રંજ
રંજ
આજે પણ દિપાલી શાળામાં મોડી આવી. શિક્ષક વિનુ ભાઈનો મિજાજ ગયો. તે બરાડી ઊઠ્યા. "રોજ મોડી આવે છે અને લેશન પણ કરીને આવતી નથી. અને આ લઘર-વઘર વેશ, તારાથી તોહું કંટાળી ગયો." ગૂસ્સાથી બાવડું પકડી તેને બેંચ પર બેસાડી દીધી. દિપાલીની આંખમાં ઝળઝળિયા આવી ગયા. તે ચૂપચાપ બેસી ફાટેલી નોટ કાઢી તેમાં લખવા માંડી. થોડા દિવસ આવું ચાલ્યું. દિપાલીને રોજ મોડું થતું. વિનુભાઈ શિક્ષક તરીકે બદલીને નવાજ આવ્યા હતા. તેમની પાસે ત્રીજું ધોરણ હતું. તે સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. દિપાલીનું મોડું આવવું તેને બિલકુલ ગમતું નહિ.
એક દિવસ તો દિપાલીને વધારે મોડું થઈ ગયું તે ડરતી-ડરતી વર્ગમાં આવી. વિનુભાઈએ ગુસ્સામાં તેના ગાલ પર જોરથી થપ્પડ મારી દીધી અને બોલ્યા, ઘણા દિવસથી હું તને
સૂચના આપું છું, છતાંય તારામાં કંઈ સુધારો ન થયો. દિપાલી જોરથી રડવા લાગી. તેની બાજુમાં રહેતી એક છોકરી હિંમત કરીને બોલી, "સાહેબ દિપાલીની નવી મમ્મી છે. તે દિપાલી પાસે ઘરનું બધુ કામ કરાવે છે. અને લેશન પણ કરવા દેતી નથી. અને દિપાલીને રોજ મારે પણ છે. વિનુભાઈ આ સાંભળીને અવાક થઈ ગયા. હવે તેને દિપાલીની પરિસ્થીતીનો ખ્યાલ આવ્યો. દિપાલીને મારવા બદલ પારાવાર રંજ થયો. તેણે દિપાલીની પાસે ગયા, અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, હું તારા મમ્મીને મળીને સમજાવીશ. તારે કંઈ પણ જરૂર હોય તો મને કહેજે. હું તને મદદ કરીશ.
વિનુભાઈએ હવે નક્કી કર્યું કે કદી કોઈ પણ બાળકને શિક્ષા કરીશ નહિ અને દરેક બાળકની ઘરની પરિસ્થિતિ જાણવી એ પણ મારી ફરજનો એક ભાગ છે.