STORYMIRROR

Niyati Kapadia

Inspirational

2  

Niyati Kapadia

Inspirational

રામાપીરનો ઘોડો (ભાગ ૨)

રામાપીરનો ઘોડો (ભાગ ૨)

5 mins
14.8K


જયા બારમાં ધોરણમાં હતી ત્યારે ગામડેથી એના દાદાનો પત્ર આવેલો. જયાના કાકાની છોકરીના લગ્ન હતા. બધા ગામડે ગયેલા.

ગીરના જંગલની બાજુમાજ એમનું નાનકડું ગામ હતુ. છૂટા છવાયા વીસેક કાચા, માટીના બનેલા ઘર હતા. દરેક ઘરે મોટા મોટા વાડા હતા જેમા એમના પશુઓ રહેતા. જયા વરસો બાદ પાછી ફરી હતી. એને જોવા, મળવા માટે આખો આહિર પરીવાર ભેગો થયો હતો. નાનકડા ગામમાં વસતા લોકો માટે અત્યારે જયા મોટા શહેરમાંથી આવનાર, શહેરમાં એમનું નામ ઉજાળનાર છોકરી હતી! બધા લોકો એને મળવા આતુર હતા. આખરે એ આતુરતાનો અંત આવ્યો.

નીચે સફેદ રંગનું પટિયાલા અને ઉપર ઢીંચણથી એક વેંત જેટલું અધ્ધર જુલતુ રહે એવું ટામેટા જેવા લાલ રંગનુ ટોપ પહેરેલ જયાના એક હાથમા નાનકડો થેલો અને બીજા હાથમાં સફેદ દુપટ્ટાનો છેડો હતો. રજવાડી ભરત ભરેલી, લાલ રંગની મોજડીના ધીમા ટપકાર સાથે એની બહુ બધી ઘુઘરીઓવાળી ઝાંઝરી છમ છમ કરતી તાલ મીલાવતી હતી. બધાનું
ધ્યાન એકી સાથે એ સુમધુર સંગીત તરફ ગયુ. બધી નજરોએ પહેલા મોજડી જોયી પછી ધીરે ધીરે નજરો ઉપર ઉઠી. સફેદ સલવાર, લાલ ટોપ ને ને....!

રાતી રાયણ જેવુ જયાનું મુખ, હાલ જાણે પાન ખાયુ હોય એવા લાલચટક હોઠ, એમાથી દેખાતી શ્વેત દંતાવલી, સ્મિતથી ભર્યો ભર્યો સુંદર ચહેરો....સામેથી જાણે કોઇ મોટા રજવાડાની મહારાણી ચાલી આવતી હોય એવો એનો ઠસ્સો હતો...

“પ્રણામ બાપા,” જયાએ એના દાદાને ઓળખીને એમને પગે સ્પર્શ કરતા કહ્યુ. ને એ એક જ અવાજે બધાનો જાણે મોહભંગ થયો હોય એમ જાગી ગયા!

“જીવતી રે દીકરી! ખુબ સુખી થા!” બાપાએ જયાને માથે હાથ મુકી આશીર્વાદ આપ્યા. જયા બધાને મળીને પછી એની મમ્મી સાથે અંદર જતી રહી.

“કેમ છો બાપા? તબિયત પાણી સારાને? ” જયાના પપ્પા પગે લાગયા.

“બધું સારુ છે ભઈ! તારી જયાતો ઘણી મોટી થઈ ગઈ. આંયાથી લઈને ગયેલો ત્યારે તો નાનકડી ઢબુડી હતી અને આજે તો જો કેવડી? આટલી ઊંચી થૈ ગઈ” બાપાએ હાથ ઉપર કરીને એની ઊંચાઇ બતાવી.

“એના માટે મુરતીયો આજથી જ શોધવા માંડ્ય, એના જેવો જ રુપાળો છોરો ખોળીશુ.”

“ને એના જેટલો જ ભણેલો પણ!” જયાના પપ્પાએ શાંત પણ મક્કમ અવાજે કહેલુ.

“હા, હા તે અવ તો આપણામોય તે ભણેલા છોકરા મળી રેહે.”

“ખાલી ભણેલો નહીં એના જેવો દાકતર પણ!”

