Patel Padmaxi

Children Inspirational Others

4  

Patel Padmaxi

Children Inspirational Others

રોશની

રોશની

5 mins
635


'શું થયું બેટા' ? શ્રધ્ધાબેને વ્હાલથી રોશનીને પૂછ્યું.

'કશું નહિ ટીચર', હળવેકથી રોશની બોલી.

રોશનીના અવાજથી કંઈ તકલીફ હોવાનું જાણી શ્રધ્ધાબેને પેહલા તો એને બેસવા કહ્યું પણ ભણાવતાં-ભણાવતાં એનું નિરિક્ષણ કરતા રહ્યા.

ને થયું એવું કે રિશેષ પડી કે બધી છોકરીઓ ટીફીન લઇ જમવા લાગી. જયારે રોશની બેંચ પર આડી પડી અને ઊંઘી જ ગઈ.

રીશેષમાં રોશનીને પૂછું એ વિચારે તેની પાસે પહોંચેલા શ્રધ્ધાબેને જોયું તો રોશની ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. શ્રધ્ધાબેને વર્ગના અન્ય બાળકોને ચુપ રેહવાનો ઈશારો કર્યો અને રોશનીને સુવા દીધી. તરત જ શ્રધ્ધાબેન સ્ટાફરૂમમાં ગયા અને બીજા ટીચેરોને જણાવ્યું કે એમના વર્ગની રોશનીની તબિયત સારી નથી તો તેને ઊંઘવા દેશો.

બરાબર બે પીરીયડ પછી એટલે કે દોઢ કલાક પછી રોશની જાગી. જાગતા જ ડરી ગઈ કે હવે તો ટીચર ખીજાશે. મોનીટરને શ્રધ્ધાબેને સૂચના આપી હતી કે રોશની જાગે એટલે પોતાને જાણ કરે. મોનીટરે શ્રધ્ધાબેનને સ્ટાફ રૂમમાં આવી જાણ કરી. તેમણે રોશનીને બોલાવી. એકદમ બેબાકળી બનીને રોશની ધીમે- ધીમે શ્રધ્ધાબેન પાસે આવી. એની આંખોમાં ડર સાફ દેખાતો હતો અને ચેહરો રડું-રડું થતું હતું. શ્રધ્ધાબેને પોતાના હાથમાં થેલી પકડી અને રોશનીનો હાથ પકડી શાળાના બગીચામાં લઇ આવ્યા.

પીરીયડ ચાલુ હોવાથી બગીચામાં કોઈ ના હતું. શ્રધ્ધાબેને બગીચાના નળ પાસે રોશનીને હાથ– મોં ધોવા કહ્યું. રોશની હાથ-મોં ધોઈ બાકડાં પર બેસેલા શ્રધ્ધાબેન પાસે આવી. શ્રધ્ધાબેને પોતાની કમરે ખોસેલો હાથ રૂમાલ રોશની સામે ધર્યો તો રોશની સંકોચાઈ અને '...ના,ટીચર ચાલશે', એમ ધીમે રહી બોલી. શ્રધ્ધાબેને રોશનીને બાકડાં પર બેસાડી અને થેલીમાનું પોતાનું ટીફીન ખોલી બોલ્યા ,'રોશની.... બેટા લે આ ખાઈ લે'.

બસ આ શબ્દ સંભાળતા જ રોશનીની આંખમાંથી દળ-દળ આંસુ પડવા લાગ્યા. શ્રધ્ધાબેને એને પોતાની બાથમાં લીધી અને માથે હાથ ફેરવ્યો. થોડીવાર રોશની રડતી રહી. પછી શ્રધ્ધાબેને રોશનીને શાંત કરતા કહ્યું, 'બેટા પેહલા થોડું જમી લે.પછી હું તને એક વાત કહું'. રોશનીએ સંકોચાતાં -સંકોચાતાં એક રોટલી માંડ -માંડ ખાધી. ખાતાં- ખાતાં એ વારંવાર શ્રધ્ધાબેન તરફ જોતી હતી અને શ્રધ્ધાબેન એને સંકોચ ન થાય એટલા માટે અમસ્તું હાથમાં પુસ્તક ખોલી બેઠા હતા.

