ઝડપની મજા!
ઝડપની મજા!
“વિકીડા થોડી સ્પીડ વધારને, મજા આવે છે.”
“ના, લ્યાં! આ હામેં જો, પાટિયા પર શું લખ્યું છે?”
“અબે તારી એવું તો શું લખ્યું છે?”
“હજી વાંચતા ના આવડતુ હોય તો પાછો જતો રે, સ્કૂલમાં !”
“બવ હોંશિયારિઓ મારવી રે'વાદે! એમાં લખેલું કોઈ ભુતભઈયે વાંચતુ નથી.”
રાજુએ વિકાસની પીઠ પર ધબ્બો મારીને કહ્યું, “તારા ઘરે પેલી આલ્યા ભટ્ટ, તારી રાહ જોઈને બેઠી છે, એમ વિચારીને ભગાવ!”
“કોણ આલ્યા ને બાલ્યા? મને એમા કોઈ રસ નથી, સમજ્યો? ને ઘરે મારી મમ્મી મારી રાહ જોતી હશે, જે મને હંમેશાં કહે છે, બેટા જરા ધીરે ચલાવજે હો!”
“આલ્યા - બાલ્યામાં નહીં પણ પેલી લાવણ્યામાં તો રસ છેને? એ રાહ જોવે છે એમ માનીલે.” રાજુ ખડખડાટ હસી પડ્યો.
“સાલા, તું મને મરાઈશ કોક દા'ડો!” વિક્કીએ બાઈકની સ્પીડ વધારી.
ધડાઆઆમ્મ્મ્મ્...
ફુલ સ્પીડ, વાતોમાં ધ્યાન, થોડો મુશ્કેલ વળાંક, પાછળથી પુરપાટ ધસી આવતી ટ્રક! આ બધાજ કારણો પૂરતાં હતાં. બે લબરમુંછિયાઓના અકસ્માત પાછળ પણ, આ અકસ્માતને ટાળી શકત એવું એક જ કારણ હતું, ને એ હતું પેલું રસ્તામાં આવેલું પાટિયું ! જેની ઉપર લખેલું હતું, “વાહન ધીરે હાંકો, ઘરે કોઈ આપની રાહ જોવે છે!”
હાઈવે પર બન્ને જણા જ્યાં લોહિલુહાણ હાલતમાં પડ્યા - પડ્યા કણસી રહ્યા છે, ત્યાં જ એક બીજુ પાટિયું મારેલું છે, “ઝડપની મજા, મોતની સજા”
સાંજનાં દિવાબત્તિનો સમય થઈ ગયો છે. વિક્કીની મમ્મી એમનાં ઘરે દિવો પ્રગટાવીને ભગવાન આગળ એમનાં એકના એક દિકરાની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી રહી છે!
રોડ પરથી સેંકડો વાહનો પસાર થઈ રહ્યા છે, જરાક વાર માટે વિચારી જુઓ જો, તમે એ જ જગ્યાએથી પસાર થતા હોવ તો, શું કરશો...?