“આવડી આ છોડી દાકતર છ.” દાદાએ કંઇક આશ્ચર્યથી પુછ્યું.

“ના. પણ બની જસે આવતા છ વરસોમાં.” રમજીભાઇએ સહેજ ધીરા અવાજે કહ્યું.

“હજી બીજા છ વરહો આ છોડીને ઘરમાં બેહાડી રાખે? દાક્તર બનાવવા?” દાદાનો સ્વર ઊંચો થતો ગયો. એમને એમ કે છોકરીને હવે પરણાવી દેવી જોઇએ.

“હા. એ બહુ તેજસ્વી છે, એ જરુર દાકતર બનસે.”

“ચુપ કર તેજસ્વીની પૂંછડી! બે દાડા શેરમો રઈ આયો એટલ તારી જાત ભુલી ગયો? અબી હાલ પઈણાવી દઉ એવડી થઈ છોડી! પોંચ વરહો પછી કયો એના માટે રાહ જોઇ કુંવારો બેઠો હસે? છોડીન હુ આખી જિંદગી ઘરમો બેહાડી રાખવાનીસ?” બાપાનો પિત્તો ગયો.

બાપા ને પપ્પા વચ્ચે આ મુદ્દે ચર્ચાઓ ચાલતી રહી. બેઉ માંથી કોઇ ટસનું મસ થતુ ન હતુ ! લગ્નની રસમો એક પછી એક થતી રહી.

આજે લગ્નની છેલ્લી, સૌથી મહત્વની છતાં, સૌથી વસમી વિધી, કન્યાવિદાય પતી ગઈ ! ઘર મહેમાનોથી ભરેલું હોવા છતા ખાલી ખાલી લાગી રહ્યુ હતુ. બધા લોકોની આંખોના ખુણા ભરેલા હતા, જેમની દીકરીઓની વિદાઇ થઈ ગઈ હતી એ, એ ભુતકાળની ઘડીમાં ખોવાયેલા હતા તો જેમનીને હજી વિદાઇ આપવાની હતી એ અત્યારેજ એ ભવિષ્યની ઘડીનું દુ:ખ અનુભવી રહ્યા હતા. જયા એના કાકાના છોકરાની સાથે બહાર વાડામાં રમી રહી હતી. આખા ઘરમાં નિરવ શાંતિ હતી.

“પપ્પા... પપ્પા.... બાપા.... કોઇ આવોરે.... દોડજોરે....” જયાની બુમોથી આખો વાડો ચમકી ગયો. બધા કંઈ સમજે વિચારે એ પહેલા વાડામાં બાંધેલી ગાયો ભાંભરવા લાગી. બધીએ એકસાથે બુમરાણ મચાવી.

“ડાલમથ્થો આવી પુગયો” બાપાએ એમની ડાંગ ઉઠાવી અને ત્વરાથી બહાર ભાગયા.

હાજર દરેક જણમાં જાણે કોઇ ચમત્કારીક શક્તિનો પરચો થયો હોય એમ બધા એક જાટકે ઉભા થઈ,જે આવ્યું એ હથીયાર હાથમાં લઈ બહાર દોડ્યા. ઘરની ને બહારની બધી સ્ત્રીઓ એમના સંતાનોને ઘરમાં સંતાડી, દરવાજે ચોકીદાર બની પહેરો ભરવા ઉભી રહી ગઈ.

“સાવજ આયો.., સાવજ...આયો...” આખું ગામ એક સાથે બોલી રહ્યુ હતુ. પણ એ સાવજ હતો ક્યાં?

બાપા સૌથી પહેલા જયા પાસે પહુંચી ગયેલા. એમની પાછળ જયાના પપ્પા ચાર ડગલા જ પાછળ હતા. ત્યાં પહોંચીને ડોસાની આંખોએ જે દ્રષ્ય જોયું એ આ એંસી વરસના જીવનમાં પહેલા ક્યારેય નહતુ જોયુ !

છો-સાત વરસના બાળકને એક મોટો સિંહ એના પંજાથી ઘાયલ કરવાની, એને ખેંચી જવાની ફિરાકમાં હતો. નાનું બાળક એ વિકરાળ સિંહથી બચવા જમીન પર કોકડું વાળીને પડ્યું હતુ. સિંહની લાખ કોશિષ છતાં એ બાળકને એક નહોરેય નહતો મારી શકતો! કેમકે, એ બાળકની રક્ષા એની જગદંબા જેવી બેનડી કરી રહી હતી!
કોકડું વળીને નીચે પડેલા બાળક અને સિંહની વચ્ચે દિવાલ બનીને જયા ઊભી હતી. એના બન્ને હાથમાં વાડામાં પડેલી ડાંગ હતી ને એ હોકારા પડકારા કરતી, એની પુરી તાકાતથી એ ડાંગને સિંહની સામે વિંઝી જમીન પર જોરથી પછાડતી હતી. ડંડાના જમીન પર પછડાવાથી એક અવાજ થતો ને ધુળ ઉડતી કારણ ગમેતે હોય પણ, સિંહ એનાથી ડરતો હતો. જયાના હાથમાંથી વિંજાઇને નીચે પછડાતી ડાંગને ઓળંગવાનું એ સાહસ નહતો કરતો. ગુસ્સામાં જયાનુ આખુ શરીર કાંપી રહ્યુ હતુ. ચાંદની રાત હોવાથી એનો ચહેરો અંધારામા ચમકતા બીજા ચાંદ જેવો દેખાતો હતો. એનો અંબોડો ખુલી ગયેલો. છુટા, લાંબાવાળ ચારે બાજુ ઉડી રહેલા. આજે એણે ચણીયાચોળી પહેરેલી એમાં એ ઇતિહાસના પન્નામાથી બેઠી થયેલી કોઇ વિરાંગના જેવી લાગતી હતી! એ સિંહ પણ જાણે આ બાળાના સૌંદર્યથી અભીભુત થઈ ગયો હોય એમ, સળગતા અંગારા જેવી આંખે એકીટસે જયાને જ હવે જોઇ રહેલો.

આ બધું થોડીક મિનિટોમાં જ બની ગયેલુ. ગામવાળા બધા ભેગા થતા, એમના અવાજથી ડરીને જંગલનો રાજા ભાગી ગયો.

“બેટા, તને કઈ થયું તો નથીને?” પપ્પાએ જયાને બન્ને ખભે હાથ મુકીને પુછતા હતા ત્યાં જ બાપાએ આવીને જયાનો હાથ પકડી એને પોતાની તરફ ફેરવી પુછ્યુ,“એવડા મોટા સિંહથી તને જરીકે ડર ના લાગયો?”

“ડરતો ઘણો લાગયો હતો પહેલા પછી, થયુ જો હું ડરીને ભાગી જઈશ તો એ મારા ભાઇને ચોક્કસ ખાઇ જસે, ભાઇને મુકીને હું ના ભાગી શકું એટલે મે આ લાકડી ઉઠાવી અને એના તરફ વિંંજી એ થોડો ડરી ગયો, મારામાં હિંમત આવી! મને થયું હું બુમો પાડું ને તમે બધા આવો ત્યાં સુંધી હું એને રોકી શકીસ. ને, બસ એજ મે કર્યુ.”
બાપા ચુપ થઈ ગયા. દીકરીના પરાક્રમને વર્ણવવા એમની પાસે શબ્દો ખૂટી પડ્યા!

વાતાવરણ શાંત થતા થતા રાતની સવાર થઈ ગઈ! સવારે જયા ઉઠી ત્યારે એના દાદાએ એને મળવા બોલાવેલી. બન્ને સાથે ચાલતા ચાલતા જંગલમાં પહુંચી ગયા.

“ઝવેરચંદ મેઘાણીને ઓળખે છે?”

“હા. એ કવિ હતા.”

“એમની કવિતા ચારણ કન્યા આવડે છે?”

“ના.”

“મને અડધી આવડે છે. શિખવાડું?”

“હમ.”

બાપા ગાવા લાગયા. એમની પાછળ જયા જીલવા લાગી. જંગલની કેડી પર દાદા પૌત્રી બન્ને બુલંદ અવાજે ગાતા ગાતા આખુ જંગલ ગુંજવી રહ્યા.

ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડિયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ—કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા જગદંબા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
ભયથી ભાગ્યો
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational