સાચી ભેટ
સાચી ભેટ
આજે શહેરના ખ્યાતનામ એડવોકેટ શ્રી ચિરાયુ ઓઝાની એકમાત્ર સંતાન શ્રેયાનો જન્મ દિવસ હોવાથી ઘણી બધી સેલિબ્રિટી પાર્ટીમાં શોભાયમાન થવા આવી રહી હતી.
દરેકનાં હાથમાં મોટાં મોટાં ગિફ્ટ બોક્સ હતાં. આટલાં બધાં લોકો વચ્ચે પણ શ્રેયા પોતે એકલતા મહેસૂસ કરી રહી હતી. નાનપણમાં જ મમ્મીનો સાથ છૂટી ગયો હતો. ચિરાયુને બીજાં લગ્ન માટે સગાં સંબંધીઓ અને મિત્ર વર્તુળમાંથી વારંવાર દબાણ થતું. પરંતુ....ચિરાયુ પોતાની દીકરીનાં જીવનમાં અપર મા લાવવાં નહોતો ઈચ્છતો. કારણકે પોતે જીવનમાં આ દુઃખનો અનુભવ કરી ચૂક્યો હતો. પોતે શ્રેયાના જીવનમાં મમ્મીની ખોટ પૂરવાનો પ્રયત્નો કરતો.
એડવોકેટ ચિરાયુ ઘણાં મહેમાનોથી ઘેરાયેલો હતો. શ્રેયાની નજર સતત બેન્કવેટ હોલના દ્વારે મંડાયેલી હતી. ચિરાયુની ધારદાર આંખો સતત પોતાની વહાલસોયી દીકરીની આંખોને વાંચી રહી હતી. પોતાની દીકરી કોઈ ખાસ મહેમાનની પ્રતિક્ષા કરી રહી છે તેવું તેમને સમજાઈ ગયું હતું. કોણ હશે જેનો ઈંતજાર આટલી આતુરતાથી થઈ રહ્યો હતો ! શું શ્રેયાએ કોઈ યુવકની જીવનસાથી તરીકે પસંદગી કરી હશે ?
ત્યાં... જ માઈકમાં ચિરાયુ બર્થડે કેક કાપવા માટે શ્રેયાને બોલાવે છે.
" માય પ્રિન્સેસ શ્રેયા ! પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ ફોર કેક કટિંગ. ગેસ્ટ આર વેઈટિંગ ફોર ધિસ અમેઝિંગ મોમેંટ ! "
તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઉઠ્યો. બધાં લોકો સ્ટેજ પાસે આવી ગયાં...
" માય લવલી પાપા ! જસ્ટ વેઈટ ફોર ફાઈવ મિનિટ. આઈ એમ વેઈટિંગ ફોર સમવન સ્પેશિયલ....!"
બધાંની નજર એકસાથે જ હોલના દ્વારે મંડરાઈ ગઈ. બધાંની નજરમાં એક જ સવાલ હતો. કોણ હશે એ ખાસ વ્યક્તિ જેની શ્રેયા રાહ જોઈ રહી હતી ? ત્યાં જ એક સાદી અને સુંદર સ્ત્રી હોલમાં પ્રવેશી. શ્રેયા દોડીને તેને ભેટી પડી. એડવોકેટ ચિરાયુ પચીસ વર્ષ બાદ અર્પીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયાં. દિલનાં એક ખૂણે છૂપાવેલું એક ફૂલ આવીને આ રીતે મળશે !
શ્રેયાએ પોતાનાં પપ્પાનો હાથ અર્પીના હાથમાં મૂક્યો !
" પપ્પા ! મને મારાં જન્મદિવસની અણમોલ ભેટ મળી ગઈ ! "
