વડલાનું ભૂત !
વડલાનું ભૂત !
“કાકા આને કૂવો કહેવાય?” નાનકડી પિન્કીએ કૂવામાં ડોકિયું કરીને પુછ્યું.
“હાં, બેટા!” રાકેશે એને ખભેથી પકડી, થોડી પાછી ખેંચતા કહ્યું.
“એ બહુ ઊંડો હોય?” નવેક વરસની પિન્કીએ પહેલીવાર કૂવો જોતા બહુ ઉત્સાહિત થઈને પૂછ્યું.
“જા અંદર પડીને જોઈ લે! ખબર પડી જસે.” બંટીએ એને ચિઢવવા જીબડી બહાર કાઢીને ચાળો કર્યો.
“કાકા આને બોલોને, હંમેશા મારી સાથે આમ જ કરે છે.”
“કેમલ્યા બંટીડા તને ભાન નથી પડતું? નાની બેન જોડે આવી વાત કરાય? એને અંદર કુદવાનુ કહેવાય?”
“તે એને બોલોને! ક્યારનો કવ છું ચાલો નદીએ, ચાલો નદીએ તો, એ શું કૂવો કૂવો કરે છે.”
“જઈયે છે નદીએ, આજ રસ્તેતો જવાનુ છે. બવ ચાંપલો ના જોયો હોય તો!”
“તો ચાલોને, આ દેડકીને કૂવો ગમતો હોય તો એને રહેવા દો અહિં, કૂવામાં!” બંટીએ એના બીજા પિતરાઈ ભાઈના હાથે તાળી મારતા કહ્યું. “બંટીડા તે મને દેડકી કહ્યું? તો તું વાંદરો!”
“તું ગરોડી!”
“તું ગધેડો!”
“મને ગધેડો કહે છે? ઊભી રે…” બંટી એને મારે એ પહેલાંજ રાકેશે વચ્ચે આવીને બંટીનો હાથ પકડી લીધો.
“તું વચ્ચે ના આવ રાકલા, તેજ એને બહું ફટવી છે.”
રાકેશે એનો હાથ સહેજ મચકોડીને, ધક્કો મારતા કહ્યું, “ હું તારો કાકો થવ, કાકા બોલવાનું સમજ્યો? રાકલોછેને તારા મામાને કેજે.”
આમ લડતા ઝઘડતા સૌ નદીએ પહોંચ્યા. નદીની સુંદરતા જોઈને બધા ખુશ થઈ ગયા. બધા છોકરાઓ નદીમાં નહાવા ગયા.પિન્કી અને રાકેશે માટીમાં ઘર બનાવ્યું ગોળ, ગોળ પથ્થરો વીણ્યા.
આ બધા છે શેઠ શ્રી હિરાભાના વંશજો. પિન્કી અને બંટી બન્ને સગા ભાઈબહેન છે જે એના માબાપ સાથે મુંબઈમાં રહે છે. એ દાદા પાસે ગામડે પહેલી વાર આવ્યા છે. રાકેશ હિરાભાના ચાર ભાઈઓમાંથી સૌથી નાના ભાઈનો એકનો એક મોટી ઉંમરે થયેલો છોકરો છે. એની ને બંટીની ઊંમરમાં ચાર વરસનો તફાવત છે. બંટી નાનો હોવા છતા ઊંચો હોવાથી રાકેશ જેવડોજ લાગે છે એટલે એ એને કાકાની જગાએ મિત્ર જ માને છે. હિરાભાના બાનું એક સદી પુરી કરીને મ્રુત્યુ થયું હતુ. એટલે હિરાભાની ઈચ્છા હતી કે દૂર દૂર નોકરી-ધંધો કરતા બધા ભાઈઓ એમના પરિવાર સાથે ગામડે આવે અને વરસોથી ખાલી પડેલી એમની હવેલી ભલે થોડા દિવસો પુરતી પણ જિવંત થઈ ઉઠે, જેવી એમની યુવાનીમાં હતી! બાર દિવસ સુંધી બધાએ અહિં રોકાવાનુ હતુ. મોટા બધા બા પાછળની વિધીઓમા વ્યસ્ત હતા ને આ છોકરાઓ એમના જેવડા બીજા છોકરાઓ સાથે ગામડાની મજા લઈ રહ્યાં હતા. નિયતિ એમની સાથે શી રમત રમસે એનાથી સાવ અજાણ એમની જ મસ્તીમાં મસ્ત હતા.
રાકેશ અને બંટી બન્ને એક બીજાને ઉતારી પાડવાનો એક પણ મોકો ચૂંકતા ન હતા. રાકેશને મન એમ કે,એ બંટીનો કાકો છે ને, એ માન એને મળવુ જોઈએ. આબાજુ બંટી ભણવામાં ને બીજી ઘણી બાબતોમાં રાકેશ કરતા વધારે ચકોર હતો. એ મુંબઈગરો હતો જ્યારે રાકેશ એક નાના શહેરનો છોકરો, એટલે બંટી રાકેશને બાઘો સમજતો! હાં, અહિં રાકેશ અને પિન્કીને બહુ બનતું. રાકેશ એકલો હતો એને પિન્કીમાં પોતાની નાની બહેન દેખાતી.
“ચાલો, લ્યાં બહાર આવો હવે. રાત થવા આવી, જટ ઘરે જઈએ.” રાકેશે બંટી ને એની સાથેના બીજા બે છોકરાઓને કહ્યું.
“થોડીવાર રાકલા...”
“બંટીડા... તારી તો કેટલીવાર કવ કે કાકા કેવાનુ?” રાકેશે એક નાનકડો પથ્થર એની ઉપર ફેંક્યો. બંટીએ એને કેચ કરી લીધો, બધા છોકરાઓ હસવા લાગ્યા.
રાકેશને ગુસ્સો આવી રહ્યો હતો. એને બંટીને સબક શિખવવો હતો.
“ચાલો હવે અંધારું થવા માંડ્યું. આપણે વડલાવાળા રસ્તેથી ઘેર જવું પડશે. એ વડલા પર એક ભૂતડી રહે છે!”
“શું કિધું? ભૂતડી? અમે બધા શું ગાંડા છીએ તે તારી વાત માની જાશું!”
“ના માનવી હોય તો ના માન, તારી મરજી! પછી કેતો નઈ કે જણાવ્યું ન હતું.”
“સારુ, તમે પિન્કીને આ માછલીઓ દેખાડો અમે ત્યાં સુધી પેલી બાજુ જઈને કપડાં બદલી આવીએ.”
સાત વાગી ગયા હતા. ગામમાંથી નદીએ જવાના બે રસ્તા પડતા. એક બધા ખેતરો વટાવી, નેળીયામાં થઈને અને બીજો જુના મંદિર આગળ થઈને. રાતના સમયે ખેતરો ને નેળીયામાંથી નીકળવું હિતાવહ ન હતુ. મંદિર વાળો રસ્તો આમતો ટુંકો અને સરળ હતો પણ, એક વાત હતી. એ મંદિરથી વીસેક ડગલા આગળ જતા એક ઘેઘુર વડલો આવતો ને લોકો કહેતા કે એના ઉપર ભૂત છે! બધા છોકરાઓ અને પિન્કી ઘરે પાછા આવી રહ્યા હતા, વડલાવાળા રસ્તે થઈને.
“કાકા તમે શું વાત કરતા’તા? ભૂતડીની?”
“આમ રસ્તામાં એવી ભૂત-બુતની વાત ના કરાય, એકાદી પાછળ પડી જશે તો? જલદી હેંડો અવ.”
“સીધે સીધુ કેને તારી ફાટે છે!”
“ આ વાંદરો કદી નઈ સુધરે! તું પોતાની જાતને બવ બહાદૂર માનતો હોય તો હેંડ એ વડલાની નીચે જઈ તન એ ભૂતડીની વાત હંભળાવુ.”
“ચાલો...” બંટીએ ચીસ પાડીને એની ખુશી બતાવી.
બધા વડલાથી થોડેક જ દૂર મંદિરના પગથિયે બેઠા. રાકેશે વાત ચાલુ કરી, “હો, બહો વરહો પેલ્લાની વાત છે. ત્યારે આ ગામ આવું સૂંનું ન હતુ. ગામમાં કેટલીયે વસતી હતી. આપણા વાહમાં જ એક સોડીના લગન હતા. એ સજી ધજીને એના વરરાજાની, જાન આવવાની રાહ જોતીતી. ખાસી વાર થઈ તોયે જાન ના આવી. પસ ગોમના કેટલાક મોણહો…”
“કાકા સરખુ ગુજરાતી બોલો. મને અડધી ખબર નથી પડતી.” બંટી વચમાં બોલ્યો.
