આંખો : લાગણીઓનું દર્પણ
આંખો : લાગણીઓનું દર્પણ
આરતીએ હવે અટકવું જ પડ્યું. બે માસૂમ, માંજરી આંખો એની તરફ કંઈક દયા, કંઈક વિસ્મય, કંઈક ભયથી જોઈ રહી હતી. એ આંસુથી ખરડાયેલી આંખો સામે જોતાજ એનો બધો ગુસ્સો ઠરી ગયો હતો.
“જા, અંદર જતો રહે તારા રૂમમાં અને હોમવર્ક કમ્પલીટ કર.” આરતીએ હવે ખોટો ગુસ્સો કરીને, ઊંચા અવાજે કહ્યું.
હકીકતમાં આજે સવારે બસમાં જગ્યા ન મળવાથી ધક્કા ખાતી આરતી ઑફિસ ગઈ ત્યારે જ એનો મૂડ ખરાબ થઈ ગયેલો. એણે કરેલી મહેનતનું ફળ કોઈ બીજું લઈ ગયેલું! એની બદલે એની સાથેની બીજી નવી આવેલી છોકરીને પ્રમોશન મળેલું, જ્યારે કે નવા પ્રોજેક્ટનું બધું કામ એણે જાતે કરેલું! આખો દિવસ જ પછી તો સડેલો વીતેલો! કંટાળીને ઘરે આવી ત્યારે એનો એકનો એક સાત વરસનો દીકરો મમ્મીને જોઈને દોડતો આવેલો અને એની કમરે હાથ વીંટાળી વળગી પડેલો.
“મમ્મી ખબર છે, આજે મે શું કર્યું?”
“છોડ બેટા! મમ્મી થાકીને આવી! પછી કહેજે!” આરતીએ ધીરેથી એનો હાથ છોડાવીને પછી ઘરમાં પ્રવેશ કરેલો.
રોજ ઓફિસ જતી વખતે આરતી એમના માસ્ટર બેડરૂમનો દરવાજો લોક કરીને જતી. એની ચાવી ઘરમાં જ એક જગાએ છુપાવીને રખાતી જેના વિષે પતિપત્ની સિવાય કોઈને ખબર ન હતી.
એમના બેડરૂમમાં આરતીનાં થોડા ઘરેણાં અને થોડી રોકડ રકમ કબાટમાં રહેતી. એ લોકો ક્યારનાંય એક નવો ફ્લેટ લેવાનું પ્લાનિંગ કરી રહ્યાં હતાં એટલેજ ડાઉન પેમેન્ટ આપવા એ છૂપી બચત ચાલતી હતી.
આરતીએ ચાવી જે જગાએ મૂકી હતી ત્યાંથી એ થોડી દૂર ખસી હતી. આરતીને નવાઈ લાગી. એણે ચાવી લઈને લોક ખોલ્યું. સૌથી પહેલા એની નજર બેડરૂમની ચાદર પર ગઈ. એ ચોળાયેલી હતી. સવારે એણે ચાદર ઠીક કરી હતી એને બરોબર યાદ હતું. તો પછી? અવિનાશ હજી ઑફિસથી આવ્યો ન હતો. તો રૂમ કોણ ખોલી શકે?
“આયુષ... આયું...”
“જી મમ્મી...” હસતો હસતો એ આવેલો. એની બે માંજરી, મોટી આંખો મમ્મી તરફ પ્રેમથી જોઈ રહી હતી. સવારે વહેલો ઊઠી એ સ્કૂલ જતો રહેતો. એ પાછો આવે ત્યારે મમ્મી પપ્પા ઑફિસ જતા રહ્યા હોય. એક આયા આવી હોય જે એને જમવાનું નીકાળી આપતી અને એ ખાઈ લે ત્યાં સુધીમાં વાસણ, કપડાં કરીને એય ચાલી જતી.
એ બાળકની આંખો પછી વારેવારે બારીમાંથી બહાર દરવાજે ડોકાયા કરતી, મમ્મીની રાહમાં! આજે પણ એમજ થયેલું.
“તું આ લોક ખોલીને અંદર ગયેલો?” આયુષના પગે વોટર કલર ચોંટેલો હતો અને એજ લીલો રંગ ચાદર પર પણ હતો! સવારની કંટાળેલી આરતીનું મગજ પાછું પળમાં જ તપી ગયું.
આયુષ મમ્મીનો ગુસ્સો પામી ગયો. એની આંખોમાં જરા ડર ડોકાઈ ગયો. એણે ડોકું હકારમાં થોડુ હલાવ્યું હતું અને મમ્મીની પહેલી થપ્પડ એક ગાલ પર પડી ગયેલી. એ ગાલ પર હાથ મૂકીને આંસુ ભરેલી બે આંખોવાળો આયુષ હજી મમ્મી સામે જોઈ રહ્યો હતો.
“આખું ઘર ઓછું પડે છે, મસ્તી કરવા માટે? તે હવે તું લોક ખોલીને બેડરૂમમાંય ધમાલ કરવા લાગ્યો. કોઈ ચોર ઘુસી જસે ઘરમાં તો? કોને પૂછીને તે ચાવી લીધી હે? કોને શીખવાડ્યું આવું તોફાન કરવાનું? જવાબ આપ!”
પેલી બે ભોળી આંખો હજી મમ્મી સામે તાકી રહી. એ કંઈ ન બોલ્યો. છતાંક કરતી બીજી બે થપ્પડો પડી ગઈ. એ સહેજ પાછળ ધકેલાઈ ગયો. લાલ ઘૂમ, આંસુભરી આંખો હજી મમ્મી સામે જ તાકી રહી હતી.
આયાના ગયા પછી ઘરમાં એકલા પડેલા આયુષની નજરે મમ્મીની વીંટી ચઢી હતી. કદાચ એ મમ્મીની આંગળીમાંથી સરકીને નીચે પડી ગઈ હશે.
સોનાની વીંટી ખૂબ કિંમતી કહેવાય એવું માનીને એ નાના બાળકે એને મમ્મીનાં કબાટમાં મૂકી દેવાનું ઉચિત માનેલું. ચાવી ક્યાં છે એની એને ખબર હતી. બેડરૂમનો દરવાજો ખોલી એ અંદર ગયો ત્યારે કબાટને પણ લોક જોયું. એની ચાવી તો મમ્મી પાસે હોય. પલંગની પાછળની દીવાલે પણ ઊંચાઈ પર નાનકડું કબાટ હતું. આયુષ પલંગ પર ચઢીને, ત્રણેક કૂદકા માર્યા પછી એ કબાતનો દરવાજો ખોલી સકેલો અને એમાં વીંટી મૂકી દીધેલી.
એને એમ કે મમ્મી જ્યારે આ વાત જાણશે ત્યારે એ ખૂબ ખુશ થશે. એને બાથમાં લઈને એના ગાલ પર ચૂમી ભરસે... પણ, અહીં તો ઊલટું જ થયેલું! મમ્મીની ગુસ્સો ભરેલી, મોટી આંખો જોઈને આયુષ ઠરી ગયેલો.
મમ્મીની આંખો વધારેને વધારે ગુસ્સો ઠાલવતી ગઈ અને બાળકની સંવેદનાઓ બુઠ્ઠી થતી ગઈ. ફક્ત બે માસૂમ આંખો એની તરફ કંઈક દયા, કંઈક વિસ્મય, કંઈક ભયથી જોઈ રહી હતી!
