Manoj Joshi

Inspirational Others

4  

Manoj Joshi

Inspirational Others

રંગભર્યું નાનું રૂપાળું એવું હતું મારું ગામડું

રંગભર્યું નાનું રૂપાળું એવું હતું મારું ગામડું

6 mins
622


નવવધૂની કમ્મર પર શુદ્ધ ચાંદીની કટિમેખલા શોભે, એમ મારા ગામના પાદરમાંથી બારેમાસ ખળખળ વહેતી નદી શોભતી હતી ! પાંચેક હજારની વસતી ધરાવતું,આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ એવું મારું ગામ હતું. ગામના પાદરમાંથીજ, ગામને પોતાની ગોદમાં રમાડતી માતા જેવી નદી બારેમાસ વહેતી હોય, એ ગામની જમીનનાં પાણીના તળ તો ઊંચાં જ હોય ! ગામના ગોંદરેથી જ વર્ષમાં ત્રણ-ત્રણ પાક લેતી જમીનના માલિક એવા સમૃદ્ધ ખેડૂતોની વાડીઓ હતી. ગામની પૂર્વોત્તર દિશાની ભાગોળેથી નદીને વીંધીને સામે કાંઠે વીસ કિલોમીટર દૂર આવેલાં એક પ્રસિદ્ધ તીર્થસ્થાન સુધી જતો રસ્તો. નદીના આ કાંઠે અમારા ગામના રેલવે સ્ટેશન સુધી પહોંચતો. એ આખોય રસ્તો ગામના બીજા છેડે ત્રણ કિલોમીટર દૂર આવેલા સ્ટેશન સુધી, બંને તરફ લાઇનબંધ ઊછરેલા સુંદર વૃક્ષોથી આચ્છાદિત હતો. મારું ગામ એક ગોકુળીયુ ગામ હતું, નંદનવન જેવું રળિયામણું હતું.


ગામ વેપાર-ધંધામાં પણ સમૃદ્ધ હતું, અને ખેતીક્ષેત્રે પણ સમૃદ્ધ હતું. આસપાસનાં પંદર-વીસ ગામોનું બજાર હતું, એટલે વેપાર-ધંધામાં પણ બરકત હતી. જોકે ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. એટલે કણબી-પટેલ- ખેડૂત પરિવારો - સૌથી વધારે હતા. બીજા નંબરે, રાજાશાહી વખતમાં ગામ-ધણી ગણાતા એવા ક્ષત્રિય પરિવારો હતા. વીસ- પચ્ચીસ જેટલા વેપારી-વણિક-જૈન પરીવારો હતા, પાંચેક જેટલા સોની-મહાજન, પચ્ચીસ જેટલા બ્રાહ્મણ પરિવારો હતા. બાકી લુહાર, સુથાર, દરજી, કુંભાર, કડિયા, વાળંદ, ભરવાડ-રબારી, બાવાજી, રાવળ, જોગી, ચારણ, બારોટ, દેવીપુજક, વણકર, ચમાર, વાલ્મીકિ- એમ દરેક સમાજના પાંચ-છ ખોરડાંઓ હતાં. ગામમાં એક આખો કસાઈ વાડો હતો, ઈસ્માઈલી ખોજા હતા અને સિંધી પણ હતા ! એવી એક પણ જ્ઞાતિ ન હતી, જે મારા ગામમાં ન હોય. શોલે પિક્ચરનાં ગામ જેવું જ, સંપૂર્ણ સ્વાવલંબી અને પ્રાકૃતિક સંપદાથી શોભતું "રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું" હતું. ગામ સુંદર, સમૃદ્ધ અને શાંતિપ્રિય હતું.

 

કાચા, પણ વૃક્ષાચ્છાદિત રસ્તાઓ, બારેમાસ વહેતી નદીનું ભરપૂર પાણી, વર્ષમાં ત્રણ પાક આપતાં લીલાંછમ ખેતરો- શું ન હતું મારી આ પ્રિય માતૃભૂમિમાં ? મારો જન્મ આઝાદી પછીના તરતના દાયકામાં થયેલો. હજી રાષ્ટ્રના નેતાઓએ મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતોને સાવ કોરાણે નહોતા મુક્યા ! હજી ગાંધી અને સરદારના મૂલ્યો લોકહૈયામાં ગુંજતા હતા. આઝાદીનાં મીઠાં ફળ રાષ્ટ્રને મળશે જ, એવી શ્રદ્ધા લોકોમાં જીવંત હતી. ચર્ચિલના આઝાદી પૂર્વે બોલાયેલા આ શબ્દો-" આ રાષ્ટ્રને આપણે ઠગ અને પિંઢારાઓના હવાલે કરીને જઈએ છીએ"- એ વાત હજી સાકાર થવાની બાકી હતી ! રાષ્ટ્રના ભાગલા કરવાનું પાપ કરીને, હિન્દુસ્તાનને પારાવાર નુકસાન પહોંચાડીને, રાષ્ટ્રમાં કોમી દાવાનળની આગ સળગાવીને, નફફટ અને નીચ એવા અંગ્રેજોએ આ દેશની પ્રજાના લોહીમાં વણાયેલા રાષ્ટ્રદ્રોહના ગદ્દારીના લક્ષણને પકડીને, રાષ્ટ્રની દુઃખતી નસને પારખી લીધેલી ! અને એટલે જ રાષ્ટ્રને ત્રણ કટકામાં તડપતું મૂકીને એ કપટી ધોળિયાઓએ સ્વર્ગ સમાન હિન્દુ રાષ્ટ્રને નર્કાગારમાં ધકેલીને, રાષ્ટ્રના રસકસને જળોની જેમ ચૂસી લઈને, ગરીબાઈ, બેકારી, અછત,ભૂખમરો અને કોમવાદનું ઝેર પોતાની પાછળ છોડ્યા પછી જ ભારતને આઝાદી આપી હતી ! રાષ્ટ્રની સંપૂર્ણ બરબાદી થયા પછીની આ આઝાદી હતી, એટલે આબાદી મેળવવાની તો હજી બાકી હતી.


"આવું સુંદર ગામ મારી માતૃભૂમિ છે"- એનું મને ગૌરવ હોવું જોઈએ અને હતું પણ ખરું ! પણ આજે વિચારું છું, તો લાગે છે કે, આવું હતું મારું ગામ ? જ્યાં હજી તો હું યુવાન થયો ન થયો ત્યાં જ, ગામમાંથી એક પછી એક એમ બધા જ જૈન પરિવારો ગામ છોડી ગયા. વણિક શ્રેષ્ઠીઓએ ગામ છોડતાં જ ગામના વેપારની પડતી થવા લાગી. ધીરે-ધીરે બ્રાહ્મણ પરિવારો પણ ભાગવા લાગ્યા. અમે તો કોલેજકાળથી જ બધા ભાઈ-બહેનો લગભગ બહાર રહેતા હતા, એટલે મા-બાપે ગામ છોડ્યું, એનું બહુ દુઃખ થયું ન હતું. પણ મારા ગામની આવી દુર્દશા કેમ થઇ ?


બન્યું એવું, કે ગામના એક જૈન વણિક શેઠ કાળુભાઈ સરળ સ્વભાવના, સીધી લાઇનના વેપારી હતા. ગામડામાં હોય તેવું મોટા ફળિયાવાળું, ખડકી બંધ મકાન હતું. ઉનાળાની રાત્રે ગામડામાં સહુ પોતપોતાના ફળિયામાં જ, ખાટલા ઢાળીને સૂઈ રહેતા. કાળુભાઈની અઢાર વર્ષની, યુવાનીમાં પ્રવેશતી સુંદર કન્યા પણ તે રાત્રે પોતાના ફળિયામાં જ સૂઈ ગઈ હતી. તેના બે નાના ભાઈઓ આસપાસ ખાટલા ઢાળીને એમાં ઘસઘસાટ સૂતા હતા. એ વખતે મધ્યરાત્રીએ ગામનો એક લુખ્ખો- માથાભારે જીણુભા, વંડી ટપીને ઘરમાં પડયો. ગામડામાં એ વખતે ખડકીની વંડી દસેક ફૂટ ઊંચી જ હોય. ભરાડી જીણુભા ઘણા દિવસથી દાઢમાં રાખીને બેઠો હતો. મોકાની વાટ જોતો હતો. કાળુભાઈ શેઠ વ્યવહારિક કામે બહારગામ ગયેલા, તેથી દુકાન બંધ રહેલી. શેઠાણી ઓસરીની જાળી બંધ કરીને, ઓસરીમાં ખાટલો ઢાળીને સૂઈ ગયેલા. યુવાનીમાં પ્રવેશતી, કાચી કુંવારી કળી જેવી દીકરી ફળિયામાં સુતી હતી. ગામમાં ક્યારેય આવું બન્યું જ ન હતું, એટલે કોઈના મનમાં એવો વિચાર પણ નહોતો આવતો કે ગામનો કોઈ લુખ્ખો, આ રીતે વંડી ઠેકી, ઊંઘમાં સુતેલી દીકરીનું મોઢું દબાવી, બિચારી હજી કાંઈ સમજે ન સમજે, તે પહેલાં તો તેના કપડાં કાઢી નાખી,તેની ઉપર બળાત્કાર કરે !પણ જીણુભાએ એવું કરી બતાવ્યું.


દીકરી ત્રણ-ચાર દિવસ ગુમસુમ રહી. કાળુભાઈ એટલે એક વિચક્ષણ બુદ્ધિના વાણીયા વેપારી ! એણે પોતાની શેઠાણી દ્વારા દિકરી પાસેથી વાતવાતમાં ભેદ જાણી લીધો. ન બનવાનું બની ગયું, છતાં કોઈપણ પ્રકારના ઉહાપોહ વિના, કાળુશેઠનો પરિવાર પાંચમા દિવસે મોસાળ હતો. એક જ મહિનામાં કાળુશેઠે ધંધો આટોપી લીધો. ઘર- દુકાન, મળ્યા ભાવે વેચી, તેઓ અમદાવાદ ભેગા થઈ ગયા.


હજી અન્ય વેપારીઓ આ ઘટનાને ભૂલવાની કોશિષ કરતા હતા. અને ઝીણુંભાઈએ નાગાઈની હદ વટાવી દીધી. પંદર દિવસમાં ગામના બીજા એક જૈન વેપારી ચંપકલાલ શેઠની વીસેક વર્ષની યુવાન પુત્રીએ આપઘાત કર્યો. કારણ એટલું જ કે મોડી સાંજે ગામના પાદરમાં મુખ્ય કૂવે પાણી ભરવા ગયેલી દીકરીને ઝીણું અને તેના બે ત્રણ હરામખોર મિત્રોએ પીંખી નાખી હતી. ને પછી તો ગામના જૈન દેરાસરમાં બધા જ વણિક વેપારીઓની મિટિંગ થઈ. ગામડામાં આજે પણ કહેવત છે કે "નાગાની પાંચશેરી ભારે." માથાભારે માણસ આખા ગામને ડરાવે અને તોય ગામલોકો એક ન થાય, એવું આજે પણ બને છે. તો તે જમાનામાં તો લોકો હજી રાજાશાહીના ઓથારમાંથી બહાર આવ્યા ન હતા. અને વાણીયા એટલે ડાહી કોમ. ધીમે ધીમે કરતાં છ મહિનામાં તો ગામના તમામ પચ્ચીસ વેપારીઓએ ઘર જમીન દુકાન સઘળું વેચીને ચાલતી પકડી.


