએ પહેલી વાર જ જોયા હતા. 

  કિનુ આશ્ચર્ય સાથે તેમની નજીક ગઈ દાદાએ કિનુને જોઈને કહ્યું કે, બેટા કાઈ ખાવાનું હોય તો આપો મેં બે દિવસથી કાંઈ ખાધું નથી. દાદાની વાત સાંભળીને કિનુને એક ઉપાય સુઝ્યો, તેણે રિસેસમાં ન ખાધેલો પોતાનો નાસ્તો દાદાને આપી દીધો. દાદા આભારવશ થઈને એ નાસ્તો ખાવા લાગ્યા. તેઓ જ્યારે નાસ્તો ખાતા હતા ત્યારે જ તેની નજર તેમના કાંડા પરના કિંમતી ઘડિયાળ પર પડી. તેણે વિચાર્યું કે આ નિર્ધન દાદા પાસે આવી કિંમતી ઘડિયાળ ક્યાંથી હોય. આ સવાલનો જવાબ મેળવવા માટે તેણે દાદાનું નામ અને સરનામું પૂછ્યું. દાદાએ જવાબમાં પોતાનું નામ કૈલાશનાથ કહ્યું પછી આગળ કંઈ ન બોલ્યા. 

  કિનુએ દાદા પાસેથી નાસ્તાનો ડબ્બો લીધો અને તેમને આવજો કહી ઘર બાજુ જવા લાગી. ઘરે જઈને જમ્યા બાદ પોતાનું બાકી રહેલું ગૃહકાર્ય પૂરું કર્યું અને રાત્રે સુઈ ગઈ. બીજે દિવસે સવારે ઉઠીને શાળાએ ગઈ અને વર્ગશિક્ષકને ગૃહકાર્ય પૂરું કરીને આપી દીધું. શાળાએથી છૂટીને ઘરનો રસ્તો પકડ્યો. આજે ફરી તેને એ દાદા મળ્યા આજે કિનુ તેમની પાસે જઈને બેઠી અને દાદાને પોતાની સઘળી માહિતી જણાવવા વિનંતી કરી.

  દાદાએ હસીને કહ્યું કે બેટા મારા વિશે જાણીને તું શું કરીશ ? કિનુએ કહ્યું કે હું તમને મારાથી બનતી મદદ કરીશ. દાદાએ પોતાની વાત કરતા કહ્યું કે તેઓ પોતે એક શિક્ષક હતાં અને ઘણા બાળકોને જીવનનો સાચો માર્ગ બતાવ્યો હતો. પણ તેમના પોતાના બાળકોએ જ તેમને ઘરેથી કાઢી મુક્યા, અને ત્યારથી તેઓ આમજ ફરે છે. 

  કિનુને આવું જાણીને ખૂબ દુઃખ થયું, તે ભલે સાતમા ધોરણમાં ભણતી હતી પણ તે ખૂબ સંવેદનશીલ હતી. તે કોઈને દુઃખી જોઈ શકતી નહોતી. દાદાને તેણે વચન આપ્યું કે તે આજથી તેમને બનતી મદદ કરશે. કિનુ દાદાને આવજો કહીને ઘરે ગઈ. તેનું મન આખો દિવસ એ દાદાનો જ વિચાર કરતું રહ્યું.

  બીજે દિવસે તેણે મમ્મીને કહ્યું કે મમ્મી આજે મને વધારે નાસ્તો આપજે. તેની મમ્મી તો હરખાઈ ગઈ અને તેને બે ગણો નાસ્તો આપ્યો. કિનુએ શાળાની રિસેસમાં અડધો નાસ્તો ખાધો અને અડધો દાદા માટે રહેવા દીધો. છૂટીને દાદા પાસે પહોંચી અને વધેલો નાસ્તો તે દાદાને આપી દીધો. તેની નજર દાદાનાં ફાટેલાં અને મેલાં-ઘેલાં કપડાં પર પડી. બીજે દિવસે તે તેના દાદાનો જૂનો શર્ટ લઈને આવી અને દાદાને આપ્યો. તે રોજ મમ્મીને કહીને વધારે નાસ્તો લાવતી અને ઘરે ખાલી ડબ્બો લઈને જતી. વળી, થોડા-થોડા દિવસના અંતે તે દાદાને તેમની જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને વચન પ્રમાણે મદદ કરતી. 