“અલ્યા ગુજરાતી નઈ તો હુ, હું ચાઈનીસ બોલુ છું? સારુ ચલ હવે વચ્ચે કોઈ રોકતું નહી.”
રાકેશ ઊભો થયો. બે ડગલા ચાલીને આગળ ગયો ને વડલા તરફ પીંઠ કરીને, બધાની સામે જોતા વાત શરુ કરી. રાકેશ સિવાયના બધાને રાકેશની પાછળ વડલો દેખાતો.
“જાનને આવતા મોડું કેમ થયુ એ જાણવા કેટલાક માણસો સામે ગયા. બરોબર આજ રસ્તેથી એ લોકો ગયેલા. થોડેક આગળ જતા જ એમને લોહીની નદી જોવા મળી! એ સમયે ગામમાં લૂંટારાનો ત્રાસ હતો. એ જાનૈયાય એનોજ શિકાર બની ગયેલા. બધાને મારીને લૂંટારા એમના દાગીના ને કપડાય લઈ ગયેલા. વરરાજાની લાશને બે જણા ઉપાડીને અહિં જ લાવેલા. આ વડલા નીચે જ એક પછી એક લાશો આવતી ગઈ. જ્યાં શરણાઈના સૂર ગુંજવા જોઈતાતા ત્યાં માતમ મચી ગયુ. ચારે બાજુ રડારોળ! જાનમાં નાના-મોટા મળીને ચાલીસેક જણા હતા. એકેય જીવિત ના બચ્યો!”
“આ દુખદ વાત જાણી એ દુલ્હન સાવ જડ જેવી થઈ ગઈ. એના લગ્નની સુંદર લાલ સાડી હવે સફેદ સાદી સાડીમાં પલટાઈ ગઈ. લોકો કહે છે એને લાલ સાડી બહુ પસંદ હતી, એના બદલે એને બળજબરી પૂર્વક સફેદ સાડી પહેરાવી એટલે એ મરી ગઈ ને પ્રેત થઈ અહિંજ ભટકે છે. ઘણા કહેછે, એ એના થનાર પતિને બહુ ચાહતી હતી એટલે એની યાદમાં આ વડલાડાળે એ લટકી ગઈ ને ભૂત થઈ ભટકે છે.”
થોડીવાર અટકીને રાકેશે બધાની સામે જોયુ.બધા એની વાતમાં ખોવાઈ ગયા હતા. રાકેશના મોં પર એક હળવી હાસ્યની લકીર ફરકી ગઈ.
“હજી એનો આત્મા અહિં ભટકે છે. રાતના ઘણા લોકોને એ અહિં બેઠેલી દેખાય છે. કેટલાય કહે છે, એ ગીત સરસ ગાતી હજી રાતના એનુ ગીત સંભળાય છે. જો, ધ્યાનથી સાંભળો, ધીમો ધીમો કંઈક અવાજ આવી રહ્યો છે.” સાચુકલો ત્યાં કંઈક અવાજ આવી રહ્યો હતો, ધીમો પણ, એકદમ સ્પષ્ટ!
“કહીં દીપ જલે કહીં દીલ, જરા દેખલે આકર પરવાને...”
“મને એનુ ગીત સંભળાય છે કાકા.” ડરની મારી પિન્કી દોડીને રાકેશ પાસે જઈ એનો હાથ પકડી બોલી, “મને બીક લાગે છે.”
“ફાટી પડીને બધાની!” રાકેશ હસ્યો, “ગીત આમાંથી વાગે છે, બેટા.” ગજવામાંથી એણે મોબઈલ બહાર નીકાળ્યો. હજી બધા છોકરાઓ ચુપ હતા.
“અલ્યા ડરી ગયા બધા? હું મજાક કરતોતો.” રાકેશ હસી રહ્યો હતો.
“રાકલા તું મજાક કરતો હતો તો આ પાછળ કોણ છે?” બંટીએ ભયભીત થઈને રાકેશની પીઠ પાછળ આંગળી ચિંધી.
“ઈયાઆઅ.....ઓ.......યાઆઅ.....” પિન્કીએ ચીસાચીસ કરી મેલી. રાકેશ આખે આખો કાંપી રહ્યો. એના ડોળા બહાર આવી ગયા. એ બેભાન થઈને ઢળી પડ્યો. પિન્કીની ચીસો હજી ચાલુ જ હતી.
બંટીને એના પીત્રાઈ ભાઈઓ હસી રહ્યા હતા. “આપણને ઉલ્લુ બનાવવા નીકળ્યો હતો! જો, જો એના હાલ હવાલ!”
“એતો ઠીક બંટી પણ હવે આને ઘરે કેવી રીતે લઈ જઈ શું?”
“એક કામ કરીએ, તમે લોકો આ ડરપોક પિન્કુડીને લઈને ઘેર પહુંચો, હું આને હોશમાં લાવીને, એની સાથે આવુ છું.”
પિન્કીને માંડ શાંત કરાવીને ઘેર મોકલી આપી. પછી, બંટીએ રાકેશને મોઢા પર થપાટ મારી ભાનમાં લાવવાનો પ્રયાશ કર્યો, “રાકલા એ રાકલા, ઉઠ એતો મજાક હતો. જ્યારે તું પિન્કી સાથે નદીમાં માછલી જોતો હતો ત્યારે હું અહિં આવીને વડવાઈ પર એ સફેદ સાડી એવી રીતે લટકાવી ગયેલો જાણે કોઈ બાઈ હવામા લટકતી હોય.”
રાકેશ ધીરે ધીરે ભાનમાં આવી રહ્યો હતો. “મને ખબર હતી કે તું ભૂતની ખોટી વાત કરીને મને ડરાવીશ, એટલે મેં પહેલા જ આ સાડી અહિં લટકાવી હતી. તું તો ખરે ખરો ડરપોક નીકળ્યો! હવે બોલ ડરપોક કોણ?”
રાકેશ હવે ઠીક હતો. એના મોં ઉપરથી લોહી ઉડી ગયેલું. એ ઊભો થયો ને કંઈ પણ બોલ્યા વગર ઘર તરફ ચાલવા લાગયો.
“અલ્યા મારે માટે ઊભો તો રે!” બંટી ખડખડાટ હસી રહ્યો હતો. એણે વડ તરફ જોયુ. ઊપરથી છેક નીચે, જમીનથી બે ફૂટ અધ્ધર રહે એવી થોડી વડવાઈ ભેગી કરી એણે એની ઉપર સફેદ સાડી ગોળ લપેટી, લાંબો છેડો થોડોક ઉપરની વડવાઈમાં એવી રીતે ખોસેલો કે જાણે કોઈ સ્ત્રીનો પાલવ લટકતો હોય. અંધારામાં એ ખરેખર વડ પર લટકતી ભૂતડી જેવુંજ દેખાતું હતુ. એ મનોમન પોતાના પર ખુશ થયો. આજે એણે રાકલાને બરોબરનો પાઠ ભણાવ્યો હતો.
એ સાડી એની મમ્મીની હતી. સવારે ઘરની બધી સ્ત્રીઓ નદીએ સ્નાન કરવા આવેલી, ત્યારે એણે એ ભીની સાડી એક ઝાડની ડાળીએ બાંધી સુકવી હતી, જે બંટીને પછીથી લઈ આવવા કહેલું.
બંટી એ સાડીને ફાટે નહિં એમ જાળવીને વડવાઈમાંથી બહાર કાઢી રહ્યો હતો. અંધારું હવે ચારે બાજુ ઉતરી આવેલું. આંખથી થોડે દૂરનું કંઈ દેખાતું ન હતું. ચારે બાજુ નિરવ શાંતિ હતી.
“મને લાલ રંગની સાડી ગમે છે,સફેદ નહિં.”
તીણો, પાતળો પણ સૂરીલો અવાજ અચાનક બંટીને કાને પડ્યો. એના રુંવાડા ઊભા થઈ ગયા. અવાજ ઉપરની બાજુએથી આવતો હતો. એણે સહેજ નજર ઊંચે ઉઠાવી. એની આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ.
જે ડાળી પરથી એ સાડી લઈ રહ્યો હતો એજ ડાળી પર, ઉપર એક ભૂતડી લટકી રહી હતી. એ એની સાથે વાત કરી રહી હતી, હવામાં ઉડતા ઉડતા!
“હાલ તો જવા દઉં છું પણ કાલે પાછો આવજે લાલ રંગની સાડી લઈને.” એક ખતરનાક અટ્ટહાસ્ય કરીને એ ગાયબ થઈ ગઈ.
