STORYMIRROR

Patel Padmaxi

Children Drama Inspirational

2.8  

Patel Padmaxi

Children Drama Inspirational

અનોખી યુક્તિ

અનોખી યુક્તિ

3 mins
5.0K


ચિંતન અને મનન બંને પાક્કા દોસ્ત. બંને સાતમા ધોરણમાં ભણે. ભણવામાં બંને મિત્રો ખૂબ હોશિયાર. હંમેશા વર્ગમાં એમના માર્કમાં એક કે બેનો ફરક હોય. બંને જ મિત્રો બધા જ શિક્ષકોના પ્રિય.

તેમાં મનન તો રુચીબેનનો લાડલો વિદ્યાર્થી. મનન રુચીબેનનો પડ્યો બોલ ઝીલતો. સૌથી પહેલો દાખલો ગણી ઉભો રહી જાય. રુચીબેન આખા વર્ગની સામે એના વખાણ કરતા ને એને ત્રણ તાળીનું માન અપાવતા તો મનન ખુશીથી ફૂલો ના સમાતો. ચિંતન હમેશા પોતાના દોસ્તને વધાવી લેતો.

આ બંને મિત્રોને રમત રમવાનો પણ જબરો શોખ પણ ચિંતનને કબ્બડી બહુ ગમે અને મનનને ક્રિકેટ. રિશેષ પડે ને રમવાનું શરૂ પણ રમતની શરૂઆતમાં એક સમસ્યા દરરોજ થાય. ચિંતને કબ્બડી રમવી હોય અને મનન ક્રિકેટ રમવા પર અડ્યો રહે.

આજ વાત પર હમેશા બંનેનો ઝગડો થાય. મનન મનનું કરનારો, જીદ્દી એટલે આખા વર્ગ પાસે દમદાટી કરે અને ચિંતન જરા વધુ ડાહ્યો, સમજણો છોકરો એટલે મનનની વાત માની લે અને બંને રમવા મંડી પડે. પણ દર વખતે આવું બને એટલે ચિંતને વિચાર્યું કે મનનની આ દર વખતની હઠ કરવાની ટેવ બદલાવી પડશે. વળી તે વર્ગમાં પણ બધા પાસે પોતાનું મનનું કરાવતો. શિક્ષકોનો એટલો પ્રિય કે કોઈ એની ફરિયાદ પણ ન કરી શકે.

ચિંતન વિચારવા લાગ્યો કંઈક તો એવી યુક્તિ કરીએ કે મનનની જીદ કરવાની ટેવ છૂટે અને તે બીજાનું કહ્યું પણ માને. તે રીશેષમાં મનન ક્રિકેટ રમતો હતો ત્યારે મેદાન છોડી રુચીબેનને મળ્યો અને મનનના વર્તન અંગે વાત કરી. રુચીબેન તો આશ્ચર્યમાં પડી ગયા. પરંતુ ચિંતન ખૂબ વિન્રમ છોકરો હોવાથી તેમને કહ્યું કે મનનને જરૂર સુધારીશું.

એક દિવસ મનનને શાળામાં આવતા મોડું થયું. ચિંતને આ સમયનો ઉપયોગ કરીને વર્ગના બધા મિત્રોને ભેગાં કરીને કંઇક કહ્યું. ચિંતને શ્રેયસને કઈ કહ્યું તો તે મનમાં મલકાયો. બધાંએ હામી ભરી. મનન વર્ગમાં આવે તે પહેલા બધા બેંચ પર ગોઠવાઈ ગયા. રિશેષ પડી એટલે શ્રેયસ બહાર દોડ્યો અને બધા ગણગણાટ કરવા લાગ્યા. દરરોજની જેમ મનન ઉભો થઇ બોલી પડ્યો, ‘હું કેપ્ટન, બોલો કોણ કોણ છે મારી ટીમમાં ?' બધા એની સામે જોઈ રહ્યા,કશું બોલ્યા નહિ.

મનન ચિડાયો ને ફરી બોલ્યો,

‘જે મારી ટીમમાં હશે તે માર ખાવામાંથી બચશે નહીતર તમે જાણો’. બધા તેના તરફ જોઈ હસવા લાગ્યા એટલે મનન ગુસ્સે ભરાયો અને ટેબલ પર ચડીને જોરથી બોલ્યો, ’ફટાફટ મારી ટીમમાં આવો નહી તો તમે ટીચરનું કાર્ટુન બનાવ્યું છે એમ કહીને હું આખા વર્ગને માર ખવડાવીશ.

આ સંભાળી બધાં રોજની જેમ ડરવાને બદલે મનન તરફ હાથ લાંબો કરીને જોર -જોરથી હસવા લાગ્યા. મનન છોભીલો પડી ગયો. ટેબલ પરથી નીચે ઉતરી તે ચિંતન તરફ જોવા લાગ્યો. ચિંતને ઈશારો કરીને એને દરવાજાની ઓથે જોવા કહ્યું. મનને જોયું તો તે હક્કાબક્કા રહી ગયો. એમના વર્ગશિક્ષિકા અને જેમનો તે પ્રિય વિદ્યાર્થી એવા રુચીબેન અને શ્રેયસ ત્યાં ઉભા હતા. રુચીબેન બધું સંભાળી લીધું એ વિચારે શરમનો માર્યો સંકોચાઈને પોતાની જગ્યાએ બેસી ગયો.

રુચીબેન વર્ગમાં આવ્યા અને મનન તરફ જોઈ બોલ્યા, ‘મનન, હું તો તને ખુબ ડાહ્યો અને હોશિયાર માનતી હતી પણ તું તો બહુ તોફાની છે, હું બહુ નિરાશ છું તારાથી.’ બધાં છોકરાઓને આજે લાગ મળ્યો હતો એટલે વારાફરતી બધાંએ રુચીબેનને ફરિયાદ કરી કે મનન રોજ દમદાટી કરે છે, પોતાના મનનું જ કરાવે છે અને ન કરીએ તો ધમકી આપે છે. એમની ફરિયાદો ચાલતી હતી ત્યારે મનન નીચું મો કરી બેઠો હતો અને રડું -રડું થતો હતો. રૂચીબેન પાસે પોતાની છબી ખરાબ થઇ એમ કરી મનન રડવા જેવો થઇ ગયો.

રુચીબેન ગયા પછી ચિંતન મનન પાસે આવ્યો. આખો વર્ગ મનન પાસે ટોળે વળ્યો. આજ બધા છોકરાઓમાં હિંમત આવી એટલે બધા મનનને ચીડવવા લાગ્યા, ‘હો હો હો કેવો ફસાયો ! રોજ બહુ દમદાટી કરતો હતો ને ?હ વે બોલ બોલને ?

ચિંતને બધાને શાંત કરી મનનને કહ્યું, ‘મનન, દોસ્ત જોયું જીદ શું કરાવી શકે. ચાલ બધા મિત્રો અને રુચીબેનની માફી માંગી લઈએ. મનન સમજી ગયો હતો. ચિંતનની વાત માની મનને બધા મિત્રોની માફી માંગી. રુચીબેન પાસે જઈ તેમની માફી માંગી અને ફરી આવું ક્યારેય ના કરીશ એવું વચન આપ્યું. રુચીબેને એને માફ કરી દીધો.

વર્ગમાં પાછા ફર્યા પછી ચિંતને બધાને કહ્યું, ‘ચાલો બધા ક્રિકેટ રમીએ’ તો મનન ચિંતનનો હાથ પકડી બોલ્યો, ના આજ તો કબ્બડી રમશું. બધા આનંદની ચીચયારીઓ પાડતા મેદાને પોહચ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Children