રામાપીરનો ઘોડો ભાગ - ૧
રામાપીરનો ઘોડો ભાગ - ૧
જયાબેન આહીરની ગાડી આજે ભુજના રોડ પર એકદમ ધીમી ગતીએ જઈ રહી હતી. ડ્રાઈવરને ખાસ સુચના અપાઈ હતી, રોડ પર ગાડીને ધીરેથી લેવાની. રોડની એક બાજુએ આલીશાન, હવેલી જેવા બંગલાઓ વરસોથી ઊભા હતા. થોડી સમયની ધુળ એમના પર જરુર ચડી હતી પણ હજી એમની ભવ્યતા એવીને એવીજ હતી! જયાબેનની નજર કશુંક શોધી રહી હતી.
"ઊભી રાખજો.” અચાનક જયાબેને બૂમ પાડી, ડ્રાઈવરે તરત જ બ્રેક પર પગ દબાવ્યો. “થોડી પાછી લો. બસ, બસ અહિં ઊભી રાખો.”
એક બંગલા આગળ આવીને ગાડી ઊભી રહી. જયાબેન નીચે ઉતરીને બંગલાને એકીટસે જોઈ રહ્યા. બેઠાઘાટનો બે માળનો બંગલો હતો. બંગલાની ઈમારતની વચોવચ, બીજા માળે, મોટી ગોળ આકારની બારી હતી. એ મોટા બાકોરાને આરપાર દેખી શકાય એવા કાચથી બંધ કરેલું હતું. એ કાચની આરપાર અહિંથી હાલ કંઈ દેખાતું ન હતું.
એ કાચની બારીની પેલે પાર કશુંક હતું જે જયાબેનને છેક વાપીથી અહિં સુધી ખેંચી લાવેલું. શું હતું એ? જયાબેન એમનો ભુતકાળ યાદ કરી રહ્યાં... એ દિવસ જ્યારે એમણે પહેલીવાર આ બંગલાને જોયેલો. એ દિવસને તેઓ અત્યારે ફરી નિહાળી રહ્યાં હતાં. ભુતકાળના ચશ્માં વર્તમાનની આંખે પહેરીને!
નાનકડી લાલી ક્યાંરનીયે ચુપ હતી. બસની બહારની દુનિયા જોવામાં એ વ્યસ્ત હતી. બારી બહાર સરી જતા દ્રશ્યો એને માટે અજાણ્યા હતા. એ આજે પહેલીવાર આ અજાણ્યા શહેરમાં પ્રવેશતી હતી. અહિં એના પપ્પાને નોકરી મળી ગઈ હતી. એ, એના પરિવારની સાથે હવે હંમેશને માટે અહિંજ વસવા આવી ગયેલી. નાના ગામમાંથી આવતી લાલીને મન બસની બહારનું શહેર સપના સમાન હતું.
“પપ્પા આ જુઓ. આ સામે, પેલું ઘર. કેટલું સરસ છેને!” બસ આગળ ટ્રાફીક હોવાથી થોડી ધીમી પડી હતી ત્યારે, લાલીને રોડ ઉપર આવેલું એક ઘર ગમી ગયેલું. “એ પેલી ગોળ કાચની બારી દેખી પપ્પા, ત્યાં શું છે? કંઈક લાલ લાલ પુતળા જેવું.” લાલી આંગળી ચીંધી રહી.
“આ બારીની અંદર છે, એ? એ તો ઘોડો છે, કઠપુતળીનો ઘોડો.”
“હાં, યાદ આવ્યુ! એ તો રામાપીરનો ઘોડો છે, હેંને પપ્પા?”
“રામાપીરનો ઘોડો?”
“હાં... અમે લોકો ગઈ સાલ પિકનિકમાં ગયેલાને, અમારા ટિચર સાથે. રણુંજા. ત્યાં, મેં જોયેલો. હાં, એજ! બાબા રામદેવનો ઘોડો અસ્સલ આવોજ હતો.”
બસ ત્યાંથી આગળ નીકળી ગઈ. ઘર નજર આગળથી દેખાતું બંધ થયું પણ, નજરમાં રહી ગયું!
“પપ્પા, આપણેય છેને એવીજ કાચની, ગોળ બારી ચણાવશું આપણા ઘરમાં ને એવોજ રામાપીરનો ઘોડો પણ મૂકશું, આપણા ઘરમાં હોને?”
“ભલે હોં બેટા! એવુંજ કરાવીશું.” દીકરીને માંઠુ ન લાગે એટલે પપ્પાએ કહી દીધેલું.
“એને ઘર નઈ બંગલો કેવાય બંગલો! તારા બાપાની જિંદગીભરની કમાણી ભેગી કરેને, તોય એના જેવો આપણાથી નોં બનાવાય.” બાપ-બેટીના સંવાદ ક્યાંરનીયે સાંભળી રહેલી, લાલીની મમ્મી બોલી હતી.
“કેમ ના બનાવાય આપણાથી? આપણે બનાવશુંને પપ્પા?” લાલીએ વિશ્વાસ ભરેલી નજરે પપ્પાની સામે જોયેલું. દીકરીનાએ વિશ્વાસને તોડવાની હિંમત કયો બાપ કરી શકે?
“હાં, બેટા એક દિવસ એવોજ બંગલો આપણે પણ બનાવશુ.”
“પાક્કુંને?”
“પાક્કું!”
લાલીએ વિજયી સ્મિત સાથે એની મમ્મી તરફ જોયેલુ. મમ્મી ઉપેક્ષા ભરી એક નજર પતિ તરફ ફેંકતા બબડી હતી, “ધોળા દાડાના સપના!”
“બેન, અંદર જવાનુ છે?”
ડ્રાઈવરનો અવાજ સાંભળી લાલી એટલેકે આજના જયાબેન ભુતકાળના ચશ્મા ઉતારી વર્તમાનમાં પાછા આવ્યાં.
“હેં? હા. તું તપાસ કર અંદર કોણ છે.”
ડ્રાઈવર એ મકાનની અંદર ગયો ને જયાબેન પાછાં લાલી બની ગયા, ભુતકાળમાં ખોવાઈ ગયાં!
લાલીનાં પપ્પાને ભુજમાં પટાવાળી નોકરી મળી હતી. સરકારી નોકરી એમને મન સ્વર્ગ સમાન હતી. પગાર ટૂંકો હતો પણ, ત્રણ જણાં માટે પૂરતો હતો. એને રહેવા માટે એક રૂમ પણ મળી હતી. લાલીને સરકારી નિશાળમાં દાખલ કરેલી. એના મગજમાં પેલો ઘોડોને ઘર બરોબર છપાઈ ગયા હતા. ક્યારેક ક્યારેકએ એનાં પપ્પાને એ વિષે યાદ પણ અપાવતી. પપ્પા હંમેશાં એકજ વાત કહેતા, “હાં, બેટા એક દિવસ એવોજ બંગલો આપણે પણ બનાવશુ.”
લાલી ભણવામાં, રમતગમતમાં અને એ સિવાયની બીજી બધી પ્રવૃત્તિમાં અવ્વલ આવતી. દસમાં ધોરણમાં એ સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી ત્યારે સૌએ કહેલું, આને સારી ખાનગી નિશાળમાં દાખલ કરાવી દો, દાકતર બનશે છોડી જોજોને!
દીકરીના ઉજ્જવળ ભવિષ્યના સપના જોતો બાપ લોકોની વાતોમાં આવી ગયો. એને જોઈતી તમામ વાંચન સામગ્રી એનાં પપ્પા લાવી આપતા. સારી નિશાળમાં દાખલો પણ લઈ લીધો. છોકરીઓને ત્યાં આઠમા ધોરણ પછી ફી માફી મળતી એટલે એને બહુ વાંધો ન આવ્યો.
અહિં, એક વાત રોજ બેવાર બનતી. એ જ્યારે નિશાળે જવા-આવવા બસમાં બેસતી ત્યારે એ રોજ પેલા, ગોળ બારી અને ઘોડાવાળા બંગલા આગળથી પસાર થતી. એકવાર એણે અમસ્તુ જ પપ્પાને એ ઘર યાદ કરાવેલું. એને એમ કે એ હવે મોટી થઈ ગઈ એટલે પપ્પા એને સમજાવીને ના કહી દેશે.
“પપ્પા પેલું રામદેવપીરના ઘોડા વાળુ ઘર...”
“હાં, બેટા એક દિવસ એવોજ બંગલો આપણે પણ બનાવશું.” પપ્પાએતો હંમેશની ટેવ મુજબ કહી દીધું.
“સાચેજ પપ્પા, એવું થઈ શકે?”
બે વિશ્વાસ ભરી, ભોળી હરણી જેવી આંખોને બાપ 'ના' ન કહી શક્યો.
“હાં બેટા જરુર થઈ શકે. આપણે પ્રયત્ન કરવાનું નહિં છોડવાનું. જોને ક્યાં ગીરના જંગલોમાં ઢોર ચરાવતી આપણા કૂટુંબની બીજી છોકરીઓ ને ક્યાં તું. બધા કે'છે એક દિવસ તું મોટી દાક્તર બનીશ. હું પણ આપણાં ગામના ઢોર-જમીન બધું વેચી દઈશ પણ તારું સપનું જરુર પૂરું કરીશ.”
“લે કંઈ ભાન-બાન છે કે ગાંડા થઈ ગયા છો?” બાપ બેટીની હવાઈ કિલ્લા જેવી વાતો સાંભળીને લાલીની મમ્મી અકળાઈ જતી. લાલી મમ્મીના ગુસ્સાથી બચવા આગીપાછી થઈ જતી.
“હાથે કરીને તમે એનાં વેરી થઈ રહ્યા છો, યાદ રાખજો! એતો નાદાન છે પણ તમારુંયે નહિં ચાલતું.”
“એનું દિલ તોડવા તો આખી દુનિયા બેઠી છે પણ મારાથી એ નહિં થાય”. લાલીના પપ્પા એમની વ્યથા પત્ની આગળ ઠલવતા, “એક બાપ થઈને એનો મારા પરનો વિશ્વાસ હું કેવી રીતે તોડું? તે ક્યારેય એની આંખો જોઈ છે? કેટકેટલા સપના ભરેલા છે એમાં. એને કેવી રીતે કહી દવ કે, એ બધા સપના જુઠા છે! એને જોવાનું બંધ કરીદે! એના નસીબમાં નિયતિએ શું નિર્ધારીત કર્યુ છે, એ મને ખબર નથી, કોઈને ખબર નથી, તો પછી એની ચિંતા કરીને છોકરીની આજને શું કરવા દુખી કરું. ભલે એનો બાપ ગરીબ હોય પણ, મારા માટે મારી દીકરી કોઈ રાજકુમારીથી કમ નથી. ગમે તે થાય હું એને પ્રયત્ન કરતા હરગીજ નહિં રોકું. આગળ જે થવાનું હશે એ થસે.”
એક બાપની લાગણી આગળ મમ્મી જતું કરતી પણ, શું નિયતિ જતું કરશે?
(ક્રમશઃ)
