STORYMIRROR

Niyati Kapadia

Others

3  

Niyati Kapadia

Others

ઘંટડી વાગી....

ઘંટડી વાગી....

6 mins
15.8K


ટીવીમાં દિલ તો પાગલ હૈ ફિલ્મ ચાલી રહી હતી. માધુરી શહરુખને કહી રહી હતી,“ઉપરવાલેને હમ સબ કો જોડીઓમેં બનાયા હૈ! કહીં ના કહીં વો જરુર હોગા જો બસ, આપકે લિયે બના હૈ, વહ આપકો કહીં ના કહીં જરુર મીલેગા. ઊપરવાલા બસ એક ઈશારા કરેગા ઔર આપકા દિલ સમજ જાયેગા.”

“અનેરી...શું આખો દિવસ પિચ્ચરો જોયા કરે છે, દિકરા? એ જે કે છેને એવુ કંઈ થતું નથી. તું જે પૂછવું હોય તે મને પુછ.”

“મમ્મી... તે લગ્ન પહેલા, જ્યારે પપ્પાને પહેલી વાર જોયા ત્યારે તને કંઈ થયેલુ? મતલબ કે, દિલમાં અચાનક કોઈ ઘંટડી વાગી હોય! કે, અચાનક મનમાં કોઇ ગીત વાગવા માંડ્યુ હોય! ”  

“શું ગાંડા જેવી વાતો કરે છે, દીકરા! એવુ બધું આ તારી ફિલમમાં બતાવે સાચુકલું કઈ ના હોય.”

“તો તને કેવી રીતે ખબર પડીકે, પપ્પા જ એ માણસ છે જેની સાથે તું તારી આખી જિંદગી..”

“જો તું આ માધુરીના ડાયલોગ મારવાનુ બંધ કર, દીકરા!” માલતીબેને એને વચમાંજ અટકાવી,“તારા મનમાં  તે, તારા ભાવી પતિ વિશે કંઈ વિચારી રાખ્યું હોય તો કહે, દિકરા! અમે એવું પાત્ર શોધીએ.”

“કંઈ ખાસ નથી વિચાર્યુ પણ એને જોઈને જ મનમાં ઘંટડી વાગે! કે પછી..”

“બસ કર દિકરા! એમ કોઈ દી દિલમાંથી ઘંટડી ના સંભળાય. એક બીજાની સાથે રહેતા, વખત જતા જતા એતો પ્રેમ-બ્રેમ બધું થઈ જાય. હું ને તારા પપ્પા જ જોઈલે ને.”

અનેરી એના નામ પ્રમાણે જ અનેરી હતી. રૂપાળી એવી કે કેટરીના કૈફ પણ એની આગળ સુગંધ વગરનુ ફુલ લાગે! (એક નવી ઉપમા! હાલ જ મારા ફળદ્રુપ ભેજામાંથી ઉપજી) દરેક વાતે અવ્વલ એવી અનેરીને ફિલ્મ જોવાનો ગજબનો શોખ હતો. એ એની જિંદગીની હિરોઈન હતી અને એના  હીરોની રાહ જોતી હતી. સ્કૂલ, કોલેજ પુરી થઈ ગઈ પણ એવો કોઈ ના મળ્યો જેને ભગવાને  એના માટેજ મોકલ્યો હોય.  કેટલાયે છોકરાઓ એને જોવા આવ્યા ને હતાશ થઈને ગયા, ઘંટડી ના વાગી! અનેરીને કોઈનામાં કંઈક ખાસ ના દેખાયું, એવું  ખાસ  જે શું છે? કે, શું હોવુ જોઇએ? એની એને પોતાને પણ ખબર નહતી.

આખરે એના માબાપને એની ચિંતા થવા લાગી. લાડકી એટલી હતી કે એને કશુ કહી શકતા ન હતા, પણ એ ખોટા માર્ગે જઈ રહી છે એવું એમને હવે લાગતું હતું.

અનેરીની ખાસ સખી કવિતા એના માટે એક વાત લાવી હતી. કવિતાના લગ્નમાં ગયેલી, અનેરીને જોતાં જ એના પિતરાઈ ભાઈના મનમા એ વસી ગયેલી. કવિતાનો ભાઈ, દેવ બધી રીતે અનેરીને લાયક હતો. બધાને દેવ અને અનેરીની જોડી રામ સીતાની જોડી જેવી લાગી.

અનેરીને ના પાડવાનું કોઈ કારણ જ ના હતું. મમ્મી પપ્પાને ખુશ કરવા એણે દેવને હા તો કહી હતી પણ, ઘંટડી!!

આજે ૧૪મી ફેબ્રુઆરીની સાંજ હતી દેવ અનેરીની સાથે પહેલી વખત એકલો બહાર ફરવા આવ્યો હતો.  

