રામાપીરનો ઘોડો (ભાગ ૩)
રામાપીરનો ઘોડો (ભાગ ૩)
“બેન, અંદર મકાન માલિક હાલ હાજર નથી. ચોકિદારે કહ્યુ કે, એ બહાર ગયા છે અડધી કલાકમાં આવવા જોઇએ. આપ જો રાહ જોવા માંગતા હો તો અંદર બેસી શકો છો.” ચોકિદાર સાથે વાત કરીને આવેલા ડ્રાઇવરે કહ્યુ.
“એમને કહી દો કે, હું સાંજે ફરી આવીશ. અને હા, એમનો ફોન નંબર લેતા આવજો એટલે આવતા પહેલા કહેવડાવી દેવાય.”
“જી બાઇસા.”
ડ્રાઇવરે એનુ કામ કરી લીધું. ફરી ગાડી ચાલુ થઈ.
“કઈ બાજુ લવ?”
“કોઇ સારી હોટેલમાં લઈલે. હવે સાંજે જ બહાર જઈશુ. તમને ફાવે ત્યાં જમીને થોડો આરામ કરી લેજો, જો કામ પતી જાય તો આજે રાત્રેજ પાછા ફરી જઈશુ.”
“ભલે !”
હોટેલના રૂમમા જઈને જયાએ પહેલા મોઢું ધોયુ. આખા મોઢા પર જીણી માટીની એક પરત બાજી ગઈ હતી. નાજુક, મુલાયમ ગાલ અને હથેળી વચ્ચે ધુળની રજકણો ઘસાતી હતી. જયાને એ રજકણો પરિચિત લાગી. એ રજકણો એને પાછી ભુતકાળમા ખેંચી ગઈ!
વરસો પહેલા એ એના દાદા એટલેકે, બાપા સાથે ગીરના જંગલમાં ફરી રહી હતી ત્યારે પણ એના મોઢા પર આવી જ ધુળ બાજી ગયેલી. કપાળ પર, ગળા પર બાજેલી પરસેવાની બુંદોને હાથ વડે એણે લુંછી ત્યારે એનુ એ તરફ ધ્યાન ગયેલુ.
“થાકી ગઈ, માવડી?” દાદાએ બોખા મોંઢે હસતા હસતા કહેલું.
“ના. થોડી તરસ લાગી છે.” હાંફી રહેલી સોળ સત્તર વરસની લાલી(જયા)એ કહેલુ.
“હાલ તને નાળીયેરપાણી પિવડાવુ.”
બન્ને ચાલતા ચાલતા ગિરનાર પર્વતની તળેટીમાં આવી ગયા હતા. એક મોટા પથ્થર પર બેઉ જણે બેઠક જમાવી. દાદાએ સામે ઉભેલા લારીવાળાને હાથથી કંઇક ઇશારો કર્યો.
“જંગલ ચેવુ લાગયુ?”
“એકદમ મસ્ત, આટલી ગીચ ઝાડી વચ્ચે ફરવાની બવ મજા આવી.”
“હારુ, હારુ સે, હજી કુદરતને ખોળો ગમે સે એમને! સરસ.”
ત્યાં પેલો લારીવાળો છોકરો પાણી ભરેલું નારિયેળ આપી ગયો.
“કેમસો બાપા? આ મોટા ભઈની સોડી હ?”
“હોવ. એ નારિયેળ એન આલી દે.”
જયાએ નારિયેળમાથી ડોકાતી લાંબી ભુંગળી મોઢામાં નાખી ઝડપથી બેત્રણ ઘુંટડા ભર્યા પછી, એને દાદા તરફ ધર્યુ. દાદાએ હાથથીજ ઇશારો કરી ના પાડી.
“તન કાલ રાતે જોઇ ન મન મારી જુવાની યાદ આવી ગઈ. મેં પણ હાવજ હારે એક ભાલો હાથમાં લઈ લડાઇ કરેલી! એ વખતે એક અંગ્રેજે ગોળી ચલાવીને એને મારી નાખેલો. ત્યારે અહિં અંગ્રેજો જંગલમા ફરવા અન શિકાર કરવા આવતા. હું એમનો ભોમીયો બની એમને જંગલ બતાવતો.” દાદાએ જયા તરફ એક નજર કરી, એ ધ્યાનથી એમને સાંભળતી હતી.