  ધીરે-ધીરે મમ્મીની મૂંઝવણ વધતી જતી હતી અને વળી ઘરમાંથી ઘણી જૂની વસ્તુઓ ગાયબ પણ થઈ રહી હતી. આમ સમય વીતતો ગયો અને દિવાળી નજીક આવી ગઈ. મમ્મીએ ઘરે ફરસણની તૈયારીઓ શરૂ કરી દીધી. સૌ પ્રથમ મઠીયા અને ચોરાફળી બનાવ્યા. કિનુની શાળામાં આજે છેલ્લો દિવસ હતો હવે પછી દિવાળી વેકેશન પડવાનું હતું. તે આજે ઘરના મઠીયા નાસ્તામાં લઈ ગઈ. દાદાને આજે તેણે પોતાની બચતમાંથી એક ગિફ્ટ આપી અને સાથે મઠીયા પણ આપ્યાં. દાદાએ તેનો આભાર માન્યો અને કહ્યું કે બેટા તે મારી ઘણી સેવા કરી હવે મને પણ થોડો મોકો આપજે, દીવાળી પછી તું શાળાએથી છૂટીને મારી પાસે આવજે હું તને ટ્યુશન કરાવીશ. કિનુ તો ખુશ થઈ ગઈ અને દાદાનો આભાર માની હેપ્પી દિવાળી કહીને ઘરે ગઈ. 

   બીજે દિવસે એ બપોરે ઘરેથી છાનીમાની ખાવાનું લઈને નીકળી. તેને પપ્પા જોઈ ગયા અને તેની પાછળ તેઓ પણ જવા લાગ્યા. કિનુ દાદા પાસે પહોંચી અને તેમને ખાવાનું આપ્યું. દાદાએ ખાતા ખાતા પૂછ્યું કે બેટા તારા ઘરેથી કોઈ જોઈ જશે તો ? કિનુએ કહ્યું દાદા એની ચિંતા ન કરતા મમ્મી પપ્પાને ભલે ખબર પડે હું કંઈ ખોટું તો નથી જ કરતી ને ? બસ આપના જેવા નિઃસહાયની મદદ જ કરું છું ને, અને તેની માટે જો તેઓ મને મારશે તો હું માર પણ ખાઈ લઈશ. કિનુના આ શબ્દો સાંભળીને દાદાની આંખોમાં પાણી આવી ગયું, સાથે થોડે દૂર છુપાયેલા કિનુના પપ્પા કૌશિક ભાઈની આંખો પણ ભીની થઈ ગઈ અને એક ગર્વની અદ્દભુત લાગણી તેમને ઘેરી વળી. તેઓ અચાનક જ ઊભાં થઈ ગયા અને બહાર આવ્યા. પપ્પાને જોઈને કિનુ ડરી ગઈ.

   પપ્પા કિનુ પર ગુસ્સે ન થતા તેને વહાલથી ભેટી પડ્યા સાથે સાથે પોતાના બાળપણના શિક્ષક શ્રી કૈલાશ સાહેબને પ્રણામ પણ કર્યાં. પોતાના ગુરુજીની આવી દશા જોઈને તેમને ખૂબ દુઃખ થયું. દાદા અને પપ્પાનો આવો ગુરુ-શિષ્યનો સંબંધ જોઈને કિનુ પણ રાજીના રેડ થઈ ગઈ. કૌશિક ભાઈ દાદાને પોતાના ઘરે લઈ ગયા અને હવે અહીં જ રહેવા જણાવ્યું. પોતાની વહાલસોયી દીકરી કિનુનું આવું કામ જોઈને તેમણે ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવી, અને તેની સેવા ભાવનાને બિરદાવી. કિનુએ પણ દાદાને હવે એમના ઘરે જ રાખવાના છે એવા નિર્ણયથી પપ્પાનો ખૂબ આભાર માન્યો. કૌશિક ભાઈ, દેવાંગના બેન, કિનુ અને દાદા સાંજે બજારમાં ગયા અને દાદા માટે નવા કપડાં લઈ આવ્યા. 

  આ વર્ષની દિવાળી કિનુએ દાદા સાથે ઉજવી, દાદા પણ ઘણા વર્ષો પછી જાણે પોતાના પરિવાર સાથે દિવાળી માનવતા હોય તેમ અત્યંત ખુશ થયા. બધાએ ખૂબ ફટાકડા ફોડ્યા અને મીઠાઈઓ ખાધી. દિવાળીની સાંજે ગરીબ અને નિઃસહાય લોકોને કૌશિક ભાઈએ કિનુના હાથે મીઠાઈઓનું વિતરણ કર્યું, તેમાં દાદા પણ સહભાગી થયાં અને સૌએ આ રીતે અનોખી દિવાળી ઉજવી.


Rate this content
Log in