સાચી શિક્ષક પરી
સાચી શિક્ષક પરી
ઋષિ આજે પરીની વાર્તા સાંભળવાની જિદ લઈને બેઠો હતો. તેના પપ્પાએ કહ્યું; તું પરી ની વાર્તા સાંભળવા જેવડો છો ? જુઓને દાદા! પપ્પા કેવી વાત કરે છે ? દાદાએ ઋષિને પરીલોકની વાત કહેવા માટે હા પાડી.તું તારું લેસન વગેરે કામ પતાવી દે પછી તને વાર્તા કહીશ. ઋષિ બધુ બતાવી દાદા પાસે આવ્યો.
દાદાએ વાત શરૂ કરી પરીલોકમા બાળ પરીઓ, બાળ રક્ષકો ! બાળ કુમારો બધાય સુંદર, સુશીલ, કામગરા,પ્રેમાળ. એકબીજાની મદદ કરનાર હોય છે.એટલે બધાં રૂપાળા અને મનમોહક હોય છે. એકવાર પરી પૃથ્વી ઉપર રૂપ બદલીને ફરવા માટે ગયેલી.ટીના નામનો છોકરો તેની સાથે પરી લોકમાં આવી પહોંચ્યો. પરીને કહ્યું.પરી !મારે પરીલોક જોવો છે. મારે જાદુ શીખવું છે. પરીને બાળકો બહુ ગમે એટલે આ નાનકડા બાળકને કંઈ વાંધો નહીં હું તને શિખવીશ તેવુ કહ્યું.
જાદુનો નિયમ તારે હંમેશા યાદ રાખવો પડશે. જાદુ માત્ર મનોરંજન માટે કરવાની વસ્તુ છે. એમાં સ્વાર્થ માટે કે કોઇ ને નુકશાન થાય તેવું કર્યુ તો તને તેની ચાર ગણી અસર થશે. તું જાદુ ભુલી જઈશ અને કાયમ બધાને અણગમતો બની જઈશ.
ટિનાએ આ વાતને હળવાશથી લીધી.જાદુ શીખી લીધું. પરીલોકમાં જ એક બાળપરીને જાદુથી પક્ષી બનાવી દીધું.બાળરક્ષકને ઘોઘરબિલ્લો બનાવી દીધો. અને તેને તો ખરું પણ તેનાં લીધે પરીલોકમાં બીજાં બધાને પણ પરેશાન કરવા લાગ્યો.
રાની પરી ને ખબર પડી ગઈ.તેણે જાદુ કર્યુ. ટીનો જયાં જુવે એમાં તેને પોતાનો ચહેરો દેખાય. જે ક્રૂર, કદરૂપો,અને ભયંકર હતો.આ હું છું ? આવો ? પરીએ કહ્યું, હા તું છો.
સાંભળ આપણે કેવા છીએ તે આપણાં વિચારો અને આપણા કર્મોથી છીએ.તે જાદુનો દુરુઉપયોગ કર્યો છે. એટલે તારો ચહેરો કદરૂપો બની ગયો છે. ટીનાને પોતાની ભૂલ સમજાણી. તેણે માફી માંગી. હું હવે પછી કોઈને પરેશાન નહીં કરું.અને સદકર્મો કરીશ .બધાની સાથે પ્રેમથી રહીશ. જરુરતમંદને મદદ કરીશ.મારા કર્મોથી હું રૂપાળો બનીશ.જાદુથી મારે કશું નથી જોઈતું.
ટીનાની વાત સાંભળી ઋષિ વિચાર કરતો થઈ ગયો.હે! દાદા,ખરેખર આવું હોય ? હા બેટા! સદકર્મો જ માણસની સુંદરતા નો પર્યાય છે.માણસાઈ હંમેશા જીવતી રહેવી જોઈએ.દરેક વ્યક્તિએ મહેનતથી મહાન બનવું જોઈએ. નહિ કે જાદુ-ટોનાથી.