“તમારા શહેરમાં હું અજાણ્યો છું તમે કહો, ત્યાં ગાડી લઈ લવ.” દેવે વાત શરુ કરી.

“આ તરફ આગળ મંદિર આવે છે ત્યાં લઈલે, લઈલો.”

“મંદિરમાં?”

“હા!”

“ઠીક છે,” દેવે એક નજર ભરીને અનેરીને જોતા કહ્યું,“આપણા જીવનની આ પહેલી મુલાકાત ભગવાનની સાક્ષીએ!”

અનેરી ચુપચાપ બેસી રહી. દેવની સામે એકવાર જોયું પણ નહિં! દેવને થયું કે એ શરમાતી હશે કદાચ!" "દર્શન કરીને પછી કોઈક રેસ્તોરામાં જઈએ, પિઝ્ઝા ભાવે?” “ગુજરાતી થાળી? એ  તો ફાવસેને?” દેવે સહેજ હસીને કહ્યું.  

“રોજ ઘેર એ જ તો લઈએ છીયે!” અનેરી થોડુંક ઊંચા અવાજે બોલી.

“જો હવે આઈસક્રીમની ના, ના કહેતા.” મંદિર આવી જતાં અનેરીને નીચે ઉતારી દેવ ગાડી પાર્ક કરવા ગયો.

દેવ પાછો આવ્યો ત્યારે, અનેરી મંદિરની સીડીઓ ચડીને, ઉપર ગર્ભગ્રુહમાં પહોંચી ગઈ હતી. દેવને હતું કે, એ અનેરીનો હાથ પકડીને, એની સાથે સાથે ઉપર જશે!

ઉપર જતાં જ દેવે અનેરીને ભગવાન આગળ બે હાથ જોડી, આંખો મિંચીને, ભગવાનની પૂજામાં મગ્ન જોઈ. એ જોતો જ રહ્યો.

કેસરીયા કલરની સિલ્કની કુર્તીની ઉપર ઘાટા વાદળી રંગનો દુપટ્ટો. એક ખભા ઉપર પાટલીઓ વાળીને કદાચ, પિન મારીને સરકે નહિં તેમ ગોઠવેલો, તો બીજા ખભા પરનો છેડો છૂટ્ટો, આખો હાથ ઢાંકી દે તેવી રીતે લહેરાતો હતો. પાતળા દુપટ્ટામાંથી દેખાતા, એની છાતી સાથે તાલ મેળવી, લય બધ્ધ ઉપર નીચે થઈ રહેલા એની કુર્તીના બે હીરાના શો-બટન ચમકી રહ્યા હતા. દેવની નજર એ બટન પર હતી, એ જ વખતે અનેરીની દેવ પર!

અચાનક દેવનું ધ્યાન એ તરફ જતા, એ છોભીલો પડી ગયો,“આ બટન હીરાના છે?” કંઈના સુજતા એણે એમ જ પુછી લીધું.

“હીરો તો છે પણ, નકલી!” અનેરીએ એની નજરને બરોબર દેવની સામે ટકટકાવીને રુક્ષ સ્વરે કહ્યું.

અત્યાર સુધી અનેરીની એક નજર માટે તરસતો દેવ એની આ નજરથી અકળાઈ ગયો. એ માથું નમાવી, ભગવાનની સામે ફર્યો. મનમાં ને મનમાં  પોતાને આવો વાહિયાત સવાલ પૂછવા બદલ ગાળો આપતો રહ્યો.

અનેરી જાણે દેવથી પીછો છોડાવવા માંગતી હોય એમ ફટોફટ મંદિરના પગથીયા ઉતરી, જલદી કોઈની નજરે ના ચડે એવી, એક ખુણાની બેંચ પર જઈ બેસી ગઈ. એને તો બસ કોઈક બહાનું  જોઈતુ હતું દેવને ના પાડવાનું, મળી ગયુ. એની નજર સારી નથી!

દેવને આવતા થોડી વાર થઈ. અનેરીને પોતાની જાત સાથે વાત કરવાનો સમય મળ્યો.

શું વિચારે છે અનેરી? એનુ મન બોલ્યું. આમ ક્યાં સુંધી ચાલશે? એની આંખો બંધ થઈ. એના મનમાં બેઠેલા ઈશ્વરને એ વિનવી રહી હતી. કોઈ તો ઇશારો કર મારા વહાલા! મને કેવી રીતે ખબર પડશે કે, કોને તે મારા માટે બનાવ્યો છે?

