પુનિત પગલાં
પુનિત પગલાં


આમ તો હું રાજકોટ રહું પણ ધંધાર્થે મારે સૌરાષ્ટ્રના નાના શહેરોમાં જવું પડતું. દર મહિનાના પહેલા અઠવાડિયે હું સોમથી શનિ મારો પ્રવાસ નિર્ધારિત કરતો અને જુદા જુદા નાના શહેરોમાં જઈ કામકાજ નીપટાવતો.
આવા જ એક પ્રવાસમાં હું જેતપુર શહેરમાં સોમવારે પહોંચ્યો. આમ તો બધી જગ્યાએ મારી નિર્ધારિત હોટેલો હતી કારણ હું વારંવાર તે શહેરોની મુલાકાત લેતો. વળી તે બધી મને પોસાય એવી હતી અને સગવડ પણ ઠીક ઠીક મળતી. પહોંચીને સામાન મૂકી હું મારા કામે નીકળી ગયો. સાંજના પાછો આવી તરોતાજા થવા વિચાર્યું. બેગ ખોલી બદલવા માટે કપડા કાઢવા ગયો ત્યારે જણાયું કે ઉતાવળમાં આ વખતે ચંપલ લેવાના રહી ગયા છે. હવે ચંપલ વગર સાત દિવસ ન ચાલે એટલે તરત જ તેની ખરીદી કરવા હોટેલ બહાર નીકળ્યો. નસીબ સારા કે હોટેલની બાજુમાં જ એક જોડાની દુકાન હતી એટલે ત્યાં ગયો.
ખાસ ઘરાકી ન હતી એટલે બહુ રાહ ન જોવી પડી અને એક કર્મચારી મારી પાસે આવ્યો અને મારી જરૂરિયાત જાણી તે ચંપલ લેવા ગયો.
મારી તો આદત ડાફોળીયા મારવાની એટલે આપણા રામે તો દુકાનમાં ચોતરફ નજર ફેરવવા માંડી. નાની હોવા છતાં તે સુઘડ હતી અને બધું વ્યવસ્થિત ગોઠવેલ હતું. આ જોઈ મનમાં થોડી પ્રસન્નતા થઇ. નજર ફેરવતા ફેરવતા ગલ્લા આગળ ગઈ. ગલ્લાની પાછળની ભીંતે એક સુંદર ફ્રેમમાં કોઈના પગલાની છાપ મઢેલી જોઈ. સામાન્ય રીતે નાના શહેરોમાં દુકાનદારો ભગવાનનાં ચિત્રો મઢાવીને ટીંગાવે અને તેની રોજ પૂજા કરે જ્યારે આ દુકાનમાં કોઈ ભગવાનની તસ્વીરને ઠેકાણે ન મનાય એવું કોઈના પગલાનું ચિત્ર મઢીને મુક્યું હતું. વળી તેના ઉપર હાર પણ હતો અને તે પણ તાજાં ફૂલોનો એટલે લાગ્યું કે દુકાનદાર તેની રોજ પૂજા પણ કરતો હશે.
જોઈતા ચંપલ મળ્યા એટલે પૈસા ચૂકવવા ગલ્લે ગયો. પણ સ્વભાવ કાઈ કેડો મુકે? વળી સમયની ક્યા કમી હતી? મારે તો સમય પસાર કરવાનો હતો એટલે પૈસા ચૂકવતા ચૂકવતા દુકાનદાર સાથે વાત કરવાનું શરૂ કર્યું.
‘દુકાન તો સારી રીતે સજાવી અને સાચવી છે.’
‘હા, રોજ સાફસફાઈ તો સાધારણ રીતે બધા કરે પણ હું જરા વધુ ચીવટ રાખું છું. મારા માટે તે એક મંદિર સમાન છે એટલે હું તે મુજબ રાખવાનો પ્રયત્ન કરું છું.’
‘હા, તે તો જણાઈ આવ્યું.’
‘તમારી વાત પરથી લાગે છે તમે મારે ત્યાં પહેલી વાર આવ્યા છો.’
‘હા, હું તો અહીનો નથી. મારું રહેવાનું રાજકોટ. પણ દર મહિને ધંધાર્થે નાના નાના શહેરોમાં ફરવું પડે. આમ તો હું આપના શહેરમાં અગાઉ આવી ચુક્યો છું પણ અહી મુલાકાત કરવાની અત્યાર સુધી જરૂર ન હતી. આ તો આ વખતે ઘરેથી નીકળતી વખતે બેગમાં ચંપલ મુકવાનું રહી ગયુ અને તે કામ પતાવી હોટેલ પર આવ્યો ત્યારે જણાયું. હવે આગળની મુસાફરી તેના વગર શક્ય નથી એટલે પહેલું કામ ચંપલ લેવાનું જરૂરી લાગ્યું. હું બાજુની હોટેલમાં જ ઉતર્યો છું અને બહાર નીકળતા સારા નસીબે આપની દુકાન જોઈ એટલે અંદર આવ્યો.’
‘આશા છે તમને યોગ્ય ચંપલ મળ્યા હશે.
‘હા, જોઈએ તેવા અને યોગ્ય દામમાં.’
‘હું ગ્રાહકના સંતોષમાં માનું છું અને વધુ નફાની પણ આશા નથી રાખતો એટલે ભાવ પણ પોસાય તેવા હોય છે. તમારી સેવા કરવાનો લાભ મળ્યો એટલે મને ભગવાનની સેવા કર્યા જેટલો આનંદ.’
‘ભગવાનનો ઉલ્લેખ કર્યો તો આપને વાંધો ન હોય તો એક વાત પૂછું?’
‘જરૂર, યોગ્ય સવાલ હશે તો યોગ્ય જવાબ મળશે.’
‘મેં જોયું કે આપની દુકાનમાં એક પણ ભગવાનના ફોટા નથી પણ એક નવીનવાઈનું ચિત્ર છે, કોઈના પગલાનું. કદાચ તમારા નજીકના કોઈનું હશે. વાંધો ન હોય તો તે વિષે જણાવશો.’
‘અરે ભાઈ, આવું પૂછનાર કેટલા? મને તો આનંદ થયો તમારી જીજ્ઞાસા જોઇને. વાત વિગતવાર કરૂ તો સમય જાય. એટલે તમે જો દસ મિનિટ રાહ જુઓ તો દુકાન વધાવવાનો સમય થઇ ગયો છે એટલે ત્યાર બાદ નિરાંતે વાત કરીએ?’
જમવાના સમયને હજી વાર હતી અને હોટેલમાં જઈને પણ ફાંફા મારવાના હતાં તો શા માટે અહી જ રાહ જોઈ વાતનો તાગ ન મેળવું? એટલે મેં તો તરત જ હા કહી.
દસેક મિનિટ બાદ કર્મચારીઓને રજા આપી અને દુકાનમાલિક અને હું એક ખૂણે જઈ બેઠા.
‘વાત લગભગ પાંચ-છ વર્ષ પહેલાની છે. તે વખતે મારી આવી દુકાન ન હતી. એક નાનું ખોખું હતું અને તે વખતે ઘરાકી પણ ઓછી.
‘એક દિવસ એક યુવાન મારી પાસે આવ્યો અને કહ્યું કે મારી મા માટે ચંપલ જોઈએ છે. મેં કહ્યું કે મા નથી આવી? જવાબમાં કહે કે મા તો ગામડે છે. હું અહી એક નાની ઓફિસમાં કામ કરૂ છું અને મને આજે પહેલો પગાર મળ્યો છે તેમાંથી મારી મા માટે મારે ચંપલ લઈને જવું છે.
‘ મેં પૂછ્યું, ‘તેનું માપ ખબર છે?’
તેણે જવાબ આપ્યો, ‘હા, તેના પગનું માપ મારી પાસે છે. આપ તેના પરથી યોગ્ય માપના ચંપલ આપશો?’ આમ કહી તેણે ગજવામાંથી એક કાગળ કાઢી મને આપ્યો. સામાન્ય સ્ત્રીઓનું હોય છે તેવું જ તે માપ છે તેમ મને સમજાઈ ગયું અને તે મુજબ મેં એક જોડ ચંપલની આપી.
‘ત્યારે તો ચંપલ બહુ મોંઘા ન હતાં, મેં આપેલા ચંપલની કિંમત રૂ.૪૦૦/- હતી. તો મને કહે આનાથી સારા હોય તો આપોને.
‘મને નવાઈ તો લાગી પણ મેં બદલીને તેને રૂ. ૫૦૦/-ની કિંમતવાળા સારા ચંપલ આપ્યા. આમ વધુ કિંમતવાળા ચંપલ માંગ્યા એટલે મારાથી રહેવાયું નહીં એટલે મેં પૂછ્યું કે કેટલો પહેલો પગાર મળ્યો? તો કહે રૂ. ૧૦૦૦/-.
‘રૂ. ૧૦૦૦/- મળ્યા અને તેમાંથી રૂ. ૫૦૦/-ના તમે ચંપલ ખરીદો છો?
જવાબ મળ્યો કે સાહેબ મા માટે જેટલું કરૂ તેટલું ઓછું છે. હું ત્રણ-ચાર વર્ષનો હતો ત્યારે પિતાજીને ગુમાવ્યા. ગામડાગામમાં વાસણો માંજી, દળણા દળી મને મોટો કર્યો. પોતે ભૂખી રહી મને બે ટંક ખાવાનું આપતી. તેને એક જ આશા હતી કે હું ભણીગણીને સારી નોકરી કરૂ. સમજણો થયો ત્યારથી મેં મારી માના પગમાં કોઈ દિવસ ચંપલ નથી જોયા. ગામ આખામાં ઉઘડે પગે ફરે. કોઈ પૂછે તો કહે મને ચંપલની શું જરૂર છે? હું તો ટેવાઈ ગઈ. તેને બદલે મારા રમેશને હું સરખું ના ભણાવું? બોલો આવી મા માટે જરૂર હોય તો પૂરો પગાર આપી તેના માટે ચંપલ ન લઇ જાઉં?
‘સાહેબ, આટલું સાંભળી મારો અંતરાત્મા હલબલી ગયો. એક વધુ જોડી આપતાં કહ્યું કે આ મારા તરફથી તારી માને ભેટ. તે લીધેલી જોડી ઘસાઈ જાય તો આ બીજી કામ લાગશે. પહેલા તો તેણે લેવાની નાં પાડી પણ પછી બહુ આગ્રહ કર્યો ત્યારે લીધી અને મને પગે લાગ્યો. તેના આ સ્વાભિમાનને યાદ કરૂ છું અને આજે પણ દિલ ખુશ થાય છે.’
હવે મેં પૂછ્યું, ‘પણ આ માપ?’
‘હા, એ પણ જાણવા જેવું છે. તે યુવાન રમેશ તો ચંપલો લઈને દુકાન બહાર નીકળી ગયો અને મને શું સુઝ્યું કે હું બહાર નીકળ્યો અને તેને બૂમ મારી બોલાવ્યો.. તે પણ વિચારતો હશે કે અચાનક મને શું થયું? પણ તે તરત પાછો આવ્યો અને બોલ્યો કે શું વાત છે?
‘મેં તેને કહ્યું કે વાંધો ન હોય તો તારી માના પગના માપનું કાગળ મને આપશે? આ માંગણી તેને વિચિત્ર લાગી હશે પણ હવે તે કાગળ તેના કામનો નહોવાથી વગર આનાકાનીએ મને તે આપી દીધો. તે કાગળ મેં સાચવીને ગલ્લાના ખાનામાં મૂકી દીધો. પણ તમે નહીં માનો સાહેબ ત્યારબાદ થોડા જ સમયમાં મારાં ધંધામાં બરકત આવી અને હું બે પૈસા કમાયો. બસ, મને સમજાઈ ગયું કે આ બધો પ્રતાપ પેલા પગલાનો છે જે મારા માટે પુનિત પગલાં બની રહ્યાં.
‘થોડા સમય પછી મેં આ દુકાન ઊભી કરી અને પહેલું કામ કર્યું પેલા પગના માપના કાગળિયાને એક ફ્રેમમાં મઢાવવાનું અને તેની વિધિવત પૂજા કરી અહી સ્થાન આપ્યું. બસ, મારા માટે તો આ એક જ ભગવાન છે અને હું તેની દરરોજ મનથી પૂજા કરૂ છું.’
‘પણ ત્યારબાદ પેલા યુવાનના કોઈવાર દર્શન થયા?’
‘હા, એકવાર તે અહીથી પસાર થતો હતો અને મારૂં ધ્યાન જતાં તેને મેં બૂમ મારી બોલાવ્યો. તે પણ આ નવી દુકાન જોઈ ખુશ થઇ ગયો. મેં કહ્યું આ બધું તારી માના પુનિત પગલાને પ્રતાપે છે. પણ તે એમ કાંઈ માને? મને કહે એ બધું દરેકના પ્રાબ્રબ્ધ પર છે. અમે તો નિમિત્ત જ બન્યા કહેવાય. મને કે મારી માને તમે જશ આપો છો એ તમારી મોટાઈ છે પણ અમે તે માટે લાયક નથી.
‘તેને મેં એક જોડી બૂટ આપ્યા ભેટ તરીકે પણ તેની ખુમારી તેને તેનો સ્વીકાર કરતા રોકતી હતી. બહુ રકઝક બાદ મેં તેને તે બૂટ પડતર કિંમતમાં આપ્યા જે તેણે માંડમાંડ સ્વીકાર્યા.’
‘વાહ, આજના સમયમાં આવા સંસ્કારી યુવાન કેટલા? આ બધો તેની માના શિક્ષણનો પ્રતાપ.’
‘સાચું કહ્યું સાહેબ.’
‘ચાલો મારો જમવાનો સમય થઇ ગયો છે એટલે નીકળું. આપને મળીને અત્યંત આનંદ થયો.’
‘ફરી જેતપુર આવો તો મળજો.’
મેં ડોકું હકારમાં ધુણાવ્યુ અને જતાં જતાં પેલા પુનિત પગલાના ચિત્રને નમન થઈ ગયા.