'બસ ટીચર ,મેં જમી લીધું' ,રોશની બોલી.

'અરે બેટા ! બસ એક રોટલી ખાધી' શ્રધ્ધાબેન બોલ્યા .

ત્યાં ફરી રોશની ધ્રુસકે -ધ્રુસકે રડી પડી. શ્રધ્ધાબેને મહામેહેનતે એને શાંત કરી. શ્રધ્ધાબેન બોલ્યા, 'રોશની... બેટા, તને કોઈ તકલીફ હોય તો તું મને નિ:સંકોચ કહી શકે. હું શાળાના બીજા શિક્ષકોને વાત કરીશ. શું તું બિમાર છે કે ઘરે કોઇ તકલીફ છે ?'

આવા માયાળુ અને પ્રેમાળ શબ્દો સાંભળી રોશની હળવીફૂલ થઇ ગઈ ને એને બોલવાનું શરુ કર્યું.

'ટીચર, અમે ઘરમાં ચાર ભાઈ-બહેન છીએ. મારા પપ્પા હું ખુબ નાની હતી ત્યારે ઘર છોડી ચાલી ગયા હતા. મારી મમ્મી ફેક્ટરીમાં કામ કરવા જાય છે અને સવારે ૬.૦૦ વાગ્યે નીકળી જાય છે. તો ઘરના બધા કામો મારે કરવા પડે છે. નાના ભાઈ- બેહનોને શાળાએ જવા તૈયાર કરવા, ટીફીન બનાવવા, કપડાં ધોવા, વાસણ સાફ કરવા અને મારી ઘરડી દાદી જે બહુ બીમાર છે અને પથારીમાં છે, તેમનું બધું કરીને આવવું પડે છે.' ઊંડો એક શ્વાસ ભરતા રોશની બોલી…. એટલે હું થાકી જાઉં છું. કોઇક વાર તો સવારે નાસ્તો પણ નથી કરી શકતી કારણકે શાળાનો સમય થઈ જાય છે. મમ્મી કહે છે કે તું ભણવાનું છોડી દે પણ ટીચર મારે ભણવું છે. મને શાળામાં બહુ ગમે છે'.

રોશનીની વાતો સાંભળી રહેલાશ્રધ્ધાબહેન ૧૨ વર્ષની રોશનીમાં ૨૪-૨૫ વરસની એક ઘડાયેલી મા, બહેન, દીકરી અને વહુને જોઈ રહ્યા હતા. આટલું બધું કામ કરીને પછી શાળાએ આવવું પછી છોકરું ઊંઘી ન જાય તો શું કરે ? તેમને પોતાની દીકરી બંસરી યાદ આવી ગઈ .બંસરીની ભૂખ કે ઊંઘની પોતે કે ઘરના સભ્યો કેટલી રાખે છે. એમનું માતૃત્વ છલકી રહ્યું હતું .

રોશનીની વાત સાંભળી શ્રધ્ધાબેને રોશનીને વર્ગમાં જવા કહ્યું અને એની જતી જોઈ વિચારવા લાગ્યા કે ,આવી હજારો રોશનીઓ સરકારી શાળામાં ભણી રહી છે અને પોતાના નામને સાર્થક કરવા મથી રહી છે, જેને ફક્ત એક હાથની જરૂર છે, જેણે પ્રકાશવું છે, ઝળહળવું છે પણ પાવર સ્ટેશનનો એક તારનું કનેક્શન જોઈએ છે.

તેમણે શાળાના સ્ટાફ અને પ્રિન્સિપાલ સર સાથે વાત કરવાનો નિર્ણય કરી પાછા ફર્યા. તેમણે પાછા ફરી પ્રિન્સિપાલ સરને બધી વાત કરી. પ્રિન્સિપાલ સર ઉદાર અને દયાળુ હદયના હતા. તેમણે સ્ટાફ મીટીંગ લઇ જે રોશની જેવા બાળકોને અનુકૂળ થવાની વાત સૌ શિક્ષકોને કરી. બધાંએ હોંશથી વાત વધાવી લીધી. શ્રધ્ધાબેન વર્ગશિક્ષક હોવાને લીધે રોશનીનું ખાસ ધ્યાન રાખતા ને રોશની પણ શ્રધ્ધાબેનનો સાથ પામી વધુ ઉત્સાહિત બની હતી.

આ વાતને નવ વર્ષ વીતી ગયા. શ્રધ્ધાબેનનો પોતાના સગાના લગ્નપ્રસંગે જવાનું હતું. એ પહેલા બજારમાં ગીફ્ટ લેવાનું અને પાર્લરમાં જવાનું નક્કી કર્યું. ગીફ્ટ શોપમાંથી ગીફટ લેતાં મોડું થયું એટલે ઉતાવળમાં બજારમાં એક પાર્લર જોયું અને ફટાફટ એમાં ચાલી ગયા.

'મને ઉતાવળ છે બહેન, ફટાફટ આઇબ્રો કરી આપો', શ્રધ્ધાબેન એકશ્વાસે બોલ્યા. પાર્લરમાં ઉભેલી અપ- ટુ -ડેટ છોકરી શ્રધ્ધાબેન તરફ જોઈ હસી અને એમને ખુરશીમાં બેસાડ્યા અને આઇબ્રો કરવાનું ચાલુ કર્યું .કામ સાથે તે શ્રધ્ધાબેન સાથે વાત કરવા લાગી.

'કેમ છો ટીચર ?,બંસરી કેમ છે' પાર્લરવાળી છોકરીએ પૂછ્યું. શ્રધ્ધાબેનના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે વિચારવા લાગ્યા કદાચ શાળાની વિદ્યાર્થીની હશે પણ બંસરીને આ છોકરી કેવી રીતે ઓળખે છે ? પોતે પેહલી વાર આ પાર્લર આવ્યા હતાં.

શ્રધ્ધાબહેન કઈ બોલે તે પેહલા તે છોકરી બોલી... 'ટીચર ,આજે હું જે છું, તમારા લીધે છું. એ જ રોશની, જેને તમે તમારું ટીફીન ખવડાવ્યું હતું, એ જ રોશની જેને તમે રિશેષમાં સુવા દીધી. ઘરની પરિસ્થિતિને લીધે બાર સુધી ભણી, પછી પાર્લરનો કોર્સ કર્યો ને આ પાર્લર ખોલ્યું. નામ પણ તમારું જ આપ્યું છે , ‘શ્રધ્ધા બ્યુટી પાર્લર’.

શ્રધ્ધાબેન આશ્ચર્ય સાથે રોશનીના ચેહરાને જોઈ રહ્યા. આજે પણ એની આંખમાં આંસુ હતા પણ ખુશીના. તે શ્રધ્ધાબેને પગે લાગી અને બોલી, 'ટીચર જયાં સુધી તમારા જેવા શિક્ષકો હશે ત્યાં સુધી મારા જેવી દરેક રોશનીની ભણવાની ઈચ્છા પૂરી થશે ને તે પોતાના પગભર થઈ શકશે મારી જેમ. તમારા લીધે મારા જેવી કેટલીય છોકરી ભણી શકી છે અને કંઈ કરી શકી છે. તમારો ઉપકાર જીવનભર ના ભૂલીશ'.

આજે શ્રધ્ધાબેને એક રોશની નામ સાર્થક કર્યું હતું. એમની આંખો પણ ભીની હતી. તે બોલ્યા, 'બેટા,એ અમારી ફરજ છે. હંમેશાં ખુશ રહેજે અને પ્રગતિ કરજે.'

આજે શ્રધ્ધાબેનને પોતાના જીવનના પરમ સંતોષનો અનુભવ થયો અને એમણે આત્મસંતોષ સાથે પગ ઉપાડયા ભીના સ્મિત સાથે.


Rate this content
Log in

Similar gujarati story from Children