STORYMIRROR

Panch Tantra

Classics

0  

Panch Tantra

Classics

પ્રપંચી કાગડો

પ્રપંચી કાગડો

2 mins
636


એક નગરની નજીક રળિયામણું ઉદ્યાન હતું. તેમાં દરેક જાતનાં પંખીઓ અને નિર્દોષ હરણ-સસલાં જેવાં પશુઓ રહેતાં હતાં.

તેમાં એક સફેદ દૂધ જેવી પાંખવાળો હંસ રહેતો હતો. સ્વભાવે પણ વિવેકી, નરમ અને પરગજુ. બધાં સાથે મીઠું મીઠું બોલતો. બધાંને મદદ કરતો. આથી આખા ઉદ્યાનમાં બધાં એને ખૂબ માન આપતાં. જાણે અજાણ્યે એ ઉદ્યાનનો રાજા જેવો બની ગયો હતો. છતાં એનામાં રતિભાર અભિમાન ન હતું.

એ જ ઉદ્યાનમાં એક કાગડો રહેતો હતો. રંગે કાળો એટલો જ મનનો કાળો. સ્વભાવે ઉધ્ધત, દ્વેષીલો અને લુચ્ચો. બધાંને કોઈ ને કોઈ વાતે હેરાન કરતો. બધાં પંખી ઘડીક જંપી ગયાં હોય તો કા... કા... કા... કા... કરીને સૂવા ન દેતો. આખું ઉદ્યાન પોતાના કર્કશ અવાજથી ગજાવી દેતો. એની દુષ્ટતાનો કોઈ પાર ન હતો. એને આ હંસ દીઠો ગમતો ન હતો.

ઘણી વાર હંસને પણ પજવતો પણ હંસ એની કોઈ વાત મનમાં લાવતો નહિ. જો કોઈ પક્ષી જોઈ જાય કે આ દુષ્ટ કાગડો હંસને હેરાન કરે છે, તો એ કાગડાને બરાબર મેથીપાક આપતાં. આથી કાગડાને હંસ પર ખૂબ જ વેર. એનાથી એનું સારાપણું જરાય ખમાતું ન હતું. પણ કરે શું ?

હવે એક વાર એવું બન્યું કે, એક વટેમાર્ગુ આ ઉદ્યાનમાં પ્રવેશ્યો. દૂર દૂરથી એ ચાલીને આવ્યો હતો. થાક્થી એના સાંધે-સાંધા દુઃખતા હતા. પગ તો લથડિયા ખાતા હતા. એને આ ઉદ્યાન અને તેની ઠંડક બહુ ગમી ગઈ. એ એક વૃક્ષ નીચે જ લાંબો થઈને સૂઈ ગયો. સૂતાવેંત જ એને નિદ્રા આવી ગઈ. એને નિદ્રાધીન થયાને ઘણો સમય વીતી ગયો. એટલે સૂર્યનો પ્રકાશ એના મોં પર પડવા માંડ્યો.

હંસે આ જોયું. એને થયું, બિચારો થાકેલો પાકેલો સૂતો છે. આ સૂર્યના તાપથી જાગી જશે. લાવ એના પર છાયા કરું. એણે તો પાંખો પ્રસારીને વટેમાર્ગુના મોં પર છાયા કરી.

હંસની આ ગતિવિધિ પેલો દુષ્ટ કાગડો નિહાળી રહ્યો હતો. એને થયું, આજે તો હંસ સાથે બરાબર વેર લઉં.

એ તો મંડી પડ્યો કા... કા... કરવા. વટેમાર્ગુ પાસે એણે એટલો બધો અવાજ કર્યો કે, તે જાગી ગયો. કાગડાએ જોયું કે, તે જાગી રહ્યો છે. એટલે એ તરત જ વૃક્ષ પર જઈને બેઠો જેની નીચે વટેમાર્ગુ સૂતો હતો. વટેમાર્ગુ સૂતેલો તેના માથા પરની ડાળી પર જ બરાબર કાગડો બેઠો. ચરક્યો અને ઊડી ગયો. કાગડાની ચરક સીધી વટેમાર્ગુના મોં પર પડી. એ એકદમ ગુસ્સે થઈ ગયો અને ઊંચે જોયું તો હંસ પાંખ પ્રસારીને બેઠો હતો. તેને થયું, આ હંસ જ મારા પર ચરક્યો લાગે છે. એણે તો પથ્થર લીધો અને તાકીને માર્યો હંસ પર. હંસના મર્મસ્થાન પર પથ્થર વાગતાં જ તે કળ ખાઈને નીચે પડ્યો અને તરફડીને મરણ પામ્યો.

વટેમાર્ગુ તો ચાલતો થયો. પંખીઓએ આ જોયું તો તેઓને બહુ જ દુઃખ થયું. તેઓને કાગડા પર બહુ ગુસ્સો આવ્યો. તેમણે બધાંએ ભેગાં મળી કાગડાને ઘેરી લીધો અને ચાંચો મારી મારીને પીંખી નાખ્યો... મારી નાખ્યો.

'હે કુમારો ! દુષ્ટોથી ચેતીને રહેવું. એ લોકો લાગ મળે આપણને નુકસાન કરે જ.'


Rate this content
Log in

Similar gujarati story from Classics