આ બાજું દેવને એમ કે અનેરી પ્રદક્ષિણા કરવા ગઈ હશે એટલે એ  મંદિરના પાછળના ભાગ સુંધી જોઈ આવ્યો. અનેરી ના દેખાતા એ સીડીના પહેલા પગથીયા પર ઊભો રહીને નીચે જોઈ રહ્યો હતો. ત્યાંજ એને પાછળથી એક માજીનો જરીક હાથ અડી ગયો, એ લથડ્યો, બે પગથિયા સામટા, નીચે ઊતરી ગયો, એની સામેથી બરોબર એ જ વખતે એક માજી પાણી ભરેલો લોટો શિવજી પર અભિષેક કરવા ઉપર લઈને જતાં હતાં. એ લોટો વાંકા વળેલા દેવને માથે રેડાઈ ગયો. દેવના બધા વાળ, એનો કોટ ભીનો થઈ ગયા. ઠંડુ પાણી માથા પર પડતા એને સામટી બે-ત્રણ છીંકો આવી ગઈ. ભીનો કોટ કાઢીને એણે હાથની ખુણી પર લટકાવ્યો. ભીના વાળ પરથી પાણી ઝાટકવા એણે માથું બન્ને બાજુ ફટોફટ ચારથી પાંચ વાર વિંઝ્યુ.

અનેરી નીચે બેઠી બેઠી આ બધો તમાશો જોઈ રહી હતી. એની નજર ફક્ત દેવ પર હતી. સીડીઓની વચ્ચોવચ્ચ ઉભેલો દેવ એનુ માથું ઝડપથી બે બાજુ ફેરવી રહ્યો હતો, એના વાળ પણ એની સાથે બન્ને બાજુ જુમી રહ્યા હતા, વાળમાંથી જીણા જીણા પાણીના ફોરા ઉડતા હતા. દેવના માથાની સહેજ જ ઉપરની તરફ સૂરજ તપી રહ્યો હતો. એના વાળમાંથી ઉડતા પાણીના ફોરામાંથી પસાર થતા સૂર્યના કિરણો એક અનેરી આભા એના માથાની ચારે તરફ રચી રહ્યા હતા. કોટને હાથમાં પકડી ગોળ ગોળ ગુમાવતો દેવ, કુદતો કુદતો પગથિયા ઉતરી રહ્યો હતો. સૂરજ એના માથાની બરોબર પાછળ હતો. આ બધુ સાથે મળીને અનેરીને કંઈક ઈશારો કરી રહ્યા હતા.

અચાનક અનેરીને થયું જાણે એનું  દિલ થોડુંક વધારે ઝડપથી ધડકી રહ્યુ છે. એના કાનમાં ક્યાંક દૂર દૂર વાગતું એક ગીત સ્પષ્ટ સંભળાઈ રહ્યુ હતું,

“જાણે અત્તર ઢોળાયું રુમાલમાં,

હું તો લથબથ ભિંજાણી તારા વ્હાલમાં....”

“ઓહ, તમે અહીં છો. હું તો પલળી ગયો.” દેવે ગજવામાંથી રુમાલ કાઢીને ચહેરો લૂંછતા કહ્યું.

“અહિં બેસો!” અનેરીએ ઉભા થઈને  દેવ માટે જગા કરી. દેવ કંઈ વિચારે એ પહેલા, એનો હાથ પકડીને અનેરીએ એને બેસાડી દીધો. એના પર્સમાંથી રુમાલ કાઢીને દેવનો ચહેરો લુછવામાં મદદ કરી.

“ચાલો, હવે રેસ્તોરામાં જઈને પહેલા પિઝ્ઝા ખાઈશું, પછી ચાઇનીઝ નૂડલ્સ અને છેલ્લે રોડ પર સાથે ચાલતાં ચાલતાં ચોપાટી કુલ્ફી.” અનેરી એકસાથે આટલું બોલી ગઈ.

દેવ અનેરીને જોઈ જ રહ્યો. એની સાથે હમણાં, ઉપર જે હતી, તે આ છોકરી નથી. આતો એ છે, જેને એ પહેલી જ નજરે એનું દિલ દઈ બેઠેલો!

“આમ શું જોઈ રહ્યા છો?”  પ્રેમથી  ભરેલી બે નજર પુછી રહી.

“ગુજરાતી થાળી રહી ગઈ.”

“રહી નથી ગઈ, રહેવા દીધી છે. એતો મારા હાથે જ બનાવીને ખવડાવીશ.”

અનેરીનો ફોન રણક્યો, એની મમ્મીનો હતો. પહેલી વાર એમણે, એમની લાડકીને કોઈ અજાણ્યા સાથે બહાર મોકલી હતી. એટલે, એ થોડા ચિંતિત હતા પણ, અનેરીના એક જ વાક્યએ એમને ચિંતામુક્ત કરી દીધા.

“ઘંટડી વાગી..!”

 

 


Rate this content
Log in