Tanvi Tandel

Inspirational

4  

Tanvi Tandel

Inspirational

સાચી દિવાળી

સાચી દિવાળી

3 mins
14.7K


નીરવ અને જીતેશ બન્ને સાતમા ધોરણ ના વિદ્યાર્થી. બન્ને નું ધ્યાન ભણવા કરતા વધુ તોફાનોમાં રહેતું. શાળામાં બન્ને મસ્તી ટીમ તરીકે ઓળખાતા. શાળામાં શિક્ષકો ભણાવે ત્યારે જાતજાતની અવનવી હરકતો શોધી કાઢે. આ બંને તોફાનીઓએ નવું કારસ્તાન રચ્યું. બે દિવસ પછી દિવાળીનું વેકેશન પડવાનું હતું.

રીસેસમાં બન્ને વિદ્યાર્થીઓએ ભેગા મળી વર્ગમાં ફટાકડાની લૂમ સળગાવી. વર્ગમાં બધા છોકરા છોકરીઓએ આ તોફાન જોયું હતું. પણ બન્ને એ બધાને ચેતવી દીધા હતા કે જો તેમનું નામ કોઈએ પણ કહ્યું તો સ્કૂલ છૂટ્યા બાદ જે તે વિદ્યાર્થીનું આવી બનશે. બધા તેમનાથી ગભરાતા. વગર કારણે જીતેશ ને નીરવ બધાની ઉડાવતા. ને એમની સાથે પંગો લેવો પોસાય એવો નહોતો.

ફટાકડાના અવાજથી શિક્ષકો ગુસ્સામાં હતા. પ્રિન્સિપાલના આદેશથી દરેક વર્ગમાં વિશ્રાંતિ બાદ બધાના દફતરો તપાસવાના હતા. બધા વર્ગમાં તપાસ કાર્ય હાથ ધરાયું પણ કોઈ માહિતી મળી નહિ. શિક્ષકો એ વર્ગોમાં સૂચના પણ આપી કે જો તમે જાણતા હોવા છતાં છુપાવતા હશો કોઈને તો આખા વર્ગને સજા મળશે. છતાં કોઈ કશું બોલ્યું નહિ.

આ બાજુ નીરવ અને જીતેશ ના વર્ગમાં જ ભણતી નવ્યા નામની છોકરી બહુ નીડર હતી. તેણે આ બન્ને ને બોલાવ્યા.

નવ્યા વર્ગની આદર્શ વિદ્યાર્થિની હતી સાથોસાથ આ બન્ને સાથે ક્યારેય બોલતી નહિ. છતાં આજે નવ્યા એ સામેથી આ બન્ને ને બોલાવ્યા એટલે બધાને નવાઈ લાગી. બન્ને આશ્ચર્ય સાથે નવ્યા ને મળ્યા.

નવ્યા: 'જો નીરવ અને જીતેશ મને ખબર છે કે આ તોફાન તમારું છે. હું તમારું નામ આસાનીથી કહી શકું, હું ગભરાતી નથી તમારાથી. પણ તેનાથી તમને જે શિક્ષા મળશે એ સહન કરવા કરતાં મારી વાત ધ્યાનથી સાંભળો.'

નીરવ : 'ઓ ભણેશરી... તું તારું કામ કર. અમારી ચિંતા ના કર. હા તારે અમારા નામ કહેવા હોય તો ..પણ યાદ રાખજે પછી...'

નવ્યા: 'પછી શું?'

જીતેશ : 'ઓ બેન જી...ચાલ બોલ તને અમારી ચિંતા કેમ છે?'

નવ્યા: 'તમને બન્ને શાળામાં ફટાકડા ફોડી શું સાબિત કરવા માંગો છો? તમને બે ઘડીનો આનંદ મળે છે પણ તમને ખબર છે કેટલાયે બાળકો આપણી આજુબાજુ છે જેમની પાસે ફટાકડા તો શું દિવાળીના કપડા લેવાનાં પૈસા પણ નથી. બે ઘડીના વ્યર્થ આનંદ માટે તમે કેટલા પૈસાનો ધુમાડો કરો છો? તમે ફટાકડા ખરીદવાની જગ્યાએ એ પૈસા ગરીબોને મીઠાઈ કે કપડાં માટે આપો તો તમને જે હ્ર્દય માં આનંદ થશે એ કેટલો સુંદર હશે. અને તમારું કામ જોઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ તમારું નામ ગર્વથી લેવાશે. તમારું નામ જ તમારે મોટું કરવું છે ને તો તોફાનોથી શા માટે? આ બધા તોફાનોથી તમે બધાની નજરમાં તમારી જાતે જ નીચા બનો છો.'

નીરવ અને જીતેશ બન્ને નવ્યાની વાત સાંભળી એક ઘડી માટે વિચારતા થઈ ગયા. બન્ને ત્યાંથી ચૂપચાપ જતા રહ્યા.

થોડી વારમાં બન્ને જાતે પ્રિન્સિપાલની ઓફીસમાં જઈ પોતાનો ગુનો કબૂલ કર્યો. અને પ્રિન્સિપાલને હવેથી ક્યારેય આવી મસ્તી નહિ કરીએ એ વચન પણ આપ્યું. સામે ચાલીને પોતાની ભૂલ સ્વીકારી એટલે પ્રિન્સિપાલ ગુસ્સો પણ ઓછો થયો. બન્ને ને સંમતિપત્રક લખાવી વર્ગમાં મોકલ્યા.

બન્નેના વર્તનથી આખો વર્ગ આશ્ચર્યથી એમને જોઈ રહ્યો. બન્નેએ ભેગા મળી વર્ગમાં સૌની માફી માંગી અને ખાસ નવ્યાનો આભાર માન્યો. સાથે આવનારી દિવાળી પર ગરીબોને પોતાનાથી બનતી મદદ કરવા દ્રઢ નિર્ણય કર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational