તમે માનસો?
તમે માનસો?
શાલીનીએ મારી સામે જોયું છતાં ન જોયું હોય એમ નજર ફેરવિ લીધી. મને થોડી નવાઈ લાગી. છતાં મેં બહુ ધ્યાન ન આપ્યું. એ મારી બાળપણની સહેલી હતી. થોડી વાર રહીને હું જાતેજ એની પાસે પહોંચી.
“અરે! યાર, આમ દૂર કેમ ભાગે છે? જાણે મને ઓળખતીજ ન હોય?” એક ખુણા પરની ખુરશીમાં એને એકલી બેઠેલી જોઈને મેં પૂછ્યું.
“હેં? ના ના એવુ કંઈ નથી. મારું ધ્યાન ન હતું.” સાડીના પાલવને ખભા પર સરખો કરતા, સંકોચાઈને એ બોલેલી.
“અરે મેડમ તમે?” રવિએ મને શાલુની બાજુમાં બેઠેલી જોતાં જ અમારી પાસે આવીને કહ્યું. એ મારી ઓફિસમાં જુનીયર એન્જિનિઅર હતો.
“આ મારી વાઈફ છે, અનફોર્ચ્યુનેટલી!” ખોટી સ્માઈલ સાથે એણે શાલુ તરફ આંખનો કઈંક ઈશારો કર્યો.
“હું આવી, એક મિનિટ.” શાલુ ઊભી થવા જતી હતી મેં એનો હાથ પકડીને રોકી લીધી, “બેસને યાર! ક્યાંય જવું નથી.”
“જવાદો એને મેડમ! એ સાવ બોરિંગ છે તમારોય મુડ ખરાબ કરી મૂકશે. હું તો એને સમજાવી સમજાવીને થાક્યો! આટલા બધા લોકો છે અહિં તોય એને તો એક ખુણામાંજ લપાઈને બેસી રહેવાનું! આ એની સાડી જ જુઓને આવી સોનેરી મોટી બોર્ડેર વાળી સાડી હવે કોણ પહેરે છે?” હું એની વાત ધ્યાનથી સાંભળી રહી છું એ જોઈને બંદા ફુલ ફોર્મમાં આવી ગયા.
“તમે માનસો? હું જાતે એને પાર્લરમાં લઈને ગયેલો, મને એમ કે હેઅર-સ્ટાઈલ સરસ હોય, તો એ જરી ઠીક દેખાય એટલે. તમે માનસો? ત્યાં જઈને એવો ભવાડો કર્યો, રોવા માંડી! કહે, મારા વાળ નહિં કપાવુ! બોલો, તમે માનસો? મારી આબરુના કાંકરા કરી મેલ્યા.”
“આ હું એના વખાણ કરું છું? તે મેડમ ઊભા ઊભા સાંભળે છે. આનામાં કદી અક્કલ નહીં આવે!” શાલુને ચુપ બેઠેલી જોતા એણે એને ઓર્ડેર કર્યો, “આમ બેઠી શું રહી છે ફુવડની જેમ? જા મેડમ માટે જ્યુસ લઈ આવ.”
“હા, હું જ્યુસ લઈ આવું.” આંખોમાં ભરાઈ આવેલા પાણીને બહુ સિફતથી કાજલ ઠીક કરવાને બહાને લૂછીને એ ઊભી થવા જતી હતી કે મેં એનો હાથ પકડીને એને પાછી બેસાડી.
“તમે પણ બેસો રવિજી, તમે માનસો? તમને સાંભળીને મને પણ બે શબ્દો બોલવાની ઈચ્છા થઈ આવી.”
“ચોક્કસ બોલો, બોલો!” એ મારી બાજુમાં એક ખાલી ખુર્શી ખેંચી લાવીને બેસી ગયો.
“હા, તો રવિજી આ જે તમારી બાપડી, બિચારી પત્ની છેને એ તમે માનસો? મારી બાળણની સખી છે! ને એનાં જેટલી જબરી છોકરી અમારા ગ્રૂપમાં બીજી એકેય નહોતી. તમે માનસો? આ ડરપોક સ્ત્રીને હું નથી ઓળખતી જે ક્યારનીયે તમારી બક બક આટલી શાંતિથી સાંભળી રહી છે! જો એ મારી શાલુ હોતને તો તમને બરોબરનો જવાબ મળી ગયો હોત! તમે માનસો? એની આવી હાલતના જવાબદાર તમે છો! તમને તમારી પત્ની કરતા મારી સાડી સારી લાગીને? હાં કેમ કે એ સારી જ છે! પચ્ચીસ હજારની આ સાડી આજે આ પાર્ટીમાંટેજ મેં ખાસ ખરીદેલી. શું તમે શાલુને આટલી મોંઘી સાડી, એક સાંજ માટે અપાવી સકશો? ના! તમારો અડધો પગાર એમા જતો રહેશે! તમે માનસો? શાલુ જેટલા લાંબા, સુંવાળા વાળ મારા માટે એક સ્વપ્ન સમાન છે, એ નથી એટલેજ આ શહેરના સારામાં સારા હેઅર-સ્ટાઈલિસ્ટ પાસે જઈને મારે એને સેટ કરાવવા પડે છે. હજારો રુપીયા ખર્ચીને!”
“બસ કર યાર!” શાલુએ મારો હાથ દબાવી મને રોકવાનો પ્રયાસ કર્યો.
“આ, જે મને રોકી રહી છેને એ એજ સ્ત્રી છે જેની તમે હમણાં બેઈજતી કરી રહ્યા હતા. કોઈ સ્ત્રીને સસ્તી સાડી પહેરવાનું પસંદ નથી હોતું. સસ્તા પાર્લરમાં જઈને જરૂર જેટલીજ ટ્રીટમેંટ લેવાનુ એનું મન નથી કહેતું હોતું.
બસના ધક્કા ખાતી કે શાકભાજીવાળા પાસે એક-બે રૂપિયા માટે કચકચ કરતી સ્ત્રીને એ બધુ કમને કરવું પડે છે જેથી એ એનું ઘર ચલાવી શકે! તમે માનસો? તમારી પત્ની તમને ફુવડ લાગતી હોય તો એના માટેનું સૌથી મોટું ને જવાબદાર કારણ તમે પોતેજ છો! તમે તમારી પત્નીને એ સાહુલિયત નથી આપી શકતા. એને ખિલવાનો, બોલવાનો મોકો નથી આપતા, એને એ હદે દબાવીને રાખો છો કે એ બિચારી એનું સ્વતંત્ર અસ્તિત્વજ ભુલી જાય. છેલ્લી વાર, તમે માનસો? એનું જિવતું જાગતુ ઉદાહરણ તમારી પત્ની છે.”
હું ઊભી થઈને ત્યાંથી જતી રહી. પાર્કિંગમાં મારી ગાડીનો દરવાજો ખોલી રહી હતી કે પાછળથી મને કોઈ બોલાવતું હોય એમ લાગયું.
એ શાલુ હતી. એનો ચહેરો હસી રહ્યો હતો.
“લડકી હૈ એક નામ રજની હૈ! રજની ,રજની, રજની! રજનીકી એક હી કહાની હૈ !” શાલુ ગાઈ રહી હતી.
“નાનપણમાં હું રોજ આ ગીત ગાઈને તને ચીડવતી તને યાદ છે, રજની? રજની ટીવી સીરીઅલ?”
“મનેતો બધું યાદ છે તુંજ ભુલી ગયેલી, હવે બરોબર યાદ આવી ગયું કે એક ડોઝ તનેય આપવો પડશે?”
“યાદ આવી ગયું, બધુંજ. તમે માનસો?” બન્ને સખીઓ હસી પડી, ખડખડાટ્!