“મારામાં સાહસ છે, ભણ્યો નોતો જાજુ પણ, જાતે ઘણુ શિખેલો. આ બધી આપણી ગાયુ મેં જાતે વસાવેલી ન, હાચવેલી. આખા જંગલમા તારા બાપાનુ માન સે. એક બીજી ખાસ વસ્તુ તે ભાઇચારો. આ મારી માટી, મારુ જંગલ, બધી વનરાજીયે મારીને બધા જનાવરો, માણહોએ મારા! આ ગિરનાર પર્વત મારો આરાધ્ય દેવ! એજ અમને પાળતો ને પોસતો એના સિવા એક્કે માતાજીને હું આજ લગણ નમ્યો નહી. એ સે તો આ બધુ સે.”
“તારા પપ્પામાં બુદ્ધિ છે, નેહાળમા ઇ પેલ્લો જ આવતો પણ, ઇ સાહસી નહી. તુ નોની હતી. બે વરહોની. તાણ એક વાર સિંહ કાલની જેમ જ આપડા વાડામા ઘુસી આવેલો, તને તો મેં ઇ વેળા ઘરમાં પુરી રાખેલી તોયે તારો પપ્પોતો મોનેલો જ નઈ. જીદે ચડેલો કે અવ આ ગોમમો નહી રેવુ. મે ચેટલોય હમજાવેલો પણ ના મોન્યો તે ના મોન્યો. ભુજમાં પસ પટાવાળાની નોકરી મલી ને ઇ આ ગોમ સોડીને જતો રયો.” દાદાએ પૌત્રી સામે કર્યુ તો સ્મિત જ હતુ છતા જયાને એ ખુબ ખુબ દુખી લાગયા.
“તારા કાકામાં બળ સે પણ ઇ બળદિયા જેવો સે હાવ! જરાકેય અક્કલ નો હાલે ઇના મો! આ હું સુ તે બધુ જેમ વતાવુ ઇમ કરે જાય સે પણ મારા પસ? ”
દાદા એમની જગાએથી ઉભા થઈને જયાની સામે આવીને ઊભા,
“મહાભારતમાં સુ કેસ તમારો શામળો? આ બધા દેવતાઓ ન મેલો દેવતા અન ગોવર્ધન પરવતની પૂજા કરો. આ ગિરનાર પરવત ઇ જ આપણો ગોવરધન! લાકડી એક હોય તો ચીયોય હાલી મવાલી તોડી જાય પણ બધી જો એકહારે હોય તો? ના તુટે! તમે બધા ભાઇઓ બહેનો હાથે મલીને અહિં રેતા હો તો? તન થસે મુ હુકરવા આ બધુ તને કવસુ, હેન?”
“ના બાપા, બોલો તમે, તમારી વાત સાચી છે પણ, તમે મારી પાસેથી શું અપેક્ષા રાખો છો એ ખબર ના પડી.”
“કાલે તે હુ કીધુતુ યાદ સ? મારા ભાઇને બચાવવા મે લાકડી ઉઠાવી, સિંહ હામે! બસ તારી ઇ ભાવનાને જીવતી રાખજે માવડી! એ કોઇ તારો હગો ભઈ નતો, ચાર દાડાની તો ઓળખાણ ને તોયે. તારી પાહે બધુજ સે. સાહસ, શક્તિ, બુધ્ધી, ભણતર, લાગણી ! એનો સદઉપયોગ કરજે માવડી! બીજી બધી બાયુ કરતા તુ નોખી સે તો, એવુ જ કોક નોખુ કોમ કર જેનાથી આપણ બધાનો ઉધ્ધાર થાય. આપણી કોમનુ જ નઈ પણ, આપણા આખા ગોમનુ નામ થાય. આખા પંથકમા લોકો કે કી એક આહિર બાઇ સે બધાની માવડી. મારુ મોન તો તું કલેક્ટર બનજે. અન પસી ઓય જ આવીન રેજે, આપણા આ જંગલ અને એમાં વસતા ગરીબ માણહુનો વિકાસ થાય એવુ કાંક કરજે. ” દાદા હસી પડ્યા ખડખડાટ!
“શું થયુ?” જયાને નવાઇ લાગી.
“ તારો પપ્પો કેસે ડોહાએ એની છોડીને બગાડી મેલી. ઉગાડી આંખના સપના સે બધા પણ, તુ ધારે તો પુરા કરી સકે એવો મને વિસવાસ સે ને, મારા આશિર્વાદ પણ!”
ઉગાડી આંખના સપના! આવુ ક્યાં સાંભળેલુ? કોઇક તો બોલ્યુ હતુ! જયાને અચાનક વિચાર આવ્યો. એક ઘડી માટે એની નજર આગળથી પેલા ઘરનુ ચિત્ર આવીને જતુ રહ્યુ, રામાપીરના ઘોડાવાળું!