ગામના કણબી પટેલ, સોની મહાજન, બ્રાહ્મણ,અન્ય જ્ઞાતિના આગેવાનો- બધા જ સઘળું જાણતા હોવા છતાં, દેશની પ્રજાના રક્તમાં વહેતા યુગ જૂના દુર્ગુણ સમા, એકતાના અભાવ અને ભીરુતાને લીધે, ગામની સૌથી ડાહી જ્ઞાતિ ગામ છોડી ગઈ અને ધીખતા ધંધા પડી ભાંગ્યા, તોય સહુ મૌન રહ્યા. પછી તો બધા જ સજ્જન લોકોના પરિવાર ગામ છોડી ગયા. અમારા પરિવારે પણ ગામ છોડ્યું. સૌથી ગરીબ, ક્યાંય ન જઈ શકે એવા રાંક બે-ત્રણ બ્રાહ્મણ પરિવારને બાદ કરતા બધા શિક્ષિત લોકોએ ગામ છોડી દીધું. જે ગામ પંદર-વીસ ગામનું હટાણુ હતું, એ ધીમે ધીમે વેરાન બનતું ગયું. બારેમાસ વહેતી નદી પર, ઉપરવાસમાં વિશાળ બંધ બંધાયો અને નદીના પાણી સુકાયા ! નવયૌવના જેવી સુંદર નદી સુકાઈને વિધવા બ્રાહ્મણીના ખેતર જેવી બની ગઈ ! એ જ માથાભારે ગુંડા તત્વોએ નદીની રેતીને પણ ઢસડી ઢસડીને વેચી મારી. જે ગામમાં ધીખતી ખેતી હતી, ત્યાં પીવાના પાણીના પણ સાંસા પડવા લાગ્યા. ભૂગર્ભજળ ખેંચાવા લાગ્યા. ખેતી ભાંગી. ખેડૂતો પોતાના ખેતરો વેચીને સુરતમાં હીરાઘસું બન્યા.


એમાં પણ ગામમાં બે વૃક્ષ-ભક્ષી રાક્ષસો પ્રકટ્યા. એક માથાભારે જેનું નામ હતું રહેમાન જે નામથી તો રહેમાન હતો પણ કામથી હેવાન હતો. બીજો હતો દાનુભા,જે નામથી તો દાનુભા હતો, પણ કામથી દાનવ હતો. બન્નેએ ગામનાં વૃક્ષો કાપી કાપીને પોતાનું તો ભલું કર્યું, પણ મારાં રળિયામણાં ગામનું નખ્ખોદ કાઢી નાખ્યું. આ રાષ્ટ્રની કાયર પ્રજા, ગામની દિકરીની આબરૂ લૂંટનાર ગુંડાને પડકારી ન શકે, ત્યાં આ બે ગુંડાઓને વૃક્ષોનું છેદન કરતાં કોણ અટકાવે ? કોઈએ કાંઈ વિરોધ ન કર્યો. 'આપણે શું?' કહીને આંખો મીંચી લીધી.


જે ગામમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી, ત્યાં દારૂની રેલમછેલ થવા લાગી. સંસ્કારી કુટુંબો ગામ છોડી ગયા હોવાથી રડ્યાખડ્યા જે બાકી બચ્યા, તે કાં તો રાંકા થઈને મૂંગા રહ્યા ને કાં તો બીકના માર્યા અસામાજીક તત્વોને પ્રોત્સાહિત કરતા રહ્યા ! ઝીણુંભા, ભાણુંભા, મહિપતસિંહ, સુલતાન, જુસબ,એની સાથે ભળેલા ખેડૂત પરિવારના વંઠેલા બે ચાર યુવાનો અને કોળી સમાજના કેટલાક અભાગિયા, મફત દારૂ પીવાની લાલચે આ ભટકેલાઓની સાથે જોડાઈ ગયા. અને આમ, અમારું હર્યુંભર્યું નંદનવન નંદવાઈ ગયું ! ગોકુળીયું ગામ દુકાળિયું બની ગયું ! ગામમાં બારે માસ ચોખ્ખી ચણાંક રહેતી શેરીઓની વચ્ચે ગંદકી અને ગટરના પાણી ખદબદવા લાગ્યા.


આજે જીવનના છ દાયકા પછી હું મારા ગામમાં ક્યારેક જાઉં છું, કારણ કે અમારા કુળદેવી માતા હજુએ ગામમાં જ બિરાજ્યા છે. જ્યારે ગામમાં પ્રવેશ કરું છું, ત્યારે એક વખતનું 'રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું' યાદ આવી જાય છે, અને આંખો આંસુથી ભીંજાય છે. હૈયામાંથી નિસાસા પ્રગટે છે અને ભાંગેલા પગે માતાજીના દર્શન કરી, પાદરથી જ મારી ગાડી પાછી વળે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational