STORYMIRROR

Vishwa Rawal

Inspirational

3  

Vishwa Rawal

Inspirational

રખડવાયા

રખડવાયા

5 mins
14.6K


તળાવની ફરતે પાળ અને તે પાળને વચ્ચે જગ્યામાં થોડા પગથિયાં. પગથિયાંની બાજુમાં પડેલી સાઇકલો. એ પણ રંગબેરંગી. કોઈક લાલ તો કોઈક પીળી, કોઈક જાંબલી તો કોઈ ગુલાબી. સાવ એકાંત જગ્યાએ ચાર પાંચ સાઇકલોની વચ્ચેથી નજર થોડી આગળ જાય એટલે પાણીના વમળો દેખાય. થોડી વાર થાય અને પાણીમાં પથ્થર પડે ને વમળો ઉદ્ભવે. ક્યારેક બે અલગ અલગ વમળો ભેગા પણ થાય. આ પથ્થરો આવતા હતા એક સુંદર ગુલાબી ને નાજુક હાથ માંથી. જેવા વમળો શરૂ થાય કે તરતજ સરસ મજાનો સુમધુર અવાજ સંભળાય. "આ પથ્થર પાણીમાં પડે છે એટલે વમળો થાય છે. અને બે વમળો અથડાય એટલે વમળો ભેગા થઈને દિશા બદલે છે. આવું શું કામ થાય તે આજે સ્કૂલમાં ટીચરને પૂછવું પડશે. અને કોલાહલ શરુ થઈ ગયો. પેલો સુમધુર અવાજ થોડો મોટો થયો અને એ બૂમ સાથે જ ઘણી બધી આકૃતિઓ સાઇકલ ભણી ભાગી અને સાઇકલો દોડવા લાગી. ગુલાબી સાઇકલ પર રેશ્મા સહુથી આગળ હતી. તેની સાઇકલ જેવી જ ગુલાબી. કદાચ કોઈ પરી કથાનું પાત્ર હોય તેવી જ સુંદર. લીનનના સફેદ ફ્રોકમાં તે વધારે સુંદર લાગતી હતી. તેની પાછળ વાંકડિયા વાળ વળી શ્યામવર્ણદેવી અને પાતળી કમર વાળી ઊંચી અને રતુમ્બડી મનાર હતી. છેલ્લે નાનકડી ખ્યાતિ અને લટકાદાર દેવાંશી બૂમો પડતા આવતા હતા. થોડીજ વારમાં તે બધા સાથે થઈ ગયા અને ગામ આવતા જ સાઇકલો પોતપોતાના ઘરે પહોંચી ગઈ. થોડી વારમાં તે બધાજ યુનિફોર્મમાં સ્કૂલ તરફ જવા નીકળી ગયા.

આ બધાજ હતા પાંચમા ધોરણમાં ભણતા બાળકો. હા, તે બીજા કરતા જુદા હતા. સમય મળે ત્યારે સાઇકલ લઈને કુદરતની નિશાળમાં શીખવા નીકળી પડતા અને પછી શાળામાં જઈને શિક્ષકનો જીવ ખાતા. ક્યારેક તો તેમના સવાલો અવિરત ચાલતા અને શિક્ષકના જવાબો ખૂટી પડતા. આજ કારણથી સ્કૂલમાં બધા તેમને હરાયા કહેતા. રેશ્મા તેના જવાબમાં કહેતી,"ના રે, અમે તો રખડવાયા છીએ. જેમને લાડ ગમે તે લાડકવાયા હોય તો અમને રખડપટ્ટી ગમે છે, તેથી અમે રખડવાયા ગણાઈએ."  શિક્ષકો પૂછતાં કે આ શબ્દ તો કોઈ જોડણીકોશમાં નથી! તરતજ રેશ્મા કહેતી,"નથી તો આવી જશે. ઈંગ્લીશ ડીક્ષનેરીમાં કેટલા નવા શબ્દો આવે છે? જેને રખડવામાં મજા આવે તે રખડવાયા." આ વાતથી અસહમત થવાનો અર્થ ન હતો. કારણકે તેની પાછળ અવિરત ચર્ચાઓની સંભાવના રહેતી.

રેશ્મ ના પપ્પા તેને નાનપણથી જ નવું શીખવાની પ્રેરણા આપતા. તેને હિમ્મત અને સત્યના પાઠ ભણાવતા. આના કારણેજ રેશ્માને અવનવા વિચારો આવતા અને તેની પાસે સાઇકલ આવતા જ તેણે મિત્રો ભેગા કરીને આસપાસના વાતાવરણમાંથી શીખવાનું શરુ કરી દીધું. બે વરસમાં તેમની આસપાસની દરેકે દરેક વસ્તુઓને તેમણે સારી રીતે સમજી લીધી હતી. સવારે રેશ્મા ન મળે તો તેના દાદી કહેતા,"જો હિંચકા પર નહીં હોય ને તો પછી હશે કોઈક ઝાડની ડાળે કે તળાવની પાળે.' રેશ્માને વાદળોના રંગોમાં રસ પડતો અને મેઘધનુષના રંગો તેણે દાદી સૂર્યને જળ ચડાવતા તેની ધારમાં દેખાતા. તે પાંદડાના માપને શંખની રચના સાથે પણ સરખાવતી અને પછી બિચારા પ્રાથમિક શિક્ષકોની હાલત કફોડી થતી. તેના મિત્રોના ઘરે પણ બધા રેશ્માના આગમનથી એલર્ટ થઈ જતા. ખાલી તેના પપ્પા પાસે રેશ્માના બધા જ સવાલોના જવાબ રહેતા અને એટલે જ રેશ્માના પપ્પા આખા ક્લાસમાં પોપ્યુલર હતા.

એક દિવસ અચાનક રેશ્મા અમેરિકા જવા નીકળી ગઈ. તેણે એમજ હતું કે પોતે ફરવા જાય છે પણ ફ્લાઇટમાં બેઠા પછી દાદીએ ભાંડો ફોડી નાખ્યો કે,'હવે ભગવાન જાણે દેશમાં પાછા આવવા ક્યારે મળશે?" અને રેશ્માનો મૂડ બદલાઈ ગયો. તેની આંખમાં ઝળઝળિયાં આવી  ગયા. તેણે સાઇકલને આવજો ન કરવાનો અફસોસ રહી ગયો. મિત્રો કરતા પણ તેણે પોતાની સાઇકલ વધારે વહાલી હતી. લાંબી મુસાફરી તેના માટે વધારે લાંબી બની ગઈ. તેના મનમાં છેલ્લા વરસોનાં સંસ્મરણો અથડાવા લાગ્યા અને નવી જગ્યાએ જવાનો ભય પણ સતાવવા લાગ્યો. અંતે તેની આંખ મળી ગઈ. તે ઉઠી ત્યારે હજુ પણ તે ફ્લાઇટમાં જ હતી. હવે કંટાળો આવતો હતો. પપ્પા તેની લાગણી સમજી રહ્યા હતા એટલે તેનું ધ્યાન બીજે દોરવા પ્રયત્ન કરતા હતા. દાદી અને રેશ્માને એક સરખો જ વિચાર આવતો હતો કે હવે દેશમાં પાંચ ક્યારે જવાશે? અંતે તેમણે અમેરિકાની ધરતી પર પગ મૂકી દીધો.

રેશ્માના જીવનમાંથી વર્ષો ક્યાં જતા રહ્યા તે ખબર જ ન પડી. તે હવે યુવતી બની ગઈ હતી. તેણે કોલેજમાં એડમિશન મળતાં જ તેણે દેશમાં જવાની જીદ પકડી અને તે માન્ય પણ થઈ ગઈ. સાત વરસ પછી ગામમાં વૃક્ષોની જગ્યાએ કોન્ક્રીટના જંગલો હતા. બધું જ બદલાઈ ગયું હતું. તે સીધી દેવીના ઘરે ગઈ. દેવી બહાર હતી. આંટી વૃદ્ધ લગતા હતા. તેમણે રેશ્માની હાજરી ન ગમી પણ તેમણે એ ભાવ કળાવા ન દીધો. થોડીજ વારમાં બધી બેનપણીઓ ભેગી થઈ ગઈ અને ઘર કોલાહલ થઈ ભરાઈ ગયું. આંટીએ ટોક્યા પણ ખરા કે છોકરીની જાત ને આટલી બધી બુમાબુમ? એકદમ રેશ્માને સાઇકલ યાદ આવી. બધાએ સાઇકલ બહાર કાઢી ને હવે આંટીનો સાચો મિજાજ દેખાઈ ગયો. "કોઈ બહાર નહિ જાય. હવે તમે નાના અને નાદાન નથી રહ્યા. દેવીની તો સગાઈ થઈ ગઈ છે. સામે વાળાને ખબર પડશે તો તોડી નાખશે."  રેશ્માને આ વાત સમજાઈ નહિ,"કેમ દેવીને શું ગમે તેનો વિચાર જ નહિ કરવાનો?" દેવીની માને ગુસ્સો આવ્યો,"જો આ અમેરિકા નથી. અને અહીં છોકરીની જાતે ઘણું સાચવવું પડે છે. અમનેય લગન પહેલા ઘણું હતું કે આમ જીવીશું ને તેમ, પણ અંતે તો બે ટાઈમ રોટલીજ વણવાની થઈ." રેશ્માને મજા આવી. તેણે વળતો જવાબ આપી દીધો,"તમે સહન કર્યું એટલેને? તમારે અંકલને જણાવવું જોઈતું હતું કે તમને શું ગમે છે. તમે બોલ્યા જ નહિ તો તેમણે ખબર કેવી રીતે પડે?"

"મા હું જાઉં છું અને કદાચ રાત્રે ન પણ આવું. ખાલી ફોન કરીને હેરાન ન કરતી." દરવાજા પાસે થઈ દેવીના ભાઈનો અવાજ આવ્યો. દેવીની મા રેશ્માના હાવભાવ જોઈને બેબાકળી થઈ ગઈ. તે બરાડી,"એમ કીધા વિના જતા રહો છો તમે બધા, ને અહીં મારો જીવ ઉપર રહે છે. બે દિવસ પછી પરીક્ષા છે. નથી જવાનું." વાક્ય પૂરું થાય તે પહેલા દરવાજો બંધ થઈ ગયો. તેની આંખમાં પાણી છલકાયા. રેશ્મા આંટીને ભેટી પડી. અચાનક દેવીની મમ્મીએ આંખ લૂછી અને સાઇકલનું હેન્ડલ પકડ્યું. "ક્યાં સુધી આ બધું ચલાવવાનું? સ્ત્રી તો જન્મે ત્યારથી તેની સફર શરૂ જ થઈ જાય છે. આજે હું પણ આવીશ. આપણે બધા જ રખડવાયા છીએ. ઘર છોડ્યા પછી જ્યાં ઉભા રહ્યા ત્યાંજ જીવનના પાઠ મળી જાય છે. તળાવની પાળે પાંચને બદલે છ સાઇકલ પડી હતી અને વાતાવરણમાં કોલાહલ છવાઈ રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational